(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં)

ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે. શ્રીમા આ ત્રણેય ગુણ-સંપન્ન હતાં, પરંતુ તેઓ વિના કારણે તેનું પ્રગટીકરણ કરતાં નહીં. તેઓ સર્વજ્ઞ હતાં, સાથે સાથે સર્વવિદ્ પણ હતાં. તેઓ પોતાના શિષ્યોનાં ભૂત, વર્તમાન અને ભાવિથી સુમાહિતગાર હતાં અને તેમને અધ્યાત્મ માર્ગે કૃતાર્થ થવા પરિચાલિત કરતાં, તેઓ અન્ય સમક્ષ તેમની ક્ષતિ બતાવીને મૂંઝવી દેતાં નહીં. દોષ-દર્શન તેમના સ્વભાવમાં ન હતું. તેઓ પોતાના માતૃપ્રેમ અને વાત્સલ્ય દ્વારા શિષ્યોનાં ભય અને ભ્રમને દૂર કરી, ત્યાર બાદ આશ્વાસન આપતાં. શ્રીમાનો દિવ્યભાવ જોઈને તેમાંના ઘણા અભિભૂત થઈ ગયા હતા.

વેદાંતના મત મુજબ પૂર્ણ સત્ય મન-વાણીથી અગોચર છે, પરંતુ શુદ્ધ વિવેકબુદ્ધિથી નહીં. મનુષ્ય શ્રદ્ધા-વિશ્વાસ અને વિવેકબુદ્ધિથી પરિચાલિત થાય છે, અન્ય શબ્દોમાં હૃદય અને મસ્તિષ્કથી માનવબુદ્ધિ સત્યનો માર્ગ કંડારે છે અને હૃદય તેને આગળ ધપાવે છે. પાસ્કલે કહ્યું છે, ‘આપણે સત્ય જાણીએ છીએ—બુદ્ધિથી નહીં, પણ હૃદયથી.’ જ્યારે માત્ર બુદ્ધિથી સત્યને પિછાણવાનો કોઈ પ્રયાસ કરે ત્યારે નિ:શંકપણે અસફળ નિવડે છે, કારણ કે બુદ્ધિને મર્યાદા છે. સત્યની પરીક્ષા અનુભૂતિ દ્વારા થાય. શ્રીમાના જીવનના કેટલાક પ્રસંગો છે, જેને સમજાવી શકાતા નથી, પરંતુ વાચકો સમક્ષ એમના પોતાના નિર્ણય અર્થે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

દક્ષિણેશ્વરના નોબતખાનાના નિવાસકાળના પ્રારંભિક દિવસોમાં શ્રીમા અને ઠાકુરનાં દર્શને યોગિનમા સપ્તાહમાં એક વાર આવતાં. યોગિનમા કોલકાતાના પોતાના નિવાસસ્થાને નિત્ય શિવપૂજન કરતાં અને પૂજન નિમિત્તે બિલ્વપત્રનો ઉપયોગ કરતાં. તેઓ દક્ષિણેશ્વરના ઉદ્યાનમાંથી તાજાં બિલ્વપત્ર ચૂંટીને કોલકાતા લઈ જતાં. બીજા દિવસે પૂજનકાળે તે બિલ્વપત્ર સુકાઈ જતાં. એક દિવસ શ્રીમાએ તેમને પૂછ્યું, ‘યોગિન! તમે સૂકાં બિલ્વપત્રથી શિવપૂજન કરો છો?’ વિસ્મિત થઈને યોગિનમાએ પ્રત્યુત્તર આપ્યો, ‘હા, એવું કરું છું, મા! તમને કેમ કરીને ખબર પડી?’ શ્રીમાએ શાંતિપૂર્વક કહ્યું, ‘સવારમાં ધ્યાન કરતી વખતે મેં જોયું કે તમે સૂકાં બિલ્વપત્રથી પૂજન કરી રહ્યાં છો.’

૨૦ સપ્ટેમ્બર, ૧૯૧૮ના રોજ સાયંકાળે સરયુબાલા સેન ઉદ્‌બોધન ભવનમાં આવ્યાં. મંદાકિની શ્રીમાની પીઠ પર તેલ ઘસતી હતી. નલિની તેમજ અન્ય સ્ત્રીઓ શ્રીમા સમીપ બેઠી હતી. તે વખતે શ્રીમા યોગિનમા અને ગોલાપમાનાં દર્શન અને આધ્યાત્મિક અનુભૂતિઓની પ્રશંસા કરી રહ્યાં હતાં. નલિની બોલી, ‘કાકી, હું સાંભળું છું કે ઘણાંને ગહન ધ્યાન અને દર્શન થાય છે, પણ મને તેમાંના કશાયનો અનુભવ થતો નથી. હું તમારી સાથે ઘણા લાંબા કાળથી રહેતી આવી છું, પરંતુ મને શું પ્રાપ્ત થયું?’ શ્રીમાએ જવાબ આપ્યો, ‘તને શાથી આવી અનુભૂતિઓ થતી નથી? લોકોને આવી અનુભૂતિઓ થાય છે, કેમ કે તેમનામાં શ્રદ્ધા-ભક્તિ છે. જો, શ્રદ્ધા-ભક્તિ અતિ આવશ્યક છે. શું તારામાં છે?’ નલિનીએ કહ્યું, ‘કાકી, લોકો કહે છે કે તમે સર્વજ્ઞ છો, શું એ સાચું છે? વારુ, મારા મનમાં શું છે તે તમે કહી શકશો?’ શ્રીમાએ સ્મિત કર્યું. જ્યારે નલિનીએ આગ્રહ કર્યા કર્યો ત્યારે શ્રીમા બોલ્યાં, ‘લોકો પોતાની ભક્તિને કારણે એવું કહે છે.’

શ્રીમાએ આગળ કહ્યું, ‘હું કંઈ જ નથી, ઠાકુર સર્વસ્વ છે.’ શ્રીમાએ હાથ જોડ્યા અને ઠાકુરના ફોટા સમક્ષ નમન કર્યું અને કહ્યું, ‘તમે બધા ઠાકુરને પ્રાર્થના કરો કે મારામાં અહંકારનો લેશમાત્ર ન હોય.’ ત્યારે ઢાકાથી આવેલ એક સ્ત્રી બોલી, ‘મારું સંતાન કહે છે, ‘શ્રીમાને હું શું સંબોધન કરું? તે જગદંબા છે, જગજ્જનની છે. તે દરેકના મનની વાત જાણે છે.’ સરયુબાલાએ જવાબ આપ્યો, ‘આપણામાંના ઘણાય શ્રીમાને ‘જગજ્જનની’ કહીને બોલાવે છે, પરંતુ આપણી ધારણાની વ્યાપ્તિ કેટલી છે તે તો ઈશ્વર જ જાણે. આપણા જેવા નાસ્તિકો જ્યારે શ્રીમાની દિવ્યતાનો ઢંઢેરો પીટે એ તો એક જાતનું પોપટિયું ઉચ્ચારણ છે.’ શ્રીમાએ સસ્મિત વદને કહ્યું, ‘બેટા, તું સાચી છે.’

સરયુબાલાએ કહ્યું, ‘મા સાક્ષાત્‌ દેવી છે. જો મા કરુણાવશ આપણને ન જણાવે તો શું એવું જ્ઞાન થવું સંભવે છે? અહંનો પૂર્ણનાશ એ માની દિવ્યતાની પુરાવાજનક સાબિતી છે. મનુષ્ય અહંકારથી ભરેલો છે. દરરોજ આપણે સેંકડો લોકોને શ્રીમા સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરતા જોઈએ છીએ અને તે સૌ શ્રીમાને ‘લક્ષ્મીદેવી’, ‘જગદંબા’ એમ કહીને બોલાવે છે. જો તે સામાન્ય માનવ હોય તો ક્યારનાંય અહંકારથી ફૂલાઈ ગયાં હોત. શું આટલો આદરભાવ સહન કરવાનું માનવનું સામર્થ્ય છે?’ શ્રીમાએ રાજી થઈને સરયુબાલા તરફ જોયું. શ્રીમાનાં નેત્રો કૃપાપૂર્ણ થઈ ગયાં હતાં.

