૧. અહીં જ મુક્ત થવાનું છે

શીર્ષકની પંક્તિ આપણા જ્ઞાનીકવિ અખાની છે. રામકૃષ્ણદેવ જે જીવી ગયા તેને આ બરાબર લાગુ પડે છે. ઠાકુર કહેતા: ‘હું તમને સાચું કહું છું કે ઈશ્વર સિવાય હું કશું જ જાણતો નથી.’ તેઓ પ્રતીતિપૂર્વક કહેતા: ‘ઈશ્વર જ બધું થઈ રહ્યો છે.’ 

ઈશ્વર ઘેલા આ મહાપુરુષનું દેહ, મન, પ્રાણથી ઉપર ઉઠેલું જીવન છેલ્લા દોઢ-બે સદીની દિવ્ય, ભવ્ય, રમ્ય કથા છે. તદ્દન નાના અને ખૂણે પડેલા ગામડાનો આ ગામઠી બાળક અંદરના અડગ શ્રદ્ધાબળ, આચરણબળ અને આત્મબળના તેજથી કેવું તો સત્યમય, ઈશ્વરમય દશાંગુલ ઊર્ધ્વ જીવન આપણી વચ્ચે જ જીવી ગયા અને અવતાર વરિષ્ઠ બની રહ્યા! તેમનું જીવન સમગ્ર માનવજાતને ઊર્જા, વિશ્વાસ અને પ્રેરણા આપી રહે છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિ, તત્ત્વચિંતન અને અધ્યાત્મને તેમણે નવાં પરિમાણો અને ઊંચાઈ બક્ષ્યાં. આ મહાપ્રાણ પુરુષ સાથેની ગોષ્ઠિ ઉપનિષદ બની રહી અને તેમનો શબ્દ શાસ્ત્ર બની રહ્યો. ભવતાપહારિ, તમસ વિદારક તેમની મંગલવાણી એટલે પાતાળપાણી – અખૂટ, અક્ષય ઐશ્વર્યનો ભંડાર. તે ઊર્જા આજે પણ કામ કરી રહી છે. નિત્યશ્રદ્ધા અને સ્વાનુભૂતિના આ પયગંબરે ઊંચી આધ્યાત્મિક વાતો – દર્શનને હસ્તામલકવત્ કરી આપ્યાં. 

તેમણે કોઈ જાતિ-પંથ, ધર્મ-સંપ્રદાય, પરંપરા-શ્રદ્ધા, વર્ણ-ભાષાને ઉતારી નથી પાડ્યાં કે નથી નકાર્યાં. સહુ સહજ સ્વીકાર, સન્માન અને સમાદર પામ્યાં છે તેમની પાસે. કારણ કે વ્યક્તિ જ્યાં છે, જેવો છે, તેને ત્યાંથી જ આગળ અને ઊંચે લઈ જવાનો છે. ગાંધીજીએ એટલે જ કહેલું: ‘રામકૃષ્ણદેવનું જીવન એ આચરણમાં ઉતારેલા ધર્મની કથા છે.’ શ્રીમદ્ રાજચંદ્રની આ પંક્તિઓ સહજ સ્મરણે ચડે:

દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
તે જ્ઞાનીનાં ચરણમાં, વંદન હો અગણિત.

******

અધ્યાત્મ એટલે ખૂબ અઘરી, ગંભીર, ન આચરી શકાય તેવી વાત નથી. દૈનંદિન જીવનમાં જ તેનો પ્રયોગ-વિનિયોગ થાય તો જ તે અધ્યાત્મ કામનું. સાક્ષાત્કારી પુરુષ બંને પ્રદેશની – સંસાર અને મુક્તિ – જાણકારી ધરાવે છે. એટલે તેમનું જીવન અને દર્શન સંસારમાં કેવી રીતે રહીને મુક્તિ મેળવવી તેની સમજ, તેની ચાવી આપી શકે છે.

૨. જીવવું એ જ મહત્ત્વનું

 જીવવું એ જ મહત્ત્વનું છે, પણ કેવી રીતે જીવવું, કેવી રીતે સંસારમાં રહેવું, બધાં કર્મ કરવા છતાં કેવી રીતે જાગૃત રહી ઈશ્વરાભિમુખ રહી શકાય તે શીખવાનું છે. જીવન એ કેન્દ્રમાં છે એટલે ઠાકુર જીવનથી ભાગવાની, જીવનને ત્યાગવાની વાત નથી કરતા.

અધ્યાત્મ એ જીવનથી અલગ નથી, વિમુખ નથી. જીવન જીવવાનું કર્મ જ અધ્યાત્મ છે એ વાત આપણા ઘણા સંતોએ સમજાવી છે અને પોતે જીવીને દર્શાવી ગયા છે. આજે વિશ્વ સમસ્ત ભયાક્રાંત, ત્રસ્ત, અશાંત અને બેચેન છે. જાણે ભય અને અશાંતિનું વૈશ્વિકરણ! ભૌતિક સુખ-સુવિધાના ગંજાવર ઢગ છતાં સુખ શાને દૂર છે? સંતો – અનુભવીઓએ નગારે ઘા દઈને, સપ્રમાણ કહ્યું છે કે અશાંતિનું મુખ્ય કારણ આપણી ભીતર જ છે. આપણા જ વિચાર અને વ્યવહારથી આજની સ્થિતિ સર્જાઈ છે એટલે ઉકેલ પણ ત્યાં જ છે. આપણા આગ્રહો-પૂર્વગ્રહો, અહંકાર – લલકાર, રાગ-દ્વેષ, લોભ-લાલચ, સ્વાર્થ – ભોગ આજની સ્થિતિ સુધી લઈ આવ્યાં છે. તેનાથી જ શોષણ, અસંતુલન અને પછી હિંસા – ભય જન્મે છે. બાઈબલમાં કથન છે કે: તમે આખીય દુનિયાનું રાજ્ય મેળવી આવ્યા પણ પોતાના આત્માને ખોઈ આવ્યા તો કંઈ જ મેળવ્યું નથી. આપણે પ્રમાણ-વિવેક ભાન વિના મેળવ્યું અને તે આખરે અતૃપ્તિ અને પ્રતિક્રિયામાં પરિણમ્યું. સાથે ભાવજગત – આંતરજગતનો પરિષ્કાર ન થયો.

ઠાકુરે જીવનને અમૂલ્ય માન્યું છે. ‘દુર્લભ એવો મનુષ્ય જન્મ મેળવ્યા પછી, આ જ જીવનમાં પ્રભુપ્રાપ્તિ માટે યત્ન કર્યા વિના જીવવું એ જીવ્યું વૃથા છે.’ જીવન એ પવિત્ર અને અમૂલ્ય છે. પ્રત્યેક ક્ષણનું જીવન જીવવાનું કર્મ જ જાગૃતિપૂર્વક થાય તે જ ધર્મ બની રહે છે. તો જ જીવનનાં સહજ સૌંદર્ય, નિર્મળતા, સહજતાનો નિખાર આવે છે. આવું અધ્યાત્મ ઠાકુર જીવી ગયા. તેમની ઊંચી આધ્યાત્મિક પ્રજ્ઞા અને સ્વાનુભૂતિ ઈશ્વરાનુભૂતિ સાથે એક રૂપ બની ગયાં.

૩. જીવનનું ધ્યેય

ઠાકુરે જાણે આખુંય જીવન વિજ્ઞાન આપણી સામે ધર્યું છે અને તેનો નકશો દોરી આપ્યો છે. આ જીવનનું સર્વોચ્ચ, પરમ ધ્યેય એ ઈશ્વરપ્રાપ્તિ છે. ‘જીવાત્મા અને પરમાત્મા બંને સંલગ્ન છે.’ જેમ ‘પાણી અને તેના ઉપરના પરપોટા એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને તેમાં જ વિલીન થઈ જાય છે.’ એટલે મૂળ તત્ત્વનો જ આ અંશ છે અને આખરે તેની સાથે જ જોડાવાનું છે. ‘પિંડ અને બ્રહ્માંડ વચ્ચે જાતિગત એકતા છે. બંનેય પ્રભુસત્તાના ઉન્મેષો છે.’ એટલે ઠાકુર કહેતા: ‘વસ્તુને પકડો, અવસ્તુને છોડો.’ વસ્તુ એટલે ઈશ્વરી તત્ત્વ, સત્ય. જે વસ્તુ ઈશ્વરથી દૂર લઈ જાય તેને છોડવાનું છે. અહંકાર, માયા, લોભ આ બધું ઈશ્વરથી દૂર લઈ જાય છે તો તેનાથી મુક્ત થવાનું છે. ભગવદ્ ભક્તિ, શરણાગતિ, સત્સંગ, પ્રાર્થના, ધ્યાન આ બધું ઈશ્વર સન્મુખ કરે છે તો તેને અપનાવવાનાં છે.

જીવનનું ધ્યેય છે: ઈશ્વરનો સાક્ષાત્કાર, અનંતનો સાક્ષાત્કાર.’ જેમ તેલ વિના દીવો બળતો નથી, તેમ ઈશ્વર વિના માનવ જીવી શકતો નથી’ આવી ઠાકુરની પ્રતીતિ છે. ઠાકુર કહેતા: ‘મનુષ્યરૂપે ઈશ્વર જ ક્રીડા કરે છે, એ મોટો જાદુગર છે અને જીવ જગતનો આ ખેલ એનો મોટો જાદુ છે. એક જાદુગર જ સત્ય છે, જાદુ મિથ્યા છે.’

આ એકને, ઈશ્વરને જ જાણવાથી બધું જાણી શકાય છે, બધું મેળવી શકાય છે. એકડાની પાછળ મીંડાં લગાડીએ તો જ એનું મૂલ્ય વધારી શકાય છે. એકડારૂપી ઈશ્વરને જીવ વળગી ન રહે તો તેનું કશું જ મૂલ્ય નથી. ઈશ્વરને વીસરી જઈને, પોતાની કીર્તિ માટે મોટાં મોટાં કાર્ય કર્યે જાય તો એને કશું જ પ્રાપ્ત થતું નથી.’ તેઓ કહેતા: ‘પહેલાં પ્રભુને પ્રાપ્ત કરો, પછી પૈસો પ્રાપ્ત કરો.’ ‘પ્રથમ ઈશ્વર દર્શન, પછી ભાષણ અને સમાજ સુધારણા.’

કોઈએ પૂછ્યું: જો લોખંડ માટે લોહચૂંબક છે તેમ માનવી માટે ઈશ્વર હોય તો એ માણસને આકર્ષતો કેમ નથી? ઠાકુર કહે: ‘કાદવથી ખૂબ ખરડાયેલું’ લોખંડ લોહચુંબકથી આકર્ષાતું નથી તે જ રીતે, માયામાં લપેટાયેલો જીવ ઈશ્વરનું આકર્ષણ અનુભવી શકતો નથી. પણ પાણીથી સાફ થઈ જતાં લોખંડ આકર્ષણ અનુભવતું થાય છે તેમ સતત પ્રાર્થના અને પશ્ચાતાપનાં આંસુ, જીવને સંસાર સાથે જકડીને રાખતો માયાનો મેલ ધોઈ નાખે છે ત્યારે તુરત જ એ ઈશ્વર તરફ ખેંચાય છે.’

તો લોખંડને વળગેલાં મેલ, મલિનતા શું છે?

૪. સંસારી મન

સંસારી મન એટલે સંસાર વ્યવહારથી ખરડાયેલું મલિન મન. ઠાકુર સંસારી વ્યક્તિની સ્થિતિ બરાબર જાણે છે. એટલે તેમણે સમજાયેલું: ‘બધા આત્મા એક છે, છતાં એમની સ્થિતિ અનુસાર તેમના ચાર ભેદ છે. બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્યમુક્ત. બદ્ધ સદા બંધનમાં જ રહે છે. મોક્ષ માટે યત્ન કરે તે મુમુક્ષુ. – એ રીતે યત્ન કર્યાને પરિણામે મુક્ત થયેલા તે મુક્ત અને જે કદી બંધનમાં ફસાતા નથી તે નિત્યમુક્ત!’ અને આ વાતને સુંદર દૃષ્ટાંતથી સમજાવે છે. ‘નદીમાં જાળ નાખીને માછીમારે ખૂબ માછલાં પકડ્યાં. તેમાંનાં કેટલાંક એ જાળમાં શાંત અને સ્થિર પડ્યાં રહ્યાં અને તેમાંથી છટકવા જરીય કોશિશ ન કરી. બીજાં કેટલાંકે છટકવા કોશિશ કરી અને કૂદકા માર્યા પણ સફળ ન થયાંં. એક વર્ગ ગમે તેમ કરીને છટકી શક્યો અને કેટલાંક તો એમાં સપડાયાં જ નહીં!’ સંસારી મન આ જાળમાં પડેલાં માછલાં જેવું છે, તેમાંથી તેમને બહાર નીકળવાનું જાણે મન જ થતું નથી એટલે પ્રયત્ન જ કરતા નથી.

