આ તે કેવી વિડંબણા? પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુ) અને આઝાદી દિન (૧૫ ઓગસ્ટ)વચ્ચે શું તફાવત રહેલો છે એ આઝાદ હિન્દુસ્તાનના સેંકડો યુવક-યુવતીઓને ખ્યાલ જ નથી. કારણ કે પંદર ઓગષ્ટની સાંજે એક શિક્ષિત યુવકે મને પ્રશ્ન કરેલો ‘કેમ આજે દિલ્લીના રાજમાર્ગ ઉપર જુદાંજુદાં દરેક રાજ્યના ફ્લોટ્સ અને શસ્ત્રોની શક્તિનું પ્રદર્શન કરતી પરેડ નીકળી નહીં?’ આ તે કેવું શિક્ષણ? આ યુવાનને એ પણ ખ્યાલ ન હતો કે દિલ્લીના રાજમાર્ગ ઉપરનું શક્તિ તેમજ સાંસ્કૃતિક પ્રદર્શન ફક્ત પ્રજાસત્તાક દિવસે જ હોય છે. આઝાદ દિને નહીં. છેલ્લાં દશ વર્ષથી યુવાનોમાં એક નવી માનસિકતા ઊભી થઈ છે કે જીવનમાં થઈ શકે તેટલા મોજશોખ પૂરા કરી લેવા, કાલની કોને ખબર છે! આ નાગરિકો પાસે રાષ્ટ્ર શું અપેક્ષા રાખી શકે? ટી.વી. પર ટૂંકા વસ્ત્રો પહેરીને ‘અય મેરે વતન કે લોગો’નું ગીત રજૂ કરીને મગરનાં આંસુ પાડતાં કલાકારોને રાષ્ટ્રની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ જ નથી. ખેર! જવા દો, આપણે તો વાત કરવી છે ભર યુવાનીમાં સર્વસ્વ ત્યાગીને રાષ્ટ્રયજ્ઞમાં જંપલાવનાર વીરલાઓની, હિંદ છોડોની ચળવળમાં અનેક કષ્ટો સહન કરનાર ક્રાંતિકારીઓની જેનાં નામ પણ ઈતિહાસના ચોપડે ચડાવવાનાં બાકી છે તેવા પુણ્યશાળી ભારતમાતાના લાલોની આ એક એક રાષ્ટ્રભક્તોનાં જીવન ચરિત્ર પર સેંકડો પુસ્તકો લખી શકાય. સંગ્રામ-સંઘર્ષ, પારાવાર યાતના, કષ્ટો, પરિવારના ત્યાગ દ્વારા આ સપૂતોએ મહામોંઘી આઝાદીનાં ફળ આપણને અર્પિત કર્યાં.

ચાફેકર બંધુ, મદનલાલ ઢીંગરા, મંગળ પાંડે, ગોપાલકૃષ્ણ ગોખલે, કુંવરસિંહ, સાવરકરજી, ખુદીરામબોઝ, લાલા લજપતરાય, રાણી લક્ષ્મીબાઈ, તાત્યાટોપે, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બંદા વૈરાગી, ગુરુ ગોવિંદસિંહ… વગેરે અગણિત ક્રાંતિકારીઓનાં નામોથી જ એક મોટો દળદાર ગ્રંથ તૈયાર થઈ શકે. આમ છતાં ખૂબ ટૂંકમાં નજર કરીએ તેઓનાં અપ્રિતમ સાહસની.

એક હુંકાર કરીને માથું ધુણાવીને ટટ્ટાર ઊભા રહીને કહ્યું!

‘તમારા હાથમાં ફાંસી આપવા જેવા નબળા શસ્ત્ર સિવાય બીજું છે પણ શું? લટકાવી દો મને ફાંસીના ફંદા પર, તમે આ પીરઅલીને નથી ઓળખતા, સત્તાનાં કોરડા વીંઝીને તમે બહુ બહુ તો કોઈને ગુનેગાર ગણીને સજા કરી શકો, પણ શું તમે અમારા આદર્શાેને ફાંસીના માંચડે ચડાવી શકો તેમ છો? તાકાત હોય તો ચડાવો અમારા આદર્શાેને ફાંસીના ફંદા પર. સત્તાના જોરે તમે અનેકને સજા ફરમાવી છે અને હજીએ ફરમાવશો પણ એથી દેશભક્તોની વફાદારી પર ફરક નહીં પાડી શકો. તમે મને મારી નાંખશો તો ય હું મારા સાથી ક્રાંતિકારીઓની માહિતી નહીં આપું. હું મરવા તૈયાર છું પણ એ મૃત્યુ પછી હજારો દેશભક્તો પેદા થશે, એને તમે ખાળી શકશો? અત્યારે કાળ-કોટડીનાં અંધકારમાંય હું ગોરી સરકારનાં પતનને હૂબહૂ જોઈ શકું છું લો, કરો ઉતાવળ મને ફાંસી પર ચડાવી દો.’

આ શબ્દો છે પટના (બિહાર)ના ક્રાંતિકારી નેતા પીરઅલીના.

ભારતમાં વસતા મુસ્લિમો તથા હિન્દુઓમાં જો આ પ્રકારની રાષ્ટ્રભક્તિ કેળવાય તો ત્રાસવાદીઓની હેસિયત છે કે આપણને નુકસાન પહોંચાડી શકે!

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની રાષ્ટ્રભક્તિ અને શૂરવીરતા સુવિખ્યાત છે. બ્રિટિશ સરકારે ઝાંસીને ખાલસા કરવાનો હુકમ કર્યાે ત્યારે રાણીએ સિંહણ ગર્જના કરીને કહ્યું, ‘હું મારી ઝાંસી નહીં આપું. ૧૮૫૭માં ઝાંસીમાં જે હત્યાકાંડ થયો તેમાં રાણીનો સહેજ પણ હાથ ન હતો એ વાતનો સ્વીકાર બ્રિટિશ અહેવાલે પણ કર્યાે હતો. છતાં તા- ૩ એપ્રિલના રોજ બ્રિટિશ સેનાપતી સર હુરોએ ઝાંસીના કિલ્લા પર ભીંસ વધારી. રાણીના કહેવાથી નાના સાહેબે તાત્યાટોપેને લશ્કરની ટુકડી સાથે મોકલ્યા, પણ એનો પરાજય થયો, રાણીનો જ સૈનિક ફૂટી જતાં અંગ્રેજ સેના કિલ્લામાં ઘૂસી આવી, ત્યારે રાણી ઘોડાની લગામ મોઢામાં રાખીને બેય હાથમાં સમશેર (તલવાર) લઈને બ્રિટિશ સેનાની વચ્ચે ખાબકી અને ગોરી સેનાના સૈનિકોનાં માથા વધેરતી રહીં. એના શૂરવીર સૈનિકો ગુલામ ગોસખાન અને ખુદાબક્ષ માર્યા ગયા, છતાં રાણી હિંમત હાર્યા વગર લડતી રહી. અંગ્રેજો શહેરભરમાં પ્રવેશી ગયા. નિર્દાેષ જનતાની કત્લેઆમ અને લૂંટફાટ કરી ત્યારે રાણીએ લાચાર બનીને શત્રુઓને થાપ આપીને ઉત્તર દિશાના દરવાજેથી પૂરપાટ નીકળી ગઈ. પિતા મોરોપંત શસ્ત્રો સાથે સવાર થયા. લક્ષ્મીબાઈ પુત્ર દામોદર રાવને પીઠ પાછળ બાંધી તેની સખી મંદરા અને કાશી સાથે નાસી રહી હતી એથી સ્મિથે એનો પીછો પકડ્યો, સ્મિથ પાછળ આવતો જોઈને લક્ષ્મીબાઈએ ઘોડાને નાળુ કુદાવવાની કોશિશ કરી પણ થાકેલો ઘોડો નાળુ ન કૂદી શક્યો. અપૂર્વ વીરતા દાખવી સખી મંદરા અંગ્રેજ અધિકારીની ગોળીથી મૃત્યુ પામી એ ગોરા અફસરને રાણીએ ત્યાં જ ઢાળી દીધો. આ અથડામણમાં રાણી સારી રીતે ઘવાઈ, છતાં પણ અભિમન્યુની પેઠે લડતી રહી અને અંતે ઢળી પડી. પણ એનાં બંને સેવકો રામચંદ્રરાવ દેશમુખ અને રઘુનાથસિંહએ રાણી તથા પુત્રને લઈને પર્ણકુટિર બાજુ ચાલ્યા ગયા. ત્યાં પર્ણકુટિરમાં રાણીએ ગંગાજળ પાન કર્યું, પોતાના વહાલા પુત્ર દામોદર રાવને સેવકોનાં હાથમાં સોંપીને સ્વર્ગ ભણી પ્રયાણ કર્યું.’

જરા વિચાર કરો યુવાનો યુવતિઓ! પોતાના વ્હાલસોયા પુત્રને પીઠ પર બાંધીને રાણી લક્ષ્મીબાઈએ શી રીતે જંગ ખેલ્યો હશે?

આવો નજર કરીએ થોડા પ્રકાશમાં આવેલી સત્ય હકીકતો પરઃ-

૧. તાત્યાની વફાદારી અને સિપાહીગીરીથી ખુશ થઈને પેશ્વાએ નવરત્ન ભરેલી ટોપી અર્પણ કરી હતી. તેથી તે ‘તાત્યાટોપે’ નામથી ઓળખાયા. અંગ્રેજો પણ તાત્યાટોપેની વ્યૂહરચનાથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તાત્યાને હિંદના ‘ગેરીબાલ્ડી’ રૂપે સંબોધતા.
૨. ચંદ્રશેખર આઝાદે અંગ્રેજોને ચેલેન્જ આપી હતી કે તમો મને જીવિત ક્યારેય પકડી શકશો નહીં, અને ખરેખર એમ જ બન્યંુ હતું. આઝાદ હમેશાં કમર પર કારતુસનો પટ્ટો અને ખુલ્લા શરીર સાથે જંગ લડતા.
૩. લાલા લજપતરાયના મૃત્યુ પછી જ શહીદ ભગતસિંહ અને સાથીઓએ ક્રાંતિયજ્ઞમાં જંપલાવવાનો નિર્ણય કર્યાે અને શહીદી વહોરી હતી.
૪. બિહારમાં મહાન સ્વાતંત્ર્ય સેનાની રાજા કુંવરસિંહે અંગ્રેજો સામે ખેલેલા અવિસ્મરણીય જંગને કારણે તોપમારાથી ઘાયલ થયેલો હાથ કાપીને ગંગાજીને અર્પણ કરેલો.
કારણ કે અંગ્રેજોનાં તોપગોળાથી હાથ બહુ ખરાબ રીતે ઝખ્મી થયો, ફુવારાની જેમ ઘવાયેલા હાથમાંથી લોહીની ધાર વછૂટી. હાથ લોહી વિનાનો થઈ ગયો હતો અને વધુ વખત રહે તો રાજા કંુવરસિંહ મોતને ભેટે તેવી સ્થિતિ હતી. મહાવીર, પરાક્રમી, મહાપ્રતાપી, મહાશૂરવીર, નરકેસરીએ મ્યાનમાંથી તલવાર ખેંચી અને એક ઝાટકે હાથ કાપી નાંખીને ગંગાજળને અર્પણ કર્યાે હતો.

એ જ ક્ષણે કુંવરસિંહના અનૂજબંધુ અમરસિંહે પ્રતિજ્ઞા કરી કે આગળની લડાઈ હવે પોતે પૂરા સામર્થ્યથી લડશે.
હાલમાં અંગ્રેજો જેવી કૂટનીતિ આતંકવાદીઓ તેમજ સીમાપારનાં રાષ્ટ્રો આચરી રહ્યાં છે ત્યારે શું જરૂર નથી બંધારણમાં ફેરફાર કરવાની? વિશ્વના અનેક દેશોએ સમય પ્રમાણે તેમનાં બંધારણની કલમમાં સુધારા કર્યા જ છે.
દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વના પવિત્ર દિવસે ભારતવર્ષનાં તમામ યુવક-યુવતીઓ ફક્ત કોઈપણ એક સ્વાતંત્ર્ય સેનાનીના જીવન ચરિત્રનો અભ્યાસ કરે એ જ અભ્યર્થના.

* આકાશને ટકોરા મારો અને તેનો અવાજ સાંભળો!- ઝેન કહેવત
* ગુરુ દરવાજો ખોલી આપે છે પણ પ્રવેશ તો તમારે તમારી જાતે જ કરવો પડે છે. – ચીન દેશની કહેવત
* એક હજાર કિલોમીટરની યાત્રા એક્ પગલાથી શરૂ થાય છે. – ચીન દેશની કહેવત
* એક મૂર્ખ માણસ પોતાના મિત્રો પાસેથી જેટલું શીખે છે એથી વધુ એક ડાહ્યો માણસ પોતાના દુશ્મનો પાસેથી શીખે છે. – ચીન દેશની કહેવત
* જો તમે કોઇ નદીની ઊંડાઇ માપવા માગતા હો તો બંને પગ ના ડુબાડતા. – ચીન દેશની કહેવત
* સાંભળો અને તમે ભૂલી જાશો; જુઓે અને તમને યાદ રહેશેે; કરો અને તમે સમજશો. – કન્ફ્યુશિયસ
* જેટલી વાર નિષ્ફળ થઇએ એટલી વાર ફરીથી ઊભા થવું એ આપણી સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. – કન્ફ્યુશિયસ
* સંસારમાં મનુષ્ય સાધારણ રીતે જે બધી પ્રતિકૂળતાઓમાં પડીને નાસીપાસ થઈ જાય એવી અવસ્થામાં પડીને અમે પણ જ્યારે શ્રીરામકૃષ્ણ પાસે ઉપસ્થિત થતા ત્યારે તેઓ અમને સાંત્વના આપતા, ‘લુહારની એરણ જેવા થઈ જાઓ. આખો દિવસ તેની ઉપર સતત ઘણનાં ઘા પડે છે છતાં પણ તે ધીર, શાંત, નિર્વિકાર. સંસારમાં જ્યારે ને ત્યારે તમારા ઉપર આઘાત આવી પડે છે. પરંતુ લુહારની એરણની જેમ જ તમારે નિર્વિકાર રહેવું. તમારે ધર્મવિશ્વાસ ઉપર અટલ રહેવું અને સર્વશક્તિમાન ઈશ્વરની દયા અને કરુણા ઉપર દૃઢ વિશ્વાસ રાખવો. ત્યારે જ સંસારનાં દુઃખ, વિપદા અને ક્લેશના ઝંઝાવાત તમને વિચલિત કરી શકશે નહીં. એ બધાં તમને હેરાન કરવા જતાં પોતે જ હેરાન થઈ જશે.’ – (‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા’માંથી, પાના નં. ૪૬૮)

Total Views: 141
By Published On: August 1, 2012Categories: Dipak Kumar A. Raval0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram