(રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ કન્ન્ડમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર – સં.)

શ્રીરામ પ્રત્યેના ભાવધ્યાનને લીધે હનુમાનજી સર્વ સ્થળે અને હર સમયે આનંદિત રહેતા. એક વખત બ્રહ્માજીએ એમને દર્શન આપ્યાં અને કહ્યું: ‘હનુમાન, હવે કળિયુગનો પ્રારંભ થવાનો છે. તમારા માટે આ યુગ યોગ્ય નથી. તમે ક્ષીરસાગરમાં જાઓ અને ત્યાં વિષ્ણુની સાથે રહો.’

ક્ષીરસાગરમાં નારદજી વીણા સાથે ભક્તિમય ગીતભજન અને કીર્તન વગેરે ગાતા. તુંબુર નામના ભક્ત હયગ્રીવ વીણા પર શાસ્ત્રીય સંગીત વગાડતા હતા અને ગાતા હતા. એ બંનેની વચ્ચે ઈર્ષ્યાને કારણે ઝઘડો થયો. બંને કહેવા માંડ્યા કે હું જ શ્રેષ્ઠ છું. એક બીજા કરતાં પોતે ચડિયાતા છે, એવો વાદ પ્રતિવાદ પણ કરવા માંડ્યા. છેવટે એમણે ભગવાન વિષ્ણુને આ સમસ્યાનું સમાધાન કરવા વિનંતી કરી.

ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું: ‘ગંધમાલાની એક ટેકરી પર એક વાનર બેઠો છે. તમે ત્યાં જાઓ અને એ વાનરને બધી વાત કરો. રામ તમને બોલાવે છે એમ કહેજો, એટલે એ તમારી પાસે આવશે. એ વાનર તમને કહેશે કે તમારા બંનેમાંથી કોણ કુશળ સંગીતકાર છે.’ એ બંનેએ વિચાર્યું કે આ વાંદરો અને અમારી પરીક્ષા કરશે! તેઓ તો ઉપડ્યા એ વાંદરાની શોધમાં. ગંધમાલાની ટેકરી પર એમણે રામ નામની રટણાનો અવાજ હનુમાન પાસેથી સાંભળ્યો. હનુમાનજી ત્યાં રામનામનો જપ કરતા હતા. તેઓ બંને ત્યાં ગયા અને એમની સામે ઊભા. હનુમાનજી તો આંખો બંધ કરીને રામનામનો જપ કરતા હતા. એમનો અવાજ કેટલો મધુર અને આકર્ષક હતો! 

હનુમાનજી તો અનેક રીતે અને રાગે શ્રીરામનામ સંકીર્તન કરતા હતા. તુંબુરુ અને નારદ એ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ ‘નાદ’ના ખરા ઉપાસક હતા, એ વાત એમને સમજાઈ. સંગીતનો નાદ કે તાલસ્વર એ શાસ્ત્રો કરતાં પણ વધારે મહાન છે. તે બંને પણ હનુમાનજી સાથે ગાવા લાગ્યા. હનુમાનજીએ એમની આંખો ખોલી અને એમણે તુંબુરુ અને નારદને જોયા.

એમની સમક્ષ તેઓ બંને ભક્તિભાવથી ગાતા હતા. હનુમાનજી એમની પાસે ગયા અને એમનાં ચરણનો સ્પર્શ કરીને પ્રણામ કર્યા. એ બંનેએ હનુમાનજીને કહ્યું: ‘હે મહાવીર! અમે તો સામાન્ય ગાયક છીએ. અમે છીએ તુંબુરુ અને નારદ.’ આ સાંભળીને હનુમાનજીએ કહ્યું: ‘તમે તો શ્રીરામનું સ્મરણ કીર્તન કરતા હતા, એટલે હું તો તમને પૂજ્ય માનું છું. જે કોઈ ભક્ત રામનામનું સ્મરણ કે ગાન કરે છે એમનાં ચરણનો હું સ્પર્શ કરું છું. તમારાં દર્શનથી મારી કાયા પવિત્ર બની.’

હનુમાનજી મહાન સંગીતકાર છે કે શ્રીરામના પરમ ભક્ત છે એ વાત તુંબુરુ અને નારદ સમજી ન શક્યા. બંને આશ્ચર્ય સાથે એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા. તેમનામાંથી ઈર્ષ્યા દૂર થઈ અને સુખાનંદ સાથે ત્યાંથી ચાલી નીકળ્યા.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.