અતિથિ એટલે નવા અને થોડા સમય માટે મળવા આવનાર મહેમાન. અ-તિથિ એટલે જેમના આવવાનો સમય કે તિથિ ચોક્કસ નથી તે. ચોક્કસ સમયે આવવું કે ન આવવું એને મર્યાદિત અર્થમાં સમજી શકીએ. વિશ્વના આટલા મોટા વિસ્તારમાં કઈ વેળાએ શું કરવું તે ઈશ્વરના જગતમાં અલગ રીતે નિશ્ચિત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે: ‘ધર્મની ગ્લાનિ જેવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે હું જન્મ લઉં છું.’ આવા દૃષ્ટિકોણથી જોઈએ તો શ્રીરામકૃષ્ણ પરમહંસ અને એમનાં સહધર્મિણીની ભૂમિકામાંથી આપણને શ્રીમા સારદાદેવીના જીવનમાંથી એક નવા યુગના આદર્શને જોવા-જાણવાનો પ્રયાસ કરવાનો રહે છે. ભગવદ્ ગીતાના વિભૂતિ રૂપનું વર્ણન આપતાં અધ્યાયમાં સ્પષ્ટપણે કહ્યું છે કે સત્-શુભ ગુણોનો જ્યાં પ્રાદુર્ભાવ આપણને જોવા મળે છે ત્યાં ભગવાનનું અધિષ્ઠાન છે એમ સમજવું. શ્રીમા સારદાદેવીના સમગ્ર જીવનમાં આપણને સ્થળે સ્થળે એમનાંમાં રહેલ કલ્યાણ સ્વરૂપનો અનુભવ થાય છે. માણસનો દેહ ધારણ કરીને ઈશ્વરત્વ પ્રગટ થાય તો પણ એને આયુષ્યની સીમા તો રહેવાની જ. એટલે જ શ્રીમા સારદાદેવીને એક અતિથિ રૂપે નિહાળી શકીએ. થોડા સમય માટે માનવ જગતમાં રહીને, માણસની નીતિ-રીતિ સંભાળીને અને એને અનુસરીને, મન અને બુદ્ધિના પટલ પર ઈશ્વરનું ચિંતન-મનન અખંડ રાખી શકાય, તે કેવી રીતે સાધ્ય કે સંભવ બની શકે, જગતના સૌ કોઈને આ દર્શાવવા માટે શ્રીમા સારદાદેવીનું જીવન હતું. શ્રી સારદાદેવી એટલે

આદ્યશક્તિ દિવ્યમૂર્તિહૃદ્યશાન્તિદાયિનીમ્।
વેદમૂર્તિસત્યમૂર્તિકલ્પવલ્લિરૂપિણીમ્॥*

(* સ્વામી જીવાનંદ, ‘શ્રીસારદાદેવી સ્તોત્રામૃતમ્’ સ્તવનાંજલિ, રામકૃષ્ણ મઠ, નાગપુર; દ્વિતીય સંસ્કરણ, ૧૯૮૪, પૃ.૧૩૮.)

(શ્રીસારદાદેવી એટલે આદ્યશક્તિ, દિવ્યમૂર્તિ (છે); (તેમનું રૂપ) હૃદ્ય અને શાંતિ (આપનારું છે); (તેઓ જાણે કે) વેદની પ્રતિમા, સત્યની મૂર્તિ (અને) કલ્પવલ્લિનાં રૂપ છે.)

આ પ્રમાણે આપણે માનીએ તો શ્રીરામકૃષ્ણના આવિર્ભાવ સાથે શ્રીમા સારદાદેવીનું અવતરણ પણ સૂચિત જ હતું. એનું કારણ એ છે કે આધુનિક યુગ માટે શક્તિપૂજાના આદર્શની પ્રતિષ્ઠા એ અવશ્યંભાવિ બની ગઈ હતી.

ઈશ્વર જ્યારે પોતાના શક્તિ સ્વરૂપ સાથે પૃથ્વી પર અવતરણ કરવાનું નક્કી કરે છે ત્યારે સમાજ અને આધ્યાત્મિકતાના પુનર્નિર્માણના નવા ચક્રને ચાલતું કરવાના હેતુ એમની સામે હોય છે. માનવના રૂપે ઈશ્વર જ આવે છે, શક્તિનું જાગરણ કરે છે અને પછી સર્વસામાન્ય માનવના કલ્યાણ માટે પોતાનાં શક્તિના રૂપને પાછળ મૂકી જાય છે. આ શક્તિ રુદ્ર રૂપે અવતરતી નથી, પણ ઘણી વખત લોકોનાં દુ:ખવેદનાને જોઈને આ શક્તિમાં માતૃત્વરૂપ ઊભરી આવતું જોવા મળે છે.

