(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને વિદ્વાન સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘વિશ્વવરેણ્ય શ્રીરામકૃષ્ણ’નો હિન્દી અનુવાદ શ્રીમતી મધુલિકા શ્રીવાત્સવે કર્યો હતો. એનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

શ્રીરામકૃષ્ણ વિશે સ્વામી વિવેકાનંદ કહેતા: ‘તેઓ ભારતનો આત્મા છે.’ શ્રીરામકૃષ્ણ કયા અર્થમાં ભારતનો આત્મા છે? સ્વામી વિવેકાનંદના મત અનુસાર ભાવજગતમાં ભારતનું જે કંઈ પણ સુંદર અને મહાન છે, શ્રીરામકૃષ્ણ એની ઘનીભૂત મૂર્તિ છે. તેઓ કહેતા: ‘જે સત્ય છે, ભારત એના સંધાનમાં જ સર્વદા ઉત્સાહી રહ્યું છે. સામાન્ય દૃષ્ટિએ આપણે લોકો જે જોઈએ છીએ તે જ ખરેખર સર્વ કંઈ છે? જે આ ઇન્દ્રિય ગ્રાહ્ય જગત છે તે તો ક્ષણભંગુર છે. આ ઘડીએ છે અને ઘડી પછી નથી. એની પાછળ એવી કોઈ સત્તા છે કે જે અવિનાશી હોય!’ ભારતના મનીષીઓએ આ પ્રશ્ન પર ઘણું ચિંતન કર્યું છે. અંતે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે જે નિત્ય-પરિવર્તનશીલ અને ઇન્દ્રિયગ્રાહ્ય જગત છે તે જ સર્વ કંઈ નથી. એની પાછળ એક એવી સત્તા છે કે જે નિત્ય અને અપરિવર્તનશીલ છે. એ જ સત્તાને કારણે જગત ઊભું છે. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘એકડો લખીને જો તમે તેના પછી શૂન્ય લખી દો તો સંખ્યાનું કંઈક મૂલ્ય થશે. આ એક પછી શૂન્ય લખવાથી દસ બને છે, બે શૂન્ય લગાવવાથી સો બને છે અને ત્રણ શૂન્ય લગાવવાથી હજાર બને છે. આ રીતે સંખ્યા વધતી જાય છે. પરંતુ પહેલાં જે એકડો છે, એને જ હટાવી દઈએ તો બધાં શૂન્ય શૂન્ય જ બની જાય. પછી સંખ્યાનું કોઈ મૂલ્ય રહેશે નહિ.’ આ ‘એક’ એ જ પરમ સત્તા છે જેને વિશે કહેવામાં આવ્યું છે.

તમેવ ભાન્તમ્ અનુભાતિ સર્વમ્ ।
તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ ॥

એ છે એટલે જ બધું છે, એમની જ્યોતિથી જ બધું જ્યોર્તિમય છે, Whitehead આ પરમ તત્ત્વ વિશે કહે છે: ‘Something which stands beyond, behind and within the passing of flux of immediate things, something that gives meaning to all that passes..’ આલ્ડસ હક્સલીએ એને કહ્યું છે: ‘Ground’ અર્થાત્ તે એ ભૂમિ છે કે જેના પર બધું ઊભું છે. આ વસ્તુ જ કર્તા, કાર્ય-કારણ છે. એના સિવાય કંઈ નથી. એને જ ‘આત્મા’ કે ‘બ્રહ્મ’ કહે છે. એ બ્રહ્મ જ છે અને આપણે જે કંઈ જોઈએ છીએ તે કેવળ નામરૂપનું વૈચિત્ર્ય છે, એટલે અનિત્ય છે. શ્રીરામકૃષ્ણે તકિયાનું ઉદાહરણ દેતાં કહ્યું છે: ‘તકિયાને બધી બાજુએથી જોવામાં ભિન્ન ભિન્ન દેખાય છે. પરંતુ એ બધામાં એક જ વસ્તુ છે, તે રૂ છે.’ અર્થાત્ જીવ, જગત બધાં એક છે; અંતર કેવળ ઉપાધિના ભેદથી જોવા મળે છે. ‘સર્વમ્ ખલુ ઈદં બ્રહ્મ’. હું-તમે એ બધું કંઈ નથી. હું-તમે કેવળ વ્યાવહારિક જગતની સુવિધા માટે મને ઘડેલાં કેટલાંક નામકરણ માત્ર છે. શ્રીરામકૃષ્ણની ભાષામાં કહીએ તો: ‘જેમ પાણીની ઉપર લાકડી રાખવાથી પાણીને વિભાજિત કરવાનો પ્રયત્ન.’

