શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

વાર્ષિક મહોત્સવ અને શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૭ થી ૨૨ સુધી વિવિધ કાર્યક્રમો તથા તા. ૨૩ થી ૨૭ મે સુધી મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન વિદ્યાલય, આસાનસોલના આચાર્ય સ્વામી સુખાનંદજીએ ‘શ્રીરામ ચરિત માનસ’ના વિવિધ વિષયો પર દરરોજ સાંજે ૭.૩૦ વાગ્યે પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં.

૨૮ મેના રોજ સવારે ૯ વાગ્યે પારેવડાની મદારી માટેની શ્રીરામકૃષ્ણ નગર કોલોનીમાં નવનિર્મિત શાળાના મકાનનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, કાશીપુરના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ સાથે નવનિર્મિત તાલીમ શાળાના ખંડનો સમર્પણ વિધિ પણ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલીનભાઈ ઉપાધ્યાય અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત જાતિઓના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહિર અતિથિ વિશેષ સ્થાને રહ્યા હતા. રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી અને સ્વામી સુખાનંદજીએ પણ લોકોને સંબોધન કર્યું હતું. કાર્યક્રમનો મંગલ પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. મંચસ્થ મહેમાનોનું મદારી સમાજે ફેંટો અને તલવાર આપીને અભિવાદન કર્યું હતું. મહેમાનો અને ઉપસ્થિત ભાવિકોનું સ્વાગત સ્વામી ધ્રુવેશાનંદજીએ કર્યું હતું. આભાર દર્શન શ્રી કનારા સાહેબે કર્યું હતું.

૨૮મીએ શનિવારે સાંજે ૭.૩૦ કલાકે મંદિર નીચેના હોલમાં ભાવિક ભક્તજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ જાહેરસભામાં શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની બે ભાગની પાકા પૂઠાની આવૃત્તિનું વિમોચન કર્યું હતું. કાચા પૂઠાની સસ્તાદરની આવૃત્તિનો વિમોચનવિધિ સ્વામી આદિભવાનંદજીએ કર્યો હતો.

આ પ્રસંગે શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજ, સ્વામી આદિભવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી સુખાનંદજીએ કથામૃતનાં અમરવચનોનું મહત્ત્વ સમજાવ્યું હતું. પ્રારંભમાં સ્વામી સર્વસ્થાનંદજીએ શ્રીરામકૃષ્ણ કથામૃતની સંવર્ધિત નવી આવૃત્તિના નવીન પ્રકાશન વિશે વિગતવાર માહિતી આપી હતી. સ્વામી મંત્રેશાનંદજીએ અનુવાદ અને પ્રકાશન કાર્યમાં સહાયરૂપ થનાર સૌનો ઉલ્લેખ કરીને આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે આ બંને ગ્રંથના સંપાદન કાર્યમાં સહાયરૂપ થનાર શ્રી મનસુખભાઈ મહેતા, શ્રી કેશવલાલ શાસ્ત્રી, શ્રી કુસુમબહેન પરમાર, શ્રી અંજુબહેન ત્રિવેદી,  શ્રી સુરમ્યભાઈ મહેતા, શ્રી શાંતિભાઈ માનસેતા, શ્રી યજ્ઞેશ પંડ્યા, શ્રી વિજય ત્રિવેદીનું સન્માન થયું હતું. શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી પ્રણવ કુમાર ગુહા, શ્રી પ્રદીપચંદ્ર પાલ, શ્રી મુકેશભાઈ રાઠોડે આ પ્રકાશન કાર્યમાં ઉમદા સહયોગ આપ્યો હતો.

પ્રકાશનમાં ઉદારદિલથી આર્થિક સહાય આપનાર શ્રી વૃંદાબહેન ઠાકર અને શ્રી કંચનબહેન બળવંતરાય જોષીનું સન્માન થયું હતું.

૨૯મીએ સાંજે ૭.૩૦ વાગ્યે વિવેક હોલમાં બહોળી સંખ્યામાં સંગીતરસિકોની ઉપસ્થિતિમાં દિલ્હીના ડો. સુભદ્રાબહેન દેસાઈનો ભજનસંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

૩૦ મે, સોમવારે સવારે ૯ વાગ્યે શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે મેડિકલ સેન્ટર વિસ્તૃતિકરણ ભવનનો શિલાન્યાસવિધિ ભક્તોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ રીતે તા. ૭ થી ૩૦ મે સુધી યોજાયેલા કાર્યક્રમનું સમાપન ૩૦મીના રોજ થયું હતું. 

રામકૃષ્ણ મિશન, લીંબડી

૨૭ મેના રોજ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે મિશનના પ્રાંગણમાં નવનિર્માણ થનાર શ્રીરામકૃષ્ણ મંદિરના ખાતમુહૂર્તનો મંગલવિધિ સંપન્ન થયો હતો. આ પ્રસંગે સ્વામી ધ્રુવેશાનંદજી અને અન્ય સંન્યાસી વૃંદ તેમજ ગુજરાત રાજ્યના વનપર્યાવરણ વિભાગના મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને રાજ્યભરના અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડીના મીઠી વીરડી સમા ‘શ્રીરામકૃષ્ણ જલધારા યોજના’ હેઠળ થોડા વખત પહેલાં ૫૯મા તળાવને ગાળવાનો અને એ દ્વારા શુદ્ધ પેય જલ પૂરું પાડવાનો સર્વસેવાનો યજ્ઞ આરંભાયો હતો.

આ જ રીતે શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે લીંબડી તાલુકાના શિયાણી ગામમાં ૬૦મા તળાવનું ભૂમિપૂજન થયું હતું.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં પ્રથમ તબક્કાનો કાર્યક્રમ ૨૮ માર્ચ થી ૨૭ એપ્રિલ સુધી ઉજવાયો હતો. 

આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ અને બીજા સંન્યાસીઓ તેમજ સુખ્યાત વક્તાઓએ ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં જીવન-સંદેશ પર પોતપોતાનાં વ્યાખ્યાનો આપ્યાં હતાં.

‘શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ’ એ વિષયને ધ્યાનમાં રાખીને શ્રીમત્ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજનાં રામચરિત માનસ આધારિત વ્યાખ્યાનો યોજાયાં હતાં. ગુજરાતના સુખ્યાત માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાનો આખ્યાન ભજન-સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. રામકૃષ્ણ લીલાગાન અને શ્રીરામકૃષ્ણ પુરાણકથાનો કાર્યક્રમ ભાવિકજનોએ માણ્યો હતો. આ ઉપરાંત રામકૃષ્ણદેવના જીવનસંદેશ વિશેનાં ચલચિત્રો ભાવિકોએ માણ્યાં હતાં.

—————————————————————

શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટના સુહૃદ અને ભક્ત શ્રી હેમેન્દ્રભાઈ એન. વ્યાસનું દુખદ અવસાન થયેલ છે. તેમણે શ્રીરામકૃષ્ણ જ્યોતના પ્રચાર-પ્રસાર માટે ઘણું યોગદાન આપ્યું હતું.

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.