હવે મારે તમને કેટલીક સૂચનાઓ આપવાની છે. આ પત્ર તમારે માટે જ લખ્યો છે. આ સૂચનાઓને દિવસમાં એક વાર વાંચી જજો અને તેનો અમલ કરજો.

૧. બધાં શાસ્ત્રો માને છે કે આ જગતના ત્રિવિધ તાપ કુદરતી નથી અને તેથી તે દૂર કરી શકાય તેવા છે.

૨. બુદ્ધ – અવતારમાં ઈશ્વર કહે છે કે આધિભૌતિક, અથવા તો બીજાં પૃથ્વી પરનાં પ્રાણીઓથી થતાં દુઃખનું મૂળ, ‘જાતિઓ’ની રચનામાં છે. અથવા બીજી રીતે કહીએ તો જન્મલબ્ધ, ગુણલબ્ધ કે સંપત્તિલબ્ધ, દરેક પ્રકારનો વર્ગીય ભેદ આ દુઃખનું મૂળ છે. આત્મામાં લિંગ, વર્ણ, (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર) આશ્રમ (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ) કે બીજા કશાનો ભેદ નથી. જેમ કાદવ કાદવથી ધોવાઈને સાફ ન થાય તેમ ભિન્નતાના વિચારોથી આત્મક્ય પ્રાપ્ત ન થાય.

૩. કૃષ્ણાવતારમાં ભગવાન કહે છે કે બધાં પ્રકારનાં દુઃખનું મૂળ અવિદ્યા છે અને નિઃસ્વાર્થ કર્મથી ચિત્તશુદ્ધિ થાય છે. પણ किं कर्म किमकर्मेति ‘પરંતુ ક્યું કર્મ અને ક્યું અકર્મ, તે નક્કી કરવામાં ઋષિઓ પણ મૂંઝાઈ ગયા છે.’ (ભગવદ્-ગીતા).

૪. જે કામ આપણી આત્મોન્નતિ કરે છે તે જ ખરું કર્મ. જે ભૌતિક્તાને પોષે તે અકર્મ.

૫. તેથી માણસનું માનસિક વલણ, તેનો દેશ અને તેના જમાના પ્રમાણે કર્મ કે અકર્મ નક્કી થાય છે.

૬. યજ્ઞાદિ કર્મો પ્રાચીન કાળમાં યોગ્ય હતાં; પણ તે વર્તમાન યુગ માટે યોગ્ય નથી.

૭. જે દિવસથી શ્રીરામકૃષ્ણ અવતારનો આવિર્ભાવ થયો ત્યારથી સત્યયુગનો પ્રારંભ થયો છે.

૮. આ અવતારમાં જ્ઞાનની તલવાર વડે નાસ્તિક વિચારોનું છેદન થશે. ભક્તિ અને (દિવ્ય) પ્રેમથી આખું જગત સંયુક્ત બનશે. વળી આ અવતારમાં નામ, કીર્તિ આદિની ઇચ્છારૂપ ૨જોગુણ છે જ નહિ. બીજી રીતે કહીએ તો જે તેના ઉપદેશ પ્રમાણે વર્તશે તે ધન્ય થશે; તે શ્રીરામકૃષ્ણદેવમાં માને છે કે નહિ, તે સવાલ જ નથી.

૯. પ્રાચીન કે અર્વાચીન યુગના વિવિધ સંપ્રદાયોના સ્થાપકોએ ભૂલ નથી કરી, તેમણે તો સારું કર્યું છે; પરંતુ તેમણે હજુ વધારે સારું કરવું જોઈએ. સારું વધારે સારું, અને શ્રેષ્ઠ.

૧૦. તેથી લોકો જે સ્થિતિએ હોય ત્યાંથી આપણે તેમને ઊંચે ઉઠાવવા અને તેમને વધુ ને વધુ ઉન્નત આદર્શો પર દોરવા જોઈએ. તેમણે પસંદ કરેલી ધર્મભાવના છોડાવ્યા સિવાય તેમ કરવાનું છે. જે સામાજિક પરિસ્થિતિ હાલ પ્રવર્તે છે તે સારી છે. પરંતુ તે વધારે સારી અને પછી શ્રેષ્ઠ કરવી જોઈશે.

૧૧. સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે.

૧૨. તેથી જ રામકૃષ્ણ-અવતારમાં સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર છે, તેથી જ તેમણે સ્ત્રીના સ્વાંગમાં અને સ્ત્રીભાવે સાધના કરેલી અને તેથી જ સ્ત્રીઓ જગદંબાના પ્રતીક છે એમ કહીને તેઓ સ્ત્રીને માતૃત્વની ભાવનાથી જોવાનો ઉપદેશ આપતા.

૧૩. બધાં કાર્યો પ્રેમથી, સત્ય માટેની ઝંખનાથી અને અપૂર્વ શક્તિથી પાર પડે છે. तत्‌ कुरु पौरुषम्‌। – માટે તમારું પૌરુષ પ્રગટ કરો. सत्यमेव जयते नातृतम। – સત્ય જ જીતે છે, અસત્ય નહિ. तो किं विवादेन- તો પછી વાદવિવાદ શા માટે કરવો ? (‘સ્વામી વિવેકાનંદના પત્રો’, પૃ.૨૧૭-૨૧૮)

Total Views: 267

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.