૧૯મી સદીની વાત છે. રાજસ્થાનના કોઈ એક શહેરમાં એક કરોડપતિ શેઠ રહેતા હતા. બધી રીતે ભર્યોભાદર્યો પરિવાર, સુંદર પતિપરાયણ સ્ત્રી અને બે આજ્ઞાકારી તંદુરસ્ત પુત્ર. બધી રીતે શેઠજી સુખી. પાંચે આંગળીએ ઘી. વેપાર અને વ્યાજવટાવથી સંપત્તિ વધતી રહે છે. આડંબર વિનાનું જીવન અને ખર્ચમાં ઘણી કરકસર. દર વર્ષને અંતે આવકજાવકનો હિસાબ-મેળવણું કરી લે અને એટલું જોઈ લેતાં કે ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારો કેટલો થયો!

એક દિવસ એ શહેરમાં એક પ્રસિદ્ધ જ્યોતિષી આવ્યા. શેઠજીએ એમના વિશે સાંભળ્યું હતું. માન-આદર આપીને એમને પોતાને ઘેર લાવ્યા. સેવાથી એને ખુશ કરી દીધા. પેલા વિદ્વાન જ્યોતિષીએ જન્મકુંડલી જોઈ, પછી બોલ્યા: ‘ગુરુ ઉચ્ચસ્થાને છે. બધા પ્રકારના સુખો સાથેનું જીવન જીવશો. ભાગ્યમાં યશ કીર્તિ પણ ઘણાં છે. તમે સાધુ-મહાત્માઓ અને દીનદુ:ખીઓને દરરોજ અન્નવસ્ત્ર આપતાં રહેજો. એ પુણ્યથી પાંચ પેઢી સુધી ધન-વૈભવ અને યશ અખંડ રહેશે.’

પેલા જ્યોતિષી તો આ બધું કહીને ચાલ્યા ગયા. શેઠજી બીજે દિવસે અન્ન વસ્ત્ર વિતરણ કરવા લાગ્યા. પણ મનમાં એક ચિંતા થવા લાગી: ‘મારી પાંચ પેઢી તો ઠીક પણ છઠ્ઠી પેઢી કેવી હશે? એની દશા કેવી હશે? એને માટે શું કરવું?’ 

શેઠાણી, મુનિમ અને સારા સલાહકારોએ ઘણું સમજાવ્યું: ‘હવે છઠ્ઠી પેઢીની ચિંતા છોડો. આટલી સંપત્તિ છે, જમાવેલો વેપાર-કારોબાર છે. પાંચ પેઢી સુધી તો ચાલશે પછી કોઈક સમર્થ હશે તો બધું સંભાળી લેશે.’ પણ શેઠજીનું મન માન્યું નહિ; એ ચિંતામાં ને ચિંતામાં દુબળા-પાતળા થતા ગયા અને માંદા પણ પડવા લાગ્યા.

એક દિવસ અન્નવસ્ત્ર વિતરણ માટે પોતાના કોઠારની પેઢીએ બેઠા હતા. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ ભગવાનનું ભજન કરતાં કરતાં એમની સામેથી પસાર થયો. શેઠજીએ પૂછ્યું: ‘મહારાજ, આ અન્નવસ્ત્ર તો ભેટ લેતા જાઓ!’ 

પેલા બ્રાહ્મણે નમ્રતાથી જવાબ આપ્યો: ‘શેઠજી, અત્યારે તો મને પૂરેપૂરું અનાજ મળી ગયું છે. સાંજનું પણ કોઈક દાતા દ્વારા સીધુ મળી રહેશે અને નહિ મળે તો હું તમને જાણીને કહી દઈશ.’

થોડીવાર પછી એ બ્રાહ્મણ પાછો આવ્યો. શેઠજીને કહ્યું: ‘ઘરે સીધુ આવી ગયું છે, એટલે આજનું તો બધું થઈ રહેશે.’

શેઠજી આ સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયા. બ્રાહ્મણને કહ્યું: ‘મહારાજ, તમારા જેવા સાત્ત્વિક બ્રાહ્મણની સેવા મારે કરવી છે. ઓછામાં ઓછું એક મણ અનાજ મારા માણસો દ્વારા તમારે ઘરે પહોંચાડી દઉં છું. ઘણા દિવસ સુધી તમારે ચિંતા નહિ રહે.’

બ્રાહ્મણે સરળભાવે કહ્યું: ‘હે દયાળુ શેઠ, શાસ્ત્રમાં લખ્યું છે કે પરિગ્રહ પાપનું મૂળ છે; અને એમાંય અમારા બ્રાહ્મણો માટે ખાસ. તમે કોઈક જરૂરતવાળાને આ અનાજ આપી દો એ સારું. દયાળુ પ્રભુએ અમારી આજની વ્યવસ્થા કરી દીધી છે. અને કાલ માટે એની મેળે કોઈકને મોકલી દેશે. એવું છે ને શેઠ! જેણે ચાંચ આપી છે ને એ ચણ ય આપે છે!’

શેઠજી આ ગરીબ બ્રાહ્મણની વાત સાંભળતા હતા. મનમાં આશ્ચર્ય સાથે વિચાર આવ્યો: ‘અરે! આને તો આવતીકાલનીયે ચિંતા નથી. જે સહજભાવે મળે છે એનેય લેતા નથી અને અહીં હું બેઠો બેઠો છઠ્ઠી પેઢીની ચિંતામાં નકામો મરું છું!’

બીજે જ દિવસે એ પોતે ખુશ દેખાયા. હવે દાનધર્મની માત્રા વધી ગઈ અને શેઠના ચહેરા પર શાંતિનું તેજ ફરી વળ્યું.

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.