ઠાકુર ઉપમાઓ, ઉપમાનો, ઉદાહરણોના બેતાજ બાદશાહ છે. પોતાની વાતને મર્માળુ, વેદના દૃષ્ટાંતોથી તદ્દન સરળ અને ધારદાર કરી નાખતા. સંસારી મનને, આસક્તિવાળા મનને તેમણે ‘ભેજમાં રહી હોવાથી સળગી ન શકે તેવી દીવાસળી’ એમ કહેલું. ત્યાગથી પ્રથમ ભેજ સુકવવાનો છે, મનને નિર્મળ કરવાનું છે. કેવું છે આપણું મન? ‘કાંટા ઝાંખરા ખાતું ઊંટ મોઢેથી લોહી ઝરતું હોય છતાં ખાવાનું છોડતું નથી!’ આપણી તૃષ્ણાઓની બખોલ વાટે બધું પાણી નકામું વહી જાય છે.’ એક ખેડૂત આખો દિવસ શેરડીના વાઢને પાણી પાતો પણ એક ટીપુંય ખેતરમાં પહોંચતું નહીં.’ કેમ? ‘બધું પાણી ઉંદરોના મોટા દર વાટે ભોંયમાં જ ઉતરી જતું.’ આવું જ આપણું નથી થતું શું?

માનવ મનમાં સત્-અસત્ વચ્ચે દ્વંદ્વ ચાલ્યા કરે છે. ‘માખી ઘડીકમાં ગંદા, ગૂમડા પર તો ઘડીકમાં ભગવાનના પ્રસાદ પર બેસે છે.’ 

ઠાકુરે સમજાવેલું: ‘આ જગતમાં માણસ બે વૃત્તિઓ લઈને જન્મે છે. વિદ્યા અને અવિદ્યા. વિદ્યા મુક્તિ પથે લઈ જાય અને અવિદ્યા સંસારનાં બંધનમાં નાખે. જન્મ સમયે બંને વૃત્તિઓ સમતોલ હોય છે, જાણે ત્રાજવાનાં બે પલ્લાં. એક પલ્લામાં જગત પોતાના સુખોપભોગ મૂકે છે અને બીજામાં આત્મા પોતાનાં આકર્ષણો મૂકે છે. મન સંસાર પસંદ કરે તો અવિદ્યાનું પલ્લું ભારે થાય અને સંસાર તરફ ઢળે, જો આત્મા પસંદ કરે તો ઈશ્વર તરફ ઢળે.’

સંસારી મન એટલે મોહ, માયા, અહંકારથી બદ્ધ મન. આ આપણી વિડંબણા છે. જાણવા છતાં તેમાંથી મુક્ત નથી થતા. ‘પાણીના ઘડામાં છિદ્ર હોય તો પાણી ટકે નહીં. તેમ આપણા ઘડામાં મોહ-માયા, લાલચ-તૃષ્ણાનાં છિદ્રો છે.’ અને જાગૃત રહીએ તો જ આ છિદ્રો પૂરાય. અન્યથા ‘સાધુની તૂંબડી ચાર ધામ ફરી આવી તોય કડવી જ રહી!’ ઠાકુર આપણી સ્થિતિ સરસ રીતે સમજાવે છે: ‘અનાજના મોટા કોઠારોમાં દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે એટલે ઉંદરો કોઠારમાં રાખેલા ચોખાનો સ્વાદ ભૂલી જઈને એની સુગંધથી આકર્ષાઈ ઉંદરિયામાં પકડાઈ જાય. જીવનું પણ આવું જ છે. એ બ્રહ્માનંદને ઊંબરે ઊભો છે, જે સંસારના કોટિ કોટિ આનંદો કરતાંય ચડિયાતો છે, પણ એ પરમ આનંદને માટે યત્ન કરવાને બદલે જીવ સંસારની ક્ષુલ્લક વાતોમાં પડી માયાના પિંજારામાં પકડાય છે ને ફંદામાં પડી મૃત્યુ પામે છે.’

આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? જીવનનો અવસાદ, અસંતુલન, ગલત માર્ગ, મલિનતાઓ નિ:શેષ કરીને પ્રભુના, સત્યના પંથે પ્રગતિ કરી શકાય, તેના માટે જરૂરી બળ અને કળ મેળવી શકાય તે રસ્તો ઠાકુરે દર્શાવ્યો જ છે.

(ક્રમશ:)

Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.