ગાઢ અરણ્ય, સૂર્યનો પ્રકાશ પણ ત્યાં પ્રવેશે નહિ. આકાશને ઢાંકતાં ઝાડપાન, શાખા પ્રશાખા ફેલાઈને લીલીછમ ચાદર પાથરી હોય તેવું લાગે છે. તેની ફાંકમાં વાદળી આકાશ દેખાય છે. આ ગહન વનમાં કોઈ વન્યજંતુ છે કે નહિ, કોણ જાણે? વનનાં ઘાસ- પાંદડા – ગુલમોર વચ્ચે એક સાંકડી કેડી ચાલી જાય છે. પગલે પગલે આ કેડી તૈયાર થઈ છે.

ત્યાં બે માણસ આવજા કરે છે. એક સાધુ અને બીજો પુરોહિત. ઘણો લાંબો રસ્તો છે. ત્યારબાદ જંગલ વચ્ચે દેખાય છે એક નાનકડું મંદિર. મંદિરની ચારે તરફ લાલ સિમેન્ટનો બાંકડો. કોઈ બેસે અથવા વિશ્રામ કરી શકે. પાસે એક ઊંડો કૂવો. દોરી અને બાલદી ત્યાં પડી છે. થાકેલો મુસાફર હાથ-પગ ધોઈને થોડો આરામ કરે. મંદિરની અંદર ગણેશની સુંદર મૂર્તિ છે. શ્વેત પથ્થરનાં ગણપતિ છે. સૂંઢ ખૂબ લાંબી છે. હાથમાં લાડુ છે. પગ પાસે એક નાનકડો ઉંદર છે. ગણેશની બંને આંખો અદ્ભુત છે. જોઈએ તો એમ લાગે કે આંખો જાણે ઝકઝક થાય છે. મંદિરમાં સવારે સૂર્યપ્રકાશ પથરાય, બાકીનો સમય અંધારું રહે. એક ઘીનો દીવો ટમ ટમ સળગે. દીવાલ પર ગણેશની જનની પાર્વતીની અતિ સુંદર છબી ટિંગાયેલી છે; આંખ ફેરવી ન શકાય!

પુરોહિતની ઉંમર નાની છે. પરંતુ યુવક ભક્તિભાવવાળો છે. દરરોજ નિષ્ઠાપૂર્વક ગણેશનાં અંગ પર સિંદુર ચોપડે. એક ટુકડો લાલ ધોતી અને લાલ ઝભ્ભો પણ પહેરાવે. કેટલાંક પુષ્પો, દુર્વાનો ગુચ્છ અને એક ઘડો પાણી પણ નિયમિત લાવે. સ્નાન કરાવીને દુર્વાનો અર્ધ્ય ગણેશના મસ્તક પર ચઢાવે.

खर्व स्थूलतनुम्‌ गजेन्द्रवदनम्‌ लम्बोदरम्‌ सुन्दरम्।
प्रस्यन्दन  मदर्गधलुब्धमधुपव्यालोलगगन्तु स्थलंम्।
दंताघातविदारितारिरूधिरैः सिन्दूरशोभाकरम्।
वन्दे शैलसुतासुतम्‌ गणपतिम्‌ सिद्धिप्रदम्‌ कामदम्।

આ રીતે ગંભીર સ્વરે ધ્યાનમંત્રનું ઉચ્ચારણ કરે. પછી પતાસા અને ભાતનું નૈવેદ્ય નિવેદન કરે. બપોરે પગપાળા ફરી પુરોહિત ચાલ્યો જાય.

જતી વખતે રસ્તામાં રોજ એક સાધુ સાથે મુલાકાત થાય. તેઓ મંદિરે આવે અને તે ચાલ્યા જાય. આ રીતે દરરોજ નિર્જન પરિસરમાં ચાલ્યા કરે. મંદિરની બાજુના પરસાળમાં આંખ મીંચીને સાધુ બેસે. ધીમે ધીમે રાત ગંભીર થાય. ચરાચર નિ:શબ્દ થાય. સાધુ સવારે ફરી વનની બહાર ચાલ્યા જાય. ત્યાં રસ્તાની એક બાજુએ ચૂપચાપ બેઠા રહે, શું ખાય- કયાં જાય- કોઈ તેના વિષે જાણે નહિ. તેનો ચહેરો એકદમ પ્રસન્ન અને કોઈ પાસે કયારેય કશું જ માગે નહિ.

એક દિવસ અચાનક સાધુ પાસે બે યુવક મુસાફરો આવ્યા. તેમણે પૂછયું: વારું, અહીં જોવા જેવું એકેય મંદિર છે? સાધુએ કહ્યું – જંગલમાં ગણપતિનું મંદિર છે. બહુ પ્રખ્યાત નથી પરંતુ દેવતા ત્યાં જાગ્રત છે.

યુવકે કહ્યું: ‘કઈ રીતે કહો છો કે દેવતા ખૂબ જાગ્રત છે?’ સાધુએ કહ્યું: ‘તેની એક વાર્તા છે. અવશ્ય આજે કદાચ સાચી ન લાગે કે સાંભળવા ન ઇચ્છો.

યુવકે કહ્યું: ‘સંભળાવો.’

પછી સાધુએ વાર્તા શરૂ કરી: આજથી પચ્ચીસ વર્ષ પહેલાની વાત છે. ત્યારે ચારેકોર આટલું ગાઢ જંગલ ન હતું. ગણેશના મંદિર તરફ જવાનો રસ્તો પણ સાફ હતો.

છતાં ય મંદિરમાં માત્ર બે જણા આવ-જા કરતા અને એક પુરોહિત તો જતા જ. તે બંને ભક્તમાં એક આંધળો અકિંચન હતો. તે મંદિરની બહાર બેસીને આખો દિવસ ભજન ગાઈને ગણેશજીને સંભળાવે. બહુ ગરીબ – જો કોઈ દયા કરીને કંઈ આપે તો ખાવા પામતો, નહિ તો ઉપવાસ: બીજો ભક્ત એક શેઠ હતો. તે ધનવાન હતો. તેનું પણ ગણેશ પ્રત્યે ખૂબ ખેંચાણ હતું. પરંતુ તે તો પ્રાર્થી હતો. દરરોજ ઘોડાગાડી કરીને આવતો પછી મંદિરમાં જઈને હાથ જોડીને કહેતો: ગણેશજી, આજે મને વ્યવસાયમાં હજાર રૂપિયાનો ફાયદો થાય.’

આંધળો ભિક્ષુક શેઠની પ્રાર્થના સાંભળતો તો પણ તેને કંઈ માગવાની ઇચ્છા થતી નહિ. તેને તો ગણેશજીને ભજન સંભળાવવામાં જ આનંદ થતો. એક વખત અંધ ભિક્ષુકને ચાર દિવસ સુધી કંઈ ભિક્ષા ન મળી. અનાહારને લીધે ગળામાંથી ભજન પણ ગવાતું નથી: પછી તેણે ખાસતાં ખાસતાં ગણેશજીને કહ્યું, ‘ગણેશજી, હવે તો ગળામાંથી અવાજ નીકળતો નથી. મને લાગે છે કે હવે તો ભોજન વિના જ મરવું પડશે.’

અંધ મંદિરમાંથી બહાર નીકળે છે અને શેઠ તેની બેગ લઈને અંદર પ્રવેશે છે. શેઠ પ્રવેશદ્વાર પાસે ઊભો રહ્યો. તેને લાગ્યું કે મંદિરમાં કોઈ બે વ્યક્તિ વાતચીત કરે છે. એક નારીનો મધુર કંઠ છે. તેણે કહ્યું: અંધ માણસ તારી આટલી બધી ભક્તિ કરે, તેના માટે તું કંઈ કરતો નથી. કેવો દુ:ખી છે, બિચારો! ત્યારે એક પુરુષના અવાજમાં ઉત્તર મળ્યો: મા, તમે આવતીકાલે જો જો કે તે બપોર પછી લાખોપતિ થઈ જશે.’

શેઠે બહાર ઊભા રહીને આ બધું સાંભળ્યું. આ નક્કી ગણેશની માતા અને ગણેશનો વાર્તાલાપ છે. તેના મગજમાં એક નવીન ચાલાકી દોડવા લાગી. બહાર આવીને આંધળાને પચાસ રૂપિયા આપીને કહ્યું: આ લે પચાસ રૂપિયા. આ રૂપિયાથી ચોખા – દાળ વગેરે ખરીદી લે. પેટ ભરીને ભોજન કર – પરંતુ આવતી કાલે બપોર પછી તને જે રોજગાર મળે તે બધો મને આપજે – આંધળો તો નવાઈ પામી ગયો – આવી સહાનુભૂતિ તો તેને જીવનમાં કયારેય મળી ન હતી. વિચારવા લાગ્યો કે આ બધું ગણેશજીની કૃપાથી થયું છે. તેથી ખૂબ આનંદ પામીને તેણે કેટલીય મીઠાઈ ખરીદી અને ગણેશજીને ભોગ ચઢાવ્યો – પોતે પણ પેટ ભરીને ખાધી.

