રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્ય ખઘઝઝઘ-મુદ્રાલેખ છે ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ નવીન મંત્ર ખરેખર તો અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખારવિંદમાંથી ઉદ્ધૃત થયો હતો અને એમના પટ્ટશિષ્ય એવા સ્વામી વિવેકાનંદજીના હૃદય-અંતરમાં આ નવીન મંત્રે તરંગો જગાડ્યા હતા. આ વિશ્વવિદિત મંત્ર જ સ્વામી વિવેકાનંદજીના જીવનનો પથપ્રદર્શક-કર્મપથ થયો, એ આપણે સૌ જાણીએ છીએ. તેમણે સંકલ્પ કર્યો હતો કે સમય આવ્યે તેઓ આ મંત્રનો વિશ્વમાં પ્રચાર કરશે. તેઓએ અભયવાણી ઉચ્ચારતાં કહ્યું હતું કે આ કર્મયજ્ઞના ઉચ્ચ આદર્શથી જે કાર્ય કરશે તેને મુક્તિ જરૂર મળશે. વળી એમણે એમ પણ કહ્યું હતું કે ‘જીવે પ્રેમ કોરે જેઈ જન, સેઈ જન સેવિછે ઈશ્વર.’ અર્થાત્ જે મનુષ્ય અન્ય જીવોને પ્રેમ કરે છે તેણે જ ખરેખર ઈશ્વરની પૂજા કરી છે. તેમણે દેશ-વિદેશનાં યુવક-યુવતીઓને આહ્‌વાન આપ્યું હતું કે આ મંત્રને સાર્થક કરવા સેંકડો સમર્પિતોની જરૂર પડશે. આમ આત્મનિવેદિત થવા માટે તેઓએ આહ્‌વાન આપ્યું. આ માર્ગ છે-‘બહુજન હિતાય બહુજન સુખાય’ – જેમ ભગવાન બુદ્ધે કહેલું, તેનો જ આ પડઘો છે. સ્વામી વિવેકાનંદે સિંહનાદે કહેલું કે, ‘પૃથ્વી પરના બહાદુર અને શ્રેષ્ઠ માનવોએ બીજાના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપવું પડશે. ‘The  earth`s bravest and best will have to sacrifice themselves for the good of many, for the welfare of all.’  સ્વામીજી કહેતા કે સંન્યાસીનો જન્મ જ ‘બહુજન હિતાય બહુજન સુખાય’ છે. બીજા માટે પ્રાણદાન કરી લોકોના જીવનમાં, જીવનસંગ્રામમાં ઉપયોગી થવાનું સ્વામીજી કહેતા. તેમણે પોતાના ગુરુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના એ નવીન મંત્રને ભારતના આદર્શ તરીકે બે ભાગમાં વિભાજિત કર્યો અને તે છે ‘ત્યાગ અને સેવા’. સ્વામીજીએ આ ‘ત્યાગ અને સેવા’ને ભારતના રાષ્ટ્રિય આદર્શ કહ્યા. તેમના આ આહ્‌વાનનો કેવળ ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પડઘો પડ્યો અને એ આહ્‌વાન સ્વરૂપે આપણને મળ્યાં એ તેજસ્વી, તેજપૂર્ણ, સેવારત એવાં મહીયસી નારી ‘ભગિની નિવેદિતા’. આયર્લેન્ડમાં જન્મેલ માર્ગરેટ નોબલે વિવેકાનંદજીના આ આહ્‌વાનને પોતાના જીવનમાં આત્મસાત્ કરી દીધું અને ભારતનાં ‘લોકમાતા’ થઈ ગયાં. આપણા દેશમાં નદીને ‘લોકમાતા’ કહે છે. ઉદ્ગમ સ્થાનથી લઈને સમુદ્રમિલન સુધી કેવળ દેશની સેવા કરે છે નદીમાતા. તેથી જ ભારતના વિખ્યાત કવિ શ્રીરવીન્દ્રનાથ ટાગોરે યથાર્થપણે નિવેદિતાને ‘લોકમાતા’નું બિરુદ આપ્યું હતું. આ નિવેદિતારૂપી લોકમાતા ગંગાનું ઉદ્ગમ સ્થાન હતું આયર્લેન્ડ, યુરોપનું પરુ અને તેમનો વિલય ભારતરૂપી મહાસાગરમાં થયો. આમ આ ઉદ્ગમથી અંત સુધીની યાત્રામાં નિવેદિતારૂપી ગંગાએ કેટકેટલાયનો ઉદ્ધાર કર્યો !

