(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા)

પાંડવોનો હસ્તિનાપુરમાં પ્રવેશ

ઋષિના શાપ પ્રમાણે પાંડુનું મૃત્યુ થયું. મૃત રાજાની સાથે માદ્રી પણ સ્વર્ગમાં જવા ઇચ્છતાં હતાં, તેથી તેઓ પણ પાંડુની સાથે તેમની ચિતામાં સતી થઈ ગયાં. હવે બાળકોના પાલન-પોષણ માટે માત્ર કુંતી જ બચ્યાં હતાં. ત્યાર પછી બહુ વિચિત્ર ઘટનાઓ ઘટી. ઋષિઓએ અંદરો-અંદર ચર્ચા-વિચારણા કરી અને કુંતી તથા પાંડુના પુત્રોની સાથે હસ્તિનાપુર જવાનો નિર્ણય કર્યો. જ્યારે તે લોકો પાટનગરમાં પહોંચ્યા તો નગરવાસીઓ આટલા બધા ઋષિ-મુનિઓને જોઈને બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયા. આ સમાચાર ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ સુધી જઈ પહોંચ્યા. તેઓ સત્યવતી, વિદુર વગેરેને સાથે લઈને તાત્કાલિક મુખ્યદ્વાર સુધી જઈ પહોંચ્યા. ભીષ્મ તથા અન્ય લોકોએ ખૂબ શ્રદ્ધા અને સન્માનપૂર્વક ઋષિઓનું સ્વાગત અને પૂજન કર્યું. ત્યાર પછી સૌથી જ્યેષ્ઠ ઋષિ બોલ્યા, ‘પાંડુ એક મહાન વ્યક્તિ હતા. તેઓ અમારી સાથે શતશૃંગ પર્વતોમાં રહીને ઘોર તપસ્યા કરતા હતા. તેઓ અમારા સહુના અત્યંત પ્રિય હતા. ત્યાં તેમના નિવાસ દરમિયાન તેઓ પાંચ પુત્રોના પિતા બન્યા. ત્રણ પુત્રો કુંતી થકી અને બે પુત્રો માદ્રી થકી થયા. પાંડુએ તેમના પુત્રો માટે બધાં જ ધાર્મિક કાર્યો સંપન્ન કરી લીધાં છે. આ લોકોએ વેદનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લીધું છે. એક અત્યંત પુણ્યશાળી જીવન વ્યતીત કર્યા બાદ પાંડુએ સત્તર દિવસ પહેલાં આ લોકમાંથી વિદાય લીધી. તેમના દેહ સાથે સતી થઈને માદ્રીએ પણ પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમે પાંડુના પુત્રો અને કુંતીને લઈને અહીં આવ્યા છીએ. તેમનું યથાયોગ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવે.’ આટલો સંદેશ સંભળાવી ઋષિઓ વનમાં પરત ફર્યા.

સમગ્ર નગર શોકમાં ડૂબી ગયું. ભીષ્મ, વિદુર અને ધૃતરાષ્ટ્ર બહુ દુઃખી થયા. પાંડુ સાથે વિતાવેલા એ દિવસોની મધુર યાદ તેઓના મનમાં તાદૃશ થઈ તેઓને અભિભૂત કરવા લાગી. ધૃતરાષ્ટ્રે વિદુરને રાજકીય શોક મનાવવા માટેની વ્યવસ્થા કરવાનું કહ્યું અને પાંડુની અંતિમક્રિયા યથાયોગ્ય સંપન્ન કરવાનો આદેશ આપ્યો. વ્યાસદેવે આવીને બધા ધાર્મિક વિધિઓનું નિરીક્ષણ કર્યું.

બધા જ ધાર્મિક વિધિઓ સંપન્ન થયા બાદ એક દિવસ વ્યાસદેવ સત્યવતી પાસે ગયા અને તેમને કહ્યું, ‘માતુશ્રી, સુખના દિવસો વીતી ગયા અને હવે મુશ્કેલીનાં વાદળો ઘેરાવાનાં છે. હવે પછી પાપની માત્રા દિવસે દિવસે વધતી જશે. તેથી તમે વનમાં જઈ પોતાનું શેષ જીવન પરમાત્માના ધ્યાનમાં વિતાવો એ જ આપના માટે ઉચિત છે. પોતાની આંખે પોતાના જ વંશનો ભયંકર વિનાશ જોવો એ આપના માટે સારું નથી.’

સત્યવતીએ ભીષ્મની અનુમતિ લઈ પોતાની પુત્રવધૂઓ સાથે વન તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને તેઓ કઠોર તપસ્યામાં ડૂબી ગયાં અને યોગ્ય સમયે પોતાના શરીરનો ત્યાગ કરી સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું.

દુર્યોધનના મનમાં ઈર્ષ્યાનું અંકુરણ

પાંડુના પુત્રો અર્થાત્ પાંડવોનું મહેલમાં રાજકીય પદ્ધતિથી પાલન-પોષણ થવા લાગ્યું. બધી જ રમતોમાં તેઓ દુર્યોધન અને તેના બધા ભાઈઓ કરતાં કુશળ અને શ્રેષ્ઠ સાબિત થતા હતા. ભીમ તે સહુને આસાનીથી હરાવી દેતો હતો. તે ખૂબ સ્ફૂર્તિથી તેમના પગ પકડીને ખેંચતો અને તેમના વાળ પકડીને જમીન પર ઘસડવા લાગતો. પાણીમાં રમતી વખતે પણ ક્યારેક ક્યારેક તેમાંના દસ ભાઈઓને પકડીને પાણીમાં ડુબાડી રાખતો. જ્યારે તેઓનો શ્વાસ રૂંધાઈ જતો ત્યારે જ તેમને છોડતો. જ્યારે તે લોકો ફળ માટે ઝાડ પર ચડતા, તો ભીમ ઝાડને જોરથી એટલું હલાવતો કે ફળની સાથે સાથે બાળકો પણ નીચે પડતાં. આ બધું બાળકોની અંદરો-અંદરની રમતોનો એક ભાગ હતો અને એની પાછળ કોઈ દુર્ભાવના ન હતી. પરંતુ દુર્યોધન મનમાં ને મનમાં ભીમ અને તેના અન્ય ભાઈઓ પ્રત્યે શત્રુતાનો ભાવ રાખવા લાગ્યો.

દુર્યોધને વિચાર્યું, ‘અમારામાંના કોઈ ભીમ જેટલા બળવાન નથી, તેથી તે જ્યારે સૂતો હોય ત્યારે હું તેને મારી નાખીશ. હું તેને ગંગાજીમાં ફેંકી દઈશ.’ આવી કપટી યોજનાને ધ્યાનમાં રાખી દુર્યોધને ગંગાજીના કિનારા પર રમવાની સુવિધા પ્રમાણેનો એક મહેલ બનાવડાવ્યો. ત્યાં અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ વ્યંજનોથી યુક્ત પકવાન બનાવવામાં આવ્યાં અને ત્યાર પછી દુર્યોધને પાંડવોને એ મહેલમાં ભોજન માટે નિમંત્ર્યા.

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.