આ બાજુ રાત્રે શેઠની ઊંઘ હરામ થઈ ગઈ. ગણેશ શું જૂઠું બોલે! બીજે દિવસે બપોરે તે મંદિરમાં હાજર થયો. તેની આંખ તો આંધળા ભિખારીની થાળી પર છે. પરંતુ કયાં કશું છે? બપોરનો સમય તો પૂરો થવા આવ્યો. સાંજ પડી ગુસ્સાથી શેઠ દાંત કચડતો કચડતો મંદિરમાં આવ્યો અને ગણેશના મોટા પેટ પર એક ધુબ્બો માર્યો. શું થયું? જૂઠું કેમ બોલ્યા? આંધળાની થાળીમાં તો એક પૈસો પણ પડયો નથી. વચ્ચેથી મારા પચાસ રૂપિયા પાણીમાં ગયા!

‘અચાનક આશ્ચર્યજનક ઘટના ઘટી. ગણેશની લાંબી સૂંઢ જીવંત થઈ અને શેઠના ગળાને વીંટળાઈ ગઈ. તેનો તો શ્વાસ રૂંધાઈ ગયો. પ્રાણ જાય-જાય એવી સ્થિતિમાં શેઠ આર્તનાદ કરવા લાગ્યો: ‘બાબા, ગણેશ મને છોડી દે. જે માગશો તે આપીશ.’

ત્યારે ગંભીર સ્વરે ગણેશ બોલ્યા: ખિસ્સામાંથી ચેક બહાર કાઢ. એક લાખ રૂપિયા અંધ ભિખારીને લખી આપ તો જ હું તને છોડું.

ત્રાહિ ત્રાહિ કહેતા શેઠે ખિસ્સામાંથી ચેક બહાર કાઢયો અને લાખ રૂપિયાનો ચેક અંધને લખીને આપ્યો.

પરંતુ કેવું આશ્ચર્ય! ગણેશના સ્પર્શથી તેના મનમાં મંથન શરૂ થયું. તે અમૃતમય સ્પર્શે જાણે તેનાં દેહ-મનને સ્પર્શીને કોઈ એક નવીન રાજ્યની ભાળ આપી. મનમાં થયું કે તુચ્છ વિષય વસ્તુ લઈને જ મેં જીવન વિતાવ્યું. હવે નહિ. ગણેશે સૂંઢ ખોલી નાખી. પરમ સિદ્ધિ દાતાની કૃપા ભક્ત નિગ્રહના છળે વર્ષિત થઈ! ગણેશની સૂંઢના બંધને તેને ભવબંધનમાંથી મુક્ત કરી દીધો. શેઠે પ્રણામ કર્યા. ગણેશનાં ચરણે પોતાનાં મન પ્રાણ સોંપ્યા પછી બહાર આવીને સીધો ઘરે ગયો. પોતાની સમસ્ત સંપત્તિ કુટુંબીજન અને લોકોને દાન-પુણ્ય કરીને શેઠ એક કપડામાં જ ગણેશના મંદિરે ચાલ્યો આવ્યો. તેનું આવું પરિવર્તન લોકો પાસે જાણે એક ગાંડપણની સીમા સમું હતું. પરંતુ તે ત્યારે ભગવાન માટે પાગલ થયો. શેઠ પેલા નૂતન લખપતિની વાત ધીમે ધીમે ભૂલી ગયો.

વાત સાંભળીને બંને યુવક હવે અવિશ્વાસથી હસી પડયા. મૂર્તિ કઈ રીતે જીવંત થાય. આ બધી તો કપોળ-કલ્પિત કથાઓ હોય. મંદિરમાં જવાની જરૂર નથી.

વાત કરતાં કરતાં સમય વીતી ગયો અને સાંજ પડી. તેમના ચહેરા પર અવિશ્વાસ અને શંકા સ્પષ્ટપણે દેખાય છે. અર્થપૂર્ણ દૃષ્ટિથી બંને યુવક તરફ જોઈને સાધુ બોલ્યા: ‘હું જ તે શેઠ છું.’ તેમ કહીને કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના ઝડપી પગલે વનના માર્ગે અલોપ થઈ ગયા. બંને યુવકો તો હતપ્રભ થઈ ગયા. મંદિરનાં દર્શન થયા નહિ. અડધા વિશ્વાસના હાલકડોલક મનને લીધે તેઓએ પછી એક ડગલું ય ભરવાની હિંમત ન કરી. વનના માર્ગ પર અંધકાર છવાઈ ગયો, રસ્તો ઢંકાઈ ગયો. લોકલોચનના અંતરાળમાં ભક્ત – ભગવાનની આ લીલા રહસ્યમય બની રહી!

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.