પ્રસ્તાવના:

વિવિધ દેવતાઓ એટલે એક બ્રહ્મનાં વિવિધ રૂપ. બ્રહ્મ તો અરૂપ અને અનામી છે, પણ દેવતાઓ તો સરૂપ અને સનામ છે. આપણે નામરૂપના જગતમાં રહીએ છીએ એટલે અરૂપનું ચિંતન આપણા માટે કપરું પડે છે. ભગવાનનું સગુણ-સાકાર રૂપ આપણા ચિંતનમાં એક પ્રકારનું માધુર્ય ઉત્પન્ન કરે છે. દેવમૂર્તિની પૂજા એટલે એમનામાં રહેલ ચૈતન્યની, તત્ત્વની પૂજા. દરેક દેવતા એક વિશિષ્ટ શક્તિ અને ભાવનું પ્રતીક છે. એમના વાહનની કલ્પના પણ વૈદિક કાળથી આપણી પાસે છે. અગ્નિ આપણી આહુતિઓને દેવો સુધી પહોંચાડે છે. 

ઝડપથી પ્રવાસ થાય એટલે ભિન્ન ભિન્ન પ્રકારનાં વાહનોનો ઉપયોગ કરીએ છીએ. સંસ્કૃત ‘વહ્’ ધાતુનો અર્થ વહન કરવું, ના તરફ લઈ જવું, બોજો ખેંચવો, સંદેશ પહોંચાડવો. વાહનની કલ્પના દ્વારા ચરાચર સૃષ્ટિની જગ્યાએ દેવોનું સૂચન થાય છે. પ્રત્યેક વાહન વિશિષ્ટ પ્રવૃત્તિનું પ્રતીક છે. વાહન બનવું એટલે નમ્રતાને અંગીકૃત કરવી. જ્ઞાનપથ પર આગળ વધવા માટે કોઈ વિશિષ્ટ તત્ત્વ સુધી પહોંચવા આપણા મનને આ વાહન પોતાના દેવતા પાસે લઈ જાય છે. અહીં આવતાં ભિન્ન ભિન્ન દેવદેવીઓનાં વાહનનાં પ્રતીક પ્રાણીપક્ષીઓ કેવી રીતે બન્યાં એ સમજવાનો આપણે પ્રયાસ કરીશું. શ્રીરામકૃષ્ણ પણ મા કાલીની મૂર્તિને મૃણ્મયી નહિ, પણ ચિન્મયી માનતા. નિસર્ગનાં પ્રાણી, પક્ષી, જંતુ આપણને આ ચૈતન્ય તરફ દોરી જાય છે. દેવદેવીઓનાં વાહનનો મુખ્ય ઉદ્દેશ આ છે.

કોઈ પણ સંસ્કૃતિમાં જેનો મનથી સ્વીકાર થાય છે તેને માન-સન્માન અપાય છે; તેમજ એની અવગણના ન થાય તે પણ જોવાય છે. આ આદર્શની માન્યતા પ્રમાણે અહીં કેટલાંક પક્ષીઓની વાત કરું છું કે જેને ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનું સ્થાન મળ્યું છે. ભારત પાસે હજારો વર્ષ જૂની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત છે. કેટલાક વિદ્વાનો એમને વૈદિક સમયની એટલે કે ૫૦૦૦ વર્ષ જૂની પણ ગણે છે. આવાં પક્ષીઓનું વર્ણન કે એમનો સંદર્ભ આપણને સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. સંસ્કૃતને દેવભાષા પણ કહે છે. એવાં એનાં સૌંદર્ય-ગરિમા છે. દુર્ભાગ્યની વાત એ છે કે આપણે છેલ્લી કેટલીક સદીઓથી આ ભાષાની સાવ અવગણના જ કરીએ છીએ. આ લેખના લેખકે આ બધા સંદર્ભો મૂળમાંથી જોયા છે અને એમાંથી પક્ષીઓની કેટલીક પ્રજાતિની થોડી ઝાંખી અહીં આપવામાં આવી છે.

શ્રીલક્ષ્મીનું વાહન – ઘુવડ:

પક્ષીઓમાંથી જેના વિશે લોકોએ સૌથી મોટી ગેર સમજણ ઊભી કરી છે, એના પ્રત્યે ઘૃણાનો ભાવ રાખ્યો છે અને એને અપશુકનિયાળ પણ ગણ્યું છે, એ છે ઘુવડ. મજાની વાત તો એ છે કે ઘુવડ વિશેના સંદર્ભો આપણને વેદ કાળથી જોવા મળે છે. સંસ્કૃત શબ્દકોષમાં ઘુવડનાં કેટલાંક રસપ્રદ નામો જોવા મળે છે.

વાયસારાતિ – કાગડાનો દુશ્મન; 

કૌશિક – કુશ નામના ઘાસમાં રહેનાર કે કોશ એટલે કે બખોલમાં રહેનાર; 

ઘૂક – ઘૂઉઉ એવો અવાજ કરનાર; 

દિવભીત – દિવસના પ્રકાશથી ડરનાર (ઘુવડની આંખની રચના એવી છે કે એ પ્રકાશમાં જોઈ શકતી નથી); 

નિશાટન – રાત્રીએ ઉડનાર કે ભટકનાર; 

હૃદિલોચન – હૃદયના આકાર જેવી આંખોવાળો; 

ક્ષુદ્રોલુકા – ઘુવડનું બચ્ચું; 

વૃક્ષાશ્રયી – વૃક્ષ પર આશરો લેનાર; 

પિંગાલક્ષ – પીળી આંખોવાળો; 

બહુસ્વન – અનેક પ્રકારે ધાંધલિયા ટહુકા કરનાર; 

વક્રવિષ્ઠ – મોંએથી મળમૂત્રનું વિસર્જન કરનાર.

(આ શબ્દનો ઉલ્લેખ કલ્પદ્રુકોશ (૧૬૬૦)માં છે)

ધાર્મિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં ઘુવડ:

ઘુવડ વિશે કેટલીક ખોટી માન્યતાઓ જોવા મળે છે. ભારતીય ધર્મ પ્રણાલીએ અને સંસ્કૃતિએ ઘુવડને આદરણીય સ્થાન આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં લક્ષ્મીના વાહન રૂપે ઘુવડની પૂજા થાય છે. એનું કારણ એ છે કે આ ઘુવડ ઉંદરડાને ખાઈ જાય છે અને આ ઉંદરડા પાકને ખાઈ જાય છે. આ રીતે આ પક્ષી ખેતરના પાકની સમૃદ્ધિની રક્ષા કરે છે. પશ્ચિમ બંગાળમાં ઘુવડ સાથેનાં લક્ષ્મીની છબીઓ અને ચિત્રો જોવા મળે છે.

વળી ઘુવડને મા ચામુંડાના વાહન તરીકે પણ ગણવામાં આવ્યું છે. આવું ચામુંડાની શિલ્પકૃતિઓમાં જોવા મળે છે. ચામુંડા પણ મા કાલીનું રૂપ છે અને એનામાં ઘણી શક્તિ રહેલી હોય છે અને એ પોતાની શક્તિથી સર્વ વિનાશ કરી શકે છે. કાળા રંગની આ દેવીનું ભયાનક દેવી તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. ઘુવડ પણ આપણી નજીક આવતા અને કોઈ પણ જાતનો સંકેત ન આપતા મૃત્યુ સાથે નાતો ધરાવે છે. ઘુવડ પણ મૃત્યુની જેમ પોતાના શિકાર પર પાંખનો ફફડાટ કર્યા વગર ખાબકે છે. આમ ઘુવડ દાર્શનિક દૃષ્ટિએ ભિન્ન ભિન્ન અર્થો રજૂ કરે છે.

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.