અદ્વૈતવાદ જ ભારતની શ્રેષ્ઠ શોધ છે, આ અદ્વૈત તત્ત્વમાં પ્રતિષ્ઠિત થવું અર્થાત્ બધાની સાથે પોતાની એકતાનું જ્ઞાન થવું. એને જ જીવનની પરમ પ્રાપ્તિ, જીવનનો પરમ પુરુષાર્થ કહ્યો છે. ગીતામાં કહ્યું છે:

સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન: ॥

બધામાં પોતાને જોવો અને બધાને પોતાનામાં જોવા એ જ વાસ્તવિક પ્રકારની સમદર્શિતા કે વાસ્તવિક આત્મદર્શન છે. અર્થાત્ બીજાંથી પોતાની જાતને અલગ ન માનવી, બધાનાં સુખમાં પોતાનું સુખ જોવું, બધાંનાં દુ:ખે પોતે દુ:ખી થવું, બધાંની સાથે આ જ એકાત્મભાવ થઈ જવો, એ જ ભારતમાં જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય છે.

આવું સંભવ છે, શ્રીરામકૃષ્ણ જ એ વાત પ્રમાણિત કરી ગયા છે. આ પ્રસંગે હોડીના ચાલકોની એક ઘટના યાદ આવે છે. ગંગામાં એક નૌકા જઈ રહી હતી. શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં ગંગાના કિનારે બેઠા હતા. તેઓ નૌકા તરફ જોઈ રહ્યા હતા. નૌકામાં બે નાવિક હતા, બંને ભાઈ હતા. એકાએક ગમે તે કારણે બંને ભાઈઓની વચ્ચે ઝઘડો થયો. પહેલાં તો વાદવિવાદ ને ચર્ચા થઈ. પછી મોટાભાઈએ નાના ભાઈની પીઠ પર જોરથી થપાટ મારી દીધી. એણે થપાટ મારી કે તરત જ શ્રીરામકૃષ્ણ બૂમ પાડી ઊઠ્યા. તેમણે કહ્યું: ‘માર્યો, અરે માર્યો! મને માર્યો!’ શ્રીરામકૃષ્ણનું આમ મોટેથી બોલવું સાંભળીને બધા દોડી આવ્યા. તેઓ એ જોવા આવ્યા હતા કે કયો એવો નરાધમ છે કે જેણે આ દેવતુલ્ય માણસને માર્યા છે! બધાએ આવીને જોયું તો શ્રીરામકૃષ્ણના શરીર પર પાંચેય આંગળીઓ ઊઠી આવી! ખરેખર કોઈકે એમને માર્યા જ હશે. બધાએ એમને પૂછ્યું તો એમણે પેલી હોડી તરફ આંગળી ચીંધી. હોડીમાંના મોટાભાઈએ નાનાભાઈને માર્યો હતો. પણ એનો આઘાત શ્રીઠાકુરના શરીર પર થયો. એમણે એ વેદના અનુભવી. એટલે જ એનો આઘાત એમના શરીર પર જોવા મળ્યો. આને કહે છે કે એકાત્મતા. જેમ મનુષ્ય પ્રત્યે સહાનુભૂતિ તેવી જ રીતે જીવજંતુ, વનસ્પતિ પ્રત્યે પણ સમસંવેદના. આ જ ભારતનો આદર્શ છે. સર્વ પ્રાણીઓમાં એક જ આત્મા છે. એકનું દુ:ખ બધાનું દુ:ખ છે. બધા લોકો એક-મેકના સુખદુ:ખના ભાગીદાર છે.

