૧૯૦૧ના એપ્રિલ મહિનામાં સ્વામીજી શિલોંગથી અત્યંત બિમાર હોવા છતાં પોતાનાં માતા સાથે ઢાકા આવ્યા. અહીં એમને દમનો મોટો હુમલો આવ્યો. પહેેલેથી જ એમને મધુપ્રમેહ તો હતો જ. એમની તબિયત ખૂબ બગડી ગઈ હતી, એ વખતે સ્વામીજીએ અન્યમનસ્કભાવે જાણે કે પોતાના અંતિમ દિવસો નજીક આવતા જોઈને પોતાને જ કહેતા હોય તેમ કહ્યુંઃ ‘હું હવે મૃત્યુ પામું તોયે શું? મેં એમને (ભારતની પ્રજાને) ૧૫૦૦ વર્ષ સુધી ચાલે તેટલું જીવન પાથેય આપ્યું છે!’

એમણે સ્પષ્ટપણે અનુભવ્યું કે હવે તેઓ શાંતિથી મૃત્યુને વરશે. તેનું કારણ એ છે કે એમણે પશ્ચિમને પોતાનો સંદેશ આપી દીધો હતો અને જો પશ્ચિમનાં રાષ્ટ્રો એમના આધ્યાત્મિક આદર્શાેને અપનાવે અને ભારતની પ્રજા ભારતના પુનરુદ્ધાર માટે પોતાની યોજનાઓ ઘડે તો એ બંને પ્રજા માટે ૧૫૦૦ વર્ષ સુધી ચાલે તેટલું કાર્ય એમની સામે પડ્યું છે. જેમ જેમ આ બંને પ્રજા એમનાં જીવન-સંદેશને સમજે અને આત્મસાત્ કરે તેમ તેમ એ મહાકાર્ય વધારે ફળદાયી બની શકે.

આવા આર્ષદૃષ્ટા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઊજવી રહ્યા છીએ ત્યારે શું આપણે એમનાં જીવન અને સંદેશને થોડા પ્રમાણમાંયે સમજી શક્યા છીએ ખરા? સામાન્ય રીતે કોઈ પણ પયગંબર હંમેશાં યુગોનું ભાવિદર્શન કરતા હોય છે અને એ પ્રમાણે જીવન-સંદેશ આપતા પણ હોય છે. સ્વામી વિવેકાનંદે પોતાનાં ૩૯ વર્ષના ટૂંકા આયુષ્યમાં અને એમાંયે પોતાનાં ૯ વર્ષના જાહેર જીવનમાં એમણે જે સિદ્ધિઓ, જે ભાથું અને જે વારસો આપણને આપ્યો છે, એ બધાનું અનુસરણ કરવું તો દૂરની વાત રહી પણ એમને સમજવામાંય આપણને હજી વધુ સમય લાગશે એવું લાગે છે. અને એના માટે આપણે સૌ જવાબદાર છીએ.

સ્વામીજી દૃઢપણે માનતા કે કોઈ પણ માનવ કે પ્રજાને માત્ર બાહ્ય પડકારોનો સામનો કરવો પડતો નથી, પણ એણે તો ભીતરના પડકારોને પણ ઝીલવાના, જીતવાના હોય છે. એટલે જ સ્વામીજી આત્મશ્રદ્ધાને વધારે મહત્ત્વ આપતા. માનવને પોતે જ મનમાં ઊભી કરેલ બંધનની શૃંખલાઓ એને વધુ ને વધુ બાંધી દે છે અને એને નિર્બળ બનાવી દે છે. આટલા પ્રમાણમાં બાહ્ય પરિબળો કે પરિસ્થિતિઓ બંધનરૂપ બનતાં નથી. એટલે જ તેઓ ભારતીયો રાજકીય ગુલામીમાંથી મુક્ત બને એ પહેલાં આપણો સમાજ અને એમાંય વિશેષ કરીને યુવકોેએ વર્ષાેથી પોષેલી માનસિક ગુલામીને ખંખેરી નાખવી પડે. રાજકીય બંધનમાંથી આપણે ૬૦-૬૦ વર્ષથી મુક્ત થઈ ગયા, પણ માનસિક રીતે આપણી પ્રજા હજી પણ એ જ મનોદશામાં જીવે છે.