શ્રીરામકૃષ્ણનું આ ધરતી પર અવતરણ એ કેવળ ‘જગત હિતાય’ હતું. પરિવર્તિત કાળમાં ધર્મના અનુસરણનું મહત્ત્વ સમાજને કરાવવા સૌથી વધારે મહત્ત્વનું બની ગયું હતું.  આ કાર્ય રુંધાઈ ગયું હતું. અંગ્રેજોની ગુલામીમાં સપડાયેલ આપણો દેશ માનસિક અને બૌદ્ધિકસ્તરે ધર્મ પ્રત્યે જાણે કે બહેરો બની ગયો હતો. પ્રાચીન ભારતની વાતો ફેંકી દીધા જેવી છે અને પશ્ચિમમાંથી જે કંઈ આવે છે એ જ મહત્ત્વનું છે, આ દૃષ્ટિકોણ ભણેલા-ગણેલા ભારતીય સમાજમાં રૂઢ બની ગયો હતો. પુરાણકથામાં આપણે દેવાસુર સંગ્રામની વાત સાંભળીએ છીએ; એના કરતાં તત્કાલીન સમાજમાં થઈ રહેલી મતામતની દોરડાખેંચ વધુ સંહારક બની ગઈ હતી. કારણ કે માનસિક ગુલામીનો પ્રભાવ માનવની સમગ્ર જીવન પ્રણાલી પર પડે છે. એનો પ્રભાવ માનવ્યતાના ભાવ પર પણ જોવા મળતો હતો. આજે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર છે. યાંત્રિક પ્રગતિ પણ ઘણી કરી છે, આમ છતાં પણ આજે ભારતને નૈતિક વિકાસ અને આત્મિક ઐશ્વર્યની તાતી જરૂર છે. આધુનિક જીવન પ્રણાલીને લીધે જે દોષ અનિવાર્ય રીતે માણસના જીવનમાં આવી જાય છે, તેની તીવ્ર અસરને જો ઘટાડવી હોય તો શ્રદ્ધા, પવિત્રતા અને ભક્તિનું મહત્ત્વ માણસોએ જાણવું જોઈએ. અસીમ નમ્રતા, નિરિચ્છા, શુદ્ધતા, શાણપણ, વ્યવહારમાં અને માનસિક રીતે સ્નેહ પ્રેમ આપવાની ક્ષમતા તથા આધ્યાત્મિક અનુભવની આધારશિલા પર સ્થાપિત થયેલ ઉપર્યુક્ત ગુણો જે વ્યક્તિમાં જોવા મળે એને જ આપણે અવતાર કહી શકીએ. આવા અવતારી વ્યક્તિનું કાર્ય સામાન્ય લોકોના જીવનમાં આવતી દૈનંદિન સમસ્યાઓને દૂર કરવાનું જ નથી, પણ જીવનનું એક નવું ધ્યેય અને ઉત્ફૂલ્લ-આકાંક્ષા નિર્માણ કરવાનું એમનું કાર્ય છે.

નવભારતમાં આ કાર્ય સ્ત્રીશક્તિના માધ્યમથી વધારે પ્રભાવ સાથે પાર પડશે, એનાથી શ્રીરામકૃષ્ણ પરમહંસ જાણકાર હતા. શ્રીરામકૃષ્ણ પછી સ્વામી વિવેકાનંદે આવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું: ‘જેમ પક્ષી એક પાંખથી ઊડી ન શકે તેમ સ્ત્રી શક્તિના ઉત્થાન સિવાય ભારત સમૃદ્ધ બની ન શકે.’ એટલે જ શ્રીઠાકુરે ઈશ્વરની સાધના કાલીના રૂપમાં કરી હતી. ભૈરવી બ્રાહ્મણીને ગુરુરૂપે સ્વીકાર્યાં. પોતાનાં સહધર્મિણીને કેળવીને ઈશ્વરનાં માતૃસ્વરૂપને એમનામાં જાગ્રત કર્યું. અને ષોડશીના દેવી ભાવથી એમની પૂજા પણ કરી. શ્રીરામકૃષ્ણનું આ અનન્ય કાર્ય કેવળ આધ્યાત્મિક જ ન હતું પરંતુ એમાં સામાજિક, શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રો પર પણ પ્રભાવ પાડવાનું એમનું લક્ષ્ય હતું. દીર્ઘકાળના બ્રિટિશ સામ્રાજ્યનો પ્રભાવ ભારત પર પડવો એ સ્વાભાવિક હતું અને એના લીધે ભારતીય જીવનમૂલ્યોનું અવમૂલ્યન થાય એના કરતાં ભારતીય અને પાશ્ચાત્ય એ બંને સંસ્કૃતિમાંથી જે કંઈ ઉત્તમ હોય, વ્યવહારુ હોય, જીવનને સમૃદ્ધ કરનાર હોય એનો સમન્વય કરવાની તાતી જરૂર હતી. 

