(૬ માર્ચ, ૧૯૮૯ના રોજ શ્રીરામકૃષ્ણ જયંતીના ઉપલક્ષ્યમાં બેલુર મઠના પ્રાંગણમાં આયોજિત સભાના અધ્યક્ષ સ્થાનેથી રામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજે બંગાળીમાં આપેલ વ્યાખ્યાનનો હિન્દી અનુવાદ સુવિમલ ચેટર્જીએ કર્યો હતો. એનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

આજે શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મતિથિ છે. એટલે આજે આપણે આ પુણ્યતીર્થ બેલુર મઠમાં એકત્ર થયા છીએ અને એમના જીવન પર ચિંતન કરવામાં થોડો સમય ગાળવાનો પ્રયત્ન કરીશું. આ ચિંતન કેવળ આજે જ નહિ પણ યુગો સુધી ચાલતું રહેશે અને એના માધ્યમથી જ આપણને બધાને પોતાના જીવનની પરમ સાર્થકતા પ્રાપ્ત થશે. શ્રીરામકૃષ્ણની ચર્ચા કરતી વખતે મારું તાત્પર્ય કોઈ વ્યક્તિવિશેષ કે કોઈ ચોક્કસ ભાવધારા સાથે નથી. શ્રીરામકૃષ્ણ શબ્દનો પ્રયોગ હું એક વ્યાપક અર્થમાં કરું છું. શ્રીરામકૃષ્ણે બધાને એક આદર્શ રૂપે પોતાનું જે જીવનદર્શન કરાવ્યું છે, જે ઉપદેશ-સંદેશ તેઓ આપી ગયા છે, એમનું સ્મરણચિંતન કરવાથી આપણું કલ્યાણ થશે.

ભગવાનને સાથે રાખીને મનુષ્યનો આ ખેલ અથવા મનુષ્યને સાથે રાખીને ભગવાનની લીલા ચિરકાળથી ચાલી આવી છે. આ બધાની ભીતર સર્વત્ર વ્યાપ્ત રહીને એમણે પોતાની જાતને એવી રીતે છુપાવી રાખી છે કે માનવ જન્મજન્માંતરથી પ્રયત્ન કરતો હોવા છતાં પણ એમનો અંત આવતો નથી. આપણાં શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે તેઓ અનંત છે. એટલે એમનો અંત મેળવવાનો પ્રયત્ન નિરર્થક છે. આમ છતાં પણ એમની શોધના તથા એમનું રસાસ્વાદન કરવામાં જન્મ વીતાવવો, એનાથી ઉચ્ચતર મનુષ્યજીવનની બીજી કોઈ સાર્થકતા નથી. જો આપણે જીવનને સાર્થક બનાવવા ઇચ્છતા હોઈએ તો આ રીતે એમની શોધમાં મંડ્યા રહેવું જોઈએ અને એ માટે આપણું જીવન પસાર કરવું જોઈએ.

શ્રીરામકૃષ્ણ પોતાની ઉક્તિઓ તથા કર્મ દ્વારા આપણને ઉપદેશ કે બોધ આપે છે કે આપણે આ જીવનને નિરર્થક વેડફી ન નાખીએ. જન્મથી આરંભ કરીને પોતાના આજ સુધીના જીવનને જો આપણે બારીકાઈથી જોઈએ અને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એનો આપણે અત્યાર સુધીમાં કેટલો ભાગ વાસ્તવિક કાર્યોમાં લગાડવાનો પ્રયત્ન કર્યો છે. તો આમ કરવાથી કદાચ આપણને નિરાશા પણ થશે. મોટા ભાગનો સમય આપણે નકામો ગુમાવી દીધો છે. બીજી બાજુએ જો આપણે શ્રીરામકૃષ્ણના માનવીય જીવન પર વિચાર કરીએ તો આપણને જોવા મળે છે કે તેઓ સર્વદા સત્ય, ત્યાગ, પ્રેમ, પવિત્રતા અને સર્વોપરિ ઈશ્વરપ્રાપ્તિના આદર્શને કેન્દ્રમાં રાખીને ચાલી રહ્યા છે. તેઓ કહે છે, ‘મા, એક દિવસ તો વધુ ચાલ્યો ગયો પણ આજેય તેં દર્શન ન દીધાં.’ શિષ્ય નિરંજનને કહે છે, ‘બેટા, નિરંજન! દિવસ તો વીતતા જાય છે. તેં હજી સુધી ઈશ્વરપ્રાપ્તિ કરી નથી. તો હવે પછી ક્યારે કરીશ?’ ક્યારે કરીશું એ તો આપણે જાણતા નથી,  પરંતુ ભગવત્પ્રાપ્તિ માટે જે ઉત્કંઠા, વ્યાકુળતા અને પ્રાણપણે પ્રયાસ કરવાનું શ્રીરામકૃષ્ણે બતાવ્યું છે, એ આપણા લોકો માટે એમના જીવનમાંથી એક મોટો બોધપાઠ છે. ‘પ્રત્યન્તિ ગતા: પુનર્ન દિવસા: – જે દિવસો વીતી જાય છે તે દિવસો પાછા આવતા નથી.’ આપણે કેટલાય દિવસો ગુમાવી દીધા છે, પણ હવે જેટલા દિવસો બચ્યા છે, એટલા દિવસો શું આપણે શ્રીરામકૃષ્ણના આદર્શને અનુરૂપ જીવન વીતાવવાના પ્રયાસમાં લગાડી ન શકીએ?