સ્વામીજીના મતે આજે પણ ભારતીય સમાજે ત્રણ મૂળભૂત પડકારોનો સામનો કરવાનો રહેશે. પહેલો પડકાર છે, સમાજનું સામૂહિક મનપરિવર્તન લાવવું. બીજો પડકાર છે, બદલતી પરિસ્થિતિઓ પ્રત્યે એક રચનાત્મક અને ભાવાત્મક અભિગમ વ્યક્તિગત અને સામુહિક સ્તરે કેળવવો. ત્રીજો પડકાર છે, આ પરિવર્તનો લાવવા માટે સમર્થ અને સશક્ત સંચાલન તંત્ર.

સામાન્યજનની આત્મશ્રદ્ધા જાગશે

ત્યારે જ ભારત જાગ્રત થશે

સ્વામીજીએ પોતાનાં ‘ભારતમાં આપેલાં ભાષણો’માં સમાજનું સામુહિક મનપરિવર્તન લાવવા ઘણા પ્રેરણાદાયી ઉદ્ગારો ઉચ્ચાર્યા હતા. એ વખતના સમાજ સુધારકોની જેમ એમણે આપણી સામાજિક, રાજકીય પરિસ્થિતિ માટે ધર્મને જવાબદાર ગણ્યો ન હતો. વાસ્તવિક રીતે તો આપણે ધર્મનું સાચું અનુસરણ કર્યું નથી અને કરાવ્યું નથી, એમ તેઓ દૃઢપણે માનતા હતા. આપણો ધર્મ માત્ર ક્રિયાકાંડ અને અનુષ્ઠાનોમાં બંધાઈ ગયો હતો. સૈકાઓથી ધર્મના નામે ચાલતાં દૂષણો દૂર થશે ત્યારે સમાજના લોકોનું સામૂહિક મનપરિવર્તન થશે અને એમાં સાચા ધર્મે ઘણી અગત્યની ભૂમિકા ભજવવાની રહે છે. એમણે કહ્યું છેઃ

તમારી સમક્ષ આ મુદ્રાલેખ ધ્યાનમાં રાખોઃ ‘ધર્મને હાનિ પહોંચાડ્યા વગર જનતાની ઉન્નતિ.’ (૯. ૨૧૫) યાદ રાખજો કે સાચું રાષ્ટ્ર તો ઝૂંપડાંઓમાં વસે છે… રાષ્ટ્રનું ભાવિ… આમવર્ગની ‘સ્થિતિ’ ઉપર નિર્ભર છે. એમનો તમે ઉદ્ધાર કરી શકશો? એમનામાં રહેલી આધ્યાત્મિક્તાનો લોપ થવા દીધા વગર એમનું ખોવાયેલું વ્યક્તિત્વ તમે એમને પાછું અપાવી શકશો? (૯. ૨૧૫)

સૈકાઓ થયાં તેમને (આમવર્ગને) એવા ડરાવી રાખવામાં આવ્યા છે કે તેઓ લગભગ પશુ કોટિએ પહોંચી ગયા છે. એ લોકોને આત્મા વિશે કદી સાંભળવા દેવામાં આવ્યું જ નથી. હવે એ લોકોને આત્મા વિશે સમજાવો. તેમને કહો કે હલકામાં હલકા માનવીમાં પણ આત્મા રહેલો છે, આત્મા કદી મરતો નથી, કદી જન્મતો નથી, તલવાર એને છેદી શકતી નથી, અગ્નિ એને બાળી શકતો નથી, વાયુ એને સૂકવી શકતો નથી. આત્મા અમર છે, અનાદિ અને અનંત છે, પવિત્ર, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક છે! લોકોમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. તમારામાં અને અંગ્રેજમાં તફાવત પાડનારું તત્ત્વ શું છે? બીજા લોકો ભલે એમની ધર્મ અને ફરજની અને એવી બધી વાતો કર્યા કરે; પણ એ તફાવત મેં શોધી કાઢ્યો છે. તફાવત એ છે કે દરેક અંગ્રેજમાં આત્મવિશ્વાસ છે, તમારામાં તે નથી. પોતે અંગ્રેજ છે, અને પોતે બધું કરી શકે છે એવી તેનામાં શ્રદ્ધા છે. એ શ્રદ્ધાના જોરે એનામાં રહેલો ઈશ્વર પ્રગટ થાય છે અને એ પોતાનું મનધાર્યું કરી શકે છે. તમને કહેવામાં આવ્યું છે કે તમે કંઈ જ નથી; તમને શીખવવામાં આવ્યું છે કે તમે કંઈ જ નથી; પરિણામે દિન પ્રતિદિન તમે શૂન્ય જેવા બનતા જાઓ છો. (૨. ૧૦૩)