ખરેખર સ્વામીજીના આ શબ્દોને તેમણે પોતાના જીવનમાં સાર્થક કર્યા – They alone live who live for others, the rest are more dead than alive. સને 1896ની વાત છે. અમેરિકાથી ઇંગ્લેન્ડની બીજી વખતની સ્વામી વિવેકાનંદની મુલાકાત. ઇંગ્લેન્ડના પ્રિન્સેસ હોલમાં તેમની વક્તૃત્વ સભાનું આયોજન થયું હતું. આગલા જ વર્ષે આ ભારતીય યોગીનું પ્રવચન સાંભળીને આયર્લેન્ડવાસી માર્ગરેટ પ્રેરિત થયાં હતાં અને આ પ્રેરણાથી જ તેઓ 28 જાન્યુઆરી, 1898ના રોજ નવા કાર્યક્ષેત્રના કોલકાતા બંદરે ઊતર્યાં. પુણ્યભૂમિ ભારતમાં 25 માર્ચના દિવસે સ્વામીજીએ તેમને બ્રહ્મચર્યની દીક્ષા આપી, નામ આપ્યું ‘નિવેદિતા’. આમ, તેમનું ભારત પ્રત્યેનું નિવેદિત જીવન શરૂ થયું. ગુરુ વિવેકાનંદજીના દિવ્ય સ્પર્શથી તેમનું રૂપાંતરણ થઈ ગયું અને ત્યાગ તેમજ સેવાના ગુરુના આદર્શનું તેમણે અનુસરણ કર્યું.

કોલકાતાના બાગબજાર વિસ્તારમાં નિવેદિતાએ વસવાટ કર્યો. તેમના હૃદયમાં કેવળ ભારતનું કલ્યાણ કેમ થાય એ જ વિચાર! બાગબજારમાં એ સમયે શ્રીમા શારદાએ તેમને આશ્રય આપ્યો અને આમ, તેમના સેવાકાર્યનો આરંભ અહીંથી શરૂ થયો. 16, બોઝપાડા લેનના મકાનમાં એક બાલિકા વિદ્યાલય શરૂ કર્યું. તે માટે એક જનસભાનું 12 નવેમ્બર, 1899માં આયોજન કર્યું અને મુખ્ય રીતે સ્વામીજીએ સૌને આવેદન આપ્યું કે એ સૌ તેમની ક્ધયાઓને નવી શરૂ થયેલ વિદ્યાલયમાં મોકલાવે અને સહયોગ આપે.

13 નવેમ્બર, 1898ને સોમવારના રોજ શ્રીશ્રી કાલીપૂજાના દિવસે શ્રીમાએ આ વિદ્યાલયનું ઉદ્‌ઘાટન કર્યું. તે દિવસે ગુરુદેવ સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી સારદાનંદ પણ ઉપસ્થિત હતા. સ્વામી વિવેકાનંદજીએ મહાન ભારત દેશ માટે જે સ્વપ્ન સેવ્યું હતું તેને સાર્થક કરવાનું તેમનાં શિષ્યા નિવેદિતાએ બીડું ઝડપ્યું. આ વિદ્યાલયમાં નિવેદિતાએ બાલિકાઓને કેળવણી, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, કલા વગેરે ક્ષેત્રમાં કેળવવાનું શરૂ કર્યું. નિવેદિતા કહેતાં, ‘પ્રત્યેક નારીએ આધુનિક વિજ્ઞાનને જાણવું જોઈએ, પરંતુ ભારતની પ્રાચીન આધ્યાત્મિકતાના ભોગે નહીં.’ આ ભૂમિ આધ્યાત્મિકતાની ભૂમિ છે; સત્ય, પવિત્રતા, સેવાની ભૂમિ છે. ભારતીય નારીનાં ચરિત્રગઠન અને કેળવણી જ તેમનું ધ્યેય હતું. નિવેદિતાને ભારતીય નારીના ચારિત્ર્ય પર ગર્વ હતો અને કહેતાં, ‘ભારત એ મહાન નારીઓનો દેશ છે.’

