ભારતીય ઇતિહાસને એક વેધક કાળે રામકૃષ્ણનો જન્મ થયો હતો. ભારતીય સમાજ પર પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સભ્યતા ઝડપથી ફેલાતાં હતાં. પરંતુ શ્રીરામકૃષ્ણના દિવ્ય જીવને અને એમના આધ્યાત્મિક બોધે લોકોનાં હૈયાંને સ્પર્શ કર્યો અને એ બંનેએ લોકોની સંસ્કૃતિને અને એમના ધાર્મિક વારસાને સ્પર્શ કર્યો. અનેક સામાજિક અને ધાર્મિક નેતાઓ પર તેમની ખૂબ અસર પડી હતી.

આજે પણ શ્રીરામકૃષ્ણ જીવંત પરિબળ છે. રોજરોજ એમના વિચારો વિકસતા અને વિસ્તરતા જાય છે. એમનું જીવન અનેક ઘાટ વાળા તેજસ્વી હીરા જેવું છે અને એનો દરેક ઘાટ એમની એક એક શક્તિને પ્રગટ કરે છે. સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું કે: ‘શ્રીરામકૃષ્ણમાં કલાશક્તિ ખૂબ વિકસિત હતી અને તેઓ કહેતા કે એ શક્તિ વિના કોઈ ખરું આધ્યાત્મિક બની શકે નહીં.’ ભલે મોટા ભાગનો સમય  રામકૃષ્ણ ઈશ્વર મસ્ત રહેતા પણ, એમના જીવન સાથે કલાશક્તિ ઓતપ્રોત થઈ ગઈ હતી.

ચિત્રકાર તરીકે શ્રીરામકૃષ્ણ

શ્રીરામકૃષ્ણ નાના બાળ હતા ત્યારે પોતાની પરિણીત બહેનને ત્યાં એ ગયા હતા. એ બહેન કેટલા આનંદપૂર્વક પતિસેવા કરતી અને એમના પતિ એથી કેટલા સંતુષ્ટ રહેતા તે જોઈ એ સંતુષ્ટ દંપતીનું ચિત્ર રામકૃષ્ણે દોર્યું અને તેમને ભેટ આપ્યું. એટલું તો જીવંત હતું કે એ જોઈ લોકો નવાઈ પામી ગયા.

પૂર્ણતા માટેની કલાકારની દૃષ્ટિ શ્રીરામકૃષ્ણ પાસે હતી. વધારામાં, જુદા જુદા લોકોની દૈહિક લાક્ષણિકતાઓથી એ પરિચિત હતા. દેવદેવીઓની મૂર્તિઓ બનાવનાર એક શિલ્પીને ત્યાં, કામારપુકુરમાં, એકવાર એ ગયા. એ શિલ્પી દેવદેવીઓની માટીની મૂર્તિઓ ઘડતો હતો. એ શિલ્પી દેવદેવીઓની આંખો બરાબર રંગતો ન હતો તે શ્રીરામકૃષ્ણે ચીંધી બતાવ્યું. એમણે કહ્યું કે, ‘દેવોની આંખો કમલાકાર હોવી જોઈએ. એ પ્રલંબ અને કાન તરફ જતી હોવી જોઈએ.’ પછી પીંછી અને રંગ વડે એમણે નિદર્શન આપ્યું અને કલાકાર નવાઈ પામી ગયો. પાછલાં વર્ષોમાં, દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડાની પરસાળમાં ચિત્રો દોરવા માટે એ કોલસાનો ઉપયોગ કરતા.

શિલ્પી તરીકે શ્રીરામકૃષ્ણ

કામારપુકુરમાં છોકર-અવસ્થામાં હતા ત્યારે શ્રીરામકૃષ્ણ દેવદેવીઓની માટીની મૂર્તિઓ બનાવતા. દક્ષિણેશ્વરમાં પણ આ પ્રવૃત્તિ એમણે કેવી રીતે ચાલુ રાખી હતી તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે:

ગંગાને તળિયેથી માટી લઈને, નંદી, ડમરુ અને ત્રિશૂળ સાથેની શિવની મૂર્તિ બનાવી… એ મૂર્તિની એ પૂજા કરતા હતા તેવામાં ફરતા ફરતા મથુરબાબુ ત્યાં આવી ચડયા, ખૂબ ઊંડા ધ્યાનપૂર્વક ઠાકુર કોની પૂજા કરે છે એ જિજ્ઞાસાથી પ્રેરાઈ, એ પાસે ગયા અને જુએ છે તો નાની પણ સુંદર મૂર્તિ છે. મથુરબાબુ ચક્તિ થઈ ગયા. આવી મૂર્તિ બજારમાં નથી મળતી તે એ જાણતા હતા. જાણવાની આતુરતાથી એમણે હૃદયને પૂછ્યું: ‘આ મૂર્તિ ક્યાંથી મળી? કોણ બનાવે છે?’ દેવદેવીઓની મૂર્તિઓ બનાવતાં અને તૂટેલી મૂર્તિઓને સાંધતાં ઠાકુરને આવડે છે તે જાણી મથુરબાબુ આશ્ચર્યચક્તિ થઈ ગયા. પૂજા પૂરી થયા પછી એ મૂર્તિ પોતાને આપવા મથુરબાબુએ હૃદયને કહ્યું. હૃદયે હા પાડી અને, ઠાકુરની મંજૂરીથી, પૂજા પૂરી થયા પછી એ મૂર્તિને એ મથુર પાસે લઈ ગયો. મથુરબાબુએ એ મૂર્તિનું બારીક નિરીક્ષણ કર્યું અને આભા થઈ ગયા. પછી એણે રાણીને જોવા માટે એ મૂર્તિ મોકલાવી. મૂર્તિ ઘડનારની એમણે પ્રશંસા કરી અને, ઠાકુરે એ બનાવી છે તે જાણી, મથુરબાબુની માફક એ પણ નવાઈ પામી ગયાં.

ઓગસ્ટ ૧૮૫૫માં, રાધાકાંતના મંદિરનો પૂજારી દેવમૂર્તિને લઈ જતાં લપસી ગયો અને કૃષ્ણની પ્રતિમાનો એક પગ એ અકસ્માતમાં ભાંગી ગયો. હિન્દુ રૂઢિ અનુસાર ખંડિત મૂર્તિની પૂજા કરી શકાય નહીં; એને ગંગામાં પધરાવી દેવી જોઈએ. કૃષ્ણની નવી મૂર્તિ બનાવવા માટે આદેશ આપ્યો પરંતુ, રાણી રાસમણીને જૂની મૂર્તિ ગમતી હતી અને એ મૂર્તિને જ રાખવા એ ઇચ્છતાં હતાં. રાણીએ પંડિતોના અભિપ્રાય માગ્યા. સૌએ કહ્યું કે મૂર્તિ બદલાવવી જ જોઈએ. પણ રામકૃષ્ણે કહ્યું કે, ‘રાણીના કોઈ જમાઈનો પગ ભાંગે તો શું રાણી એને તરછોડી બીજો જમાઈ લાવશે?’ આ બાબતે પણ તેમજ થવું જોઈએ. પ્રતિમાની ખોડ દૂર કરો અને પહેલાંની જેમ તેનું પૂજન કરો. પ્રતિમાને શા માટે ફેંકી દેવી જોઈએ?’ પછી શ્રીરામકૃષ્ણે જાતે જ ચતુરાઈપૂર્વક એ મૂર્તિનો પગ પાછો બેસાડ્યો અને એની પૂજા ચાલુ રહી. દુર્ભાગ્યે આ જૂની પ્રતિમા ૧૯૨૯માં ફરી ખંડિત થઈ અને મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્ય વેદી પર નવી મૂર્તિની પધરામણી કરી અને કૃષ્ણમંદિરની ડાબી બાજુના ઓરડામાં ખંડિત મૂર્તિને રાખી.