આ માટે તેઓ સ્પષ્ટપણે માનતા કે આ બધી સમસ્યાઓનો રામબાણ ઉકેલ માત્ર કેળવણીમાં છે. પોતાનામાં આત્મવિશ્વાસ જગાડે, એને સ્વનિર્ભર બનાવે અને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમે એવું સામર્થ્ય આપતી કેળવણીની જરૂર છે. પ્રજાના મનના સામૂહિક અને આમૂલ પરિવર્તન લાવવા માટે શિક્ષણ શું કરી શકે એ જોવા-જાણવા આપણે પશ્ચિમના દેશો તરફ નજર નાખવી જોઈએ, એમ તેઓ કહેતા. એમણે કહ્યું છેઃ

પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સમગ્ર તફાવત આમાં છેઃ તેઓ રાષ્ટ્રો છે, આપણે નથી; એટલે કે સમૃદ્ધિ, સંસ્કૃતિ, શિક્ષણ વગેરે અહીં પશ્ચિમમાં સહુને મળે છે, આમજનતા સુધી પહોંચી જાય છે. ભારતના અને અમેરિકાના ઉચ્ચ વર્ગાે તો એક જ પ્રકારના છે; પણ બંને દેશોના નીચલા વર્ગાેના લોકો વચ્ચેનું અંતર અગાધ છે. અંગ્રેજોને ભારત જીતવું એટલું બધું સરળ કેમ થઈ પડ્યું? તેનું કારણ એ છે કે તેઓ એક રાષ્ટ્ર છે, આપણે નથી. જ્યારે આપણો કોઈ મહાન પુરુષ મૃત્યુ પામે છે, ત્યારે આપણે સૈકાઓ સુધી તેવા બીજા માટે રાહ જોવી પડે છે; તેમને ત્યાં તો મરતાંની સાથે સાથે જ બીજા નવા ઉત્પન્ન કરી શકે છે… આપણને મહાન પુરુષોની ખેંચ છે. આમ શા માટે? પશ્ચિમના લોકો પાસે આવા મહાન મનુષ્યોને પસંદ કરવાનું ક્ષેત્ર વધારે વિશાળ છે, આપણી પાસે તે ઘણું જ નાનું છે. ત્રીસ કરોડની પ્રજા પાસે પસંદગીનું ક્ષેત્ર મહાન વ્યક્તિઓની ત્રીસ, ચાળીસ કે સાઠ લાખની પ્રજાને મુકાબલે ઘણું જ નાનું છે. કારણ કે એ પ્રજામાં કેળવાયેલાં સ્ત્રીપુરુષોની સંખ્યા મોટી છે. મારા માયાળુ મિત્ર, મારા વિશે અન્યથા ન સમજશો, પણ આપણી પ્રજામાં આ જ મોટી ખામી છે, અને તે દૂર કરવી જ જોઈએ. આમ જનતાને કેળવણી આપીને ઊંચે લાવો; આ રીતે જ પ્રજા તૈયાર થવી શક્ય છે. આપણા સુધારકો વ્રણ ક્યાં છે તે જોતા નથી;.. તેમજ આપણા ધર્મનો પણ દોષ નથી; કારણ એક મૂર્તિ વધારે કે ઓછી હોય તેથી કંઈ ફેર પડતો નથી. પરંતુ સઘળી ખામી અહીં છેઃ કે સાચી પ્રજા કે જે ઝૂંપડીમાં રહે છે, તે પોતાનું મનુષ્યત્વ, પોતાનું વ્યક્તિત્વ ભૂલી ગઈ છે. હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તીની એડી તળે ચગદાઈ ચગદાઈને તે એમ માનતી થઈ ગઈ છે કે પોતે જે જે લોકોના ખિસ્સામાં પૂરતા પૈસા હોય તે સહુના પગ તળે ચગદાવાને જન્મી છે. તેમની ગુમાવેલ આત્મપ્રતિષ્ઠા તેમને પાછી આપવાની છે. તેમને શિક્ષણ આપવાનું છે. (૧૦.૧૦૪)