શ્રીરામકૃષ્ણે કહ્યું છે: ‘મેં ઢાળો તૈયાર કરી રાખ્યો છે. હવે તમે લોકો એ ઢાળામાં પોતાની જાતને ઢાળી દો.’ અને આ ઢાળો એટલો આશ્ચર્યજનક છે કે આપણામાંથી દરેકેદરેક પોતાના વ્યક્તિગત જીવનની વિશિષ્ટતા ગુમાવ્યા વિના જ એ ઢાળામાં પોતાની જાતને ઢાળી શકે છે. કેવો વિચિત્ર છે આ ઢાળો! વળી એ બધાને ઉપયોગી પણ ખરો. ગૃહસ્થ હોય કે સંન્યાસી, યુવક હોય કે વૃદ્ધ, હિંદુ હોય કે મુસલમાન તથા ખ્રિસ્તી, શ્રીરામકૃષ્ણ એક એવા ઉત્તમ ઢાળા છે, એક એવા અપૂર્વ આદર્શ છે કે જે કોઈ પણ જે ભાવે ઇચ્છે તે ભાવે પોતાની જાતને એમાં ઢાળી શકે અને એ આદર્શ દ્વારા પોતાના જીવનને સાર્થક પણ બનાવી શકે. 

શ્રીરામકૃષ્ણના જીવનની આ મૌલિકતા વિશે આપણે ઘણી સારી રીતે ચિંતન-મનન કરવું પડે. આપણે મોટે ભાગે એમના જીવનના ભિન્ન ભિન્ન પક્ષ, એમનાં દર્શન, એમનું પ્રદાન, વગેરે વિશે વિચાર કરતા રહીએ છીએ. પરંતુ પહેલાં તો આપણે એમને આપણા જીવનમાં કેટલા પ્રમાણમાં ઉતારી શક્યા છીએ તે વિશે વિચાર કરવો પડશે. આપણે વિશેષરૂપે એવું ચિંતન કે વિચાર કરવો પડશે કે તેઓ આપણા લોકો માટે નહિ પણ મારા માટે જ આવ્યા છે. મારા માટે જ આવું બીબું તૈયાર કરી ગયા છે. એ બીબામાં મારી જાતને ઢાળવાની છે. શ્રીરામકૃષ્ણ આપણા એક એવા આદર્શ છે કે જેમની સાથે આપણો મેળાપ કરીને આપણે પોતાની અપૂર્ણતાને જાણી શકીશું. સાથે ને સાથે એ અપૂર્ણતાને બને તેટલી રીતે દૂર કરવાનો પ્રયાસ પણ કરીશું. આ રીતે શ્રીરામકૃષ્ણનું જીવન આપણા જીવન માટે પ્રયોગમૂલક જીવન બનવું જોઈએ.

