ગતાંકથી ચાલું…

એક વખત સ્વામીજી શુદ્ધાનંદની સાથે શ્રી શ્રીમાને મળવા ગયા. જેવા તેઓ માના ઓરડામાં પ્રવેશ્યા કે તરત જ સ્વામીજીએ પોતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ શ્રી શ્રીમાને કર્યા અને શુદ્ધાનંદને પણ એવી જ રીતે પ્રણામ કરવા કહ્યું. શુદ્ધાનંદે એમનાં ચરણનો સ્પર્શ કર્યો અને જ્યારે તે ઊભા થયા ત્યારે ચેતવણી સાથે સલાહ આપતાં સ્વામીજીએ કહ્યું, ‘અરે, આ શું! શ્રી શ્રીમા પ્રત્યે પૂજ્યભાવ કેવી રીતે દાખવવો એ હજી સુધી તું શીખ્યો નથી?’ આમ કહીને એમણે ફરીને ભૂમિ પર પડીને શ્રી શ્રીમાને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને શુદ્ધાનંદને પણ એવી રીતે પ્રણામ કરવા કહ્યું. એ દિવસે સ્વામીજીએ પોતે શ્રી શ્રીમાને પ્રાર્થના કરી કે જેથી તેનો શિષ્ય સાચંુ જ્ઞાન પ્રાપ્ત કરે. શુદ્ધાનંદના જીવનમાં આ પ્રસંગ ખરેખર સ્મરણીય રહ્યો.

આ ઘટના સાથે સંલગ્ન એક રમૂજી વાતને અહીં રજૂ કરવી એ અયોગ્ય નહીં ગણાય. જો કે આ રમૂજી વાત એ બતાવે છે કે શુદ્ધાનંદ શ્રી શ્રીમા ખરેખર શું છે એ વાતને બરાબર પારખી ગયા. ઉદ્‌બોધનના ઘરે કામ કરતા ચંદ્રમોહન દત્ત નામના કાર્યકર પર માની વિશેષ લાગણી હતી. તે ગમે તે સમયે, કોઈ પણ કારણસર માની પાસે જઈ શકતા અને એનો એ ગર્વ અનુભવતા. એક દિવસ શુદ્ધાનંદે ચંદ્રમોહનને હાસ્ય સાથે કહ્યું, ‘વારુ, ચંદ્ર તું મા પાસે અવાર નવાર પ્રસાદ માટે જાય છે. મારે તેમને જે કંઈ કહેવું છે તે તું કહી શકે ખરો?’ ચંદ્રમોહને જવાબ આપ્યો, ‘કેમ નહીં?’ પછી શુદ્ધાનંદે ગંભીરતાથી કહ્યું, ‘તું ત્યાં જઈને શ્રી શ્રીમાને આટલું કહી શકીશ, ‘મા, મારે મુક્તિ જોઈએ છે!’’ ચંદ્રમોહન તો અધીર બની ગયો, ‘જુઓ હું હમણાં જ જાઉં છું અને આ જ વાત તેમને કરું છું.’ આમ કહીને સીધેસીધો મા પાસે દોડી ગયો. અહીં જ આ પ્રસંગને પૂરો કરવો યોગ્ય ગણાશે. એમ કહેવાની જરૂર નથી કે ચંદ્રમોહન શ્રી શ્રીમા પાસે માત્ર પ્રસાદ જ માગી શક્યો. મુક્તિ માટે માગવાનું તે ભૂલી જ ગયો!

પોતાના જીવનના અંતિમ સમયે સ્વામી શુદ્ધાનંદે લખેલા એક પત્રમાં શ્રીમા પ્રત્યેના પોતાના ગહન પ્રતિભાવ કે જે એના હૃદયના ઊંડાણમાંથી જ આવ્યા હોવા જોઈએ એની વાત અમને જાણવા મળી :

‘તેઓ દરેક રીતે મા છે. આ સમગ્ર બ્રહ્માંડની માતા છે. આટલી સહિષ્ણુતા, મહાનતા અને આધ્યાત્મિક શક્તિ એકી સાથે સમગ્ર બ્રહ્માંડની માતામાં જ હોઈ શકે. પોતાનાં સગાંવહાલાંની સંભાળ લેવી, એમના પર આધારિત લોકોની સેવા કરવી જેવાં ઘરનાં નાનાંનાનાં કાર્યોમાં પોતાની જાતને સદૈવ પ્રવૃત્ત રાખતાં શ્રી શ્રીમા એક સામાન્ય નારી લાગે છે.

આમ છતાં પણ એમની કરુણાનો કોઈ પાર નથી. એમના પ્રેમને કોઈ ભેદભાવ કે સીમા નથી. માણસની તો વાત એકબાજુ રહી પણ પ્રાણીઓને પણ એમનાં કરુણા અને પ્રેમ મળ્યાં છે. તેઓ એકદમ સાવ લજ્જાળુ હતાં અને પોતાનું મોઢું સાડીથી ઢાંકી રાખતાં. કદાચ ભારતીય નારીના આદર્શને આપણી સમક્ષ રજૂ કરવા શ્રી રામકૃષ્ણ આ પવિત્રતાની અવતારિણીને પોતાની સાથે લાવ્યા હતા. આ સિવાય એમના વિશે કોઈ બીજું શું કહી શકે? મૂળ અને સારભૂત વાત આ છે કે તેઓ ‘મા’ છે, સર્વની ‘મા’ છે, દરેકની પોતાની જ ‘મા’ છે.’

શ્રી શ્રીમા પ્રત્યે સ્વામી શુદ્ધાનંદને કેવો આદરભાવ હતો જે આદર્શાેનું પ્રતિનિધિત્વ શ્રીરામકૃષ્ણે પોતે કર્યું હતું એવા એક અવતારરૂપે શ્રી શ્રીમાને તેમણે વિવિધરૂપે અભિવ્યક્ત કર્યાં છે. એક ચોક્કસ જિજ્ઞાસુએ એક વખત સ્વામી શુદ્ધાનંદને કહ્યું કે તેનું મન ચંચળ છે અને પોતાની કેટલીય ઊણપોને લીધે તે મનને એકાગ્ર કરી શકતો નથી. સ્વામી શુદ્ધાનંદે મનને એકાગ્ર કરવાનો અદ્‌ભુત ઉપાય બતાવતાં આમ લખી આપ્યું, ‘જ્યારે તમે શ્રીરામકૃષ્ણનું નામસ્મરણ કરો ત્યારે તેમના અને શ્રી શ્રીમાના સ્વરૂપને નજરે જોવા પ્રયત્ન કરો. આનાથી તમારું મન સરળતાથી શાંત થઈ જશે.’ જેમણે પોતે જ આવી ચકાસણી કરી લીધી હોય, અને જેમણે જેમણે આત્માનુભૂતિ કરી હોય એવાની સલાહને બરાબર ધારણ કરનાર જ આવો સહજ સરળ ઉપાય સૂચવી શકે.