બીજો પડકાર છે, બદલતી પરિસ્થિતિઓ પ્રત્યે એક રચનાત્મક અને ભાવાત્મક અભિગમ વ્યક્તિગત સ્તરે અને સામૂહિક સ્તરે કેળવવો. આ અભિગમ કેળવવા શિક્ષણ એક મહત્ત્વનું પ્રદાન કરી શકે છે, પણ આ શિક્ષણ સમાજના ગણ્યાગાંઠ્યા લોકો સુધી પહોંચતું મર્યાદિત ન હોવું જોઈએ; એ શિક્ષણ તો સમાજના છેલ્લામાં છેલ્લા માનવ સુધી પહોંચનારું બનવું જોઈએ. સ્વામીજી કહે છેઃ

કોઈ પણ પ્રજાની આમજનતામાં શિક્ષણ અને બુદ્ધિશક્તિનો જે પ્રમાણમાં ફેલાવો થયો હોય તે પ્રમાણમાં તે પ્રજા પ્રગતિશીલ હોય. ભારતના વિનાશનું ખરું કારણ તો દેશની તમામ બુદ્ધિશક્તિ અને જ્ઞાનનો ઈજારો, કુળાભિમાન અને રાજસાાને જોરે માત્ર મુઠ્ઠીભર માણસોના હાથમાં જઈ પડ્યો એ છે. જો આપણે ફરી ઊભા થવું હોય તો આપણે પણ તે જ રસ્તે એટલે કે આમજનતામાં શિક્ષણ ફેલાવીને જ જવું પડશે. (૪. ૨૧૦)

લોકોને જો જાતે મદદ કરવાનું શીખવવામાં નહિ આવે તો દુનિયા આખીનું સઘળું ધન ભારતના એક નાના ગામડાને પણ મદદ નહિ પૂરી પાડી શકે. મુખ્યત્વે કરીને આપણું કામ ‘શિક્ષણાત્મક’ હોવું જોઈએ, નૈતિક તેમજ બૌદ્ધિક ક્ષેત્રોમાં. (૧૦.૬૪)

ત્રીજો પડકાર છે, આ પરિવર્તનો લાવવા માટે સમર્થ અને સશક્ત સંચાલન તંત્ર. ઉપર્યુક્ત પરિવર્તનો લાવવા માટે પોતાના ગુરુભાઈઓ અને ગૃહસ્થ ભક્તોને સાથે રાખીને મે, ૧૮૯૭માં ઔપચારિક રીતે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને પોતાના સ્વપ્નને સાકાર કરવા એમણે આધારશિલા પ્રસ્થાપિત કરી. સંચાલન તંત્રના એક આદર્શ પાસા વિશે એમણે કહ્યું છેઃ

મારા જીવનની સમગ્ર અભિલાષા એ છે કે એક એવી યોજના અમલમાં મૂકી દેવી કે જેથી પ્રત્યેક વ્યક્તિને ઊંચામાં ઊંચા વિચારો સુલભ બને. ત્યારબાદ ભલે સ્ત્રીઓ અને પુરુષો પોતપોતાનું ભાગ્ય નક્કી કરે. જીવનના અત્યંત મહવના પ્રશ્નો વિષે આપણા પૂર્વજોએ તેમજ બીજા દેશોના વિચારકોએ શું વિચાર્યું છે એ હકીકતની તેમને જાણ થવી જોઈએ. બીજાઓ અત્યારે શું કરી રહ્યાા છે એ તેઓ ખાસ જુએ અને પછી પોતાના નિર્ણયો બાંધે. (૯. ૨૧૪)

આપણે તો માત્ર રસાયણોનો સંયોગ કરવાનો છે; પાસા પાડવાની ક્રિયા તો કુદરત પોતાના નિયમાનુસાર કરી લેશે. સખત પરિશ્રમ કરો, ઢ બનો અને પરમેશ્વરમાં શ્રદ્ધા રાખો. (૯.૨૧૪)

Total Views: 145
By Published On: May 1, 2012Categories: Sarvasthananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram