એક દિવસ પૃથાના મનમાં મંત્રની શક્તિની પરખ કરવાની ઉત્સુકતા જાગી ઊઠી. તેમણે સૂર્યદેવતાનું આવાહન કર્યું. સૂર્યદેવતા પોતાના સંપૂર્ણ તેજ સાથે તેમની સામે પ્રગટ થયા. કુંતી આશ્ચર્યચકિત થઈ ગયાં.

ભયથી ધ્રૂજતાં ધ્રૂજતાં તેઓ બોલ્યાં, ‘મહારાજ, મને ક્ષમા કરો. હું કંઈ પણ ઇચ્છતી નથી. હું તો માત્ર એ જોવા માગતી હતી કે આ મંત્ર કામ કરે છે કે નહિ.’

પરંતુ સૂર્યદેવતા બોલ્યા, ‘કારણ જે પણ હોય, પણ મારું કર્તવ્ય છે કે દુર્વાસા ઋષિએ આપેલા વચનનું સન્માન કરી, હું તમને એક પુત્ર પ્રદાન કરું.’

તેઓએ કુદરતી કવચ અને કુંડળથી સુશોભિત એક પુત્ર પ્રદાન કર્યો. લોકનિંદાના ભયથી કુંતીએ શિશુને એક પટારામાં રાખી ગંગાજીમાં વહાવી દીધો. તે પટારો અધીરથ નામના એક સારથિને મળ્યો. તેણે તે શિશુને પોતાના પુત્રની માફક પાળી-પોષીને મોટો કર્યો. તેનું નામ રાખવામાં આવ્યું વસુષેણ; એટલે કે ધન સાથે જન્મેલો.

વસુષેણ એક અત્યંત બળવાન તરુણના રૂપમાં મોટો થયો અને તમામ પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર ચલાવવામાં કુશળ થયો. તે સૂર્યોદય સમયથી જ સૂર્યની પૂજા શરૂ કરી દેતો અને જ્યાં સુધી તેની પીઠ તડકાથી દાઝવા ન માંડે ત્યાં સુધી પૂજા કરતો. તે બહુ ઉદાર હૃદયવાળો હતો.

તેની પાસેથી કંઈ પણ માગવાથી, જો તે આપી શકે તેમ હોય તો, જરૂરથી આપી દેતો. પૃથ્વી પર એવું કશું જ નહોતું જે વસુષેણ બ્રાહ્મણોને દાન સ્વરૂપે ન દઈ શકે.

એક દિવસ ઇન્દ્ર એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની પાસે આવ્યા અને વસુષેણ પાસે તેનું કવચ માગી લીધું. વસુષેણે એક પળનો પણ વિચાર કર્યા વિના પોતાનું કવચ ઇન્દ્રને સોંપી દીધું. વસુષેણે પોતાના શરીર સાથે જોડાયેલ તે કવચને કાપી નાખ્યું હતું, એ કારણે તે કર્ણ (કાપવાવાળો) નામથી પ્રસિદ્ધ થયો.

રાજા કુંતીભોજે પોતાની પુત્રીના સ્વયંવર માટે બધા રાજાઓને નિમંત્રિત કર્યા કે જેથી તે પોતાનો જીવનસાથી પસંદ કરી શકે. રાજાઓની એ સભામાં કુંતી રાજા પાંડુના પૌરુષયુક્ત વ્યક્તિત્વથી આકર્ષિત થઈ અને પોતાની વરમાળા તેમના જ ગળામાં આરોપી દીધી. પાંડુ ખૂબ પ્રસન્ન થયા અને પત્ની કુંતીની સાથે હસ્તિનાપુર પાછા ફર્યા.

થોડા દિવસો પછી બુદ્ધિમાન ભીષ્મે તેમનું એક અન્ય લગ્ન પણ કરાવવાનો સંકલ્પ કર્યો. તેથી તેઓ મોટી સેના લઈ મદ્રનરેશ શલ્યની રાજધાની તરફ ચાલી નીકળ્યા. ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજાએ ખૂબ વિનયપૂર્વક તેમના આવવાનું કારણ પૂછ્યું.

ભીષ્મ બોલ્યા, ‘હું પાંડુ રાજા વતી તમારી પુત્રી માદ્રીનો હાથ માગવા અહીં આવ્યો છું.’ શલ્ય બોલ્યા, ‘આપનો પ્રસ્તાવ મને ચોક્કસ જ ઉત્તમ લાગ્યો. તે માટે અમારી વંશપરંપરા મુજબ તમારે કન્યા-ધન સ્વરૂપે મોટી રકમ આપવી પડશે.’ ભીષ્મને આ બાબતમાં કોઈ તકલીફ ન હતી. તેમણે શલ્યની સામે વિવિધ રંગના હજારો હીરા-જવેરાત તથા વિશુદ્ધ સોનાના વિશાળ ખજાનાનો ઢગલો કરી દીધો. આમ, માદ્રી સાથે પાંડુનાં લગ્ન થયાં.

બંને પત્નીઓ સાથે આનંદપૂર્વક એક માસ વિતાવ્યા પછી પાંડુ મોટી સેના લઈ બધા દેશોનાં વિજય-અભિયાન પર નીકળી પડ્યા. તેમણે અનેક રાજાઓને હરાવ્યા અને તેમની પાસેથી ભેટના સ્વરૂપમાં પુષ્કળ સોનું-ચાંદી, ગાયો અને અન્ય પશુઓ મેળવી વિશ્વવિજેતા પાંડુ પોતાના પાટનગરમાં પરત ફર્યા અને ભીષ્મ વગેરે બધાને પ્રણામ કર્યા.

ત્યારબાદ ભીષ્મે સાંભળ્યું કે રાજા દેવકને ત્યાં તેની એક સુંદર યુવાન પુત્રી છે. તેના વિદુર સાથે લગ્ન કરાવ્યાં.

(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા)

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.