શ્રીરામકૃષ્ણ આશ્રમ, મેડિકલ સેન્ટર

૧ એપ્રિલથી ૧૨ ઓક્ટોબર, ૨૦૧૧ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજાયેલ વિવિધ કેમ્પ તેમજ દવાખાનામાં ૩૧,૦૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો છે.

વિવેકાનંદ આઈ-કેર-સેન્ટર દ્વારા ગાંધીગ્રામ, મવડી પ્લોટ, ગીતામંદિર, પંચનાથ મંદિર જેવાં વિવિધ સ્થળોએ નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૬૦ દર્દીઓની ચકાસણી કરીને તેમાંથી ૩૩૦ દર્દીઓનાં મોતિયાનાં નિ:શુલ્ક ઓપરેશન થયાં હતાં.

સેરેબ્રલ પાલ્સી વિભાગમાં નિ:શુલ્ક કેમ્પના આયોજન વારંવાર થતા રહે છે. આ કેમ્પમાં મુંબઈના ડો.તરલ નાવડા, ડો. ધ્રુવ મહેતા, ડો. શાલિની, ડો. જયશ્રી નાયકે પોતાની સેવાઓ આપી હતી. નિયમિતરૂપે આવા ૯૮ દર્દીઓને વ્યાયામ, કસરત અને અન્ય સારવાર થેરપી કેન્દ્રના સેવકો આપે છે.

ઉપલેટામાં સેરેબ્રલપાલ્સી માટેના કેમ્પનું નિયમિત આયોજન થાય છે અને અહીંથી મેડિકલ સેન્ટરના ડોક્ટરો અને થેરપીના નિષ્ણાતો જાય છે, જેમાં ૯૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

ફિઝિયોથેરપી વિભાગમાં ૪૩ દર્દીઓ નિયમિત રીતે લાભ લે છે. આયુર્વેદિક તથા હોમિયોપથીના દવાખાનાનો લાભ દરરોજ ૫૦ દર્દીઓ લે છે.

૨૭મી સપ્ટેમ્બરે મંદિર નીચેના હોલમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વિવિધ ક્ષેત્રમાં વર્ષોથી પોતાની અમૂલ્ય સેવાઓ આપતા સેવાભાવી સ્વયં સેવકોનું અભિવાદન કરવા બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મજયંતીના ઉપક્રમે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાવિકોએ આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ પોતપોતાની આગવી દૃષ્ટિએ આપ્યો હતો અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આ વિરલ સેવાઓમાં સેવકોના પ્રદાનની વાતો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી સ્વામી સર્વસ્થાનંદ, સ્વામી પ્રભુસેવાનંદ, સ્વામી મંત્રેશાનંદ, પોરબંદરના સ્વામી ચિરંતનાનંદ, વગેરેએ કરી હતી અને સ્વયંસેવકોના આ સેવાપ્રદાનને બિરદાવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદે શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના સંક્ષિપ્ત જીવન અને સંદેશની અત્યંત સસ્તાદરની ત્રણ પુસ્તિકાઓનું વિમોચન કર્યું હતું. આ અભિવાદન સમારંભમાં દરેક સ્વયંસેવકને આ ત્રણ પુસ્તિકાઓ, સ્વામીનાં આકર્ષક ૮ આર્ટકાર્ડ અને પ્રાર્થના માટેનાં આસન અપાયાં હતાં.

૪ ઓક્ટોબર, મંગળવારે સવારે શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીશ્રી દુર્ગાપૂજાનું આયોજન થયું હતું. સવારે મંગલ આરતી પછી વિશેષ પૂજા, હવન, ભજનનો કાર્યક્રમ ભાવિકજનોએ બપોરના ૧૨ વાગ્યા સુધી માણ્યો હતો. મધ્યાહ્ન આરતી પછી મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો હતો. 

રામકૃષ્ણ મિશન, લીંબડી

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપક્રમે પૂનાના સ્વામી શ્રીકાંતાનંદજી, ચંદીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી અને શ્યામલાતાલના સ્વામી રામતત્ત્વાનંદજીની નિશ્રામાં ત્રણ દિવસનાં વ્યાખ્યાનોનો કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉપરાંત સ્વામી રામતત્ત્વાનંદજી મહારાજનાં ૨ થી ૫ સપ્ટેમ્બર સુધી ‘શ્રીરામકૃષ્ણ ચરિત માનસ’ પર વ્યાખ્યાનો યોજાયાં હતાં.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૫ સપ્ટેમ્બરે સ્વામી શ્રીકાંતાનંદજીએ ધો. ૧૧ના ૮૦૦ અને હાઈસ્કૂલ અને છાત્રાલયના બીજા ૨૨૦૦ વિદ્યાર્થીઓને ‘સ્વામી વિવેકાનંદ અને વિદ્યાર્થીઓ’ વિશે સંબોધન કર્યું હતું.  તેઓએ ૧૬ સપ્ટેમ્બરે પ્રાથમિક શાળાના ૨૫૦ શિક્ષકો અને માધ્યમિક શાળાના ૩૦૦ વિદ્યાર્થીઓને પણ સંબોધન કર્યું હતું.  તદુપરાંત તેમણે ૧૭ સપ્ટેમ્બરે માધ્યમિક શાળાના અને છાત્રાલયના બીજા ૫૦૦ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.