(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા)

કાશી પહોંચીને તેમણે જોયું તો વિવિધ સ્થાનોના અનેક પ્રતાપી રાજાઓ રાજકુમારી સમક્ષ પ્રસ્તુત થવા માટે પધાર્યા હતા. ત્રણેય રાજકુમારીઓને જોતાં તેમને લાગ્યું કે તે ત્રણેય વિચિત્રવીર્ય માટે બિલકુલ યોગ્ય છે. જ્યારે ત્યાં ઉપસ્થિત રાજાઓનાં નામ વાંચવામાં આવી રહ્યાં હતાં, ત્યાં સુધીમાં ભીષ્મે વિચિત્રવીર્ય માટે તે ત્રણેય કન્યાઓને પસંદ કરી લીધી હતી. તેમણે સ્વયંવરના મંડપમાં જઈ ત્રણેય કન્યાઓને બળજબરીપૂર્વક પોતાના રથમાં બેસાડી દીધી અને કડક શબ્દોમાં ત્યાં એકત્રિત થયેલ રાજાઓને કહ્યું, ‘જ્ઞાની લોકોએ સ્વયંવર માટે અનેક વિધિઓનું વર્ણન કર્યું છે. તે પ્રમાણે હું ત્રણેય કન્યાઓને જબરદસ્તી ઉઠાવી જાઉં છું. સાથે સાથે હું તમને સૌને યુદ્ધ માટે પડકારું છું. તમે લોકો તમારી પૂરી શક્તિથી મને હરાવી શકો છો અથવા ખુદ હારી જઈ શકો છો.’

આટલું કહીને ભીષ્મે તીવ્ર ગતિથી પોતાના રથને હાંકી મૂક્યો. રાજાઓ અચાનક બનેલી આ ઘટનાથી હતપ્રભ બની ગયા. તેઓ ક્રોધથી પોતાના હોઠ ચાવતા અને હાથ પછાડતા ઊભા થઈ ગયા. તેઓ તત્કાલ પોતાનાં આભૂષણોને દૂર કરી, દરેક પ્રકારનાં હથિયારોથી સજ્જ થઈ પોતપોતાના રથ પર સવાર થઈ ભીષ્મનો પીછો કરવા લાગ્યા. ભીષ્મે પણ તેમનો સામનો કર્યો. તે પછી તેમની વચ્ચે ભીષણ યુદ્ધ આરંભ થયું, જેમાં એક તરફ અસંખ્ય રાજાઓ અને બીજી તરફ ભીષ્મ એકલા હતા. રાજાઓએ તેમની તરફ એકીસાથે દસ હજાર તીરનો મારો ચલાવ્યો. પરંતુ ભીષ્મે તે તીર નજીક પહોંચે, તે પહેલાં પોતાનાં બાણથી રોકી લીધાં. બંને તરફથી થઈ રહેલ ભારે બાણવર્ષાએ આ યુદ્ધને એટલું તો ભયાનક બનાવી દીધું કે તે પ્રાચીનકાળના દેવ-અસુર સંગ્રામ જેવું લાગતું હતું. યુદ્ધમાં ભાગ ન લેનાર પણ આ યુદ્ધ જોઈને અચંબિત થઈ ગયા. ભીષ્મનું બળ અને રણકૌશલ એટલું અદ્‌ભુત હતું કે તેમની સામે ઊભેલા રાજાઓ પણ મોટા અવાજે તેમની પ્રશંસા કરવા લાગ્યા. તે બધા રાજાઓને પરાજિત કર્યા બાદ ભીષ્મ ત્રણેય કન્યાઓ સાથે પોતાના રથને હસ્તિનાપુર તરફ દોડાવવા લાગ્યા.

શલ્ય નામના એક મહારથી હજી પણ તેમનો પીછો કરતા હતા. જેમ એક દંતશૂળવાળો હાથી પોતાના દાંતથી શત્રુ હાથીની જાંઘ ફાડી નાખે તેમ તેઓ બૂમ પાડી ઊઠ્યા, ‘ઊભા રહો!’ બીજા બધા રાજાઓ ચકિત થઈને વીર શલ્ય સામે જોઈ રહ્યા. ભીષ્મે પોતાના સારથિને આદેશ આપ્યો, ‘મને તેની પાસે લઈ જાઓ, જેથી ગરુડ જેમ સાપને મારી નાખે તેમ હું પણ તેનો નાશ કરી દઉં.’ તેમણે શલ્યનો સામનો કર્યો અને તેના રથના ચાર ઘોડાઓને ઈજાગ્રસ્ત કરી દીધા અને સારથિને મારી નાખ્યો, પરંતુ શલ્યને જીવતો છોડી દીધો. બીજા રાજાઓ પણ ધીમે ધીમે રણમેદાન છોડીને જતા રહ્યા.

વિજયી થયા પછી ભીષ્મ ત્રણેય કન્યાઓની સાથે હસ્તિનાપુર પહોંચ્યા. વિચિત્રવીર્ય સાથેના તેમના લગ્નની બધી તૈયારી પૂરી કરી લીધી. પરંતુ તેમાંથી મોટી બહેન અંબાએ ભીષ્મ પાસે જઈ કહ્યું, ‘મેં મનમાં ને મનમાં સૌભ દેશના રાજા શલ્યને મારા પતિ તરીકે પસંદ કરી લીધા છે. તેમણે પણ મને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. મારા પિતાશ્રીએ પણ આ વાતને મંજૂર રાખી છે. મેં સ્વયંવરમાં શલ્યને જ મારા પતિ તરીકે પસંદ કર્યા હોત. આપ ધર્મ-શાસ્ત્રના જાણકાર છો. બધી વાત જાણી લીધા પછી આપને જે યોગ્ય લાગે તે કરો.’

ભીષ્મે તેની ઇચ્છાનું માન રાખ્યું અને તેને પરત જવાની અનુમતિ આપી. અંબિકા અને અંબાલિકા નામની અન્ય બે કન્યાનાં લગ્ન વિચિત્રવીર્ય સાથે સંપન્ન થયાં. તેઓ વિચિત્રવીર્ય સાથે પ્રેમપૂર્વક રહેવા લાગી. રાજકુમાર પોતાની રાણીઓ સાથે કેટલાંય વર્ષો સુધી સુખપૂર્વક રહ્યા. પરંતુ પોતાની યુવાવસ્થામાં જ તેમના સક્રિય જીવનનો અંત આવી ગયો. તેમને રાજયક્ષ્મા એટલે કે ક્ષયરોગ લાગુ પડ્યો. સર્વશ્રેષ્ઠ વૈદ્યોની ચિકિત્સા કરાવવા છતાં તેમનું મૃત્યુ થયું અને સમગ્ર રાજ-પરિવાર શોક અને ચિંતામાં ડૂબી ગયો.

Total Views: 194

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.