ગતાંકથી ચાલું…

૨૪ ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ બેલુરમઠમાં શ્રીરામકૃષ્ણદેવના વિશ્વવ્યાપી શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન થયું. ઘણા વક્તાઓએ શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશ વિશે પોતાનાં વિદ્વતાપૂર્ણ વક્તવ્યો આપ્યાં હતાં. સ્વામી શુદ્ધાનંદ આ સમારંભના અધ્યક્ષ સ્થાને હતા.

એ સમય દરમિયાન સ્વામી શુદ્ધાનંદની તબિયત વધારે બગડી. ૧૯૩૭ના પ્રારંભમાં તેમને હળવો લકવાનો હુમલો આવ્યો. સમયસરની સારવાર અને કાળજી ભરી ચિકિત્સાને લીધે તેમની તંદુરસ્તી સામાન્ય થઈ. પરંતુ એમણે પોતાના શરીરની અવસ્થા પ્રત્યે ક્યારેય બહું ધ્યાન ન આપ્યું અને તેઓ હમેશાં આનંદમાં જ રહેતા. એમનો બધી ચિંતાઓથી પર એ આનંદી ભાવ સૌ કોઈને મુગ્ધ કરી દેતો. એક દિવસ એક અજાણ્યા ભક્તે એકાએક એમને પૂછ્યુું , ‘મહારાજ તમે શા માટે સંસારનો ત્યાગ કર્યો અને આ ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં?’ સ્વામી શુદ્ધાનંદનો સીધોસાદો જવાબ આ હતો, ‘જુઓ ભાઈ, દરેક વ્યક્તિએ એક ને એક દિવસે આ દુનિયા છોડીને ચાલ્યા જવાનું છે. જો કોઈ વ્યક્તિ ઘરે ગૃહસ્થાશ્રમમાં રહે તો આ અંતિમ પળ દુ :ખદ બની જાય. મેં સંસારમાં બધુ ત્યજી દીધંુ છે અને ભગવાં ધારણ કર્યાં છે કે જેથી હું એ અંતિમ પળ માટે સદૈવ તૈયાર રહું.’

સ્વામી શુદ્ધાનંદના વ્યક્તિત્વનું સૌથી ધ્યાનાકર્ષક પાસું હતું પોતાના ગુરુદેવ (સ્વામી વિવેકાનંદ) પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ સાથેની ભક્તિ. તેમણે નિખાલસપણે કહ્યું છે, ‘થોડું અંગ્રેજી શીખી લીધા પછી અમે દરેક બાબતમાં શંકા લાવવાનું શીખ્યા. પણ હું ક્યારેય સ્વામીજીના એક શબ્દને પણ માની ન શક્યો હોઉં એવું બન્યું નથી. તેમણે જે જે કંઈ કહ્યું હોય તે બધું મારે મન સત્યનું કથામૃત હતું.’

વાસ્તવિક રીતે ગુરુ અને શિષ્ય બંને એક અપવાદરૂપ માનવ હતા. આ અદ્‌ભુત શ્રદ્ધા અને ભક્તિને કારણે સ્વામી શુદ્ધાનંદ શ્રીરામકૃષ્ણદેવના અવતારનું સારભૂત તત્ત્વ અનુભવી શક્યા. પોતાનાં સંસ્મરણોમાં તેમણે લખ્યું છે, ‘તેમની (સ્વામીજી)વાણી શ્રીરામકૃષ્ણને નવા આલોકમાં પ્રગટ કરે છે. તેમણે પોતે કહ્યું છે, ‘જે રામ હતા અને જે કૃષ્ણ હતા એ આજે રામકૃષ્ણરૂપે આવ્યા છે, એ સત્યને હું અનુભવવાનો પ્રયત્ન કરું છું.’ તેમણે એમ પણ કહ્યું છે, ‘જે અદ્‌ભુત આશ્ચર્ય શ્રીરામકૃષ્ણ હતા એમને તમારી બુદ્ધિથી વિશ્લેષણ કરવા પ્રયત્ન કરો, પછી ભલેને એ કાર્ય નીરસ બની જાય. જેમ જેમ આ કાર્ય તમે કરશો તેમ તેમ એમના વિચારોમાં વધારે તલ્લીન બની જશો. સાથે ને સાથે તમે વધારે આનંદભાવમાં ડૂબી જશો. હું પોતે પણ એમના અનોખા વ્યક્તિત્વનો દશલક્ષાંશ પણ સમજી શક્યો નથી.’

અહીં એ કહેવું યોગ્ય ગણાશે કે સ્વામી શુદ્ધાનંદ નિયમિત રીતે શ્રીરામકૃષ્ણ કથામૃત વાંચતા. એક વખત એમણે એક યુવાન જિજ્ઞાસુને કહ્યું : ‘જુઓ ભાઈ, કથામૃત નિયમિત વાંચો એમાં શ્રીરામકૃષ્ણની પોતાની જ વાણી છે અને તે પ્રમાણભૂત દસ્તાવેજ છે. એની એક ઘટનાને સાંભળો, ‘એક વખત પૂર્ણ (શ્રીરામકૃષ્ણના યુવાનભક્ત) હતાશ બની ગયો. એટલો બધો હતાશ હતો કે તેણે આપઘાત કરવાનું નક્કી કર્યું. એણે આ દુનિયામાંથી વિદાય લેતાં પહેલાં કથામૃતમાંથી સૌ પ્રથમ વાંચવું એવું વિચાર્યું. તેણે એ પણ નક્કી કર્યું કે જે પાનુ સર્વપ્રથમ ખોલે એના શબ્દોને તે શ્રીરામકૃષ્ણે તેમને કહેલી છેલ્લી વાણીની જેમ માની લેશે. સંજોગવશાત્ એણે કથામૃતનું એક પાનું ખોલ્યું અને તેના પર લખ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણ પૂર્ણ વિશે વિચાર કરી રહ્યા છે.’ જેવું આ લખાણ એને વાંચ્યું કે બધું બદલાઈ ગયું. તેને સમજાયું કે જો શ્રીરામકૃષ્ણ પોતે જ એના વિશે ચિંતા કરતા હોય કે વિચારતા હોય તો તેને શા માટે હતાશ થવું જોઈએ. તેણે આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યો.’

શુદ્ધાનંદજીની પોતાના ગુરુદેવની વાણીમાં અટલ શ્રદ્ધા અને એ નિમિત્તની સંપૂર્ણ ભક્તિભાવનાએ શુદ્ધાનંદના જીવનને વધારે પ્રભાવક બનાવ્યું. એક વખત સંન્યાસ પહેલાંના પોતાની સાથે સંકળાયેલ એક સંકુચિત મનના બ્રાહ્મણે તેમને દુ :ખપૂર્વક પૂછ્યુું, ‘અરે સુધીર, એક ઉચ્ચ કુળના બ્રાહ્મણ કુટુંબમાં જન્મીને તે, કાયસ્થને તારા ગુરુ તરીકે કેવી રીતે સ્વીકાર્યા?’ શુદ્ધાનંદ આવી ટીકાથી જરાય વ્યાકુળ ન થયા. પણ એમની આંખમાં આંસંુ આવી ગયાં અને તેમણે કહ્યું, ‘મારા ભાઈ, તું કોને કાયસ્થ કહે છે? હું વારંવાર વિચારું છું, ‘અરે, શા માટે એમણે ચાંડાલના ઘરે કૃપા ન કરી?’ તેઓ વધારે કંઈ બોલી ન શક્યા. તેમનું ગળું લાગણીથી ભરાઈ આવ્યું અને આંખમાંથી આંસંુ સરવા લાગ્યાં. પોતાના ગુરુદેવ માટે આટલી ભક્તિભાવના રાખનાર પર પ્રભુની કૃપા અવતરો! એક વખત સ્વામીજીએ શુદ્ધાનંદને કહ્યું, ‘તારે કોને ગુરુ તરીકે માનવા જોઈએ એની તને ખબર છે? તારી ભીતરના બધા સંસ્કારોને જોઈ શકે અને આ સંસ્કારો તારા ભૂતકાળને સંયમમાં રાખી શકે તેમજ તને ભવિષ્યમાં માર્ગદર્શન આપી શકે એ બધું જાણનારને તારે ગુરુ માનવા જોઈએ. ટૂંકમાં, જે તારા ભૂતકાળને અને ભવિષ્યકાળને જાણી શકે એ તારા ગુરુ બની શકે.’

અહીં આપેલી ઘટના બતાવે છે કે સ્વામી શારદાનંદજીને સ્વામી શુદ્ધાનંદનાં વિવેક અને શાણપણમાં કેટલી શ્રદ્ધા હતી અને એમની શ્રી શ્રીમા શારદાદેવી પ્રત્યેની મહાન ભક્તિભાવનાવાળા શુદ્ધાનંદના વ્યક્તિત્વના અજાણ્યા પાસાને પણ પ્રગટ કરે છે.

૨૧ જુલાઈ, ૧૯૨૦ના રોજ શ્રીમા શારદા દેવી મહાસમાધિ પામ્યાં. એમના દેહાવસાન પછી સૌ કોઈને લાગ્યું કે ભક્તોના ક્ષેમકલ્યાણ ખાતર શ્રી શ્રીમાનાં અમૂલ્ય વચનોને કાયમી સ્મૃતિરૂપે જાળવી રાખવા કંઈક કરવું જોઈએ. આ હેતુ સાથે શ્રીમાના અંતરંગ સેવક સ્વામી અપૂર્વાનંદે પણ એમની ઉક્તિઓ એકઠી કરવાનું કામ શરૂ કર્યું. સ્વામી શુદ્ધાનંદનાં પ્રોત્સાહન અને પ્રેરણાએ સ્વામી અપૂર્વાનંદને જાણે કે અનેરું સામર્થ્ય આપ્યું. જો કે શ્રી શ્રીમાની વાણી પુસ્તકરૂપે પ્રગટ થાય એ પહેલાં એને કાળજીપૂર્વક જોઈ જવી અને તેનું સંપાદન કરવું જરૂરી હતું. આ હસ્તપ્રતને સાંગોપાંગ જોઈ જવાની જવાબદારી શ્રી શ્રીમાના શ્રેષ્ઠ સંન્યાસી પુત્ર સ્વામી શારદાનંદજીના શીરે આવી. પણ તેઓએ એક શરતે આ દરખાસ્તને સ્વીકારી કે તેમને આ કાર્યમાં સ્વામી શુદ્ધાનંદ મદદ કરે. દરરોજ સંધ્યા આરતી પછી સ્વામી શારદાનંદજી શુદ્ધાનંદ સાથે બેસતા અને શ્રી શ્રીમાની અમૃતવાણી સાંભળતા. વારેવારે એમાં થોડાં પરિવર્તનોનું સૂચન પણ કરતા. સ્વામી શારદાનંદજી અને સ્વામી શુદ્ધાનંદના સંયુક્ત પ્રયત્નોના સંપાદન પછી ‘શ્રી શ્રીમાયેર કથા- શ્રી શ્રીમાની અમૃતવાણી’એ નામે એક પુસ્તક પ્રકાશિત થયું. આ કાર્ય કરતી વખતે સ્વામી શુદ્ધાનંદે એક નોંધ કરી છે : ‘સ્વામીજીએ કહ્યું છે કે શ્રી રામકૃષ્ણ દેવના એક કથન પર અનેક તત્વજ્ઞાનનાં પુસ્તકો લખી શકાય અને મને લાગે છે કે શ્રી શ્રીમાના દરેક કથન પર આવાં હજારો પુસ્તકો લખી શકાય.’ આવી નોંધ વિદ્વાન અને ભક્ત સ્વામી શુદ્ધાનંદે કરી છે તેનું ઘણું ગહન મહત્ત્વ છે.

Total Views: 360

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.