આ અનુભૂતિ સહજ-સાધ્ય નથી. એટલે જ જ્યાં સુધી એ અનુભૂતિ ન થાય ત્યાં સુધી બધા મનુષ્યમાં ઈશ્વર રહેલ છે, એવી બુદ્ધિ વડે મનુષ્યો સાથે વ્યવહાર કરવાનો શ્રીરામકૃષ્ણે ઉપદેશ આપ્યો હતો. અર્થાત્ પ્રત્યેક મનુષ્ય ઈશ્વરનો પ્રતિનિધિ છે કે તેનું પ્રતીક છે. કોઈ પણ માનવ અવગણનાનું પાત્ર નથી. ઈશ્વરબુદ્ધિથી બધા પ્રત્યે વિશ્વાસ રાખો, બધાને પ્રેમ કરો અને શિવજ્ઞાને જીવની સેવા કરો. સ્વામી વિવેકાનંદે પછીથી શિવજ્ઞાને જીવસેવાના સંદેશનો પ્રચાર-પ્રસાર કર્યો અને આ જ યુગધર્મ છે.

અદ્વૈત તત્ત્વ ભારતની એક અપૂર્વ દેન છે. ચિંતન કે દર્શનશાસ્ત્રના વિશ્વમાં આનાથી વધારે ગૌરવમય તત્ત્વ બીજું કોઈ છે કે નહિ, એ વાતમાં સંદેહ છે. શ્રીરામકૃષ્ણે આ અદ્વૈતતત્ત્વની અનુભૂતિ કરી હતી, એવી અનુભૂતિ કરવા બહુ ઓછા લોકો સદ્ભાગી બને છે. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘અદ્વૈતની અનુભૂતિને ગાંઠે બાંધીને જ્યાં મરજી ફાવે ત્યાં જાઓ.’ બીજી કોઈ અનુભૂતિ થાય કે ન થાય પણ એમની ગાંઠે આ અદ્વૈતની અનુભૂતિ સર્વદા બંધાયેલી હતી. પણ તેઓ કહેતા: ‘જેને એકનું જ્ઞાન છે તેને બેનું પણ જ્ઞાન છે.’ એટલે એમણે દ્વૈત અને અદ્વૈત એ બંનેથી પર જવાની વાત કરી છે.

શ્રીરામકૃષ્ણે કોઈ તત્ત્વને મિથ્યા કહ્યું નથી, કોઈ તત્ત્વને એક માત્ર સત્ય છે – એમ પણ કહ્યું નથી. જેવી રીતે તેઓ શિવ, કાલી, દુર્ગાને માનતા તેવી જ રીતે સમસ્ત નામરૂપ ઉપાધિરહિત પરમાત્માને પણ માનતા. તેઓ સાકારમાંય માનતા અને નિરાકારમાં પણ માનતા. જેમ એમણે હિંદુધર્મના વિવિધ પથોની ઉપાસના કરી હતી તેવી જ રીતે ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે પથોની પણ સાધના કરી હતી. એમને માટે બધા મત પથ જ હતા. રુચિ કે અવસ્થાના ભેદને કારણે મત કે પથમાં વિભિન્નતા દેખાય છે. બધાને માટે એક જ પથ ન હોય. જેના પેટને જે રુચે તે ખાય. આવશ્યક છે, કેવળ સત્ય માટેની સાચી જિજ્ઞાસા, હૃદયની આતુરતા. આ જિજ્ઞાસા રહે તો સત્ય કોઈને કોઈ દિવસ પ્રગટવાનું જ. આ સત્યનું સંધાન જ જીવનની શ્રેષ્ઠ સાધના છે. એ સત્યની સાધનામાં પ્રવૃત્ત થવાને લીધે ભારતવર્ષે ત્યાગ અને સંયમની ઉપયોગિતા બરાબર સમજી લીધી છે. ત્યાગ માટે જ ત્યાગ નથી, ત્યાગનું એક લક્ષ્ય છે. મહત્ની પ્રાપ્તિ માટે ક્ષુદ્ર વસ્તુઓનો ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ. ઈંદ્રિયસુખ આનંદદાયક હોઈ શકે, પરંતુ ઈંદ્રિય સુખથી પણ વધારે જે આનંદદાયક વસ્તુ છે તેની પ્રાપ્તિ માટે એ સુખને જતું કેમ ન કરવું? ભારતવર્ષ બધાને ઈંદ્રિયસુખ ત્યજવાની વાત કરતો નથી. પરંતુ એનાથી પણ જે સૂક્ષ્મ અને સ્થાયી આનંદ છે તેને પ્રાપ્ત કરવા માટે તો ઈંદ્રિયસુખરૂપી સ્થૂળ આનંદને ત્યજવો પડે. શ્રીરામકૃષ્ણની ભાષામાં કહીએ તો: ‘પૂર્વ તરફ જેટલા આગળ વધશો, એટલું જ પશ્ચિમ પાછળ હટતું રહેશે.’ એ જ સત્યનું અનુસંધાન કરતાં કરતાં ત્યાગ અને સંયમની સહાયતાથી મનુષ્ય દેવત્વમાં પ્રતિષ્ઠિત થાય છે. આ જ દેવત્વમાં પરિણત થવું, દેવ બની જવું; અર્થાત્ બધી સીમાઓના બંધનને ઓળંગીને અસીમમાં સમાઈ જવું, ‘ભૂમા’ થઈ જવું, એ અધિકાર પ્રત્યેક માનવનો છે અને એને પ્રાપ્ત કરવો એ જ જીવનનું ધ્યેય છે.

શ્રીરામકૃષ્ણે જે પ્રચાર કર્યો તે બધા ઉપદેશ પોતાની અનુભવજન્ય વાણી હતી. પહેલાં એમને અનુભૂતિ થઈ, પછી તેઓ જે તે નિષ્કર્ષ પર પહોંચ્યા. ભારત સેંકડો વર્ષથી જે તત્ત્વો પર શ્રદ્ધા રાખતો આવ્યો છે તથા ભિન્ન ભિન્ન યુગોના મનીષીઓએ જેમની સત્યતાનો સાક્ષાત્કાર કર્યો છે, શ્રીરામકૃષ્ણે પણ પોતાના એક જીવનમાં એ બધાની ઉપલબ્ધિ કરી છે. આ દૃષ્ટિએ એમનું જીવન એક વિશ્વકોશ છે. માનવમાં જે દેવત્વની સંભાવના છે તે પ્રયત્ન કરવાથી પોતાના દેવત્વને પ્રગટ કરી શકે છે, આનું સૌથી મોટું ઉદાહરણ શ્રીરામકૃષ્ણ જ છે. વસ્તુત: એમને જોવાથી મનુષ્ય અને દેવતાની વચ્ચે જે ભિન્નતા છે તે દેખાતી નથી. દેવતા કહેવાથી જે ચરિત્રની વાત આપણા મનમાં જાગે છે, જે સદ્ગુણોની વાત આપણા મનમાં ઊઠે છે, એ બધાંની શ્રીરામકૃષ્ણ પ્રતિમૂર્તિ છે.

ભારતવર્ષ ભલે બીજી સાધનાઓનું કર્તૃત્વ દેખાડી ન શકે પણ મનુષ્ય કેટલો સુંદર, પવિત્ર અને મહાન બની શકે છે, એ સાધનામાં એ પારંગત છે. જે મનુષ્ય ત્યાગ, પવિત્રતા, સંયમ, માનવપ્રેમ જેવા સદ્ગુણોની પરાકાષ્ઠામાં પ્રતિષ્ઠિત બને છે, ભારતવર્ષ એને જ સૌથી વધારે ગૌરવ પ્રદાન કરે છે. આ દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ જ સૌથી વધારે ગૌરવના અધિકારી છે. એમની પાસે બીજી કોઈ વિભૂતિ હોય કે ન હોય પરંતુ એમની પાસે હતી ત્યાગની વિભૂતિ, સત્યનિષ્ઠાની વિભૂતિ અને માનવપ્રેમની વિભૂતિ. ભારતવર્ષની દૃષ્ટિએ આ વિભૂતિઓ જ શ્રેષ્ઠ વિભૂતિઓ છે. આ બધી વિભૂતિઓનો સૌથી વધારે જ્વલંત પ્રકાશ શ્રીરામકૃષ્ણમાં હતો. એટલે જ સ્વામી વિવેકાનંદ એમને ‘ભારતનો આત્મા’ કહે છે.

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.