કઠિન પરિસ્થિતિ

હવે આ વંશ બહુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો, કારણ કે તે વંશના એકમાત્ર પુરુષ બ્રહ્મચારી ભીષ્મ જ જીવિત હતા. એટલા માટે સત્યવતીએ તેમને પોતાનું વ્રત છોડી વિવાહ કરવા અને વંશવૃદ્ધિ કરવા માટે આગ્રહ કર્યો.

ભીષ્મે ઉત્તર આપ્યો, ‘માતા, શું તમે મારી પ્રતિજ્ઞાની વાત ભૂલી ગયાં? પરંતુ હું એ નથી ભૂલ્યો. મેં લીધેલી પ્રતિજ્ઞા ક્યારેય તોડી ન શકું. હું ત્રણેય લોકનો ત્યાગ કરી શકું, હું સ્વર્ગનું રાજ્ય છોડી શકું કે પછી આ બંનેથી મોટી હોય તેવી વસ્તુનો પણ ત્યાગ કરી શકું, પણ સત્યનો ક્યારેય ત્યાગ ન કરી શકું. પૃથ્વી પોતાની ગંધનો ત્યાગ કરી શકે, જળ પોતાના રસનો ત્યાગ કરી શકે, પ્રકાશ પોતાની દૃશ્ય દેખાડવાની ક્ષમતા છોડી શકે, વાયુ પોતાના સ્પર્શનો ગુણ ત્યાગી શકે, સૂર્ય પોતાના મહિમાનો ત્યાગ કરી શકે, ચન્દ્રમા તેની શીતળતાનો ત્યાગ કરી શકે, આકાશ શબ્દ ઉત્પન્ન કરવાની પોતાની ક્ષમતા ત્યાગી શકે, વૃત્રાસુરનો નાશ કરનાર (ઇન્દ્ર) તેમની વીરતાનો ત્યાગ કરી શકે, ન્યાયના દેવતા પોતાની નિષ્પક્ષતા ત્યાગી શકે પરંતુ હું મારા સત્યને ક્યારેય ત્યાગી ન શકું.’

પછી સત્યવતીએ વ્યાસદેવને બોલાવી તેમની સલાહ લેવાનું કહ્યું. ભીષ્મ રાજી થયા. સત્યવતીએ મનમાં ને મનમાં વ્યાસદેવનું સ્મરણ કર્યું. વ્યાસદેવ તત્કાળ પ્રગટ થયા, પરંતુ માત્ર સત્યવતી જ તેઓને જોઈ શકતાં હતાં. સત્યવતીએ તેમને પોતાની કઠિન પરિસ્થિતિ બતાવી અને તેમની મદદ માટે અનુરોધ કર્યો. તેમના વરદાનના ફળસ્વરૂપે ત્રણ પુત્રો ઉત્પન્ન થયા–અમ્બિકાથી ધૃતરાષ્ટ્ર, અંબાલિકાથી પાંડુ અને અંબિકાની દાસીથી વિદુર. ત્યાર બાદ વ્યાસદેવ સત્યવતી પાસેથી વિદાય લઈ પોતાના આશ્રમમાં પાછા ફર્યા.

ત્રણ ભાઈ

આ પ્રકારે શાન્તનુના પરિવારને બે રાજકુમારો અને એક દાસીપુત્રની પ્રાપ્તિ થઈ. ભીષ્મે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનું પોતાના પુત્રોની માફક જ પાલનપોષણ કર્યું. ધૃતરાષ્ટ્ર સહુથી બળવાન હતા. પાંડુ ધનુષ-બાણ ચલાવવામાં સહુથી નિપુણ હતા અને વિદુર પોતાના શાસ્ત્ર-જ્ઞાન અને ધર્માચરણમાં કુશળ હતા. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હોવાથી પાંડુને રાજા બનાવવામાં આવ્યા.

જ્યારે તેઓ થોડા મોટા થયા તો એક દિવસ ભીષ્મે બધાને એક સાથે બોલાવીને કહ્યું, ‘આપણા વંશની ઉન્નતિ થાય, તે આશા સાથે મેં તમને લોકોને મોટા કર્યા છે. મેં સાંભળ્યું છે કે આપણા કુળને યોગ્ય ત્રણ કન્યાઓ વિવાહ માટે લભ્ય છે. તે બધી યાદવનરેશ સુભાલ અને મદ્રના રાજાની પુત્રીઓ છે. તમારો આ બાબતે શું અભિપ્રાય છે?’ સહુથી પહેલાં વિદુર બોલ્યા, ‘આપ અમારાં માતા-પિતા સમાન છો અને આપ જ અમારા ગુરુ છો, તેથી આપનો આદેશ જ અમારે માટે સર્વોપરી છે. આપ અમને જે આદેશ આપશો, તેનું અમે સૌ આનંદપૂર્વક પાલન કરીશું.’

રાજકુમારોનાં લગ્ન

ભીષ્મે બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું હતું કે સુભાલની પુત્રી ગાંધારીને ભગવાન શિવ પાસેથી સો પુત્રો પ્રાપ્ત કરવાનું વરદાન મળ્યું છે. તેમણે તત્કાળ તેમના પિતાને ધૃતરાષ્ટ્ર સાથે તેમના લગ્ન માટેનો પ્રસ્તાવ મોકલ્યો. ધૃતરાષ્ટ્ર અંધ હોવા છતાં આ લગ્ન થયું. ગાંધારીના ભાઈ શકુનીએ આ લગ્નનું અનુષ્ઠાન સંપન્ન કર્યું. આ શકુની જ આગળ જઈને મહાભારતની આ કથામાં એક ખૂબ અગત્યની ભૂમિકા ભજવનાર છે.

વસુદેવના પિતા શૂરસેન યાદવકુળના મુખિયા હતા. તેમને પૃથા નામની એક કન્યા હતી, જેઓ અનુપમ સૌન્દર્યથી સંપન્ન હતાં. તેમણે પોતાની આ કન્યાને તેમના નિ:સંતાન પિતરાઈ ભાઈ કુન્તિભોજને દત્તક આપી દીધી હતી. આમ, પૃથા કુંતીના નામથી ઓળખાવા લાગી. એક વાર તેમણે દુર્વાસા ઋષિની બહુ જ ભક્તિભાવપૂર્વક સેવા કરી. તેમની સેવાથી પ્રસન્ન થઈને ઋષિએ તેમને એક વરદાન આપ્યું હતું. આ વરદાન તેમને એક મંત્રના રૂપમાં પ્રાપ્ત થયું હતું. જેના ઉચ્ચારણથી તેમને એવા પુત્રોની પ્રાપ્તિ થઈ શકતી હતી—જે જ્ઞાન, વીરતા અને રૂપમાં દેવતા જેવા થવાના હતા.

(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા)

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.