(લેખક રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. – સં.)

શ્રીદુર્ગાસપ્તશતી (૧૧.૫૪-૫૫)માં દેવી કહે છે—

इत्थं यदा यदा बाधा दानवोत्था भविष्यति।
तदा तदावतीर्याहं करिष्याम्यरिसंक्षयम्॥

આવી રીતે જ્યારે જ્યારે દાનવોના પ્રાદુર્ભાવને કારણે વિઘ્નો ઉપસ્થિત થાય, હું ત્યારે ત્યારે આવિર્ભૂત થઈ દાનવોનો વિનાશ કરું છું. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં પણ ભગવાને પોતાના આવિર્ભાવની વાત કરેલ છે. આમ, શાસ્ત્રો પરથી જાણી શકાય છે કે ભગવાન અને ભગવતી, ભગવાન અને તેમની શક્તિ એક સાથે જ આવિર્ભૂત થાય છે. સશક્તિક ભગવાન યુગે યુગે આવિર્ભૂત થઈને માનવને યુગધર્મમાં સ્થાપન કરવા માટે આવે છે. અને આમ આપણે જોઈએ છીએ કે શ્રીરામચંદ્ર સાથે તેમની શક્તિ શ્રીસીતાજી, શ્રીકૃષ્ણની સાથે તેમની શક્તિ શ્રીરાધાજી, બુદ્ધદેવની શક્તિ યશોધરા અને શ્રીચૈતન્યદેવ પણ તેમની શક્તિ શ્રીવિષ્ણુપ્રિયાને સાથે જ લઈને અવતરિત થાય છે. અને અત્યારે આપણી સામે જ હજુ તો કેટલાંક વર્ષ પૂર્વે—શ્રીરામકૃષ્ણ અને તેમની શક્તિ શ્રીશારદા આવિર્ભૂત થયાં.

શ્રીમા શારદાએ એક વાર કહેલું, “વારે વારે આવવું, શું એનો નિસ્તાર નથી? એટલે કે વારે વારે આવવામાંથી શું મુક્તિ નથી? જ્યાં શિવ ત્યાં જ શક્તિ. શિવ-શક્તિ એક સાથે. વારે વારે એ જ શિવ, એ જ શક્તિ. તે દિવસે શ્રીમાએ પોતાની અર્ધબાહ્ય દશામાં સ્વગત ઉક્તિ સ્વરૂપે કેટલીય વાતો કરેલ. તેનો મર્માર્થ એવો છે—જીવોની યંત્રણા દૂર કરવા એ જ એક ભગવાનને વારે વારે આવવું પડે છે. જેવી રીતે એક જ ચંદ્રને વારે વારે આવવું પડે છે. જ્યારે પણ ભગવાન આવે ત્યારે ભગવતીને પણ આવવું પડે છે. શ્રીઠાકુર જ્યારે પણ આવે ત્યારે શ્રીમા પણ સાથે આવે જ. જીવોના સંસારના તાપ મટાડવા માટે આવવું પડે. શ્રીઠાકુરે કહેલું કે શ્રીમા તેની શક્તિ છે. તેથી આપણે પ્રાચીન ભારતની આધ્યાત્મિક પરંપરા, વિચારધારા મુજબ એમ કહી શકીએ કે શ્રીરામ ભગવાન સાથે આવેલ શક્તિ શ્રીસીતા અને શ્રીકૃષ્ણ ભગવાન સાથે આવેલ શક્તિ શ્રીરાધા એ આ યુગમાં શ્રીરામકૃષ્ણ સાથે આવેલ શ્રીશારદા જ છે.

શ્રીમા શારદાદેવીનું રાધાસ્વરૂપ તેમના ભક્તો દ્વારા કેટલીય વાર જુદા જુદા પ્રસંગોમાં ઉપલક્ષ થયું છે. જેવી રીતે ભગવાન શ્રીરામકૃષ્ણદેવે તેમને જુદી જુદી શક્તિ સ્વરૂપે ઓળખેલ છે, તેમ તેની ઉપલબ્ધિ પણ કરેલ છે. શ્રીરામકૃષ્ણે પોતાની અંત્યલીલા સમયે શારદામાને તેમનું મૂળ-સ્વરૂપ કેટલીય વાર સ્મરણ કરાવી દીધેલ છે. તેઓ શ્રીમાને કહેતા કે આ બધા ભક્તોની આધ્યાત્મિક ઉન્નતિની જવાબદારી તેમના ઉપર છે. શ્રીઠાકુર પાસે આવતા ભક્તોને તેઓ પોતે શ્રીમા પાસે મોકલતા. એક વાર તેઓએ સારદાપ્રસન્ન (સ્વામી ત્રિગુણાતીતાનંદનજી)ને મંત્રદીક્ષા માટે નોબત (દક્ષિણેશ્વર)માં, જ્યાં શ્રીમા રહેતાં હતાં ત્યાં મોકલ્યા. તેમને શ્રીમા પર વિશ્વાસ બેસે એટલા માટે કહેલું કે, “અનંત રાધાની માયા કહી ન શકાય, કોટિ કૃષ્ણ, કોટિ રામ હોય, જાય રહે” આ વાત એટલી સુસ્પષ્ટ છે કે શ્રીમા પોતે જ રાધાજીનું સ્વરૂપ છે અને એની માયાનું વર્ણન કરવું અત્યંત મુશ્કેલ છે. તેમની આ લીલામાં કરોડો રામ અને કૃષ્ણ આવે અને જાય. કેટલો ઉચ્ચ ભાવ છે!

