ભારતનાં ઘરે ઘરે સાધારણ વેશમાં કેટલી અસાધારણ નારીઓ છે; કોણ તેમની ખબર લે છે! અને તેઓ પણ કદી પોતાનો પરિચય આપવા માટે થોડી ય કોશિશ કરતી નથી. તેવી જ એક આટપૌરની સ્ત્રી. જો કે આટપૌરના ઘરની સ્ત્રી વહુ ન હતી. પરંતુ તેના જીવનમાં એક અદ્ભુત ઘટના પુત્રવધૂ રૂપે બનેલી.

તે જમાનાનું એક સમૃદ્ધ જમીનદારનું ઘર. તેમને એક માત્ર સંતાન. ભારે સૌમ્ય અને શાંત છોકરો હતો પરંતુ વિવાહની બાબતમાં થોડો ચપચપાટ હતો. તે એવી એક કન્યા સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો જેની રુચિ અને અનુભવ સૂક્ષ્મ હોય. અંતે લગ્નનું માગું લાવનાર ઘટકે (છોકરીઓ પસંદ કરનાર માણસ) ત્રણ અતિ સુંદર કન્યાઓને પસંદ કરી. ત્રણે કન્યાઓને તેના વડીલો લઈ આવશે. તેઓ આખો દિવસ અને એક રાત આદરપૂર્વક જમીનદારના ઘરમાં વિતાવશે. વાતચીત પછી પાછા ફરશે – વંશની ખાનદાની અને પ્રતિષ્ઠાના જોરે વ્યવસ્થા નક્કી થઈ.

હવે એક દશ વર્ષની કલિની કથા કહું. તે એક ગરીબ ઘરમાં રૂપનો પ્રકાશ પાથરતી કન્યા છે. બાપનો હાથ પકડી દૂરના ગામડેથી ચાલતાં ચાલતાં આવે છે. પિતા સુડોળ શરીરવાળા સુપુરુષ બ્રાહ્મણ છે, તેમનું મુખમંડળ પ્રશાંત છે. નાનાં નાનાં પગલાં ભરતી કન્યા બાપની સાથે આગળ આગળ ચાલે છે. ચહેરા પર બાપ જેવું સાદૃશ્ય – મુખ અપૂર્વ, જાણે દેવી પ્રતિમા, માથામાં ઘાટાવાળનો ચોટલો વાળ્યો છે.

થાકેલી કલિએ પ્રશ્ન કર્યો. હવે કેટલું દૂર જવાનું છે, પિતાજી?

આ આવી ગયું. ચાલ બેટા, સામેના વૃક્ષ નીચે થોડો આરામ કરીએ – ઘટાદાર વૃક્ષની કેવી સ્નિગ્ધ છાયા છે!

વિશાળ વૃક્ષને જોઈને છોકરી અવાક્ આંખોથી જોઈ રહી અને બોલી: ‘જુઓ, પિતાજી, વૃક્ષના માથા પર તડકો છે. પરંતુ આપણે કેવી છાયામાં છીએ.’

– વૃક્ષ તો પરોપકારી – તને મેં ભાગવતની વાર્તા કહી હતી તે તને યાદ નથી?

હા, યાદ છે. કૃષ્ણે વનમાં ફરતાં ફરતાં થાકી જઈને એક વિશાળ વૃક્ષની નીચે બેસીને મિત્રોને કહ્યું હતું: જુઓ બંધુ, વૃક્ષ કેવું પરોપકારી! ફળ, ફૂલ, છાલ, ડાળ, પાંદડાં, મૂળ – બધું જ બીજા માટે ભેગું કરે. વારુ પિતાજી, મારી પાસે તો ફળફૂલ નથી – હું શું આપીશ?

આ સાંભળીને પિતાજી હસવા લાગ્યા અને કહ્યું: કલિ બેટા, થોડી બુદ્ધિ વાપર, તું શું વૃક્ષની જેમ સ્થાવર છો? તારી પાસે તો મન છે, પ્રાણ છે, અંતરમાં પરમાત્મા છે. આ બધું તો ભગવાનનું દાન છે – તારે વળી પૂછવાનું શું છે? તેમની વસ્તુ તેમને આપવી – એ તો પૂજા.

થોડો આરામ કરીને પિતા અને કન્યા ફરી ચાલવા લાગ્યાં. વાહ, એકદમ મહેલ જેવું મકાન છે! ઘરના દરવાજે પહોંચતાં જ દરવાન તેમને એક સુસજ્જ ઓરડામાં બેસાડી ગયો. બીજી બે છોકરીઓ પણ બેઠી છે. તેઓ ખૂબ તૈયાર થઈને આવી છે. કલિ તો ગરીબ ઘરની કન્યા, ઘરેણામાં એક નાકની નથણી; કુમળા મુખને શોભાવે છે. જે હોય તે, પિતા કલિને ત્યાં બેસાડી અન્યત્ર ચાલ્યા ગયા. ઘરના માલિકે પણ આ ત્રણ કન્યાઓને જોઈ. તેમણે આ કુમારિકાઓને વસ્ત્ર, ઘરેણાં આપીને સત્કાર કર્યો. રાત્રે ગીત-સંગીતની સભા ચાલી. ત્યાં તેઓ બેઠી. જમીનદારનો પુત્ર પણ ત્યાં આવ્યો. ગીત સંગીતની વચ્ચે વચ્ચે જમીનદાર પુત્ર વિવિધ પ્રકારના ત્રણેય કન્યાઓને પ્રશ્ન પૂછે. અંતે શેષ રાત્રીએ ત્રણેય એકી સાથે બોલી: ‘સવાર પડી ગઈ છે.’ જમીનદારના પુત્રે જોયું અને પૂછયું: ‘કઈ રીતે તમને એમ લાગ્યું?’

એક કન્યા બોલી: આ વખતે હું રોજ ઊઠું અને ઘાટ પર જઈને હાથમોં ધોઉં. ત્યારબાદ વસ્ત્રો બદલાવીને ફૂલ ચૂંટવા જાઉં.’ વળી બીજી કન્યા બોલી: કેમ, સંભળાતું નથી, કેવાં પક્ષીઓ બોલે છે! સવાર થાય ત્યારે જ પંખીઓ મધુર કલરવ કરે.

હવે જમીનદારના પુત્રે ત્રીજી કન્યા કલિ તરફ જોયું. છોકરી ખૂબ શાંત – આંખો જાણે ગંભીરભાવમાં રમે છે.

– કેમ, તું તો કંઈ બોલતી નથી?’

– કલિ નીચું મુખ રાખીને બોલી: સવાર થઈ છે તે હું કંઈ જોયા વગર કે સાંભળ્યા વગર સમજી શકું છું. મારા નાકની નથણીનું મોતી ઠંડું થઈ જાય – મન પણ શાંત થઈ જાય. ભગવાનને પોકારવાનો સંધિ સમય થયો છે તેમ સમજી શકું છું. પિતાજી કહે, તે વખતે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ.

આ સાંભળીને જમીનદારનો પુત્ર ચમકી ગયો. આટલી સૂક્ષ્મ અનુભૂતિ આ છોકરીની!

ધામધૂમથી વિવાહ થઈ ગયા. જમીનદારના ઘરમાં પરમ સમ્માન અને લાડકોડથી કેટલાક મહિના વીત્યા. પરંતુ કપાળમાં સુખભોગ ન હતો. એકાએક બે દિવસના તાવમાં જમીનદારનો પુત્ર મરી ગયો. અકાળે વૈધવ્ય અને માથા પર દુર્ભાગ્ય લઈને કલિ પિતાના ઘરે પાછી આવી. કલિ વિચારે છે: કઈ રીતે જીવતો જાગતો એક માણસ આ રીતે ખોવાઈ જાય? મનને શાંત કરવા ગીતા પાઠ કરે. પિતા પાસે જઈને કહે: ન હન્યતે હન્યમાને શરીરે – આનો યથાર્થ અર્થ સમજાવો, પિતાજી. પિતા દીકરીને સમજાવે. દીવાના પ્રકાશમાં દીકરીની નરમ દૃષ્ટિ સ્થિર થઈ જઈને પિતાજીના મુખમાંથી નીકળતી ગીતાની વ્યાખ્યાનું પાન કરે. ધીમે ધીમે ફરી પિતાજી પાસે મૂળ સંસ્કૃતમાં વાંચે; રામાયણ, મહાભારત, યોગવશિષ્ઠ, ચંડી – અને કેટકેટલાં પુસ્તકો.

આવો રૂપરૂપનો અંબાર, પરંતુ વૈધવ્યના વેશમાં. હજુ ય કુટુંબ સ્તબ્ધ છે. આવી ઘટના તો કેટલીય બને પરંતુ આટલી ઝડપથી એક નાટકનો અંતિમ અંક આવી જશે – એવું કોઈએ કદી વિચાર્યું ન હતું – કદાચ છોકરીએ પણ નહિ વિચાર્યું હોય. જાણે સ્વપ્નની જેમ સુખની છબિ ભૂંસાઈ ગઈ. હવે કોઈ આશા પણ નથી. જીવનમાં સુખની પ્રતીક્ષા પણ નથી. પિતાની આજ્ઞાથી જ પૂરું મન ધર્મ કર્મમાં રોકયું છે. પૂજા શીખી, સ્તોત્ર શીખી, શાસ્ત્ર પાઠ અને કામકાજ પણ કરે. કલિ સ્તબ્ધ થઈ ગઈ છે! થોડી વિશીર્ણ અને સૂનમૂન. થોડું દુ:ખ હળવું કરવા ભગવાનના પૂજાખંડમાં જાય.

ઘરમાં પ્રાણપ્રતિષ્ઠિત શ્રીકૃષ્ણનો વિગ્રહ છે. તેને શણગાર કરાવે. ફૂલની માળા પહેરાવે, સેવા – પૂજા કરે. કલિ મોટા ભાગનો સમય પૂજાઘરમાં જ વીતાવે. તે દિવસે એકાગ્રચિત્તે ભાગવત વાંચતી હતી. કેવી અપૂર્વ લીલા કથા – જાણે અમૃત. પિતાજીએ કહ્યું: મા, ગોવિંદ જ તારું સર્વસ્વ છે. તેના કારણે તારે કોઈ ભય કે ચિંતા જ નથી. અચાનક જ કલિના મનમાં એક પ્રકાશની ઝલક ચમકી. હા, એ વાત તો સાચી છે. મનમાં ગીતાનો શ્લોક ગણગણવા લાગી – 

जातस्य हि ध्रृवो मृत्यु:।

– જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એનું નામ તો સંસાર કહેવાય! સાર વસ્તુ તો માત્ર ગોવિંદ છે.

ત્યાર બાદ ધીમે ધીમે તેના જીવનમાં પરિવર્તન જોવા મળ્યું. દીકરી મન દઈને વાત ગ્રહણ કરે છે – ચૂપચાપ બેસીને જાણે શું ય વિચારે છે. તેના મનની ભાવનાનો તાગ કોઈને મળતો નથી. પેલી દિવ્ય મૂર્તિના ચિંતનમાં હવે તે મશગૂલ રહે છે. કલિ પોતાની મા સાથે રાત્રે સૂવે છે. રાત્રે એક વખત માતાએ જોયું કે દીકરી બાજુમાં સૂતી નથી. ઊઠીને જોયું તો પૂજાના ઓરડામાં દીકરી ચૂપચાપ બેઠી છે. તેના અંતરજગતમાં જાણે કેવો વિપ્લવ જાગ્યો છે. તેની ખબર કોઈએ લીધી નહિ. કયારેક માના નાકમાં દિવ્ય સુગંધ આવે. ત્યારે પડખું ફરીને જુએ તો દીકરી ત્યાં ન હોય. કલિની માતાની ઊંઘ હરામ થઈ ગઈ. રાતે દીકરી શું કરે છે? તેના પિતાને પણ કહેવામાં આવ્યું, પિતા સાધક છે; તેમણે કહ્યું: ગોવિંદની દૃષ્ટિ પડી છે. એમ લાગે છે કે હવે દીકરીને રાખી શકાશે નહિ.