પ્રફુલ્લ ગંગોપાધ્યાયે સ્મરણ કરતાં લખ્યું છે:

એક વાર હું ઠાકુરને પ્રસાદ ધરાવતો હતો, ત્યારે એની ઉપર તેજની વૃષ્ટિ થતી મને દેખાઈ. આનો ઉલ્લેખ કરીને મેં શ્રીમાને પૂછયું, ‘મા, મારો એ અનુભવ કેવળ તરંગ છે કે સત્ય છે? જો તરંગ હોય તો હું એમાંથી મુક્ત થાઉં એમ કરો.’ થોડો વિચાર કરી શ્રીમા બોલ્યાં, ‘ના, બેટા! એ બધું સાચું છે.’ પ્રફુલ્લે પૂછ્યું, ‘મને શું દેખાય છે તે આપ જાણો છો?’ શ્રીમાએ કહ્યું ‘હા.’ પ્રફુલ્લે કહ્યું, ‘ઠાકુરને ધરાવું છું તે પ્રસાદ તેમને પહોંચે છે ખરો? આપને ધરાવું તે પણ, આપને પહોંચે છે ખરો?’ શ્રીમા બોલ્યાં, ‘હા.’ પ્રફુલ્લે પૂછ્યું, ‘મારે આ કેવી રીતે જાણવું?’ શ્રીમાએ જવાબ આપ્યો, ‘કેમ? તેં ગીતામાં વાંચ્યું નથી કે પત્ર, પુષ્પ, ફળ કે જળ—જે કંઈ પણ ભક્તિપૂર્વક અપાતું હોય, તે ભગવાન ગ્રહણ કરે છે?’ આ ઉત્તરથી આશ્ચર્ય પામી પ્રફુલ્લ બોલ્યો, ‘તો આપ ભગવાન છો?’ આ સાંભળી શ્રીમા ખડખડાટ હસી પડ્યાં. અમે પણ એ હાસ્યમાં જોડાયાં.

૧૩ નવેમ્બર, ૧૯૧૩નો દિવસ હતો. સંધ્યા આરતી બાદ શ્રીમા ઉદ્‌બોધનમાં પથારીમાં આડાં પડ્યાં હતાં. યોગિનમા ત્યાં ઉપસ્થિત હતાં. શ્રીમા તંદ્રાવસ્થામાં હતાં. એકાએક તેઓ જાગી ઊઠ્યાં અને કહ્યું, ‘શું પૂર્ણનો દેહાંત થયો, યોગિન?’ આ પ્રશ્ન સાંભળીને યોગિનમાને આશ્ચર્ય ઊપજ્યું અને પૂછ્યું, ‘મા! તમને આવું કોણે કહ્યું?’ શ્રીમાએ પ્રત્યુત્તર આપ્યો, “હું સૂતી હતી. મેં એકાએક કોઈકને કહેતા સાંભળ્યા, ‘પૂર્ણ મૃત્યુ પામ્યો છે.’ ત્યાર બાદ યોગિનમાએ સુનિશ્ચિત કરતાં કહ્યું, ‘હા, મા! આજે બપોર બાદ પૂર્ણ મૃત્યુ પામ્યો. મા, મેં તમને જણાવ્યું ન હતું.’” તે દિવસે સાંજના સમયે શ્રીમાએ પૂર્ણ વિશે વાતો કરી અને દુ:ખ પ્રગટ કર્યું.

લાલમોહનને (સ્વામી કપિલેશ્વરાનંદ) શ્રીમા પાસેથી દીક્ષા લીધા બાદ થોડા દિવસો પછી મનમાં સંદેહ થયો: ‘આ મેં શું કર્યું? હાય, મેં એક સ્ત્રી પાસેથી દીક્ષા લીધી.’ ધીમે ધીમે આ વિચારે ગંભીર માનસિક સંતાપ ઉપજાવ્યો. અંતમાં તેમણે નિર્ણય કર્યો કે જો ઠાકુર માનસિક સંઘર્ષને દૂર ન કરે તો મંત્રનો ત્યાગ કરવો. બીજા દિવસે સ્વામી પ્રેમાનંદે લાલમોહનને શ્રીમા માટે દૂધ લઈને બેલુર મઠમાંથી ઉદ્‌બોધન મોકલ્યા. જેવા લાલમોહને પ્રણામ કર્યા કે તરત જ શ્રીમા બોલ્યાં, ‘જુઓ, મેં તમને મંત્ર આપ્યો નથી. ઠાકુરે જ તમને મંત્ર આપ્યો છે.’ થોડા દિવસો બાદ ફરી પાછો સંદેહ જાગ્યો. તેમણે વિચાર્યું, ‘જો હરેનબાબુ મને કહે કે તેમને શ્રીમા પાસેથી શક્તિ મળી છે તો જ હું માનીશ કે મને ઠાકુર પાસેથી મંત્ર મળ્યો છે.’

થોડા દિવસો બાદ ઠાકુરના જન્મોત્સવ પ્રસંગે હરેનબાબુ શ્રીમાને પ્રણામ કરવા ઉદ્‌બોધન ગયા અને ત્યાર બાદ બેલુર મઠ ગયા. તેમણે લાલમોહનને કહ્યું, ‘મને આજે શ્રીમા પાસેથી અલૌકિક શક્તિ સાંપડી છે.’ હવે લાલમોહન શંકામુક્ત થયા. સિલહટ નિવાસી ક્ષીરોદબાલા રોય વિધવા યુવતી હતાં. તેઓ શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લેવા માટે ઉદ્‌બોધન આવ્યાં. તેમના દિયર શ્રીમાના શિષ્ય હતા. નક્કી થયું હતું કે ક્ષીરોદબાલા બીજે દિવસે સવારે મંત્રદીક્ષા લેશે. તેમના દિયર તેમની સાથે આવવાના હતા. પરંતુ શ્રીમાએ સાંજના વખતે તે દિયરને કહ્યું કે ક્ષીરોદબાલા આવતીકાલે બીમાર પડશે, તેથી તેની દીક્ષા પછીના દિવસે થશે. ઉદ્‌બોધનથી પાછા આવ્યા બાદ ક્ષીરોદબાલાને ફેર ચડવા માંડયા. બીમાર હોવા છતાં તેઓ તૈયાર થયાં. નિયત સમયે તેમના દિયર ન આવ્યા. બપોરે આવીને તેમણે ક્ષીરોદબાલાને શ્રીમાએ આગલી સાંજે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.

બીજા દિવસે સવારે ક્ષીરોદબાલા અને તેમના દિયર શ્રીમા પાસે ગયાં. તે દીક્ષા નિમિત્તે ફળ, મીઠાઈ, પુષ્પો, બિલ્વપત્ર અને નવી સાડી લઈ ગયાં હતાં. તેમણે જોયું કે શ્રીમા દ્વાર પર તેમની પ્રતીક્ષા કરતાં ઊભાં છે. શ્રીમા તરત જ તેમને મંદિરમાં લઈ ગયાં અને આસન પર બેસવા કહ્યું. પાછા જવાના ભાડા માટે ક્ષીરોદબાલાએ તેમના વસ્ત્રના છેડે બે રૂપિયા બાંધ્યા હતા. જેવાં તે આસન પર બેસવા જતાં હતાં કે તરત જ શ્રીમાએ કહ્યું, ‘બેટા, કામ-કાંચન ત્યાગી ઠાકુર સમીપ તું આશ્રય ગ્રહણ કરવા આવી છે. તારી સાડીના છેડે બે રૂપિયા બાંધ્યા છે. તે તું કાઢી લે.’ તરત જ ક્ષીરોદબાલાએ બે રૂપિયા કાઢી નાખ્યા અને બાજુમાં ભોંય પર રાખી દીધા. ત્યાર બાદ શ્રીમાએ મંત્રદીક્ષા આપી અને આશ્વાસન આપતાં કહ્યું, ‘ગભરાઈશ નહીં. હવે તારો પુનર્જન્મ થયો છે. તારા પૂર્વજન્મોનાં કર્મોનાં પરિણામ મેં ગ્રહણ કરી લીધાં છે. હવે તું વિશુદ્ધ અને નિષ્પાપ થઈ છે.’

જ્યારે ગોકુલદાસ ડે વિદ્યાર્થી હતા ત્યારે ૧૯૦૯માં શ્રીમાને ઉદ્‌બોધનમાં મળ્યા હતા. તેમણે સારદાનંદ પાસે શ્રીમાનો ફોટો માગ્યો. સ્વામીએ તેમને કહ્યું કે જો તેઓ તેની નિત્યપૂજા કરવાના હોય તો આપે. ગોકુલદાસ તે વખતે બર્માના રંગૂન શહેરમાં બી.એ.નો અભ્યાસ કરતા હતા, તેથી તેમણે ફોટો ન લેવાનું નક્કી કર્યું. રજાના દિવસો બાદ જ્યારે તેઓ રંગૂન ગયા ત્યારે ત્યાં અત્યંત બીમાર થઈ ગયા અને જીવવાની આશા સુધ્ધાં છોડી દીધી. છતાંય તેમણે શ્રીમાની ઉપસ્થિતિની અનુભૂતિ કરી અને ક્રમશ: સ્વાસ્થ્ય સુધરતું ગયું.

ઓક્ટોબર, ૧૯૧૧માં તેમણે અભ્યાસમાંથી થોડો અવકાશ મેળવ્યો અને કોલકાતા પાછા આવ્યા. તે સમયગાળામાં શ્રીમાએ તેમને ગીતાપાઠ અને ચંડીપાઠ કરવાનું શીખવ્યું. તેઓ ઉદ્‌બોધનમાં શ્રીમાનાં દર્શને નિયમિત આવવા લાગ્યા. તેમને લાગ્યું કે શ્રીમાની કૃપાથી તેઓ બીમારીમાંથી ઊગરી ગયા છે.

એક દિવસ તેઓ ગંગા કિનારે ભ્રમણ કરવા ગયા ત્યારે તેમણે શ્રીમાને ઘાટનાં નીચેનાં પગથિયાં પર જપ કરતાં જોયાં. તેઓ થોડે દૂરથી ધીમા સ્વરે ચંડીનો શ્લોક રટી રહ્યાં હતાં. શ્રીમા ગોકુલદાસ તરફ ફર્યાં, હસ્ત ઊંચા કર્યાં અને તેમને આશીર્વાદ આપ્યાં અને પાછાં જપમાં મગ્ન થઈ ગયાં.

એક દિવસ શ્રીમાના પગે સંધિવાના દર્દમાં વપરાતા તેલની માલિશ કરતી વખતે સ્વામી અપૂર્વાનંદે શ્રીમાના દર્દને પોતાના દેહમાં લઈ લેવા માટે નીરવ પ્રાર્થના કરી, જેથી શ્રીમા રોગમુક્ત થાય. શ્રીમા જરાક હસ્યાં અને પછી તેમને કહ્યું, ‘બેટા, તું શું વિચારે છે? તું લાંબુ જીવ. હું વૃદ્ધ છું. હું હવે કેટલું જીવીશ? તારે એવું વિચારવું જોઈએ નહીં. ઠાકુર તને દીર્ઘાયુષ્ય બક્ષે.’ આમ બોલીને શ્રીમાએ પોતાના હાથ અપૂર્વાનંદના મસ્તક પર મૂક્યા અને આશિષ આપ્યા.

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.