નૃત્યકાર તરીકે શ્રીરામકૃષ્ણ

બાળકો કે યુવાનો નૃત્ય કરતાં હોય ત્યારે, એમનું હલનચલન નિરંકુશ અને છટાદાર હોય છે; પણ મોટેરાંઓ નાચે ત્યારે, એમનું હલનચલન સભાન અને ઢંગ વગરનું બની જાય છે. સ્વામી શારદાનંદે લખ્યું છે કે:

અમે ઠાકુરને પહેલી વાર મળ્યા ત્યારે એ આશરે ઓગણપચાસ વર્ષના હતા. અમે ઠાકુરથી પરિચિત થયા તે પહેલાં માનતા હતા કે, બાળકોને નાચતાં ને નખરાં કરતાં જોવાં લોકોને ગમે છે પણ, કોઈ ધીંગો માણસ એમ કરે તો એ ત્રાસદાયક લાગે છે. ‘યુવાન નાચનારીની જેમ ગેંડાને નાચતો જોવો કોઈને ગમે ખરું?’ એમ વિવેકાનંદ કહેતા. અમે ઠાકુર પાસે ગયા તે પછી અમારો મત બદલવો પડ્યો હતો. ઠાકુર વયમાં વધેલા હતા તે છતાં એ નૃત્ય કરતા, ગાતા અને અભિનય કરતા ત્યારે એ સઘળું કેવું તો મધુર અને સુંદર હતું! ગિરીશ એકવાર બોલ્યા હતા કે: ‘કોઈ મોટી વયનો નાચે ત્યારે આટલો સુંદર દેખાય એ સ્વપ્ને પણ ધાર્યું ન હતું!’

સ્વામી શારદાનંદે એકવાર મણિ મલ્લિકને ત્યાં શ્રીઠાકુરને નૃત્ય કરતા જોયા હતા. એમણે જણાવ્યું છે:

ઠાકુરના પ્રત્યેક અંગમાંથી માધુર્ય અને સિંધુ સમા બળનું અદ્ભુત મિશ્રણ હતું. એમના મુખ પર દિવ્ય હાસ્ય વિલસતું હતું. કેવું અદ્ભુત નૃત્ય! એમાં જરાય કૃત્રિમતા કે દંભ ન હતાં – ઠેકડા ન હતા, અસ્વાભાવિક મુદ્રાઓ ન હતી, કસરત ન હતી. તેમજ, સંયમનો અભાવ પણ જરાય વર્તાતો ન હતો. ઉલટું, ઠાકુરના નર્તનમાં પ્રાકૃતિક અભિનયની તાલબદ્ધતા, અને ગતિ હતાં; એમનાં પ્રખર આનંદ, માધુર્ય અને ભાવાવેશમાંથી એ પ્રગટતાં હતાં. એક વિશાળ, સ્વચ્છ સરોવરમાં સેલારા લેતા મહામચ્છ જેવું અનન્ય એમનું નૃત્ય હતું. બ્રહ્મના આનંદસાગરમાં મસ્ત ઠાકુર પોતાની ભીતરની લાગણીઓને વ્યક્ત કરવા નૃત્ય કરી રહ્યા હતા.

ગાયક તરીકે શ્રીરામકૃષ્ણ

‘સંગીત પયગમ્બરોની કલા છે’, એમ માર્ટિન લ્યૂથરે કહ્યું છે. શ્રીરામકૃષ્ણને ૧૮૧ ગીતો કંઠસ્થ હતાં ને એ સઘળાં એક જ વાર સાંભળીને એમણે કંઠસ્થ કર્યાં હતાં. એમનો અવાજ મીઠો અને સુરીલો હતો; એમને ગાતા સાંભળવા તે લોકોને ગમતું. કાલી મંદિરે રાણી રાસમણિ જેટલી વાર આવે તેટલીવાર, એ શ્રીરામકૃષ્ણને માતાજીનાં ભજનો ગાવા કહે.

રામલાલ કહેતા કે: ‘ગાતાં કોઈ તાલભંગ કરે તો, ઠાકુર બરાડી ઊઠે, ‘ઓહ, ઓહ.’ પણ ગાનાર ભક્તિપૂર્વક અને ઊંડા ભાવથી ગાય તો, આવી કોઈ ક્ષતિ ઠાકુરને ખલેલ ન પાડતી. એમને રાગરાગિણીમાં કે સંગીતના શાસ્ત્રમાં રસ ન હતો. ઠાકુર ભાવસમાધિમાં ગાતા અને એમનો કંઠ કોમળ, મીઠો અને સુરીલો હતો. કોઈવાર ગાતાં ગાતાં એ પોતાનું આનંદદાયક પદ પણ જોડી દેતા. ગાતી વેળા ઘણીવાર સમાધિમાં સરી પડતા એમને મેં જોયા છે. કોઈવાર એ મને કે સ્વામીજીને ગાવાનું કહે અને, સાંભળતાં સાંભળતાં વળી સમાધિમાં સરી પડે.’

