સ્વામી આત્મદીપાનંદ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરીયલ, પોરબંદરના સચિવ છે.

આજ ૧૫૦ વર્ષનાં વાણાં વહી ગયાં, સ્વામી વિવેકાનંદના આવિર્ભાવ થયાને! શું આપણે તેમને ભૂલી ગયા છીએ? ના, કદાપિ નહિ! આજે પણ ઘેર ઘેર, નગરે નગરે, દેશ-વિદેશમાં તેમને લઇને કેટલાંક ચિંતન-મનન અને ભાવઆંદોલન શા માટે? કારણ કે તેઓ આ નિરાશા, હતાશા, નિર્બળતા, આધ્યાત્મિક અજ્ઞાનના સાગરમાં એક અ૫ૂર્વ દીવાદાંડી સ્વરૂપે ઊભા છે. આપણે સૌ એમના એ મહાન રશ્મિપુંજની સામે ઊભા છીએ અને જાણે કે આપણા સૌના જીવનની હતાશા, નિરાશા, દુર્બળતા કયાંય ઊડી જાય છે. આધુનિક યુગના તેઓ એક મહાન ઉજ્જવળ આદર્શ અને અનુપ્રેરણા છે.

ખરેખર તો આ આધુનિકયુગ મહાસંકટને આરે આવીને ઊભો છે, કેવળ ભારતવર્ષ નહીં પરંતુ આખું જગત મહાસંકટને આરે ઊભું છે! આપણે સૌ આ મહાન જીવનની સાચી મહાઓળખ અને એનું મૂલ્યાંકન કરવાની શક્તિ ખોઇ બેઠા છીએ. ઉદ્ભ્રાન્ત અને પથભ્રષ્ટના ઓછાયામાં આવી પડયા છીએ. એ વખતે આપણી સામે વેદાન્તના સિંહ, ગેરુઆધારી પ્રેરણાના પયગંબર આપણી સામે ઊભા રહીને જાણે કે આપણને પ્રેરણાપાન કરાવી રહ્યા છે.

આધુનિક યુગમાં કેટલી વિજ્ઞાન અને ટેક્નોલોજીની હરણફાળને જોઇને આપણી આંખ અંજાઇ જાય છે. આ Globalization -વૈશ્વિકીકરણના યુગમાં આપણી પાસે ઐશ્વર્યનો કોઈ અભાવ નથી. ભોગ-વિલાસની પાછળ નિરંતર આંધળી દોટ ચાલે છે. પણ અરે આપણી શાશ્વત શાન્તિ ક્યાં છે? સાચા હૃદયની પ્રસન્નતા કયાં છે? એ પ્રશાન્તિ અને પ્રસન્નતાના ઝરણાથી દૂર અને દૂર જતા રહ્યા છીએ. આ એકવીસમી સદીમાં આપણે એક એવી જગ્યાએ પહોંચ્યા છીએ જ્યાં મનુષ્ય તો છે પણ મનુષ્યત્વ નથી; બાહુબળ અને બુદ્ધિબળ તો છે પણ ચરિત્રબળ નથી; એક ચોક્કસ જીવન ચર્ચા છે પણ કોઈ મહત્ જીવન દર્શન નથી; બુદ્ધિના જોરે સંભવને અસંભવ કરી શકીએ છીએ પણ અંતર શકિતનો પ્રદીપ જલાવી શકયા નથી. આપણી પાસે ક્ષમતા અને ગૌરવ છે પણ માનવને નૈતિકમૂલ્યોવાળા માનવરૂપે કેળવી શકયા નથી. સર્વત્ર સાંપ્રદાયિકતા, સંકુચિત પ્રાદેશિકતા વાળો દંભી રાષ્ટ્રવાદ, અરાજકતા-અજંપો અને ક્ષુદ્ર રાજનીતિ તેમજ ધર્માચારો અને શિક્ષણે આપણા સમાજને કલુષિત કરી મૂક્યો છે. આ પળે જાણે કે સ્વામીજી આપણી સન્મુખ ઊભા રહીને આહ્‌વાન કરે છે કે ઊઠો, જાગો, કારણ શુભઘડી આવી ગઇ છે, સાહસી બનો, નિર્ભય બનો.

સ્વામીજી આવી સમગ્રવિશ્વની વિષમ પરિસ્થિતિને બદલવા આપણે સાચા આદર્શની વાત કરતાં કહે છે, ‘મારી ભવિષ્યની આશા બુદ્ધિમાન, બીજાઓની સેવા માટે સર્વસ્વનો ત્યાગ કરનારા, આજ્ઞાપાલક, ચારિત્ર્યવાન યુવકો ઉપર નિર્ભર છે. મારે એવા યુવકો જોઈએ છીએ જેઓ મારા વિચારોને મૂર્તિમંત બનાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરે, અને તેમ કરીને તેઓ પોતાનું તથા દેશનું ભલું કરે!… નચિકેતાની શ્રદ્ધાવાળા જો દશબાર યુવકો મને મળી જાય તો આ દેશનાં વિચારો અને પ્રવૃત્તિઓને હું નવું જ વલણ આપી શકું. (૯.૭૨)’’ તેમની ઇચ્છા હતી દેશનાં યુવક-યુવતીઓ બલિષ્ઠ અને દૃઢિષ્ટ બને, શરીરની જેમ મન પણ વજ્ર જેવું કઠોર પ્રબળ અને આત્મવિશ્વાસ ભરેલુ હોય! કેવો આત્મવિશ્વાસ ? નચિકેતા જેવો. યમને પણ વિચાર કરતા કરી દીધા.

તેમની દૃષ્ટિએ દરેકે દરેક માનવ સ્ત્રીપુરુષ ઈશ્વરનાં સન્તાન છે, અમૃતના અધિકારી છે, પવિત્ર અને પૂર્ણ છે. તેમની પ્રેરણાદાયી વાણી આપણા હૃદયને હચમચાવી દે છે. અને સૌને જાગૃત કરીને કાર્ય કરતાં કરી દે છે.

સ્વામીજીને મહાવેગથી સમાજમાં ધસી આવતાં હજારો પુરુષ, હજારો નારીઓ જોઇતાં હતાં કે જેઓ આગની જવાળાની જેમ હિમાલયથી કન્યાકુમારી, ઉત્તરમેરુથી દક્ષિણમેરુ, આખાય વિશ્વમાં ફેલાઈ જાય. આપણે એમના આદેશને અનુસરીએ એ આપણા સૌની પ્રથમ ફરજ છે. આજે આપણા સમાજમાંથી બીજાનાં હિત માટે પોતાના જીવનના બલિદાનની ભાવના દૂર થતી જાય છે. આજે એવી પેઢીની જરૂર છે જે સ્વામીજીનાં આ સેવા અને ત્યાગની ભાવના સાથે રાખીને સૌના કલ્યાણ માટે બધાંના દ્વારે દ્વારે જાય. સ્વામીજીની પ્રેરણા દ્વારા જ આપણાં યુવક-યુવતીઓમાં નિ :સ્વાર્થતાની ભાવના જાગ્રત થશે એવી શ્રદ્ધા આપણામાં હોવી જોઈએ. સ્વામીજીએ તેથી જ કહ્યું કે મારા સન્તાનો મનુષ્ય બને. જેમનામાં ચૈતન્ય જાગ્રત હોય. માણસને માણસ બનાવવામાં એક અને અનન્ય પરિબળ છે ‘કેળવણી’. એ કેળવણી દ્વારા નીતિમાન અને સાહસી; નિર્ભય, વીર; યુવકો ઊભા થશે. તો જ સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ હાથવગું બને. શું સ્વામીજીની આ વાણી આપણા માટે પ્રેરણા સ્રોત નથી બનતી?

સ્વામીજી કહેતા કે કોઈપણ કાર્યનો પ્રારંભ થોડો અને ધીમો હોય છે. પણ એનાથી ડરવાની જરૂર નથી કારણ કે સામાન્ય કાર્યથી જ મોટાં કાર્યો થાય. સાહસનું અવલંબન કરીને કાર્ય કરવું જોઈએ. નેતા બનવાને બદલે સેવક બનવાનો પ્રયત્ન કરો. આજે સૌ નેતા થવા માટે જ કોશિશ કરે છે. પરિણામે સેવા અને ત્યાગના અભાવે નેતાપણું કેટલી ભયંકર અધોગતિએ પહોંચ્યું છે, તેે આપણે જાણીએ જ છીએ. તેથી જ સ્વામીજીએ યુવકોને, સાચા સેવકોને સાવધાન કરતાં કહ્યું કે ચાલાકી દ્વારા કોઈ મહાન કાર્ય સિદ્ધ ન થાય. વિશ્વ કલ્યાણના આદર્શને કાર્યમાં પરિણત કરવો જોઈએ, સમગ્ર મન-પ્રાણ અર્પીને કાર્ય કરવા લાગી જવું જોઈએ. નામ, યશ જેવી તુચ્છ વસ્તુમાં પડવું જોઈએ નહીં. એટલા માટે જ શ્રી અરવિંદે કહ્યું છે કે વિવેકાનંદ આપણી માનસિક શકિતને પ્રબળ બનાવવા આવ્યા હતા.

જેમણે ભારતની સ્વતંત્રતા માટે પોતાનાં જીવન હોમી દીધાં હતાં તેમણે સ્વામી વિવેકાનંદનાં જીવનસંદેશમાંથી અનન્ય પ્રેરણા લીધી હતી. ભગિની નિવેદિતા, પં.જવાહરલાલ નહેરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્રીઅરવિંદ, મહાત્મા ગાંધી અને એવા કેટલાયના પ્રેરણા પુરુષ હતા સ્વામી વિવેકાનંદ. આજનાં યુવક-યુવતી માટે જો પૂર્ણ આદર્શ અને પ્રેરણાસ્રોત હોય તો કેવળ સ્વામી વિવેકાનંદ છે. એમની પ્રેરણાથી આજના યુવાનો સન્માર્ગે વળશે અને આત્મકલ્યાણ દ્વારા સર્વકલ્યાણના પથે પડશે.

૩૯ વર્ષની ઉંમરમાં તેમના અંતિમ સમયનાં આરે આવીને તેમણે ગુરુભાઇઓને કહ્યું હતું કે મેં ઈશ્વર મેળવ્યો છે કે નહિ તે હું પણ નથી જાણતો, ઈશ્વરને પામીશ કે નહીં તે પણ નથી જાણતો, પરંતુ હું એક વસ્તુ સમજી શકયો છું કે મારું હૃદય વિશાળ થઈ ગયું છે. હું મનુષ્યને પ્રેમ કરી શકયો છું!

સ્વામીજીના ધર્મનો આદર્શ હતો કે આપણે આપણા આ ક્ષુદ્ર જીવનને અર્પણ કરીને એક ભૂખ્યા મનુષ્યની ભૂખ જો દૂર કરી શકીએ, જો જીવન અર્પીને એક નિરક્ષ્ાર મનુષ્યને તેનાં નિરક્ષરતાના શાપથી દૂર કરી શકીએ, જો મનુષ્યના હૃદયમાં પડેલી હતાશાને દૂર કરી તેને આનંદ આપી શકીએ ત્યારે જ આપણું ધર્મ પાલન યથાર્થ બને છે.

આધ્યાત્મિક નવજાગરણના આ મહાન પયગંબરના પ્રેરણાદાયી વિચારો આજના યુગમાં પણ પ્રાસંગિક છે. અને યુગો સુધી પ્રેરણા આપતા રહેશે. જો આજની આ માનવતાને ટકી રહેવું હશે તો આ મહાન સંન્યાસીના મનુષ્યમાં કહેલી દિવ્યતા, ધર્મ-ધર્મ વચ્ચેની સુસંવાદિતા અને શાંતિ અને એમણે પ્રબોધેલ વ્યવહારુ વેદાંતના વિચારોને આપણે જીવનમાં અપનાવવા પડશે. ·

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.