૧૯૩૭ના ફેબ્રુઆરીમાં સ્વામી શુદ્ધાનંદની રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ રૂપે વરણી થઈ. બીજા જ વર્ષે ૨૮મી એપ્રિલના રોજ તત્કાલીન રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ શ્રીમદ્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ અલાહાબાદમાં મહાસમાધિ પામ્યા. ૧૮ મેના રોજ સ્વામી શુદ્ધાનંદજી એમના સ્થાને સંઘના અધ્યક્ષ બન્યા. આ પહેલાંના ચારેય પરમાધ્યક્ષ શ્રીરામકૃષ્ણદેવ ના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો હતા. સ્વામી શુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ બન્યા અને એ રીતે સ્વામીજીના શિષ્યોમાંના પ્રથમ શિષ્ય આ પવિત્ર જવાબદારી સ્વીકારી. સૌ કોઈએ એમની આ વરણીને આનંદથી સ્વીકારી અને તે બધાને એક નૂતન આશાથી પ્રેર્યા. એમનો સહજ સરળ સ્વભાવ અને તપોમય જીવન તેમજ એમના પ્રેમાળ સ્વભાવમાં એક કુદરતી આકર્ષણ હતું. પણ અરેરે! કોણ જાણતું હતું કે એમના જીવનનું આ કાર્ય માત્ર છ મહિના જેટલું જ હશે? પરમાધ્યક્ષ પદના ટંૂકા સમયગાળા દરમિયાન એમણે કદીય ભૂંસી ન શકાય તેવી છાપ ભક્તોના અને સંન્યાસીઓના મન પર પાડી દીધી. અમે નજરે નિહાળેલ મન, હૃદયની આવી સંપૂર્ણ સમતુલાવાળું શુદ્ધાનંદનું જીવન ખરેખર વિરલ હતું. એક બાજુએ તેઓ બ્રહ્મના ચિંતન મનનમાં લીન રહેતા અને બીજી બાજુએ બીજાંનાં થોડાંઘણાં દુ :ખ દર્દને પણ હૃદયપૂર્વક અનુભવી શકતા હતા. જેને જેને જરૂર હોય તેને માટે તેમનું બારણું ખુલ્લું રહેતું. તેઓ ક્યારેક તો પોતાની અંગત ચીજવસ્તુઓ પણ આપી દેતા અને એમાંથી એમને પરમ સંતોષ મળતો. એક વખત સ્વામીજીએ શુદ્ધાનંદને કહ્યું હતું, ‘એવો સમય આવશે કે જ્યારે તું અનુભવીશ કે સેવા માટે પ્રગટાવેલો ધૂમાડો પણ અનંત કાળ સુધી ધરેલા ધ્યાન કરતાં આધ્યાત્મિકતાની ઉન્નતિ તરફ વધુ માત્રામાં દોરી જાય છે.’ પોતાના ગુરુદેવના આશીર્વાદથી સ્વામી શુદ્ધાનંદ પોતાના જીવનમાં આ સેવાના ઉચ્ચ આદર્શને અનુભવી શક્યા. મઠના યુવાન સભ્યો માટે તેઓ પ્રેમાળ પિતા જેવા અને વરિષ્ઠ સંન્યાસીઓ માટે મોટા ભાઈ સમાન હતા.