આ સાંભળી માતા અવાક્ થઈ ગઈ. વિધવા સ્ત્રી શું કોઈની ન રહે? એક દિવસ રાત્રે એક આશ્ચર્યજનક ઘટના જોઈ. માતાએ અચાનક ઊઠીને જોયું – દીકરી અપૂર્વ સુંદર શણગાર કરીને પૂજાના ઓરડાના બંધ દરવાજા પાસે બેઠી છે. ચોટલા વાળેલા વાળમાં ફૂલની વેણી લટકે છે. ઘરેણાં પહેર્યાં છે. લાલ રેશમી સાડી પહેરી છે. આ જોઈને માતા કલિને ઠપકો આપતાં બોલી: શું કરે છે? લોકો જોશે તો શું કહેશે? દીકરી હસે છે. કંઈ કહેતી નથી. ઊઠતી પણ નથી. મા હજુય શંકિત છે. વચ્ચે વચ્ચે તેને મનમાં એમ લાગે છે કે કોઈનો સાદ સાંભળીને રાત્રે દીકરી ઊઠે છે. એક ગાઢ રાતે માતા દીકરી પાસે જઈને બેઠી. કલિ તો ત્યારે આંખો મીંચીને આવેશમાં બેઠી છે. અચાનક સજાગ થઈને આ બાજુ પેલી બાજુ જોવા લાગી અને બોલી: મા, બંસી સાંભળો છો? મને બોલાવે છે.’ જવા દે, કયાં બંસી? માતાના કાનમાં કશું સંભળાતું નથી. બીજે દિવસે ફરી કલિના પિતાને બધું જણાવ્યું. આ વખતે પિતાએ પોતાના પરમ વૈષ્ણવ સાધક કુલગુરુ બાબાજીને બોલાવ્યા અને બધી વાત કહી, કેવી અદ્ભુત સમસ્યા!

તેમણે કલિને બોલાવી. થોડા પ્રશ્ન કર્યા. ત્યારબાદ પિતાને પણ બોલાવ્યા: આ તો વ્રજની ગોપી હોય તેમ લાગે છે. તેના મનમાં પૂર્વસ્મૃતિ જાગી ઊઠી છે. મનપ્રાણ સર્વસ્વ શ્રીકૃષ્ણને સમર્પિત! કૃષ્ણપ્રેમ અંતરમાં જાગ્યો છે. આ બધાં પરમ સૌભાગ્યનાં લક્ષણ છે. કોઈ પણ સાંસારિક કામ કે અનુષ્ઠાનમાં તેને જોડશો નહિ. જેટલા દિવસ રહે, તેટલા દિવસ પોતાના મનના ભાવ પ્રમાણે રહેવા દો.

આ પછી જોવા મળ્યું કે દીકરી જાણે સાક્ષાત્ દેવી! મુખ પર અપૂર્વ પ્રસન્નતા – પ્રત્યેક પ્રાણી પ્રતિ પ્રેમ. તેને મન આખું જગત જાણે કૃષ્ણમય થઈ ગયું છે. હવે પૂજાના ઓરડામાં પહેલાંની જેમ જતી નથી. ભાગવત વાંચે અને પોતાના મનમાં ડૂબી રહે. કયારેક અસ્ફૂટ સ્વરે પોતાના મન સાથે વાતો કરે – મા બાપને લાગે કે જાણે દીકરી કયાંક ખોવાઈ ગઈ છે. હવે તેને પાછી મેળવી શકાશે નહિ. એક દિવસ સંધ્યા સમયે તુલસી કયારે સાંજનો દીવો પેટાવવા ગઈ છે, ત્યારબાદ મૃદુ ગળામાં એક કંપન: મા, મને પકડી, મા, મને પકડી’ માએ દોડી આવીને જોયું કે દીકરી તુલસી કયારા પાસે સૂતી છે. ગળામાં કૃષ્ણ વિગ્રહની માળા, મુખ પર દિવ્યહાસ્ય – દેહમાં પ્રાણ નથી!

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.