ફરી એકવાર અદ્વૈતનો એ મહાન ધ્વજ ફરકાવો. જ્યાં સુધી તમે જુઓ નહીં કે એ એક જ ઈશ્વર સર્વ ઠેકાણે હાજરાહજૂર છે, ત્યાં સુધી બીજી કોઈ પણ ભૂમિકા ઉપર તમે એ અદ્‌ભુત પ્રેમ દાખવી શકશો નહીં. એ પ્રેમનો ધ્વજ ફરકાવો! ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત – ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ ઊઠો, જાગ્રત થાઓ! ત્યાગ વિના કશુંય થઈ શકે નહીં. જો તમે બીજાઓને સહાય કરવા ઇચ્છતા હો તો તમારી ક્ષુદ્ર જાતને પડતી મૂકવી જોઈશે. ખ્રિસ્તીઓની ભાષા વાપરીએ તો તમે ભગવાન અને ભજકલદારમ બેઉની એકીસાથે સેવા નહીં કરી શકો. વૈરાગ્ય ધારણ કરો. મહાન કાર્યો કરવા માટે તમારા પૂર્વજોએ સંસાર છોડી દીધો હતો. આજે પણ પોતાની મુક્તિમાં સહાયભૂત થવા સારુ સંસારનો ત્યાગ કરનારા મનુષ્યો છે. તમે સર્વ કંઈ ફેંકી દો, તમારી મુક્તિ સુધ્ધાં જતી કરો, અને બીજાઓને સહાય કરો. ભાઈઓ! તમે સહુ હંમેશાં મોટા મોટા શબ્દોનાં બણગાં ફૂંકો છો, પણ આ વ્યાવહારિક વેદાંત તમારી સામે હાજર છે. આ તમારી ક્ષુદ્ર જિંદગીનો ત્યાગ કરો. જ્યાં સુધી આ પ્રજા જીવતી છે ત્યાં સુધી તમે કે હું કે આપણા જેવા હજારો ભૂખે મરી જાય તોય શું થઈ ગયું? (૨. ૨૮૩)

વ્યક્તિનું જીવન સમષ્ટિના જીવનમાં સમાયેલું છે; વ્યક્તિનું સુખ સમષ્ટિના સુખમાં રહેલું છે, સમષ્ટિથી અલગ વ્યક્તિનું અસ્તિત્વ કલ્પી શકાય નહીં. આ એક સનાતન સત્ય છે, અને તે પાયાના ખડક ઉપર જ વિશ્વ રચાયું છે. આ અનંત પૂર્ણતા તરફ ધીરે ધીરે પ્રયાણ કરવું, તેના પ્રત્યે ઊંડી સહૃદયતા અને એકતાની ભાવના દાખવવી, તેના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી થવુંઃ વ્યક્તિનું એ એકમાત્ર કર્તવ્ય છે. એ તેનું કર્તવ્ય છે એટલું જ માત્ર નહીં પણ તેના ઉલ્લંઘનમાં તેનું મૃત્યુ છે, જ્યારે આ મહાન સત્યના પાલનમાં અવિનાશી જીવન મળે છે. પ્રકૃતિનો આ નિયમ છે. પ્રકૃતિની સદા સજાગ આંખોમાં કોણ ધૂળ નાખી શકે? સમાજની આંખ આડે પાટા બાંધીને કોઈ તેને લાંબા કાળ સુધી છેતરી શકે નહીં. સમાજની સપાટી ઉપર ગમે તેટલા કચરાપૂંજા અને કીચડના ઢગ એકઠા થયા હોય, પરંતુ તે ઢગલાઓની નીચે સમાજની, બધાને માટે પ્રેમ અને આત્મ-ત્યાગભરી કરુણાનાં આંદોલનોથી ધબકતી પ્રાણશક્તિ – જણાશે. સમાજ પૃથ્વી જેવો છે; પૃથ્વીની માફક તે સતત જુલમ સહ્યે જાય છે. પણ એક દિવસ તો તે જાગ્રત થાય જ છેઃ પછી તે જાગૃતિ આવતાં ભલે ગમે તેટલો લાંબો સમય જાય. જાગૃતિનો તે હચમચાવી નાખે તેવો આંચકો, ધીરજ અને શાંતિપૂર્વક સહી લીધેલા અને લાખો વર્ષાે દરમિયાન એકઠા થયેલા, સ્વાર્થ અને અધમતાની ધૂળના ઢગલાઓને પળવારમાં ફગાવીને દૂર ફેંકી દે છે! (૪. ૧૨૮)

આત્મપ્રેમ એ આત્મત્યાગનો પ્રથમ ગુરુ છે. માણસ કેવળ વ્યક્તિગત હિતની જાળવણી માટે જ સમુદાયના હિત સામે પ્રથમ જુએ છે. પોતાની પ્રજાના હિતમાં પોતાનું જ હિત રહેલું છે, પોતાની પ્રજાના સુખમાં પોતાનું જ સુખ સમાયેલું છે. વધારે લોકોના સહકાર સિવાય મોટા ભાગનાં કામો ચાલી શકતાં નથી, સ્વરક્ષણ પણ અશક્ય બને છે.(૪. ૧૩૫)

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માંથી)

Total Views: 146
By Published On: June 1, 2012Categories: Vivekananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram