વ્યવસ્થાપન અને વ્યાપાર ધંધાના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના એક સમૂહને એક નિષ્ણાત સંબોધન કરતા હતા. વિદ્યાર્થીઓને ગળે વાત ઊતરે, એને પોતે શું સમજાવવા માગે છે એ પૂરેપૂરું સમજી જાય એ માટે એણે એક પ્રયોગાત્મક ઉદાહરણ સાથે રજૂઆત કરી. સામાન્ય રીતે પ્રયોગાત્મક રીતે કે સુયોગ્ય ઉદાહરણ સાથે કોઈ વાત રજૂ થાય તો એને વિદ્યાર્થીઓ સહજ-સરળ રીતે ગ્રહણ કરી શકે. અધ્યાપક શ્રી વિદ્યાર્થીઓની સન્મુખ ઊભા રહ્યા અને ઘણી ઉચ્ચ કક્ષાની ક્ષમતાઓ ધરાવતા ઉત્સાહી વિદ્યાર્થીઓને તેમણે કહ્યું: ‘ચાલો, આપણે થોડો સમય એક પ્રશ્નોત્તરીમાં ગાળીએ.’ પછી એમણે કાચની એક બરણી લીધી અને એને વિદ્યાર્થીઓની સામે રહે એમ ટેબલ પર મૂકી. પછી એમણે એકાદ ડઝન નાના પથરા લીધા અને કાળજીપૂર્વક એક એક કરીને બરણીમાં મૂકી દીધા. બરણી બરાબર ઢાંકણા સુધી ભરાઈ ગઈ અને હવે એમાં આવો એકેય પથરો સમાઈ શકે તેમ ન હતો. આમ કર્યા પછી એમણે વિદ્યાર્થીઓને પૂછ્યું: ‘આ બરણી પૂરેપૂરી ભરાઈ ગઈ છે?’ વર્ગમાં બેઠેલા દરેકેદરેક અભ્યાસુઓનો જવાબ ‘હા’માં આવ્યો.

વળી અધ્યાપકે પ્રશ્ન પૂછ્યો: ‘ખરેખર આ પૂરેપૂરી ભરાઈ ગઈ છે?’ આટલું કહીને એણે એક ડોલ કાંકરા ટેબલ પર મૂક્યા. પછી એ નાના કાંકરા મૂઠી ભરીને નાખ્યા. હળવે હાથે બરણીને જરાક હલાવી અને એ બધા કાંકરા પથરાની વચ્ચેની જગ્યામાં સરસ રીતે ગોઠવાઈ ગયા. આટલું કર્યા પછી અધ્યાપકે આ વિદ્યાર્થી સમૂહ સમક્ષ એક બીજો પ્રશ્ન મૂક્યો: ‘હવે આ બરણી તમને પૂરેપૂરી ભરેલી લાગે છે?’ આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં લગભગ બધા એકીટસે જોઈ રહ્યા. એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો: ‘કદાચ ન પણ ભરાઈ હોય.’ જવાબ સાંભળીને અધ્યાપકે કહ્યું: ‘તમારી વાત સાચી લાગે છે.’ આટલું કહીને એમણે વળી પાછી ટેબલ નીચેથી રેતીથી ભરેલી એક નાની ડોલ લીધી અને હળવેકથી બરણી હલાવીને એ ઝીણી રેતી એમાં નાખી. નાખેલી રેતી નાના કાંકરા અને પથરાની વચ્ચે રહેલ જગ્યામાં બરાબર ગોઠવાઈ ગઈ. વળી પાછો અધ્યાપકે પાછો એનો એ જ પ્રશ્ન પૂછ્યો. આખો વર્ગ ‘ના’ એમ બોલી ઊઠ્યો. અધ્યાપકે વળી પાછું કહ્યું કે તમારી વાત કદાચ સાચી હોઈ શકે. પછી પાણીનું એક પવાલું લાવ્યા અને બરણી બરાબર છલોછલ ભરાઈ જાય તેટલું પાણી રેડ્યું.

અધ્યાપકે જરા વર્ગમાં નજર કરી અને પૂછ્યું: ‘મેં આ જે ઉદાહરણ રજૂ કર્યું એનો મૂળ મુદ્દો શું છે?’ એક થોડા ઉત્સાહી યુવાને હાથ ઊંચો કરીને કહ્યું: ‘મૂળ મુદ્દાની વાત એ છે કે તમે ભલે પૂરેપૂરા કોઈ પણ કામમાં વ્યસ્ત હો પણ જો તમે થોડો વધુ પ્રયત્ન કરો કે પુરુષાર્થ કરો તો તમે થોડાં નાનાં નાનાં કાર્યોનો ઉમેરો કરવા શક્તિમાન બની શકો.’

આ સાંભળીને અધ્યાપકે કહ્યું: ‘ના, એ મુદ્દાની વાત નથી. જો બરણીમાં મેં સૌથી પહેલાં વ્યવસ્થિત રીતે પથરા ગોઠવ્યા ન હોત તો પછીથી એને એમાં રાખી ન શકત.’ હવે આ મોટા પથરા એટલે શું? તમારા જીવનમાં એનો અર્થ શું થાય? તમે જે પ્રકલ્પ પૂર્ણ કરવા ઇચ્છો છો તે? એ માટે તમે ફાળવેલો સમય? તમારી આત્મશ્રદ્ધા, તમારી કેળવણી, તમારી આર્થિક સ્થિતિ કે કોઈ બીજું કારણ?કોઈને શીખવવું એ? આટલું યાદ રાખવું જરૂરી છે કે સૌથી પહેલાં તમારે આ મોટા પથરા ગોઠવવા જોઈએ. એટલે કે મુખ્ય ધ્યેય કે આદર્શને બરોબર લક્ષ્યમાં રાખવા જોઈએ.

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.