વરુણના પુત્ર ભૃગુ, પુરાતન પ્રાચીન કાળના, જાણે કે પૃથ્વી પરના દેવ. 

કેવી રીતે અને કેટકેટલા પ્રકારે વર્ણવી શકાય? 

સૂક્તદ્રષ્ટા ઋષિ, અગ્નિની જ્વાલાસમા તેજસ્વી; કેટલાક લોકો તેને અગ્નિ કહે છે; કેટલાક એમને વીજળી કહે છે. મનોમંથન કરીને એમણે ‘અગ્નિ પ્રગટાવ્યો હતો’ – ઋગ્વેદના અગ્નિસૂક્તમાં એમનું નામ બાર બાર વાર ઝળકે છે. ભાર્ગવ વંશમાં જન્મેલ આ ઋષિ ધર્મ-નીતિના પ્રણેતા ગણાય છે. ભગવાન વિષ્ણુના ઉર પર એમનાં ચરણનાં ચિહ્ન ઊમટી આવ્યાં હતાં. ભગવાન વિષ્ણુએ ભક્તનાં પદચિહ્ન રૂપે સ્વીકારી પણ લીધાં. ભૃગુસ્મૃતિ, ભૃગુગીતા, ભૃગુસંહિતા, ભૃગુસૂત્ર જેવાં ધર્મશાસ્ત્રોના રચયિતા હતા.

ભૃગુના પિતા વરુણ. ‘વૃ’ એટલે બધાને આચ્છાદિત કરનાર વરુણ, અગ્નિસમા તેજપુંજ, સૂર્યનાં સહસ્રનેત્રો દ્વારા માનવજાતિને જોનારા. સુવર્ણમય વસ્ત્રોથી લેપિત. એમનું નિવાસસ્થાન દ્યુલોક. અને એ જળનું નિયંત્રણ કરે છે. જળ પણ એમનું એક વસ્ત્ર છે. વરુણ સર્વજ્ઞ, નીતિશાસક, નિશાસ્વામી, ઋત્રક્ષક, પાપનિયંત્રક, આકાશમાં ચમકનારા હજારો તારાની હારમાળાવાળા. 

પિતાપુત્રની આ કેવી અદ્ભુત જોડી! ભૃગુવલ્લીની કથા છે, એ બંનેના સંવાદોની.

ભૃગુ: ‘ભગવન્, મને બ્રહ્મજ્ઞાન આપશો?’

વરુણ: ‘અન્ન, પ્રાણ, નેત્ર, શ્રોત્ર, મન અને વાણી, આ બધા શબ્દોને તોલીમાપીને વાપરવા. જેમાંથી બધું ઉત્પન્ન થાય છે, જેના આશરે જીવંત રહે છે અને જેમાં લીન થઈ જાય છે એ જાણવાની ઉત્કંઠા જગાડ. ત્યારે જ બ્રહ્મજ્ઞાન મળે.’

વરુણની વાણી પૂરી થઈ, તારાથી ચમકતા આકાશે ભૃગુને લપેટી લીધું. ભૃગુના વિચારોમાં, ચિંતનોમાં જાણે કે અગ્નિ અચાનક પ્રગટી ઊઠ્યો. જળની શીતળતા સમો પિતાનો સ્નેહલ હાથ એમને જાણે કે દોરવા લાગ્યો. વરુણ ઉત્તમ ગુરુ  હતા. એમણે આંગળી પકડાવી. ભૃગુની ભીતર રહેલા સુષુપ્ત જ્ઞાનને વરુણે  ફક્ત જગાડ્યું, પણ રસ્તો શોધવાની જવાબદારી માટે એને મુક્ત કરી દીધા. અસહ્ય વ્યાકુળતા, ધલવલાટથી તપનું તેજ વધતું ગયું. આ બધું શું પોતે એકલાએ જ સહેવાનું અને શોધવાનું? ભૃગુને લાગ્યું કે કદાચ અન્ન બ્રહ્મ છે. બધી જ્ઞાનેન્દ્રિયોનું અન્ન જૂદું. પ્રાણી માત્રને પોષનારું અન્ન. 

‘અન્નં વૈ વાજ: । ‘અન્નં વા આયતનમ્ । ભૃગુના મનમાં બીજા શબ્દો પણ સ્ફૂર્યા: ‘અન્નં મૃત્યું તમુ જીવાતુમાહુ: .. । ના,  ના! અહીં અટકી જવાથી કંઈ થવાનું નથી. પ્રાણ એટલે બ્રહ્મ? હોઈ શકે, હોઈ શકે. પ્રાણ વિના એક પળ માટે પણ કોણ જીવી શકે? ના, ના! અહીં જવાથી શું? મન એટલે બ્રહ્મ? કદાચ હોઈ શકે. પણ એમેય નથી. મન છે સંકલ્પોનું કારણ. કાર્યોનું પ્રેરક. પણ કોને લીધે? ભૃગુ સ્વગત કહેવા લાગ્યો: ‘વિજ્ઞાન એટલે બ્રહ્મ. વિજ્ઞાન જ ચેતના, વિજ્ઞાન પ્રકાશ વૃક્ષ છે.’ અચાનક ભૃગુ અટકી ગયા. હવે હું ક્યાં આવીને ઊભો રહ્યો? થોડા થોભો, યાદ કરો. જ્ઞાનની પાછળ તું શા માટે દોડ્યો? હા, હા! આનંદ માટે! આ બધી શોધના તો છે આનંદ માટે જ.  એટલે જ ‘આનંદ એ જ બ્રહ્મ’.

અન્ન, પ્રાણ, મન, વિજ્ઞાનનાં સોપાનો ચડીને આવ્યા પછી સર્વ મંગલકારી આનંદનો એક સંસ્પર્શ આપણને મળે છે. ભોગનો પણ એક આનંદ છે, પણ તે આપણને આસક્ત બનાવે છે અને ગુલામ બનાવી દે છે. વિત્ત, ધનનો આનંદ છે, પગ અને જોડાં ઘસી નાખીએ એવો આનંદ છે. 

ભૃગુનો આ સંવાદ આપણી જ વાત છે અને આપણી પાસે છે. બાહ્યપણામાંથી ક્રમશ: ધીરે ધીરે આંતરિકતા તરફ લઈ જાય છે. આને જ આપણે ભાર્ગવી વિદ્યા કે વારુણી વિદ્યા કહીએ છીએ. તે સાધકને અંતર્મુખ બનાવે છે. તે બધાને માટે કલ્યાણકારી આશા જગાડે છે. ભાર્ગવની આ વાત કોઈ એક ઉપનિષદમાં ઘણાં વર્ષો પહેલાં થઈ ગઈ. એ શું પૂરી થઈ ગઈ?

આ સુખાંતિકા શું ત્યાં જ પૂરી થઈ? ના, ના. એવું બને ખરું? ક્યારેય ન બને. આપણા નજીકના ભૂતકાળમાં જ જાણે કે એક ભૃગુ જેવા મહાપુરુષ આપણા માટે અવતર્યા હતા ને! એ જ તપ, એ જ વ્યાકુળતા; જ્ઞાન માટેનો તીવ્ર ધલવલાટ, ઉત્તર મેળવવાની એવી જ ઉત્કટ સાધના. આ કંઈક નવા ભૃગુ જાણે કે નવા નામ સાથે અવતર્યા શ્રીરામકૃષ્ણ રૂપે.

સૌના પ્રીતિપાત્ર, છ-સાત વર્ષની ઉંમરના કિશોર ગદાધર ડાંગરના ખેતરને પાળે પાળે મમરા ખાતાં ખાતાં જતા હતા. આજુબાજુ બધું લીલુંછમ છવાયું હતું. જળભર્યાં સુંદર વાદળાંથી ઘેરાયું હતું. દૂધ જેવા સફેદ બગલાંની હાર ત્યાંથી પસાર થાય છે. કુદરતની આ મનોરમ શોભા જોઈને એની પાછળ રહેલ કોઈ ભાવમાં ગદાધર ડૂબી ગયો; એમાં જ તન્મય બનીને એ પડી ગયો.

ગહન, તીવ્ર અને જ્ઞાનપૂર્ણ સંવેદનશીલતાથી ગદાધરનો સાધકભાવ જાગી ઊઠ્યો અને ઉત્તરોત્તર ઉજ્જ્વળ બની ગયો. સાધનાનો સ્વયંપૂર્ણ માર્ગ રેખાંકિત થતો ગયો. પુરોહિતપણાથી શરૂ કરીને ભગવદ્ ચિંતનની વ્યાકુળતા વધુ ને વધુ ગંભીર બનતી ગઈ. ભવતારિણી કાલીના શ્યામરૂપમાં ગદાધર ડૂબી ગયો. એ જ છે ભૃગુની ઉત્કટતા. અશ્રુપૂર્ણ આંખે થતી પ્રાર્થના:

‘મા, હું આટલો તને પુકારું છું છતાંયે તું કેમ સાંભળતી નથી?’ એક દિવસ જ્યોતિપુંજથી આલિપ્ત થઈ ગયા. દર્શન પછી પણ ઠાકુરની એ જ તાલાવેલી રહી. વિચારનાં કેટલાં બધાં આવર્તનો થયાં હશે! અન્ન, પ્રાણ, મન, વિજ્ઞાન અને આનંદ! ભાર્ગવી વિદ્યાનું પ્રતિબિંબ જાણે કે અહીં જોવા મળે છે. શ્રીઠાકુર કહેતા ને કે કળિયુગમાં અન્નગત પ્રાણ.. ઈશ્વરના વિરહથી તપ્ત થયેલું એમનું જીવન.. પોતાના અસ્તિત્વને વિસરી જઈને આહ્વાહક મહાભાવ અને ત્રણ દિવસ સુધીની બાહ્ય ભાવશૂન્ય અવસ્થા. પ્રભુ માટેનું તીવ્ર આક્રંદન અને વળી પાછો આનંદનો સાગર ઊમટે. હૃદયને વલોવતું ક્રંદન અને એની વેદના સાથે કહે છે: ‘મા, હું મંત્ર તંત્ર કંઈ ન જાણું. તમે જ બધું મને શીખવી દો.’ આવો મનનો કલ્લોલ જાણે કે ભક્તિના આવરણ હેઠળ જ્ઞાનયોગનો, કૂટસ્થ બુદ્ધિનો. 

વળી પ્રગટ થયો વિરાટની પૂજાનો ભાવ. બધું જ ચિન્મય, બધું જ આનંદમય! ‘મનુષ્ય, જીવ, જંતુ, આચમની-તરભાણું-પંચપાત્ર, દરવાજાનો ઉંબરો બધું જ ચિન્મય.. ચારે બાજુ પુષ્પ અને પુષ્પનાં જ દર્શન! જેને જેને જોયાં એને પૂજવા લાગ્યો..’

ભાર્ગવની આ ઉપનિષદકથા જાણે કે ફરી એકવાર જીવંત બની ગઈ, ઠાકુરના જીવન દ્વારા વાસ્તવિક હકીકત બની ગઈ. આજે પણ દક્ષિણેશ્વરની એ પંચવટી જીવતી જાગતી છે. ગંગાનો શીતળ સ્પર્શ, ભવતારિણીની કૃષ્ણમાયાનું સ્પંદન થાય છે.

આપણા બધાના અંતરમાં છુપાયેલ ભાર્ગવની શોધ ઉત્કટ અને જાગૃત બનવાની રાહ જોઈ રહી છે.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.