મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે ત્યારે તેનું પરિણામ અંતે અલગ રહેનારને સર્વદા હાનિકારક નીવડ્યું છે.

મારા ખ્યાલ પ્રમાણે ભારતનાં પતન અને અધોગતિનું એક મહાન કારણ પ્રજાની આસપાસ ઊભી કરવામાં આવેલી રૂઢિની દીવાલ છે; વળી આ દીવાલ બીજાના તિરસ્કારના પાયા ઉપર ચણાઈ હતી. જો કે પ્રાચીન કાળમાં એનો મૂળ હેતુ તો હિંદુઓને આજુબાજુની બૌદ્ધ પ્રજાઓના સંપર્કમાં આવતી અટકાવવાનો હતો.

પ્રાચીન કે અર્વાચીન વિતંડાવાદ તેના ઉપર ગમે તેવો ઢાંકપિછોડો કરે તો પણ, પોતાને નીચો પાડ્યા સિવાય કોઈ પણ વ્યક્તિ બીજાનો ધિક્કાર કરી શકે નહીં, એ નૈતિક નિયમ અનુસાર, એનું અનિવાર્ય પરિણામ એ આવ્યું કે પ્રાચીન પ્રજાઓમાં જે પ્રજા અગ્રસ્થાને હતી તે આજ નામશેષ અને અન્ય પ્રજાઓથી તિરસ્કૃત બની છે. જે નિયમની પ્રથમ શોધ અને પારખ કરનાર આપણા પૂર્વજો હતા તેનો જ ભંગ કરવાના પરિણામોના ઉદાહરણરૂપ આપણે થયા છીએ.

એ નિયમ છે આપ-લેનો. અને જો ભારત પોતાને ફરીથી ઉન્નત બનાવવા માગતું હોય તો તેણે પોતાનો જૂનો ખજાનો બહાર લાવીને દુનિયાની પ્રજાઓમાં છૂટે હાથે વહેંચી દેવો જોઈએ, અને બદલામાં બીજાઓ પાસેથી તેઓ જે આપી શકે તે લેવા તૈયાર રહેવું જોઈએ. વિસ્તાર એ જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે; પ્રેમ એ જીવન છે, ધિક્કાર એ મૃત્યુ છે. જે દિવસથી બીજી પ્રજાઓનો આપણે તિરસ્કાર કરવો શરૂ કર્યો, તે જ દિવસથી આપણા મૃત્યુની શરૂઆત થઈ; અને જો આપણે પાછા વિસ્તાર એટલે કે જીવન તરફ પાછા નહીં આવીએ તો આપણું મૃત્યુ કોઈ અટકાવી શક્શે નહિ.

માટે આપણે દુનિયાની બધી પ્રજાઓ સાથે ભળવું જોઈએ. જેઓ વહેમો અને સ્વાર્થનાં પોટલાં જેવા છે, અને જેમના જીવનનું એકમાત્ર ઘ્યેય ગમાણમાંના કૂતરા જેવું લાગે છે, તેવા સેંકડોના કરતાં જે દરેક હિંદુ પરદેશમાં મુસાફરીએ જાય છે તે પોતાના દેશને વધુ ફાયદો કરે છે. રાષ્ટ્રીય જીવનની જે અદ્‌ભુત ઇમારત પાશ્ચાત્ય પ્રજાઓએ ઊભી કરી છે તે તેમના ચારિત્ર્યના મજબૂત થાંભલાઓને આધારે ઊભી છે; જ્યાં સુધી આપણે તેવા સંખ્યાબંધ ચારિત્ર્યવાન માણસો પેદા ન કરી શકીએ ત્યાં સુધી આ કે તે સત્તા સામે બખાળા કાઢવા નિરર્થક છે.

જે લોકો બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેઓ પોતે સ્વતંત્રતાને લાયક છે ખરા ? નિરર્થક બખાળા કાઢવામાં આપણી શક્તિઓને વેડફી નાખવાને બદલે, શાંતિથી અને હિંમતથી કામે લાગી જઈએ. હું તો સંપૂર્ણપણે એમ માનું છું કે જે જેને માટે યોગ્ય છે તેને તે મેળવતાં દુનિયાની કોઈ પણ સત્તા રોકી શકે નહીં. ભૂતકાળ જરૂર મહાન હતો, પણ હું અંતરથી માનું છું કે ભવિષ્ય તેથીયે વધુ ઉજ્જવળ બનશે. ભગવાન શંકર આપણને પવિત્રતા, ધૈર્ય અને ખંતમાં અચળ રાખો.(ભાગ. ૩, પૃ.૨૯૦-૨૯૧)

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.