આમ કેવળ બૌદ્ધિક આકલન કરતાં ‘કથામૃત’નો કેન્દ્રવર્તી વિચાર અનુભૂતિની શ્રેષ્ઠતા બતાવે છે. એકવાર આવી પરમ અનુભૂતિ સાધકને થઈ ગઈ પછી એ અનુભૂતિને પ્રાપ્ત કરવાનાં સાધનોની કશી જ જરૂર રહેતી નથી. આ અનુભૂતિની ઉચ્ચતમ કક્ષા અપરિમિત પરમતત્ત્વનું સાયુજ્ય છે. આ જ શ્રીશંકરાચાર્યનું કેવલાદ્વૈત છે, એ જ મોક્ષની પરમગતિ છે. આવી સર્વાંગ સંપૂર્ણ અનુભૂતિ થવાની વાતની જ પૂર્વ અવસ્થાને ‘લીલામય સ્થિતિ’ કહી શકાય. આ પરમાનુભૂતિ વાણી અને મનની પેલી પારની છે. એ અવર્ણનીય છે અને અકલ્પનીય છે. આ વાત સમજાવવા માટે કથામૃતમાં પાંચ-સાત ઉદાહરણો આપવામાં આવ્યાં છે. મીઠાની પૂતળી સાગરનું તળ માપવા ચાલી પણ પોતે જ એમાં ઓગળી ગઈ! ઘડો અધૂરો હોય ત્યારે જ એમાંથી ‘બડ બડ’ પાણીનો અવાજ આવે છે, પણ પૂરો ભરાયા પછી શાન્ત! માખીઓનો બણબણાટ પણ તે બધી મધમાં તલ્લીન હોય ત્યારે શાન્ત થઈ જાય છે – આવાં આવાં ઉદાહરણો યાદ રહી જાય તેવાં છે. એ બધાં સમાધિ અવસ્થા વખતની સ્થિતિનો કશોક અણસાર આપી જાય છે.

‘કથામૃત’માં અવતારની ઠાકુરની સંકલ્પના આ પ્રમાણે આપી છે: ‘અવતાર ઈશ્વરના માનવદૂત છે, એ સમ્ર્રાટનો વાઈસરોય (પ્રતિનિધિ) છે… જગતના કોઈ પણ ભાગમાં જ્યાં ધર્મની ગ્લાનિ હોય, ત્યાં ધર્મના રક્ષણ અને વિકાસ માટે ઈશ્વર એના અવતારને મોકલે છે… રામ-સીતા, રાધાકૃષ્ણ એ બધા તમારા જેવા હાડમાંસવાળા માનવ જીવો હતા પણ તેઓ દિવ્ય હતા. પણ ઐતિહાસિક હતા… જેમ સમુદ્રમાં તરંગો ઊઠે તેમ બ્રહ્મમાંથી અવતારો ઊઠે… અવતાર એક મોટા જહાજ સમાન હોય છે કે જે હજારો માણસોને ભવપાર કરાવી શકે છે… જ્યારે એ ઉદ્ધારક અવતરે છે ત્યારે એના અનુગ્રહથી બધા જ તરી જાય છે…’ વગેરે.

‘કથામૃત’માં શ્રીરામકૃષ્ણે કોઈ નવા દર્શનની પદ્ધતિસરની વિચારણાનું પ્રસ્થાપન કર્યું નથી છતાં દર્શનશાસ્ત્ર માટે અપેક્ષિત એવા બધા જ વિષયો – જીવ, જગત, ઈશ્વર, માયા એ બધાંનો પરસ્પર સંબંધ, સાધના પદ્ધતિ, અને એવી બધી જ વાતોનો સમાવેશ થયો છે. ‘દર્શન’ના પારિભાષિક અર્થમાં અહીં આપેલા વિષયો દાર્શનિકતાના ઘેરામાં ભલે ન આવે, દાર્શનિક રીતે એની ઉપપત્તિ ભલે ન થાય પણ આ તો અનુભૂતિની વાણી છે અને ઉપપત્તિ કરતાં અનુભૂતિ વધુ પ્રમાણભૂત છે.

અને આમ હોવાથી જ ભારતના સઘળા મહામનીષીઓ જેવા કે મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, ડો. રાધાકૃષ્ણન્, શ્રીઅરવિંદ વગેરે સૌએ હૈયાની ઉલટથી અને પરમ સમ્માનથી આ કથામૃતને માણ્યું – જાણ્યું – વખાણ્યું છે. આજે પણ કથામૃતની પ્રભાવકતા ભારતીય બૌદ્ધિકો ઉપર એવી ને એવી તાજી જણાય છે એટલું જ નહિ; આખા વિશ્વના સુવિખ્યાત વિદ્વાનો અને બૌદ્ધિકો જેવા કે રોમાં રોલાં, મેક્સ મૂલર, આર્નોલ્ડ ટોયમ્બી, ક્રિસ્ટોફટ ઈશરવુડ, આલ્ડોસ હક્સ્લી, વગેરે અસંખ્ય જનોએ આ રામકૃષ્ણના ઉપદેશોને ખૂબ ઉત્સાહથી હૃદયસ્થ કર્યા છે.

‘કથામૃત’નો આજે આવો વિશ્વવ્યાપી પ્રચાર થયો છે અને થઈ રહ્યો છે એનું કારણ શ્રીરામકૃષ્ણનું અદ્ભુત વ્યક્તિત્વ, એમની વ્યાપક દૃષ્ટિ, એમની હૃદયને સ્પર્શી જાય એવી વાણી, એમના હૃદયના ઊંડાણમાંથી આવતા સત્યપૂત ઉપદેશો જ ગણી શકાય. આ કથામૃત તો સર્વસમાવેશક છે, સર્વ સંગ્રાહક છે એમાં કોઈનો અસ્વીકાર નથી. એમાં કશું ખરબચડું નથી કથામૃતના વાચન દ્વારા ઉપર-ઉપરથી કથામૃતની સ્પષ્ટ ઉપસતી કેટલીક રેખાઓ જોઈ શકાય છે.પરંતુ એની સૂક્ષ્મ લિપિ તો સાધનાથી જ વાંચી શકાય તેમ છે. ‘કથામૃત’ તો સાગર જેવો આકર ગ્રંથ છે. આ અદ્ભુત ગ્રંથ આપણા દૃષ્ટાઓનાં પ્રાચીન સત્યોને નવજીવન આપે છે, જીવરૂપી ઝરણાંને એ દિવ્યતાના મહાસાગર તરફ દોરી જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાભાષ્ય જેવો આ ગ્રંથ છે. આ ગ્રંથના આયામો અનેક છે. એટલે જ સર્વ માટે ગ્રાહ્ય છે, જાણે કોઈ ‘કલ્પવૃક્ષ’ ધરતી ઉપર ઊતર્યું હોય અને સૌની મન:કામનાઓ પૂર્ણ કરી રહ્યું હોય! કારણ કે આમાંથી જેને જે જોઈએ, તે બધું મળી શકે તેમ છે. અન્ય શાસ્ત્રોને સમજવા માટેનું આ શાસ્ત્ર છે. આમાં પ્રતિપાદિત થયેલ સર્વધર્મસંવાદિતાનું આચરણ ફક્ત સામાજિક કે રાજકીય કલહો શમાવવા માટે જ સીમિત નથી પરંતુ આ તો અસીમ આધ્યાત્મિકતાનાં ગહન ઊંડાણોમાં પ્રવેશવાનાં પગથિયાં સમાન છે.

આ ગ્રંથને વાંચતાં પહેલાં ઉપર બતાવેલું એનું માહાત્મ્ય પૂરેપૂરું સમજી લેવું જોઈએ. આ કથામૃતનું વિષયવસ્તુ તો મુખ્યતયા ‘ભગવાન અને ભગવત્પ્રાપ્તિના ઉપાય’ છે. આપણાં સંસારનાં બંધનો કેવી રીતે કપાઈ જાય? કઈ રીતે આપણે આ ભવસાગરમાંથી છૂટકારો મેળવી શકીશું? અગણિત જન્મજન્માન્તરથી જે અંધકારમાં આપણે ભટકતા રહીએ છીએ, તે અંધકારમાંથી મુક્તિ ક્યારે મળશે? આપણા મનના સર્વે સંશયો ક્યારે મટી જશે? આપણે આ સંસારનાં કામો કરતાં કરતાં પણ કઈ રીતે ઈશ્વરાભિમુખ બની અને અનંત શાંતિ પ્રાપ્ત કરવા સમર્થ બનીશું? – આ બધા આપણા આજના પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નોના સ્પષ્ટ અને યોગ્ય સમાધાનકારી ઉત્તરો આપણને શ્રીઠાકુરના આ ઉપદેશ – ગ્રંથ ‘કથામૃત’માંથી મળી રહેશે. પછી ભલે ને આપણાં રસ, રુચિ, વલણ અને સુષુપ્ત શક્તિઓ જુદા જુદા પ્રકારનાં હોય, આપણી પસંદગી જ્ઞાનની હોય  કે ભક્તિની હોય કે પછી કર્મ કરવા તરફની હોય પણ આપણને આ ‘કથામૃત’માંથી માર્ગદર્શન મળવાનું, મળવાનું અને મળવાનું જ છે.

‘કથામૃત’ની આ સર્વજનપ્રેરકતાનો પરિચય આપવા માટે કથામૃતના સંગ્રાહક – લેખક શ્રી ‘મ’ એ (માસ્ટર મહાશયે) શ્રીમદ્ ભાગવતનો એક શ્લોક આપ્યો છે. ‘કથામૃત’ની ભૂમિકા માટે એ શ્લોક આપણને ઘણું ઘણું કહી જાય છે. શ્લોક આ પ્રમાણે છે:

‘તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્ ।
શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના: ॥’

(ભા.૧૦/૩૧/૯)

‘કેવું છે આ તમારું ‘કથામૃત’? ‘તપ્તજીવનં’ – સંસારના વિવિધ તાપોથી બળ્યા જળ્યા જે જીવો છે, દાઝીને મરણતોલ બની ગયા છે, અથવા સળગીને મરી રહ્યા છે તેવાઓને માટે શીતળ જળ સમાન છે. તમારી વાણીરૂપી અમૃત એવા મનુષ્યોની પીડાઓે શાંત કરી દે છે એટલે કે એમને ભવસાગરમાંથી – સંસાર બંધનોથી – મુક્ત કરી દે છે. હવે બીજું વિશેષણ જુઓ – ‘કવિભિરીડિતમ્’  જે કવિ અર્થાત્ જ્ઞાની છે એટલે જે શાસ્ત્રોના મર્મજ્ઞ છે તે બધા મનીષીઓ આ ‘કથામૃત’ને વખાણે છે. આ ‘કથામૃત’, માનવને મૃત્યુના મુખમાંથી બચાવી લે છે. કારણ કે એ એવો ઉપદેશ આપે છે કે ‘મનુષ્ય મરણશીલ છે જ નહિ.’ આવા ઉપદેશથી એ વિદ્વત્ત્જનોના વખાણને પાત્ર બન્યું છે. તદુપરાંત પણ આ ‘કથામૃત’ કેવું છે? ‘કલ્મષાપહમ્’ – ‘કલ્મષ એટલે આપણી કાળપ, આપણું કલંક એને આ ‘કથામૃત’ ધોઈ નાખે છે, આપણી કલુષિતતાને આ ‘કથામૃત’ દૂર કરી દે છે. સંસારમાં રહીને આપણે કેટલી બધી કાલિમા લપેટી લીધી છે! છાતી ઠોકીને કોઈ પણ માણસ એમ નહિ જ કહી શકે કે મને આ કાળપ ચોંટી  નથી!  પણ જો એમ જ છે તો પછી આ કલંકથી છૂટકારો મેળવવાનો કશો ઉપાય છે ખરો કે? કેટલાયને – ઘણા બધાને – મનમાં એવો વસવસો હશે કે ‘અરેરે! આ કષ્ટમાંથી છૂટવાનો કોઈ આરો ઓવારો નથી! એવાઓને આશ્વાસન આપવા માટે કહે છે કે અફસોસ ન કરો! આ ‘કથામૃત’   ‘કલ્મષાપહમ્’ – ‘પાપો દૂર કરનારું’ – છે જ! માત્ર એટલું જ નહિ, પુરાણોમાં કહ્યું છે કે અમૃતપાન કરવાથી અમરતા મળે છે પણ આ ‘કથામૃત’ તો એથી પણ અદકું છે. અહીં ‘પાન’ કરવાની યે જરૂર નથી, માત્ર ‘શ્રવણ’ જ પૂરતું છે! આ તો ‘શ્રવણમંગલમ્’  છે, માત્ર શ્રવણ કરવાથી જ કલ્યાણ કરનારું છે! કોઈ અહીં પ્રશ્ન કરે કે સારું, સાંભળવાથી જ ભલે કલ્યાણ થતું હશે, પણ કોઈની એ સાંભળવામાં રુચિ જ ન હોય તો? એનો જવાબ હવે આપે છે: ‘આ ‘કથામૃત’ ‘શ્રીમત્’ છે – અર્થાત્, આ સૌંદર્યવિશિષ્ટ વાણીમાં એવી સુષમા છે કે જે મનુષ્યમાં સહજ આકર્ષણ ઊભું કરે છે. વળી, આ ‘કથામૃત’ કંઈ ઓછી માત્રામાં નથી. આ તો ‘આતતમ્’ – ‘વિસ્તૃત છે. એ તો અખૂટ છે.’ તાત્પર્ય એ છે કે એ અપાર છે અને બધે સરળતાથી મળી શકે તેવું છે. જેમ આકાશ સર્વગત – સર્વવ્યાપી હોવાથી એને શોધવા માટે શ્રમ કરવો પડતો નથી, તેવી રીતે આ છે. અથવા તો જેવી રીતે વાયુ સર્વત્ર પરિવ્યાપ્ત છે એને ખોળીને બહાર લાવવો પડતો નથી. તેવી જ રીતે આ વાણીરૂપી અમૃત અસીમ અને સહજ લભ્ય છે. પ્રશ્ન એ છે કે તો પછી આપણે શા માટે આવા ‘કથામૃત’નું  પાન કરતા નથી? જવાબ મળે છે કે  ‘ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના:’ – અર્થાત્, જે મનુષ્યોએ ખૂબ દાનપુણ્ય કર્યાં હોય, એમની જ આ ‘કથામૃત’ સાંભળવામાં સહજ રુચિ થાય છે, તેઓ જ એની સ્તુતિ કરે છે, એનું કીર્તન કરે છે, એની ચર્ચા કરે છે. રુચિ તો કોઈને થાય અને કોઈને ન પણ થાય – એનું કારણ તો પૂર્વજન્મનાં સંચિત કર્મો છે. પૂર્વ જન્મમાં કરેલાં પુણ્યકર્મોનો જો સંચય થયો હોય, તો મનુષ્ય જન્મથી જ આવી શ્રવણરુચિ ધરાવતો હોય છે. એને માટે આ રુચિ સહજ થઈ હોય છે. એને આ રુચિ જન્મજાત હોય છે. પણ જો એવી પૂર્વજન્મની સુકૃતિઓ સ્વલ્પ પ્રમાણમાં હોય તો સંસારમાં જ્યારે કોઈ આઘાત થાય ત્યારે આવી રુચિ થવાનો સંભવ છે. આમ ભાત ભાતના સ્તરના લોકો છે. છતાં એ સર્વ માટે આ ‘કથામૃત’ એકસરખું કલ્યાણકારી છે. આ કથામૃતનું પરિશીલન કરવું એ કોઈ કઠિન વાત નથી. એમાં રુચિ-રસ હોય એટલે એ આપોઆપ સરળ બની જાય છે.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને મૂલવવા માટે આ શ્લોક કરતાં બીજું કોઈ સમુચિત વિધાન શ્રી ‘મ’ને મળ્યું નહિ એટલે જ એમણે ‘કથામૃત’ લખવાના પ્રારંભમાં જ આ શ્લોક મૂક્યો છે, આ શ્લોક મૂકીને એમણે પોતાના ગ્રંથનું નામ ‘કથામૃત’ શા માટે રાખ્યું છે. તેની અન્વર્થકતા બરાબર રીતે બતાવી દીધી છે. જેમણે શ્રીરામચંદ્રજીના રૂપે જગતમાં સર્વ લોકોને ઉપદેશ આપ્યો છે, તેમણે જ શ્રીકૃષ્ણના રૂપે ગીતાએ જેના અનેક ઉપદેશ આપ્યા છે અને એ જ રામાયણ – ગીતા – ભાગવતના ઉપદેશો તેઓ જ ફરી વખત શ્રીરામકૃષ્ણના રૂપમાં આ વખતે બધાને માટે સહજ બોધ્ય ‘કથામૃત’ દ્વારા આપી રહ્યા છે.

આ કથામૃત કોઈ નવલકથા નથી કે જેથી એક – બે બેઠકમાં વાંચી કઢાય! એને પચાવવા માટે રોજ થોડું થોડું વાંચી મનન કરવું જોઈએ અને એ રીતે પચીને લોહી થાય – એનો અમલ થાય; ત્યાં સુધી વાગોળ્યા કરવું જોઈએ. કોઈ સદ્ગ્રંથ માની ગ્રંથપૂજા કે ગ્રંથની સ્તુતિ કરવાથી લાભ મળતો નથી, એવા ગ્રંથ તો વાંચવા, સુણવા, મનન કરવાથી જ ફળે છે. વિચારો પરિપકવ થાય તો જ એ આચારમાં પરિવર્તિત થઈ શકે. આપણે રોજ આ કથામૃતને વાંચીએ, વાગોળીએ, એનું સાતત્ય જાળવીએ અને કલ્યાણ માર્ગે સંચરણ કરીએ એવી શક્તિ આપણને શ્રીઠાકુર, શ્રીશ્રીમા અને સ્વામીજી આપે અને આશીર્વાદો વરસાવે એવી પ્રાર્થના કરીએ.

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.