શુદ્ધાનંદની તબિયત સુધરતાં સ્વામી નિરંજનાનંદજીની ચિંતામાં મોટે ભાગે રાહત મળી. ચારુચંદ્ર હજી સ્વામીજીના સંપર્કમાં આવવાના હતા. આમ છતાં આ બંને સંન્યાસીઓના પવિત્ર સંગાથે એમના ભાવિ જીવનને ઘડવામાં સહાય કરી. કેદારનાથ મૌલિક નામના એક બીજા યુવાન દ્વારા સ્વામી વિવેકાનંદના સંદેશ ફેલાવવાના હતા, તેઓ પણ વારાણસીમાં શુદ્ધાનંદ સાથે નિકટના સંબંધમાં આવ્યા. આ કેદારનાથ પછીથી સ્વામી અચલાનંદના નામે જાણીતા બન્યા. શુદ્ધાનંદને સ્વામી ભાસ્કરાનંદજીને મળવાની તક સાંપડી હતી. આ સુખ્યાત અને વિદ્વાન સંત એ વખતે વારાણસીમાં રહેતા હતા. કેટલાંક વર્ષાે પહેલાં આ સંત સ્વામીજીને મળ્યા હતા, પણ એમને એક અપરિપક્વ જુવાનિયા ગણીને એમના પ્રત્યે ઓછો આદર દાખવ્યો. હવે શુદ્ધાનંદ સ્વામીજીના શિષ્ય છે એ જાણીને સ્વામીજી માટે એમણે ઘણો આદર બતાવ્યો. સાથે ને સાથે સ્વામીજી સાથે મુલાકાત ગોઠવી આપવા શુદ્ધાનંદને વિનંતી કરી. આ ઉપરાંત જ્યારે એમને ખ્યાલ આવ્યો કે સ્વામી નિરંજનાનંદ સ્વામીજીના ગુરુભાઈ છે ત્યારે એમણે એમનું ઘણું સારું આતિથ્ય કર્યું, એમની સાથે ઘણી ચર્ચા કરીને તેમને પણ સ્વામીજી સાથે મુલાકાત કરી દેવાની વિનંતી કરી. સ્વામી નિરંજનાનંદે આ વિશે સ્વામીજીને લખ્યું પણ આવી મુલાકાત થઈ ન શકી. પછીથી જ્યારે શુદ્ધાનંદ પાસેથી સ્વામીજીએ ભાસ્કરાનંદની અંતરની ઇચ્છા જાણી ત્યારે તેમણે ભાસ્કરાનંદને સંસ્કૃતમાં એક વિનમ્ર ભાષામાં પત્ર લખ્યો. એમાં એમણે પોતે એમને મળી શકે એમ નથી એ માટે દિલગીરી પણ વ્યક્ત કરી હતી. અમેરિકાથી પાછા ફરીને સ્વામી શારદાનંદ હવે વારાણસીમાં રહેતા હતા. શુદ્ધાનંદની નબળી તબિયત જોઈને એમને ઘણું દુઃખ થયું. એમણે તેને હવે વધારે તપશ્ચર્યા છોડી દેવા સહમત કરવા અને મઠમાં પાછા ફરવા ઘણો પ્રયત્ન કર્યાે; પરંતુ તેઓ શુદ્ધાનંદના જીવનના ચાલુ વલણની દિશામાં પરિવર્તન લાવવામાં સફળ ન થયા. શુદ્ધાનંદ મચ્છરદાની પણ ન વાપરતા અને પરિણામે એમના શરીર પર મચ્છરના ડંખનાં નિશાનો પણ હતાં. આ જોઈને સ્વામી શારદાનંદજીએ ચારુચંદ્ર દ્વારા એમને માટે એક મચ્છરદાની ખરીદી. અને એના પૈસા પણ એમણે ચૂકવ્યા.

આમ છતાં પણ શુદ્ધાનંદની તબિયત વધુ ને વધુ બગડતી ગઈ, અને સતત આવતા તાવને લીધે તેમને કોલકાતા આવવું પડ્યું. એ વખતે મઠ નિલામ્બર મુખર્જીના ઉદ્યાનગૃહમાં હતો. સ્વામી નિરંજનાનંદે માતા સેવિયરને પત્ર લખ્યો અને શુદ્ધાનંદના પ્રવાસખર્ચ અને એમને માટે એક જોડી બૂટ ખરીદવા પૈસા મોકલવા કહ્યું. શુદ્ધાનંદ મઠમાં પાછા આવ્યા જ્યારે સ્વામી નિરંજનાનંદ વારાણસીમાં જ રહ્યા. શુદ્ધાનંદે એકથી વધારે વાર જણાવ્યું હતું કે સ્વામી નિરંજનાનંદજીના પ્રભાવથી એની આધ્યાત્મિક ઉન્નતિમાં ઘણું મોટું પ્રદાન મળ્યું છે. શ્રીરામકૃષ્ણદેવના બીજા સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય એમને સાંપડ્યું હતું. પવિત્રતાના અવતારરૂપ આવી આધ્યાત્મિક મહાન વિભૂતિઓની નિશ્રામાં શુદ્ધાનંદના પ્રાથમિક ગાળાના એમના સંન્યાસી જીવનનું ઘડતર થયું હતું. સ્વામી શુદ્ધાનંદના એક અપ્રસિદ્ધ પત્રમાંથી અહીં આપેલ એક ઘટના એ મહાન વિભૂતિઓની ઉષ્માભરી તાલીમનો ખ્યાલ આપે છેઃ

‘તાવના હુમલા પછી મારું તાપમાન સામાન્ય થયું ત્યારે મને ખૂબ ભૂખ લાગતી. એ વખતે હું ખાવા માટે બ્રેડના આઠ ટુકડા માગી લેતો. સ્વામી નિરંજનાનંદ કહેતા ‘તું હજી સારોસાજો નથી એટલે તને બ્રેડના ચાર ટુકડાથી વધારે નહીં મળે’ એ સાંભળીને હું કહેતો, ‘મેં તો નિયમિત રીતે આઠ ટુકડા ખાધા છે અને હજી પણ મારે મારી ભૂખ સંતોષવા એટલા જ જોઈશે.’ એક દિવસ ત્યારે મારી રીતે એ મેળવવા મેં આગ્રહ રાખ્યો ત્યારે સ્વામી નિરંજનાનંદે કહ્યું, ‘અત્યારે, હવે હું શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ)ને પત્ર લખું છું અને મારા પત્રમાં એ પણ લખીશ કે તું માંદો છે છતાંય તું મારી પાસેથી આઠ બે્રડના ટુકડા લેવા મારો જીવ ખાય છે.’ જેમ એક પ્રેમાળ અને સંતાનની ચિંતા સેવતી માતા પોતાના હઠે ચડેલા બાળકને ઠપકો આપે તેવો જ ઉષ્મા ભર્યાે રણકો મને આ શબ્દોમાં સંભળાયો! જેઓે રામકૃષ્ણ સંઘના ઈતિહાસને જાણે છે તેઓ આટલું સમજે છે કે તેના (સંન્યાસી) સભ્યોના પરસ્પરના પ્રેમ અને પૂજ્યભાવની આધારશીલા પર સંઘ રચાયો છે.

સ્વામીજીની સંકલ્પના પ્રમાણે રામકૃષ્ણ સંઘના ‘ઉદ્‌બોધન’ નામના બંગાળી સામયિકનો પ્રારંભ સ્વામી ત્રિગુણાતિતાનંદજીના તંત્રીપણા હેઠળ ૧૪ જાન્યુઆરી, ૧૮૯૯ના રોજ થયો. શ્યામબજારના ૧૪, રામચંદ્રમૈત્ર ગલીમાં આવેલા શ્રીગિરીન્દ્ર મોહન વાસકના ઘરમાં તેનું કાર્યાલય હતું. પાક્ષિક સામયિકરૂપે એનો પ્રારંભ થયો. સ્વામીજીની વિનંતીથી શુદ્ધાનંદે સામયિકના કાર્યમાં સ્વામી ત્રિગુણાતિતાનંદજીને સહાયકરૂપે મદદ કરી અને સમય જતાં તેઓ એમના જમણા હાથ બની ગયા. એ સમયે સ્વામીજીના ‘રાજયોગ’નું શુદ્ધાનંદે કરેલ બંગાળી ભાષાંતર હપ્તાવાર પ્રસિદ્ધ થતું રહ્યું.