આવી રીતે એક વાર શ્રીઠાકુરનાં એક સ્ત્રીભક્ત ગૌરદાસી(ગૌરીમા)ને કુતૂહલવશ શ્રીઠાકુરે પૂછેલું કે “બોલો તો ગૌરદાસી, તમે કોને વધુ ચાહો છો?” (એટલે કે મને કે શારદાને) ત્યારે ગૌરીમાએ ઉત્તરમાં એક બંગાળી કવિતા કહેલ, જેનો ભાવાર્થ છે—

“રાધાથી તું બહુ મોટો નથી, હે બાંકા બંસીધારી!
લોકોને વિપદ પડે તો, મધુસુદનને બોલાવે,

અને તમને વિપદ પડે તો,
વાંસળીમાં બોલે રાધાકિશોરી”

આ કવિતા સાંભળીને શ્રીમા લજ્જા પામ્યાં અને ગૌરીમાનો હાથ દબાવી દીધો! આ જોઈને શ્રીઠાકુર હસતાં હસતાં પોતાના ઓરડા તરફ ચાલ્યા ગયા. આ પ્રસંગથી સમજાય છે કે ગૌરીમાના આ મત સાથે તેમને કોઈ ભેદ ન હતો. શ્રીઠાકુરે પોતે જ શ્રીમાને પોતાના કરતાં શ્રેષ્ઠ અને શ્રીરાધા શક્તિ તરીકે સ્વીકાર્યા હતા.

એક (બંગાળી) પુસ્તક છે ‘શારદા-રામકૃષ્ણ’ જેનાં લેખિકા હતાં, સાધિકા દુર્ગાપુરીદેવી. તેઓએ આ પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવ્યો છે. તેઓ લખે છે કે ‘ગડપાર’ (બંગાળના એક ગામડાનું નામ) પ્રાંતમાં એક શીતલામાતાનું મંદિર હતું. તેના પૂજારી એક બ્રાહ્મણ ભક્ત હતા. તેઓ ગૌરીમાની અતિશય ભક્તિ કરતા. તેઓ શીતલામાના પૂજારી હતા. તેઓ વૈષ્ણવ હતા. એક વાર ગૌરીમાને પોતાનો પ્રસ્તાવ મૂકતાં કહ્યું, “મા! વૃંદાવનધામમાં જઈ વ્રજેશ્વરીદેવી રાધારાણીનાં દર્શન કરવાની ઘણી જ આકાંક્ષા છે. તમારી સાથે એક વાર વૃંદાવન જઈશ.” ગૌરીમા વૃંદાવનધામ નિયમિત જતાં. ગૌરીમાએ કહ્યું, “જરૂર જજે, એમાં શું! પણ તને હું એક વાર જીવતાં રાધારાણીનાં દર્શન કરાવી દઈશ.’ પૂજારી આ ઇશારો સમજી શક્યા નહીં અને સમયની રાહ જોવા લાગ્યા. ગૌરીમા શ્રીમા પાસે આવ્યાં અને કહ્યું, “શીતલાના બ્રાહ્મણ પૂજારીને કહી આવી છું કે તેને એક વાર જીવંત રાધારાણીનાં દર્શન કરવા લઈ જઈશ.” તરત જ શ્રીમા શારદાએ વિરોધ કરીને કહ્યું, “અરે, છી છી! આ શું? આવી વાત શું કહેવી જોઈએ, ગૌરીદાસી? રાધાજી તો ચિન્મયી છે.” તરત જ શ્રીગૌરીમાએ શ્રીશારદામાની ચિબુકને સ્પર્શ કરીને કહ્યું, “અને તમે કોણ? તમે પણ ચિન્મયી જ છો ને!” અને તરત જ હસવા લાગ્યાં.

કેટલાક દિવસો પછી ગૌરીમા શીતલામાના મંદિરે પૂજા માટે ગયાં ત્યારે પૂજારી બ્રાહ્મણે કહ્યું કે તમે જીવંત રાધાને દેખાડશો? તે જ દિવસે ગૌરીમા પૂજારીને લઈને શ્રીમા પાસે આવ્યાં. માને દેખાડીને કહ્યું કે, “એમને બરાબર જો! જાણે કોઈ પરિચિત છે તેવું લાગશે.” ‘તેઓ તો માનવ છે’ એ સંશય સાથે પૂજારી બ્રાહ્મણે માતા શારદાને પ્રણામ કર્યા. પ્રણામ કરીને જ્યારે શ્રીમાનાં મુખનું દર્શન કરવા પોતાનું માથું ઊંચું કર્યું, તો આ શું! આશ્ચર્યદૃષ્ટિ સાથે દર્શન કરવા લાગ્યો અને તેનાં દર્શન તો ચાલુ જ રહ્યાં અને અંતે ચરણવંદના કરી. કૃતાંજલિ હાથે બોલવા લાગ્યો, “વંદે રાધામ્‌ આનંદરૂપિણીમ્‌, રાધામ્‌ આનંદરૂપિણીમ્‌, રાધામ્‌ આનંદરૂપિણીમ્‌!” તે દિવસે મા શીતલાના પૂજારીએ આશ્ચર્યમયી દૃષ્ટિથી શ્રીશારદામાના મુખારવિંદમાં શ્રીરાધાજીનાં દર્શન કર્યાં હતાં, તે વિશે સંદેહ નથી.

બ્રહ્મચારી અક્ષય ચૈતન્યજીએ લખેલ માતૃજીવનીમાં આવો એક પ્રસંગ મળે છે. એક માતૃહીન બાળકે શ્રીરામકૃષ્ણપૂંથિ (પુરાણ) વાંચી શ્રીમા સંબંધે જાણ્યું. શ્રીમાના અંત સમયે તેમનાં દર્શન કરવા માટે તે આવેલ. શ્રીમાનાં ચરણ સ્પર્શ કરીને બાળક ભાવવિહ્‌વળ થઈ ગયો. ‘ગુરુ અને ઇષ્ટ અભેદ’, ‘ઠાકુર અને મા અભેદ’ ઠાકુરે શ્રીમાની જગદંબા રૂપે પૂજા કરી હતી. તેથી આ જ મા કાલી, તેઓ રાધા, તેઓ જ કાલી. આ વિચારો તેના મનમાં આવવા લાગ્યા અને સાથે સાથે જ શ્રીમાની શાયિતમૂર્તિ (સૂતેલાં) મા, શ્રીરાધાકૃષ્ણની યુગલમૂર્તિ, ઠાકુર, મા-કાલી, શ્રીરાધાજીનાં દર્શન કરવા લાગ્યો અને ખૂબ જ ભાવવિહ્‌વળ થઈ ગયો. શ્રીમા પોતાના હાથથી સ્પર્શ કરીને તેને સાધારણ ભાવમાં લાવ્યાં. રાધાજીનાં દર્શન થયાં પછી શ્રીમાએ તે બાળકને કહ્યું, “તારો વૈષ્ણવ વંશમાં જન્મ થયો છે. આ સુકૃતિના ફળસ્વરૂપે તને આ દર્શન થયાં છે.”

સ્વામી અભેદાનંદજીએ પણ શારદાદેવીના ધ્યાનમંત્રમાં “જાનકી-રાધિકારૂપધારિણીમ્‌” રૂપે વર્ણન કર્યું છે. એક ભક્તે શ્રીમાને કહ્યું, “શ્રીઠાકુરનો જપમંત્ર તો કહી દીધો છે, તમારો જપ કેવી રીતે કરું?” માએ જવાબ આપ્યો, “રાધા કહીને કરી શકે કે પછી બીજું કંઈ બોલી શકે. તને જે યોગ્ય લાગે તે કરજે. જો કંઈ પણ કરી ન શકે તો ‘મા, મા’ બોલવાથી પણ ચાલશે.” આ પ્રસંગે કહી શકાય કે શ્રીમાએ પોતે અકપટ ભાવે પોતાની રાધા તરીકે ઘોષણા કરી છે. શ્રીઠાકુરના દેહાવસાન બાદ શ્રીમા વૃંદાવન ગયાં હતાં. એક ભક્તને એના એક પ્રશ્નના ઉત્તરમાં કહેલું કે “હું જ રાધા છું.”

શ્રીમાના જીવનમાં તેઓ રાધાનું સ્વરૂપ હતાં, તેવી તો બીજી પણ ઘણી અલૌકિક ઘટનાઓ છે. આમ, યુગે યુગે ભગવાન અને ભગવતી, રામ અને સીતાજી, કૃષ્ણ અને રાધાજી તથા રામકૃષ્ણ અને શ્રીમાનો એક સાથે આવિર્ભાવ થાય છે.

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.