તેઓ વીરાંગના લક્ષ્મીબાઈ, ચિત્તોડની રાણી પદ્મિની, ચાંદબીબી, રાણી ભવાની, અહલ્યાબાઈ હોલકર જેવી મહાન નારીઓનાં ચરિત્ર બાલિકાઓના જીવનમાં ઊતરે તેવી રીતે તેની વાતો કહેતાં. સાથે સાથે ભારતનાં આદર્શમયી સીતાનું ચરિત્ર, ગાંધારીનું ચરિત્ર વગેરેથી બાલિકાઓને અવગત કરતાં. તેઓ નારીની સ્વત: સેવાપરાયણતા, સહિષ્ણુતા વગેરે ઉદાત્ત ગુણોથી બાલિકાઓ અલંકૃત થાય તે જોતાં.

નિવેદિતાનું સેવાનું બીજું મહાન કાર્ય શરૂ થયું 1899માં. આ સમયે કોલકાતામાં પ્લેગનો ભયંકર રોગચાળો ફેલાયેલો હતો. લોકમાતા નિવેદિતાનું માતૃહૃદય આ કરુણ દૃશ્ય જોઈને દ્રવી ઊઠ્યું. પોતાના જીવનની અવગણના કરીને નિવેદિતાએ આ સમયે જે રીતે કોલકાતાની શેરીઓમાં પોતાનું જીવન સમર્પી દીધું હતું તે જોઈને આપણને ફલોરેન્સ નાઈન્ટિંગલની વાત યાદ આવી જાય છે. પ્લેગ ફેલાવાના મોટા કારણરૂપ એવાં બાગબજારમાં ખડકાયેલાં કચરાના ગંજ, ઊભરાતી ગટર અને ગંદકીની સ્વહસ્તે હાથમાં ઝાડુ લઈને સફાઈ કરવા લાગ્યાં. આ કાર્યમાં સહયોગી બને તેને તેઓ સાફ કરવા માટે ઝાડુ આપતાં. વળી જે ઘરમાં પ્લેગના રોગથી કોઈનું મૃત્યુ થયું હોય તે ઘરમાં ચૂનો લગાડવાનું કામ કરતાં, જેથી પ્લેગ વિસ્તરે નહીં. મનમાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ-સંકોચ રાખ્યા વિના તેઓ પ્લેગના રોગીઓની સેવા-શુશ્રૂષા કરવા મંડી પડ્યાં હતાં. એક વિદેશી નારીને આવી રીતે લોકોની સેવા કરતાં જોઈને સ્થાનિક યુવકો પણ પોતાના હાથમાં ઝાડુ લઈને નિવેદિતાના આ સેવાયજ્ઞમાં જોડાવા લાગ્યા. જે સેવાધર્મનો આદેશ તેમને સ્વામીજીએ આપ્યો હતો, તે તેમણે જીવોની સેવા દ્વારા આચરી બતાવ્યો. આ બધા પ્રસંગો એનું જીવંત પ્રમાણ છે.

કોલકાતાના તત્કાલીન વિખ્યાત ડૉ. રાધાગોવિંદ કર મહાશયે પોતે જ લખ્યું કે કેવી રીતે નિવેદિતા એક બાગદી (બંગાળની તે વખતની નિમ્નજાતિ) વસતીમાં તેમનાં ગંદાં ઘરોમાં, તેમનાં પ્લેગગ્રસ્ત બાળકોને પોતાની ગોદમાં લઈને બેસી રહેતાં. એક પ્રસંગે એક બાળશિશુને આવી રીતે પોતાના ખોળામાં લઈને બેઠાં હતાં. એ શિશુનો તે અંતિમ સમય હતો. પ્રાણ ત્યાગતી વખતે એ બાળક નિવેદિતાને ‘મા, મા’ કહીને વળગી પડ્યું હતું. નિવેદિતાની આવી અદ્‌ભુત અજોડ સેવા જોઈને સર્વે મુગ્ધ થઈ ગયાં. આવી રીતે નિવેદિતા મહોલ્લાવાસીઓની સેવામાં તત્પર રહેતાં અને તેમનાં સુખદુ:ખમાં પણ ભાગીદાર બનતાં. શેરી, ફળિયા કે મહોલ્લાનાં દરેક નર-નારીની દૃષ્ટિએ આ ‘મેમસાહેબ’ દેવી સમાન હતાં. આમ, નિવેદતાએ ભારત દેશનાં સાચાં સેવિકા બનીને દેશની સાચા અર્થમાં સેવા કરી હતી.

સ્વામી વિવેકાનંદે પોતાની શિષ્યા નિવેદિતાને આહ્‌વાન કર્યું હતું, ‘તમે ભારત માતા પ્રત્યે – માતૃભૂમિ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરી દો. કેવળ ભારતભૂમિ જ તમારી એક આરાધ્યદેવી થાઓ.’ પોતાના ગુરુદેવના તિરોધાન બાદ ભગિની નિવેદિતાએ આ આહ્‌વાનને પોતાના જીવન દ્વારા ચરિતાર્થ કરી બતાવ્યું. નિવેદિતા સ્વામીજીના આ ઉદ્ગારો લોકોને કહેતાં, ‘મારો ઉદ્દેશ રામકૃષ્ણ નહીં, વેદાંત પણ નહીં, મારો ઉદ્દેશ સાધારણ માનવોની અંદર મનુષ્યત્વ લાવવાનો છે.’ સ્વામીજીના તિરોધાન પછી નિવેદિતા દેશભક્તિની યંગમેન્સ હિંદુ યુનિયન કમિટિ, ગીતા સોસાયટી, અનુશીલન સમિતિ, વિવેકાનંદ સોસાયટી જેવી જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયાં. આ બધી જ સંસ્થાઓમાં નિવેદિતા નિયમિતપણે જતાં અને યુવાનોને અગ્નિમયી વાણીમાં સંભાષણો આપતાં, જેમાં તેઓ કેવળ સ્વામી વિવેકાનંદજીના આદર્શને તેમની સમક્ષ પ્રસ્તુત કરતાં. આમ તેઓ યુવકોમાં ભારત પ્રત્યેનો પ્રેમ સંચારિત કરતાં. એનાથી પ્રેરિત થઈને જ તત્કાલીન યુવા સ્વાતંત્ર્યવીરોએ સ્વામીજીનો આ મહાન આદર્શ ગ્રહણ કરીને ભારતની સ્વતંત્રતા માટે પોતાનાં જીવન હોમી દીધાં હતાં. નિવેદિતાના મુખેથી હંમેશાં ‘ભારતવર્ષ! ભારતવર્ષ! ભારતવર્ષ!’ એમ ઉચ્ચારિત થતું રહેતું. સ્વામીજીએ તેમની આ શિષ્યાને એક સુંદર આશીર્વાણી ભેટમાં આપી હતી, જેની અંતિમ પંક્તિ છે :

“Be thou to India’s future son

The mistress, servant, friend in one.’