અભિનેતા તરીકે શ્રીરામકૃષ્ણ

સ્વામી શારદાનંદે લખ્યું છે કે:

એ સમયે કામારપુકુરમાં ત્રણ યાત્રા મંડળીઓ હતી, એક બાઉલ મંડળી હતી અને એકાદ જોડ કવિઓ હતા. ઉપરાંત, વૈષ્ણવો ઘણા રહેતા હતા અને એ સૌ ભાગવત વાંચતા અને રોજ સાંજે પોતાને ઘેર કીર્તન કરતા. ગદાધરે પોતાના બાળપણથી આ સંગીત નાટકો, ગીતો અને કીર્તનો સાંભળ્યાં હતાં, અને એ સઘળાં કંઠસ્થ કર્યાં હતાં. સ્ત્રીઓના આનંદ ખાતર એક દહાડે એ નાટકો (યાત્રાઓ)ના સંવાદો બોલે, બીજે દહાડે બાઉલ ગીતો ગાય અને કોઈ દહાડે વળી, એ કવિઓની રચનાઓ કે કીર્તનો લલકારે. નાટક રજૂ કરતાં એ બધા પાઠ કરે અને પાત્રાનુસાર પોતાનો અવાજ બદલે. પોતાનાં માને કે બીજી કોઈ સ્ત્રીને એ થોડાં મૂંઝાયેલાં અને ચિંતિત જુએ તો, કોઈ નાટકના વિદૂષકનો પાઠ એ ભજવે અથવા, ગામની કોઈ જાણીતી વ્યક્તિની હાલચાલની અને બોલવાની નકલ એ કરે અને સૌને પેટ પકડીને હસાવે.

ગદાધરની આ અભિનય કલા જોઈને, એમના કેટલાક મિત્રોએ સૂચન કર્યું કે, ‘ચાલો આપણે યાત્રા મંડળી બનાવીએ અને તું અમને શીખવ.’ પણ પોતાના વડીલો વિરોધ કરશે એમ જાણતા છોકરાઓ પૂર્વાવર્તન (રિહર્સલ) માટે શાંતિભર્યું સ્થાન શોધવાની ચિંતામાં પડયા ત્યારે શીઘ્ર્રબુદ્ધિ ગદાધરે માણિકરાજાનું આંબાવાડિયું સૂચવ્યું અને, શાળાએથી ગાપચી મારી અમુક મુકરર સમયે સૌએ રોજ પહોંચી જવું એમ તેમણે નક્કી કર્યું.

તરત જ યોજનાનો અમલ કરવામાં આવ્યો. રામ અને કૃષ્ણના જીવન આધારિત નાટકોનાં ગીતો અને પોતાના પાઠો બધા છોકરાઓએ તરત કંઠસ્થ કર્યા અને એમના ખેલથી આંબાવાડિયું આખું ગુંજી ઊઠ્યું. અલબત્ત, એ નાટકોના દરેક પાસાનું નિદર્શન કરવા તથા મુખ્ય પાઠો ભજવવા માટે ગદાધરને પોતાની સર્જનશક્તિનો ઉપયોગ કરવો પડ્યો હતો. પોતાની આ નાનકડી મંડળી સરસ કાર્ય કરી રહી છે તે જાણી એ છોકરાઓ ખૂબ રાજી થયા હતા. આંબાવાડિયામાં નાટક કરતાં ગદાધરને ભાવસમાધિનો અનુભવ થતો એમ કહેવાય છે.

કામારપુકુરમાં એકવાર શિવરાત્રીના તહેવાર પ્રસંગે શિવનો પાઠ ભજવનાર મુખ્ય અભિનેતા જ માંદો પડી ગયો. ગ્રામજનોએ એ પાઠ કરવા ગદાધરને કહ્યું અને એ રીતે એમને શણગારવામાં આવ્યા. એ જેવા તખ્તા પર ચડયા તેવા જ એ સમાધિમાં સરી પડયા. સાચા અભિનેતાની માફક એ પાત્રની સાથે એક થઈ ગયા.

(સ્વામી ચેતનાનંદજીના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘How to Live with God’ ના કેટલાક અંશો)

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.