ઉચ્ચ રક્તચાપથી પીડાતા હોવા છતાં તેમણે અધ્યાત્મના કોઈ જિજ્ઞાસુને નિરાશ કર્યા ન હતા. આમ છતાં પણ તેમણે પોતે ગુરુ છે એવો ભાવ અનુભવ્યો ન હતો. એક વખત એક યુવાન દૂરથી સ્વામી શુદ્ધાનંદજી પાસે મંત્રદીક્ષા મેળવવાની ઇચ્છાથી આવ્યો. દરરોજ તે એમની પાસે બેસતો અને પોતાની વિનંતી નમ્રતાથી એમની સમક્ષ મૂકતો. એક દિવસ જ્યારે સ્વામી માધવાનંદજી સ્વામી શુદ્ધાનંદને પ્રણામ કરવા આવ્યા ત્યારે તેમની નજીક આ યુવાનને બેઠેલો જોયો. જેમનામાં જરાકેય અભિમાન કે ગર્વ ન હતું એવા સ્વામી શુદ્ધાનંદે એક નિર્મળ, નિર્દાેષ બાળકની જેમ તેમને કહ્યું, ‘જો ભાઈ માધવાનંદ આ છોકરો મારી પાસેથી મંત્રદીક્ષા લેવા આવ્યો છે કારણ કે હું સંઘનો અધ્યક્ષ છું અને મેં પોતે તો મારા જીવનમાં કાંઈ મેળવ્યું નથી. તો બીજા માટે હું શું કરી શકું? હવે તમારે લોકોએ મંત્રદીક્ષા આપવાનું શરૂ કરવાનો સમય આવી ચૂક્યો છે.’ આ પ્રસંગમાં કંઈ વિશેષ કે મહત્ત્વની બાબત નથી પણ એક આધ્યાત્મિક માનવ કેટલો વિનમ્ર હોઈ શકે તેની વાત વર્ણવી છે. આપણાં શાસ્ત્રોએ અહમ્ને દારુના નશા સાથે અને ઉચ્ચ સ્થાને રહેલ વ્યક્તિના ગર્વને ભૂંડની વિષ્ટા સાથે સરખાવ્યું છે. પરંતુ સ્વામી શુદ્ધાનંદ જેવા અનુભૂતિપૂર્ણ આત્મા માટે એમનો આદર કરવો શક્ય છે. આ ઘટનાનું એક બીજું પણ મહત્ત્વ છે. સ્વામી માધવાનંદ કે જેમને સ્વામી શુદ્ધાનંદજી અવાર-નવાર મંત્રદીક્ષા દેવાની ફરજ સોંપતા તેઓ ભવિષ્યમાં સંઘના અધ્યક્ષ બનવાના હતા અને કેટલાય આધ્યાત્મિક જિજ્ઞાસુઓને મંત્રદીક્ષા આપવાના હતા. જે સ્વામી શુદ્ધાનંદજીએ કહ્યું હતું તે ક્રમશ : સાચું પડવાનું હતું. દરેક રીતે એમનું નિ :સ્વાર્થ જીવન અનન્ય હતું. એક યુવાન કે જે તેમના જીવનની વિગતો જાણવા ઈચ્છતો હતો તેને સ્વામી શુદ્ધાનંદજીએ લખ્યું હતું, ‘સ્વામી વિવેકાનંદના અને એમના સંન્યાસી બંધુઓનાં સંસ્મરણો અને ઉદ્દેશ જ મારા જીવનનું પોષક તત્ત્વ છે.’ પોતાના શિષ્યોમાંના એકને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે : ‘હું શ્રીરામકૃષ્ણ દેવને પ્રાર્થના કરું છું કે તેઓ તમારાં મન અને દેહને આધ્યાત્મિક બીબામાં ફરીથી ઢાળે. તમારે પણ એમને પ્રાર્થના કરવી જોઈએ કે હું એમનામાં પૂર્ણપણે લીન થઈ જાઉં, એમનામાં ઓગળી ભળી જાઉં. મારો પ્રેમ, મારા હૃદયના શુભાશિષ તેમજ પ્રેમાલિંગન તમારા જીવન તેમજ મૃત્યુમાં સંગાથે રહો.’ આવા શુભેચ્છક અને વિનમ્રતાની પ્રતિમૂર્તિ સમા માનવો આ દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે.

આવા જ એક હૃદયદ્રાવક પત્રમાં તેમણે એક ભક્તને આમ લખ્યું છે : ‘‘(તમારા પત્ર દ્વારા) મને તમારા ઘરની બાબતો વિશે જાણવા મળ્યું છે. તમે લખ્યું છે, ‘મારા દુ :ખદર્દની વાત આપને કહીને દુ :ખી નહીં કરું.’ શું તમને એ ખબર નથી કે મારે તમારાં દુ :ખ તેમજ આનંદ સાથે લેવાદેવા છે. જો કે હું તમારાં દુ :ખ દૂર ન કરી શકું. હું તો ઓછામાં ઓછું તમારા માટે સહાનુભૂતિ રાખી શકું. વહાલા વત્સ, કોઈએ તમારા હાથપગ દોરડેથી બાંધ્યા નથી. તમે પોતે જ એવું કર્યું છે. ડરો નહીં. થોડા સમય માટે તમારે આ બંધનનો સ્વાદ કેમ ન ચાખવો જોઈએ? તમે જ્યારે આ અનુભવી લો ત્યારે તેને ફેંકી દેજો અને તેમાંથી બહાર આવજો..મારા આ શબ્દોમાં શ્રદ્ધા રાખજો અને એમને (શ્રીરામકૃષ્ણદેવને) પૂર્ણ હૃદયે એકાંતમાં પોકારજો. તેઓ જ તમારાં બધાં દુ :ખચિંતાઓનો અંત લાવશે.’’ (ક્રમશ 🙂

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.