અર્થાત્ ‘ભારતનાં ભાવિ સંતાનો માટે તારે સેવિકા, જનની તથા સખા થવાનું છે.’ નિવેદિતાએ પણ દેશસેવાના કાર્યમાં જીવન ઉત્સર્ગિત કરીને પોતાના ગુરુની આ આશીર્વાણીને અક્ષરશ: સિદ્ધ કરી છે. નિવેદિતાની અદ્‌ભુત શક્તિની ઝાંખી તેમના લેખોમાં થાય છે. રાષ્ટ્રિયતા વિશેના તેમના લેખોનો સંગ્રહ “The Web of Indian Life’ એક અદ્‌ભુત ગ્રંથ છે. આ પુસ્તકનું પ્રકાશન થવાની સાથે જ દેશ-વિદેશમાં તેમનો ડંકો વાગ્યો હતો. ગુરુકૃપાનાં અધિકારિણી એવાં નિવેદિતા અત્યંત ઉન્નત ચારિત્ર્યનાં પણ અધિકારિણી હતાં. નિવેદિતામાં હતું વિવેકાનંદનું ક્ષાત્રવીર્ય, બ્રહ્મતેજ અને મનુષ્યત્વ. આને જ કારણે દેશની આઝાદીના જંગમાં, રાજનીતિમાં તેઓએ સક્રિયભાવે ઝંપલાવ્યું હતું. પરંતુ સ્વામી વિવેકાનંદ સક્રિય રાજનીતિમાં સંકળાયેલ રહેવાની વિરુદ્ધ હતા. આ જ કારણે નિવેદિતાએ પોતાના ગુરુએ સ્થાપેલ રામકૃષ્ણ મિશન સાથે બાહ્યદૃષ્ટિએ સંપર્ક-સંબંધ ઓછો કરી નાખ્યો હતો. છતાં તેમનો ઉત્સાહ ક્યારેય હ્રાસ નહોતો પામ્યો. સ્વામીજીની ભવિષ્યવાણી “India shall ring with her’ નિવેદિતાએ સાર્થક કરી હતી.

ભારતના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ જ્યારે પોતાના જીવનની કેટલીક પ્રતિકૂળ અવસ્થાનો સામનો કરીને હતાશ-નિરાશ થઈ ગયા ત્યારે સ્નેહમયી માતા બનીને નિવેદિતાએ તેમનામાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કર્યો હતો. આવશ્યકતા પ્રમાણે નિવેદિતાએ તેમના વૈજ્ઞાનિક સંશોધનાત્મક લેખો તથા પુસ્તકોનાં પ્રકાશનમાં જરૂરી નાણાકીય મદદ કરી હતી. આ પ્રકાશન કાર્યમાં બ્રિટિશ સરકારની મદદ મેળવવામાં પણ નિવેદિતાએ એમને સહાય કરી હતી, જેથી જગદીશચંદ્ર બોઝના સંશોધનકાર્યમાં અડચણો ન આવે. સાંસ્કૃતિક-કલાના આંદોલનમાં પણ નિવેદિતા મુખ્ય કેન્દ્રરૂપ બન્યાં હતાં. આર્ટ્સના વિદ્યાર્થી નંદલાલ બસુને પણ નિવેદિતાએ ઉત્સાહ અને પ્રેરણા પૂરાં પાડ્યાં હતાં. અવનીન્દ્રનાથ, કુમાર સ્વામી વગેરેને શિલ્પકલાના આંદોલનમાં તેમણે પ્રેરણા આપી હતી. નિવેદિતાને દૃઢ વિશ્વાસ હતો કે ભારતની શિલ્પકલાનું પુનરુત્થાન થશે જ.

સ્વામી વિવેકાનંદે ભારત પાછા ફરતાં પહેલાં માર્ગરેટ નોબલને લખેલું, ‘એવા માનવો જોઈએ કે જેમનું જીવન નિ:સ્વાર્થ માનવસેવાની વેદી પર એક શિખાજ્યોતિ થઈને ઝળહળી ઊઠે.’ આમ, વિવેકાનંદજીના ‘અભી:’ મંત્રની સાધિકા, ઉપાસિકા એવાં નિવેદિતાનું જીવન સાર્થક થયું હતું – એક જનની, સેવિકા અને સખીરૂપે. દેશવાસીઓની સેવામાં જ તેમના જીવનની પરિસમાપ્તિ થઈ હતી. આયર્લેન્ડ નામના એક નાનકડા દેશમાંથી નીકળેલી લોકમાતા ગંગાનદી – નિવેદિતા – ભારતરૂપી મહાસમુદ્રમાં ભળી ગઈ. શ્રીમા શારદાદેવીની દૃષ્ટિએ તેઓ ખરેખર એક ‘અનન્યા’ હતાં. શ્રીમા શારદાદેવીએ નિવેદિતા વિશે સ્વામી સારદાનંદ દ્વારા અંગ્રેજીમાં લખાવ્યું હતું, “You are a manifestation of the ever blissful Mother.’ અર્થાત્ ‘તું એ જ સદાનંદમયી માની પ્રતિમૂર્તિ છે.’

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.