એટલે કે એનો આપણા પોતાના જીવનમાં ઉપયોગ કરી શકીએ. શ્રીરામકૃષ્ણ જાણતા હતા કે એમની બધી વાતો કે બધા ભાવ આપણે જીવનમાં ધારણ નહિ કરી શકીએ. એટલું સામર્થ્ય આપણામાં નથી. આમ છતાં પણ જેટલું બને તેટલું એને ગ્રહણ કરવાથી જ આપણું જીવન સાર્થક અને ધન્ય બનશે. શ્રીરામકૃષ્ણ કહે છે: ‘સમુદ્ર શું કટોરીમાં સમાઈ શકે? લોટો, કટોરી, ઘડો – બધું પૂરેપૂરું ભરાઈ જાય છે; પણ સમુદ્રનું જળ તો જેટલું હતું એટલું જ રહે છે.’ શ્રીરામકૃષ્ણ પણ એવી જ રીતે આપણા માટે એક અક્ષય ભંડાર છે. આપણે એમાંથી ગમે તેટલું લઈ લઈએ પણ એમાં ન્યૂનતા આવવાની નથી. એટલે જ આજ સુધી કેટલાય મનીષીઓ, સાધકો અને અન્વેષકોએ એમના જીવન પર ચર્ચા-ચિંતન કર્યાં છે અને ભવિષ્યમાં પણ એ થતાં રહેશે. આમ છતાં પણ કોઈ એમને વિશે અંતિમ વાત કરી શક્યા નથી.

સ્વામીજીના દરેક ગુરુભાઈ એક એક મહારથી હતા. એમને સ્વામીજી કહેતા: ‘શું તમે બધા એક એક રામકૃષ્ણ બનશો, એવું વિચારો છો? નવ મણ તેલ નહિ મળે અને રાધાયે નહિ નાચે. કારણ કે એ સંભવ નથી. એટલે તમે કેવળ એટલું જ કરી શકો કે પોતાને એમનાં ચરણોમાં સમર્પિત કરી દઈને પોતાની ક્ષુદ્રતા તેમજ અપૂર્ણતાને યથાસંભવ દૂર કરવાનો પ્રયાસ કરો.’

શ્રીરામકૃષ્ણને આપણે ‘અવતાર’, ‘યુગાવતાર’, ‘ભગવાન’ કહીએ છીએ. તેઓ જીવિત હતા ત્યારે જ ભક્તોએ આવું કહેવાનું શરૂ કરી દીધું હતું. એના પર ઉપહાસ કરતાં તેઓ કહેતા: ‘કોઈ મડદાની ચીર-ફાડ કરે છે, અને ‘તે ડોક્ટર છે’; કોઈ વળી નાટક કરે છે અને અહીં આવીને કહે છે – અવતાર. આવા લોકો ભલા ભાઈ અવતારની વાત સમજે શું? અવતારની વાતથી મને ઘૃણા આવે છે. ભગવદ્ ગીતા ૬.૧૧માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: 

अवजानन्ति मां मूढ़ा मानुषीं तनुमाश्रितम्।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम्॥

‘અજ્ઞાની વ્યક્તિ મારી એટલે કે માનવદેહવાળાની અવગણના કરે છે. તેઓ મારા પરમ સ્વરૂપને જાણતા નથી.’ વસ્તુત: અવતારને બહુ ઓછા લોકો ઓળખી શકે છે. એને માટે શ્રીરામકૃષ્ણ ઉપમા આપતાં સમજાવે છે કે એક જાતનું વૃક્ષ હોય છે. એ શાખા-પ્રશાખા અને ફળફૂલો સાથે બરાબર વૃક્ષ જેવું જ લાગે. પરંતુ કોઈ વૃક્ષ સાથે તે મળતું આવતું નથી. એટલે લોકો એને અચીન્હા વૃક્ષ કહે છે. એને કોઈ ઓળખી શકતું નથી. ઓળખવા માટે જે જ્ઞાનની આવશ્યકતા છે, એનો આપણામાં અભાવ છે. આપણે સાધારણ માનવને જોઈએ છીએ, સાધારણ મનુષ્ય વિશે કંઈક જ્ઞાનપ્રાપ્તિ કરીએ છીએ, પરંતુ જે બધા સામાન્ય માનવીથી પર છે, બધી સીમાઓ ઓળંગી ચૂક્યા છે, એમને સમજવામાં આપણી બુદ્ધિ અસમર્થ છે. આપણી સીમિત બુદ્ધિથી એમને પકડી શકતા નથી. તો શું આપણા પ્રયત્નો વૃથા થશે? વૃથા તો ક્યારેય નહિ થાય. કોઈ પણ સત્પ્રયાસ વ્યર્થ જતો નથી. આ પ્રયાસથી આપણને શો લાભ થાય? 

એનાથી આપણું ક્ષુદ્ર બિંદુ પોતાની સીમાઓ ગુમાવીને સિંધુમાં પરિણત થઈ જશે. અર્થાત્ મનની શુદ્ધિ થશે. શ્રીરામકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં આપણે પોતાની ક્ષુદ્રતાને પણ દૂર કરી શકીશું. પોતાની અપૂર્ણતા, પોતાની અપવિત્રતાને દૂર કરીને આપણે પૂર્ણ બનીશું, પવિત્ર બનીશું. ક્રમશ: એમના જેવા બનવા માંડીશું. જેમ સમુદ્રના વક્ષ પર તરંગો ઊઠતા રહે છે, તેવી જ રીતે પોતાના વ્યક્તિત્વ રૂપે નાના નાના તરંગોના રૂપે આપણે પણ એમાં ક્રિડા કરતા રહીએ છીએ. આપણા તરંગોની જે સીમા, ક્ષુદ્રતા છે એ ચાલી જાય પછી નાના નાના તરંગોની જેમ જ શું આપણો પણ નાશ થઈ જશે? ના, એવું નહિ થાય. બિંદુ ત્યારે સિંધુમાં ભળી જશે. વિશાળ સિંધુ સ્વરૂપ શ્રીરામકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ક્રમશ: આપણે પોતાની ભીતરની ક્ષુદ્રતા, અપવિત્રતા, તુચ્છતા વગેરેનો પરિત્યાગ કરીને ધીરે ધીરે એમનામાં વિલીન થઈ જઈશું. આ છે વ્યક્તિગત જીવનમાં એમનું અનુસરણ કરવાની સાર્થકતા.

‘હું જગતને ઉપદેશ, સંદેશ આપીશ’ – શ્રીરામકૃષ્ણ આવા અભિમાનને ત્યજી દેવાનું કહે છે. તેમણે કહ્યું છે: ‘જગતને ઉપદેશ, સંદેશ આપનાર તમે કોણ? જેનું જગત છે, તેઓ જ ઉપદેશ આપશે. તમારી તો છટાંક  બુદ્ધિ છે. તમે ભાઈ વળી જગતને શું ઉપદેશ આપવાના?’ સાચી વાત તો એ છે કે આપણે લોકો પોતે જ વળી કેટલુંક જાણીએ છીએ? શ્રીરામકૃષ્ણ કથામૃતના રચયિતા માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની વાતો સાંભળીને વિચારે છે કે ખરેખર આ કોઈ ઇતિહાસ, ગણિત કે એવા કોઈ જાગતિક વિષય નથી કે હું ઉપદેશ આપીશ. હું આખરે કેટલું જાણું છું? પોતાના માટે સૂવાની જગ્યા નથી અને વળી પાછું બીજાને આમંત્રણ દઉં છું! એટલે જ આપણે ઉપદેશ આપીશું એવું અભિમાન આપણામાં ન રહેવું જોઈએ. 

આપણે એમનામાંથી પોતાના જીવનનો આદર્શ મેળવીશું. પથપ્રદર્શક તો તેઓ જ છે. તેઓ લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચી જવાય એ વાત બતાવી ગયા છે. એમણે ચિંધેલા પથ પર આપણે જેટલું ચાલી શકીશું એટલું જ આપણું જીવન સાર્થક બનશે. માત્ર પોતાના જીવનની સાર્થકતા વિશે વિચારવાથી કદાચ આવી સ્વાર્થપરતા દેખાય છે. પણ વાત એવી નથી, એનું કારણ એ છે કે મારો પોતાનો સ્વાર્થ શુદ્ધ હોય તો તે આખા જગતનો સ્વાર્થ બની જશે. તો પછી આપણા સ્વાર્થમાં કોઈ ક્ષુદ્રતા નહિ રહે. 

‘સ્વ’ જ્યારે અસીમ બની જાય છે ત્યારે સ્વાર્થ જ પરમાર્થમાં પરિણત થઈ જાય છે. શ્રીરામકૃષ્ણ આપણને આ જ શીખવવા આવ્યા છે. એમના ઉપદેશને કોઈ દિશાવિશેષમાં સીમાબદ્ધ રાખી ન શકાય. જેમ સમુદ્રને લોટામાં ધારણ કરવાનો પ્રયત્ન વ્યર્થ છે, તેમ એમને સીમાબદ્ધ કરવા નકામા છે. એમના અનંત ભાવોમાંથી જેટલું સંભવ બને એટલું લેવાની મારી ચેષ્ટા રહેશે. સાથે ને સાથે ધીરે ધીરે આપણા વ્યક્તિગત જીવનમાં શુદ્ધિ આવશે તેમજ તેના માધ્યમથી પ્રત્યેક વ્યક્તિ જો શુદ્ધ બને તો સમષ્ટિની શુદ્ધિ બની રહેશે. સમષ્ટિ શું છે? વ્યષ્ટિને લીધે જ તો સમષ્ટિ છે. એટલે જ એક વ્યક્તિ જો શુદ્ધ બની જાય તો સમગ્ર સમાજ પણ પોતાની મેળે શુદ્ધ બની જશે. તદુપરાંત જે લોકો આ આદર્શનું અનુકરણ કરશે તેઓ સ્વયં દિનપ્રતિદિન શુદ્ધિપ્રાપ્તિ કરતા રહેશે. વળી આ શુદ્ધિ એમના પોતાના વ્યક્તિત્વ સુધી સીમિત ન બનીને ચારે તરફ પોતાનો પ્રભાવ ફેલાવીને સમગ્ર જગતના ઉત્થાનમાં સહાયક બનશે.

શ્રીરામકૃષ્ણે ઘરે ઘરે જઈને સંદેશ-ઉપદેશ આપ્યા નથી. મુખ્યત: તેઓ દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં જ રહેતા. ક્યારેક ક્યારેક વળી કોઈ બે-એક ભક્તોના ઘરે જઈને એને પોતાના શિક્ષાદાનનું ક્ષેત્ર બનાવ્યું છે. પરંતુ આ સીમિત ક્ષેત્રમાં રહીને પણ તેઓ જે બીજ રોપી ગયા છે તે ક્રમશ: આજે એક વિશાળ વટવૃક્ષમાં પરિણત થયું છે અને દિનપ્રતિદિન એનો પ્રસાર થઈ રહ્યો છે. હજી તો આરંભ માત્ર છે. એનું પૂર્ણ રૂપે ફળ્યું-ફૂલ્યું સ્વરૂપ આપણે જોયું નથી. એની વિશાળતામાં ક્રમશ: વૃદ્ધિ થશે. આપણે લોકો આ ભાવથી શ્રીરામકૃષ્ણને પોતાના જીવનમાં જેટલા ગ્રહણ કરી શકીએ એટલું જ આપણું જીવન ધન્ય બનશે. સાથે ને સાથે જેટલું કંઈ કરીશું એના પરિણામે જગત્કલ્યાણ રૂપી કાર્ય પણ બહુ સારી રીતે સંપન્ન થશે.

હું તો કેવળ એટલું કહીશ કે શ્રીરામકૃષ્ણ આપણા માટે કેવળ એક સંશોધનનો વિષય માત્ર બનીને ન રહી જાય. તેઓ આપણા આદર્શ બને અને એ જ આદર્શને પોતાના જીવનમાં જીવી બતાવવા આપણા જીવનની પ્રત્યેક પળ વીતે. 

શ્રીરામકૃષ્ણે કહ્યું છે: ‘જે અહીં આવશે એનો આ અંતિમ જન્મ હશે.’ ‘અહીં’ દ્વારા એમનું તાત્પર્ય શું કોઈ વિશેષ સ્થાન કે વ્યક્તિ છે? ‘અહીં’ આવવાનો અર્થ છે, શ્રીરામકૃષ્ણ પાસે જવું; એમના ભાવોમાં પોતાનું જીવન લગાડી દેવું અને એના ઢાળામાં પોતાની જાતને ઢાળી દેવી. એના બીબામાં આપણી જાતને ઢાળી ન શકીએ, એમના ભાવોને પોતાના જીવનમાં રૂપાયિત ન કરી શકીએ તો એમના ‘ભક્ત’ કહેવડાવવામાં કોઈ સાર્થકતા નથી. 

એમની કૃપાથી આપણી આ દૃષ્ટિ ખૂલી જાય, જેથી આપણે એમને આદર્શ બનાવીને પોતાનું સમગ્ર જીવન એમના ભાવોમાં, એમના બીબામાં ઢાળી શકીએ એવી શ્રીઠાકુરનાં ચરણોમાં પ્રાર્થના.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.