પ્રાચીન ગુરુકુલ પરંપરા પ્રમાણે એ વખતે વિદ્યાર્થીઓ સંન્યાસીઓ સાથે મઠમાં રહેતા હતા અને પોતપોતાનો અભ્યાસ કરતા. એ વખતે રામકૃષ્ણ મિશનને કોઈ અલગ શાળાઓ કે હોસ્ટેલો ન હતાં. એટલે સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સંઘમાં જ એક વિદ્યાર્થી મંદિર સ્થાપવાનું નક્કી થયું અને શુદ્ધાનંદને એનો હવાલો સોપાયો.

એક દિવસ ૧૯૦૨ના જૂન મહિનાના અંતે સ્વામીજીએ શુદ્ધાનંદને પંચાંગ લાવવા કહ્યું. પંચાંગ લાવ્યા અને સ્વામીજીએ તેનો બારીકાઈથી અભ્યાસ કર્યાે પછી એને એક બાજુએ મૂકી દીધું. સ્વામીજીના હાવભાવ પ્રમાણે શુદ્ધાનંદને લાગ્યું કે કોઈ વિશેષ કાર્ય માટે તેઓ તારીખતિથિ પસંદ કરતા હતા. અરેરે! શુદ્ધાનંદને એક ક્ષણ માટે પણ એવી કલ્પના ના આવી કે સ્વામીજી આ દુનિયામાંથી શાશ્વત વિદાઈ લેવાની તિથિ નક્કી કરતા હતા. એક અઠવાડિયા પછી આ ઘટના ઘટી. જે કાર્ય માટે તેઓ આ વિશ્વમાં અવતર્યા હતા તે પૂર્ણ થતાં ૪ જુલાઈ ૧૯૦૨ના રોજ સ્વામીજી મહાસમાધિમાં લીન થઈ ગયા. સ્વામીજીના આ દેહવિલયના સમાચારે શુદ્ધાનંદના હૃદય પર કેવો કારી ઘા કર્યાે હતો, એની કલ્પના પણ કોણ કરી શકે. બીજું બધું તો પહેલાંની જેમ જ હતું પણ એક મહાન વ્યક્તિ કે જેમના પર બધા સંન્યાસીઓની આશા-અપેક્ષાઓ કેન્દ્રિત થઈ હતી અને એ બધાના પ્રયત્નોમાં પ્રેરણાનું સ્રોત બની રહેનાર સ્વામીજી ચાલ્યા ગયા! જો કે સ્વામીજી ક્ષરદેહે ન રહ્યા પણ રામકૃષ્ણ સંઘનું મૂક-શાંત મને કામ કરતાં શુદ્ધાનંદને એની પાછળ રહેલ સ્વામીજીની મહાન શક્તિનો અનુભવ થતો હતો. સ્વામીજીએ આલ્મોડાથી લખેલ પત્રમાંના આ શબ્દો એમને અવારનવાર યાદ આવતાઃ ‘તારે તારા પોતાના મૂળભૂત વિચારો સાથે આગળ આવવું જોઈએ; નહીં તો જેવો હું મૃત્યુ પામીશ કે તરત જ બધું કાર્ય ફનાફાતિયાં થઈ જશે. હું મારા સંન્યાસી બંધુઓના કરતાં મારા સંન્યાસી શિષ્યસંતાનોમાં વધારે આશા અપેક્ષા રાખું છું એ તું ક્યારેય ન ભૂલતો.’

Total Views: 450

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.