(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા)

ગાંધારીના પુત્રો

ગાંધારીના સો પુત્રો થયા, જેમાં દુર્યોધન સહુથી મોટો હતો. ધૃતરાષ્ટ્રને તેમની એક વૈશ્ય પત્નીથી ઉત્પન્ન થયેલો યુયુત્સુ નામનો એક અન્ય પુત્ર પણ હતો. ભગવાન શિવના વરદાનથી તેમને એક પુત્રી પણ પ્રાપ્ત થઈ હતી, જેનું નામ દુસ્સલા હતું. પછીથી તેનાં લગ્ન સિંધુ દેશના રાજા જયદ્રથ સાથે થયાં હતાં.

ભીષ્મ તથા જ્ઞાની વિદુરને દુર્યોધનના જન્મના સમાચાર પહોંચાડવામાં આવ્યા. જન્મતાંની સાથે જ દુર્યોધન ગધેડાની માફક ભૂંકવા માંડ્યો હતો. તેમનો અવાજ સાંભળીને જ કેટલાંય ગીધ, શિયાળ અને કાગડા પોતાના અવાજમાં બૂમો પાડવા માંડ્યાં હતાં. તે જ સમયે ત્યાંથી એક ભયંકર આંધી ઊઠી અને વિવિધ સ્થાનોમાં આગ લાગી ગઈ. વિદુરે જાણ્યું કે આ બધાં અશુભ લક્ષણો છે અને સમગ્ર કુરુવંશના વિનાશનો સંકેત આપી રહ્યાં છે. ભવિષ્યમાં આવનારા સંકટને ટાળવા માટે વિદુરે ધૃતરાષ્ટ્રને સલાહ આપી કે તેઓ તેમના આ પુત્રને મારી નાખે. વિદુરે કહ્યું, ‘જ્ઞાની લોકો કહે છે કે સમગ્ર પરિવારની ભલાઈ માટે એક વ્યક્તિને છોડી દેવી જોઈએ, ગામની ભલાઈ માટે એક પરિવારનો ત્યાગ કરવો જોઈએ, સમાજની ભલાઈ માટે એક ગામ અને આત્માની ભલાઈ માટે બધું જ, ત્યાં સુધી કે સમગ્ર સંસારનો ત્યાગ કરી દેવો જોઈએ. મારી સલાહ છે કે ભવિષ્યમાં સંસારમાં વિનાશ કરનારા આ શિશુનો ત્યાગ કરી દેવો જોઈએ.’ પરંતુ ધૃતરાષ્ટ્ર રાજી ન થયા. તેઓ કોઈ પણ રીતે પોતાના જ્યેષ્ઠ પુત્રનો ત્યાગ કરવા તૈયાર ન હતા. તેમના આ પુત્ર પર તેમને ખૂબ પ્રેમ હતો અને તેમણે બધાંના કલ્યાણ માટે આપેલી વિદુરની એ ચેતવણીને ક્યારેય મહત્ત્વ આપ્યું નહીં.

પાંડુને શાપ

એક દિવસ જ્યારે પાંડુ જંગલમાં ફરવા ગયા ત્યારે તેમણે જોયું કે એક હરણ અને એક હરણી ક્રિડા કરતાં હતાં. તેમણે હરણી પર પાંચ તીર ચલાવ્યાં. પરંતુ દુર્ભાગ્યે પાંડુએ જેને હરણ સમજ્યું હતું, તે એક મનુષ્ય હતો. તે મહાન તપસ્વી ઋષિ કર્દમના પુત્ર હતા અને તેમની પત્નીએ હરણીનું રૂપ ધારણ કર્યું હતું. પાંડુનાં બાણોથી ખરાબ રીતે ઘાયલ થયેલ ઋષિએ પાંડુને શાપ આપ્યો કે તેમને સત્વરે ધર્મરાજ યમ પાસેથી આના માટે દંડ મળશે. તેના પરિણામે થોડા જ દિવસોમાં રાજાનું મૃત્યુ થયું. પરંતુ મૃત્યુ પહેલાં જ તેમને કુંતી થકી ત્રણ અને માદ્રી થકી બે પુત્રો પ્રાપ્ત થયા હતા. દુર્વાસા ઋષિએ આ પહેલાં કુંતીને મંત્ર આપ્યો હતો. જ્યારે કોઈ પણ દેવતાનું સ્મરણ કરીને એ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવતું ત્યારે તે દેવતાના આશીર્વાદથી કુંતીને એક પુત્રની પ્રાપ્તિ થઈ જતી હતી. લગ્ન પહેલાં જ કુંતીને સૂર્યદેવતાની કૃપાથી કર્ણની પ્રાપ્તિ થઈ ચૂકી હતી. વિશેષ કારણથી તેમણે તેનો ત્યાગ કરવો પડ્યો હતો. આપણે જેમ જોયું તેમ એ શિશુ સારથિ જાતિના અધિરથ નામની વ્યક્તિના હાથમાં જઈ પહોંચ્યો હતો.

પાંડવોનો જન્મ

પાંડુના બધા પુત્રો પાંડવના નામથી જાણીતા થયા. આ બધા પુત્રો મહર્ષિ દુર્વાસાએ કુંતીને આપેલા મંત્ર દ્વારા જન્મ્યા હતા. તેમાં સૌથી મોટા, જે ધર્મરાજ યમના આવાહન થકી ઉત્પન્ન થયા હતા, તે યુધિષ્ઠિર અથવા ધર્મપુત્રના નામથી ઓળખાયા. યુધિષ્ઠિરનો અર્થ છે; જે યુદ્ધમાં વિચલિત ન થાય, અને ધર્મપુત્રનો અર્થ છે ધર્મની પ્રતિમૂર્તિ. વાયુદેવતાના આશીર્વાદથી કુંતીને ભીમ નામનો બીજો પુત્ર પ્રાપ્ત થયો, જેનો અર્થ ખૂબ ભારે અથવા ભારેખમ અને શક્તિશાળી એવો થાય છે. પછીથી તેમને વૃકોદર (વરુ જેવા પેટવાળો) પણ કહેવામાં આવ્યા. તેનો અર્થ છે, જેની ભૂખ ક્યારેય ન મટે તે. તેમનું શરીર અત્યંત સુદૃઢ અને બળવાન હતું. જ્યારે તેઓ બાળક હતા, ત્યારે એક વાર પોતાની માતાના ખોળામાંથી સરકીને નીચે એક શિલા પર જઈ પડ્યા. આથી તે શિલાના ટુકડે-ટુકડા થઈ ગયા. ભીમ અને દુર્યોધનનો જન્મ એક જ દિવસે થયો હતો.

પાંડુ અને કુંતી થકી જન્મ લેનાર તેમનો ત્રીજો પુત્ર હતો પરમ વીર અને મહાન ધનુર્ધર અર્જુન. તેઓ એટલા શૂરવીર હતા કે તેઓ એકલા જ સમગ્ર પૃથ્વી પર વિજય મેળવી શકવા સમર્થ હતા. મંત્રના ઉચ્ચારણ સાથે ઇન્દ્રદેવનું આવાહન કરવાથી કુંતીને આ પુત્ર પ્રાપ્ત થયો હતો.

બાકીના બે પાંડવો માદ્રી થકી જન્મ્યા. કુંતીએ એ મંત્ર માદ્રીને શીખવ્યા બાદ અશ્વિની-કુમારનું આવાહન કરવાનું કહ્યું. આમ, માદ્રીને નકુલ અને સહદેવ એમ બે પુત્રોની પ્રાપ્તિ થઈ. મહાભારતની કથામાં આ પાંચેયનો ઉલ્લેખ પાંડવો તરીકે અને ધૃતરાષ્ટ્રના સો પુત્રોનો ઉલ્લેખ કૌરવો તરીકે કરવામાં આવ્યો છે.

Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.