આવી વિશેષતા શ્રીમા સારદાદેવીના સંપૂર્ણ જીવનમાંથી કેટલું સુંદર અને સહજ રીતે ઊભરી આવી છે, એનો વિચાર આપણે હવે કરવાનો રહ્યો. અંગ્રેજોના સકંજામાં જ્યારથી આપણો દેશ આવ્યો તે સમયના ઇતિહાસમાંથી અમુક વાતો આપણી સમક્ષ પ્રગટ થાય છે. શિક્ષણથી માંડીને દરેક ક્ષેત્રમાં એ સમયે પાશ્ચાત્ય વિચારસરણીનો જબરો પ્રભાવ આપણને જોવા મળે છે. એને લીધે ભારતીય પરંપરાની કલ્પનાના વિચારો જાણે કે પછાતપણાની નિશાની ગણાતા અને જે કંઈ ભારતીય છે તે જરીપુરાણું છે, એવું માનવામાં આવતું. સ્ત્રી દાક્ષિણ્યમાંથી સ્ત્રીમાં રહેલ સૌંદર્ય, મોહકતાની સ્તુતિ કરવી કે એક વ્યક્તિ તરીકે કે માતૃરૂપે એમનું ગૌરવ કરવું? આ બંનેમાંથી ગળે ઊતરે તેવો વૈચારિક મધ્યમ માર્ગ શોધી કાઢવાની આવશ્યકતા હતી અને આ પ્રશ્નનો પ્રત્યક્ષ ઉત્તર આપવા માટે જાણે કે શ્રીમા સારદાદેવીનો આવિર્ભાવ થયો હતો.

બાકુંડા જિલ્લાના જયરામવાટી નામના એક નાના ગામમાં ૨૨ ડિસેમ્બર, ૧૮૫૩ના રોજ શ્રીમા સારદાદેવીનો જન્મ થયો. એમના પિતાશ્રીનું નામ શ્રીરામચંદ્ર મુખોપાધ્યાય અને માતાનું નામ શ્યામાસુંદરી દેવી હતું. પતિપત્ની બંને વચ્ચે સદ્‌ગુણ, દૃઢતા, ધર્મ નિષ્ઠા જેવી બાબતોમાં પરસ્પર સર્વોપરિ અનુરૂપ જોવા મળતું. રાશિ પ્રમાણે એમનું નામ હતું ઠાકુરમણિ દેવી; પણ પ્રચલિત બન્યું – સારદા. બધાં ભાઈ-ભાંડુઓમાં તેઓ સૌથી મોટાં હતાં. કાદમ્બિની, પ્રસન્નકુમાર, ઉમેશ, કાલીકુમાર, વરદાપ્રસાદ, અભયચરણ એ એમનાં નાનાં ભાઈ-ભાંડુઓ હતાં. ઘરની પરિસ્થિતિ ગરીબ હતી અને એમના પિતા ડાંગરની નાની એવી ખેતી કરતા. એ ઉપરાંત એમાં કપાસ પણ ઉગાડતા. દિવસે શ્યામાસુંદરી દેવી સારદા અને બીજાં બાળકોને કપાસના ઢગલા પાસે સૂવડાવીને પોતે કપાસ વેચતાં. 

