જે માણસ પાપમાં અને દુ:ખમાં ફાંફાં મારે છે, જે માણસ નરકમાંથી પસાર થતો માર્ગ પસંદ કરે છે, તે પણ પૂર્ણતાએ તો પહોંચે છે; પણ ત્યાં પહોંચતાં તેને સમય લાગે છે. આપણે તેને બચાવી શકીએ નહિ. એની ઉપર સખત ફટકા પડશે ત્યારે જ તે ઈશ્વરાભિમુખ થશે. સદ્ગુણ, પવિત્રતા, નિ:સ્વાર્થ અને આધ્યાત્મિકતાનો માર્ગ અંતે તેને જડે છે, અને જે કંઈ અભાન રીતે કરતો હતો તે, સભાનતાપૂર્વક કરવાનો પ્રયાસ કરશે. સંત પોલે આ વિશે કહ્યું છે: ‘જે ઈશ્વરને તમે અજાણપણે ભજો છો, તે જ ઈશ્વર વિશે હું તમને કહું છું.’ સમસ્ત જગતે શીખવા જેવો આ બોધપાઠ છે. જીવનમાં આ એક જ ધ્યેય પ્રાપ્ત કરવા સિવાય બધાં તત્ત્વજ્ઞાનો અને મતવાદોએ બીજું શું કરવાનું છે? તમામ પદાર્થોની એકતા વિશે આપણે સભાન બનીએ; માણસ પોતાની જાતને સર્વમાં જુએ. ઈશ્વર વિશે નાના મર્યાદિત વિચારોવાળા મતો કે સંપ્રદાયોના પૂજારી આપણે કદી હવે ન બનીએ; વિશ્વમાં દરેક પદાર્થોમાં આપણે તેનું દર્શન કરીએ. જો તમે ઈશ્વરને જાણતા હશો તો તમને તમારા હૃદયમાં થાય છે એવી જ ઉપાસના સર્વત્ર ચાલે છે તેમ જણાશે.

પ્રથમ તો આ સર્વ મર્યાદિત વિચારોને છોડી દો અને ઈશ્વરને સર્વ વ્યક્તિમાં જુઓ – તે સૌના હાથ દ્વારા કાર્ય કરે છે, દરેકનાં ચરણ વડે ચાલે છે અને દરેકના મુખ વડે ખાય છે; સર્વ પ્રાણીઓમાં તે વસે છે, સર્વ મન દ્વારા એ વિચારે છે, એ સ્વત:પ્રમાણ છે; આપણા પોતાના કરતાં પણ આપણી વિશેષ નજીક છે. આ જાણવું એ જ ધર્મ છે, એ જ શ્રદ્ધા છે. ઈશ્વર આપણને સર્વને આવી શ્રદ્ધા આપો. આ એકતા અનુભવીશું ત્યારે આપણે અમર બનીશું. આપણે શરીરની દૃષ્ટિએ પણ અમર છીએ, વિશ્વ સાથે એક છીએ. જ્યાં સુધી સમગ્ર વિશ્વમાં પ્રાણરૂપે એકતત્ત્વ રહે છે, ત્યાં સુધી તેમાં હું રહું છું. હું આ મર્યાદિત નાનું પ્રાણી નથી; હું વિરાટ રૂપ છું. હું ભૂતકાળમાં થઈ ગયેલા સૌના પ્રાણ રૂપ છું; બુદ્ધનો, જિસસનો, મહમદનો આત્મા હું છું. હું સર્વ ઉપદેશકોનો આત્મા છું; લૂંટ કરતા સઘળા લૂંટારુઓ અને ફાંસીને માંચડે ચડતા સૌ ખૂનીઓ, એ પણ હું જ છું; હું સર્વવ્યાપી છું. ત્યારે ઊભા થાઓ; શ્રેષ્ઠ ઉપાસના આ છે. તમે વિશ્વ સાથે એક છો. એ જ એક સાચો વિનય છે; ઘૂંટણભર નમવું અને પોતાની જાતને પાપી ગણવી એ સાચો વિનય નથી. આ જુદાઈનો પડદો ફાડીને ફેંકી દેવામાં આવે તેમાં જ ઉચ્ચ વિકાસ રહેલો છે. એકતા એ શ્રેષ્ઠ મત છે. હું આ કે તે છું, એ મર્યાદિત વિચાર છે; એ સાચો ‘અહમ્’ નથી. હું સર્વવ્યાપી છું એ સિદ્ધાંત ઉપર ઊભા રહો અને શ્રેષ્ઠની ઉપાસના શ્રેષ્ઠ સ્વરૂપમાં સદૈવ કરો; કારણ, ઈશ્વર આત્મા છે અને એની ઉપાસના આત્મામાં, સત્યમાં કરવી જોઈએ. નીચી કોટિની ઉપાસના દ્વારા મનુષ્યના ભૌતિક વિચારો આધ્યાત્મિક ઉપાસનાની કોટિએ ચડે છે, અને સર્વવ્યાપી અસીમ એવા એક તત્ત્વની ઉપાસના છેવટે આત્મા દ્વારા થાય છે. જે મર્યાદિત છે તે ભૌતિક છે; માત્ર આત્મા જ અનંત છે. ઈશ્વર એ આત્મા છે, એ અનંત છે; માનવી પણ આત્મા છે અને એથી એ અનંત છે; અને કેવળ અનંત જ અનંતની ઉપાસના કરી શકે. આપણે અનંતની ઉપાસના કરીશું. તે જ શ્રેષ્ઠ આધ્યાત્મિક ઉપાસના છે. આ વિચારોના સાક્ષાત્કારની ભવ્યતા સાધવી કેટલી દુષ્કર છે? હું તર્ક કરું છું, વાતો કરું છું, દાર્શનિક ચર્ચા કરું છું; અને બીજી જ ક્ષણે જો કોઈ મારી વિરુદ્ધમાં આવી પડે તો હું અજાણપણે ગુસ્સે થાઉં છું; આ નાના મર્યાદિત આત્મા સિવાય વિશ્વમાં બીજું કશું છે એ હું ભૂલી જાઉં છું; હું એ વિચારવાનું ભૂલી જાઉં છું કે ‘હું આત્મા છું! આ તુચ્છ વસ્તુનો મારે શો હિસાબ?’ હું ભૂલી જાઉં છું કે એ સર્વ રૂપમાં હું જ ખેલી રહ્યો છું; હું ઈશ્વરને ભૂલું છું, હું સ્વાતંત્ર્યને ભૂલું છું.

(‘સ્વા.વિ.ગ્રં.મા.’, ભાગ-૧, પૃ.૨૭૭-૭૮)

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.