શ્રીમા સારદાદેવી પણ થોડાં મોટાં થઈને માને કાલા (રૂના જીંડવા) વીણવાના કામમાં મદદરૂપ થતાં. સાથે ને સાથે નાના ભાંડુઓની સંભાળ પણ લેતાં અને નવડાવવા માટે નજીકની આમોદર નદીમાં લઈ જતા, ચણા-મમરાનો નાસ્તો કરાવવો એ એમનું દરરોજનું કાર્ય રહેતું. પશુઓ માટે ઘાસ કાપવામાં પણ મદદરૂપ થતાં. એ માટે ક્યારેક ગળાડૂબ પાણીમાં પણ ઊતરવું પડતું. એક વખત વાવાઝોડાને કારણે પાક વેરાઈ ગયો ત્યારે એમણે બીજા સાથે મળીને ખેતરમાં વેરાયેલા દાણા વીણવામાં પણ સહાય કરી હતી. એમના ભાઈ પ્રસન્ન અને એમના પિતરાઈ ભાઈ રામનાથ સાથે તેઓ પણ શાળાએ જતાં. એ વખતે જો કે સ્ત્રીશિક્ષણ જેવું કંઈ હતું નહિ પરંતુ આને લીધે એમણે થોડુંઘણું શિક્ષણ મેળવ્યું. જો કે એમના બાળપણના પ્રસંગો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ નથી, પણ એમનાં સમકાલીન વ્યક્તિઓએ પોતાનાં સંસ્મરણો દ્વારા એવી ઘટનાઓનો ઉલ્લેખ પછીથી કર્યો છે. શ્રી રાજ મુખર્જીનાં બહેન અઘોરમણિદેવી શ્રીમા સારદાદેવીના બાળપણના સખી હતાં. તેઓ કહેતાં:

‘સારદાદેવી સ્વભાવે અત્યંત સરળ અને સીધાંસાદાં હતાં, જાણે કે મૂર્તિમંત સરળતા. ક્યારેય કોઈની સાથે લડતાં ઝઘડતાં નહિ. તેઓ રમતાં-ભમતાં પણ ખરાં. કાલી અને લક્ષ્મીની મૂર્તિને પોતે જ બનાવેલી પુષ્પમાળા અને વેલીઓની વેણી બનાવીને પહેરાવતાં. બીજી સખીઓ વચ્ચે પરસ્પર મતભેદ થાય તો તેઓ મધ્યસ્થી પણ બનતાં.’ જયરામવાટીના બીજા લોકો કહેતા: ‘નાનપણથી જ સારદા મહેનતું, હોશિયાર, શાંત, સાલસ સ્વભાવનાં હતાં. એમને ક્યારેય કામ કરવાનું કહેવું ન પડતું. પોતે જ કોઈ પણ કાર્ય સહજ સુંદર રીતે કરી લેતાં.’

શ્રીમા સારદાદેવીની એક વિશેષ ભિન્નતા વિશે અઘોરમણિ દેવીનાં સંસ્મરણોમાંથી આપણને જાણવા મળે છે: ‘એકવાર જગદ્ધાત્રીપૂજા વખતે હાલદેપુકુરના શ્રીરામહૃદય ઘોષાલ હાજર હતા. દેવીની મૂર્તિ સામે શ્રીમા સારદાદેવી ધ્યાનસ્થ બેઠાં હતાં. રામહૃદયે ઘણી વખત સુધી એકીટશે આ દૃશ્ય નિહાળી રહ્યા, પણ એમને દેવીની મૂર્તિ કઈ છે અને શ્રીમા સારદા કયાં છે, એનો એમને ખ્યાલ ન આવ્યો; આટલા તો તેઓ નિશ્ચલ થઈને બેઠાં હતાં. અંતે ડરીને તેઓ ત્યાંથી નીકળી ગયા.’ (સ્વામી ગંભીરાનંદ: હોલી મધર શ્રી સારદાદેવી, રામકૃષ્ણ મઠ, મદ્રાસ, ૧૯૫૫; પુન: મુદ્રણ ૨૦૦૬, પૃ.૨૧)

૧૮૬૪માં એક ભયાનક દુષ્કાળ પડ્યો. એ વખતે એમના પિતાનું હૃદય દ્રવી ઊઠ્યું અને ભૂખ્યા માણસો માટે પોતાનો અન્નનો કોઠાર ખોલી નાખ્યો. એ વખતે ૧૧ વર્ષની સારદા ગરમ ખીચડી પર પંખો નાખતાં જેથી ભૂખ્યા માણસો ઠરેલી ખીચડી ખાઈ શકે.

આપણે શ્રીમા સારદાદેવીના ૧૧ વર્ષની ઉંમર સુધીના કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ કર્યો પણ એ દરમિયાન એક મહત્ત્વની ઘટના ઘટી. એક અલૌકિક શિલ્પકાર સાથે એમની જીવનગ્રંથિ બંધાઈ. આ શિલ્પકાર કોણ હતા? આ વાત આપણે હવે પછી જોઈશું.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.