આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શું છે તે વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંપૂર્ણ નિર્લેપ, પૂર્ણ કામકાંચન ત્યાગી, જેને જગત સાથે કંઈ લાગે વળગે નહીં, કે’વાય તે ધૂની, મહદંશે સમાધિમાં, અરે એમને સમાધિમાંથી નીચે ઉતારવા માટે કાનમાં ઓમકાર કે એવું બોલવું પડતું, સંસાર તેમને જરાકેય સ્પર્શ કરી શક્યો નહીં, પરમહંસ! પરમાત્મામાં લીન, કોઈ નીતિ-જેવી કે રાજનીતિ, અર્થનીતિ અને હા, કહી શકાય કે ધર્મનીતિ પણ(!) બધી જ પાર્થિવનીતિથી તેઓ ઊર્ધ્વ, છતાં તેમની શી પ્રાસંગિકતા? તેઓ પૂરેપૂરા નિરુપાધિક, મુક્તપુરુષ, તે વખતની કહેવાતી અંગ્રેજ-સભ્યતાથી ઊર્ધ્વ, તેથી બ્રાહ્મોસમાજવાળાએ કહેલું કે તમે આવતા નહીં! તેમના ઉપદેશથી લાગે કે તેઓ વર્તમાન નથી, ભૂત નથી, ભવિષ્ય પણ નથી, છતાંય શાશ્વત! કદાચ વિચિત્ર લાગે કે આવા માનવ સાથે આપણો પૂરતો પરિચય નથી. કેવળ પુસ્તકોનાં પૃષ્ઠો પરથી જે મળે તે જ સત્ય.

આ યુગને તેઓ કશુંક આપવા આવેલ. બહુ જ સરસ વાત કરેલ – ‘કલિયુગમાં સત્ય બોલવું એ તપસ્યા.’ જે સાચું બોલે છે તે ભગવાનના ખોળામાં બેઠો છે. આપણને લાગે કે શું વાત; આજથી જ, અત્યારથી જ સાચું બોલીશ પણ પછી ખબર પડે કે ખરેખર સાચું બોલવું તે કેટલું કઠિન! ખરેખર કસોટી. સત્ય બોલાતું જ નથી. અમસ્તુ જ ખોટું બોલી દઈએ. ઘરમાં બાળકને કે ઘરના સભ્યને કહીએ કે ભાઈ, ફોન આવે તો કે’જો કે ઘરમાં નથી. સામે જ બેઠા હોઈએ અને બીચારા દીકરાને કે પત્નીને કહેવું પડે, ‘તેઓ’ નથી, બહાર ગયા છે. પોતે પણ ખાડામાં, બીજા બેને પણ તાણે! કારણ વગરનું ખોટું. કામ-કાજ Avoid કરવા માટે. સાહેબ માથું ખાશે વગેરે! અને તેથી જ ખરેખર લાગે કે એક સાવ સામાન્ય સત્ય. તેને પણ કળિયુગના માણસો જીવનમાં રાખી શકતા નથી. અહીંયાં જ પ્રભુશ્રીની મહાન પ્રાસંગિકતા છે. જીવને કે’છે કે ભાઈ, જેવો છો તેવો જ દેખાવાનો પ્રયાસ કર. મન અને મુખ એક કર. પણ આપણે ક્યાં સાંભળીએ છીએ?

શ્રીરામકૃષ્ણ ભેદબુદ્ધિ રહિત હતા. અને આપણે આખું જીવન ભેદબુદ્ધિ રૂપી વૃક્ષને સરસ મજાનું ખાતર, પાણી પાઈ પાઈને એવડું મોટું કરીએ છીએ કે તેનાં મૂળિયાં જીવનમાં એટલાં ઊંડાં ઊતરી ગયાં છે કે તેને કાઢવાં મુશ્કેલ. ધર્મ, ભાષા, વર્ણ, દેશ, રાજનીતિ બધે જ ભેદબુદ્ધિ. અને પાછા આપણે જ ઠીક છીએ એ મત સાબિત કરવા તનતોડ પ્રયત્નો. અને જાતિ, સંપ્રદાય, શ્રેણીમાં બહુરૂપે વિભક્ત અને આ ભેદબુદ્ધિ દ્વારા કેટલો સંઘર્ષ, રક્તપાત, લોહીની નદીઓ વહેવડાવી દીધી અને જાતિ અને ધર્મના ભેદોએ તો દેશનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. ધર્મને, જાતિને કોણ સમજે! તેથી પ્રભુએ કહ્યું કે ભક્તોની જાતિ નથી. પણ કોણ માને! જુઓ આજનોે માનવ! શ્રીરામકૃષ્ણદેવના આ ભેદબુદ્ધિ રહિતના જીવનને જોઈને પગલાં ભરે તો ખરેખર આ ઘોર સંકટ કે જેમાંથી અત્યારે વર્તમાન યુગ પસાર થઈ રહ્યો છે, તેમાંથી બચી શકે. દાંભિકતા, સંકીર્ણતા અને અસહિષ્ણુતાથી દેશ ભરાઈ ગયો છે. ભારતમાંથી આ સંકીર્ણતા દૂર થશે, ત્યારે જ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા સમજાય.

આપણા દેશની સંસ્કૃતિમાં વૈચિત્ર્ય ઘણું જ છે. આપણે બધા જ એક જ Mould(સંચા)માં ઘડાયા નથી. બહુ મત, બહુ પથ; ઘણા સંપ્રદાય, ધર્મ, ભાષા ભિન્ન તો રહેવાનાં જ; પણ આ બધાં તો એક એક મોતી છે. જેમાંથી એક શાશ્વત સૂત્ર રૂપે સંસ્કૃતિ-સંહતિ બધાંને બાંધે છે. તેથી જ ભગવાને ગીતામાં કહેલ – ‘મયિ સર્વમ્ ઇદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ—।’ વૈવિધ્યની આવશ્યકતા છે, પણ સંસ્કૃતિના ભોગે નહીં, સંહતિના ભોગે નહીં જ. આપણાં શાસ્ત્રોએ કહેલુું વચન તો રહેશે જ કે ‘એકં સત્ વિપ્રા બહુધા વદન્તિ’ (ઋગ્વેદ). પણ નામ-રૂપે અનંત ભાસે. ભેદ રહેશે તેમાં વાંધો નથી. આ માટે શ્રીરામકૃષ્ણદેવે આપણા પરિવારનું જ દૃષ્ટાંત આપ્યું. ઘરમાં રહેતી મા એ કોઈની પત્ની છે, કોઈની બહેન છે, પણ એ તો એક જ વ્યક્તિ છે. તેવી જ રીતે ‘સંસારની આ દેખાતી વિચિત્રતામાં પણ એકતા જોવી’ એ જ શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન છે. અને ખરેખર તો ભારત આ વિચિત્રતામાં જ વિશ્વાસી છે. અને એ વિશ્વાસ છે કે એ એક સ્વાભાવિક પ્રકૃતિ છે. ભારત એટલે નાની મોટી બીજા ધર્મના સંપ્રદાયની જ નહીં પણ બીજા અનેક નાના મોટા સંપ્રદાયની મેળવણી. આ જાણે કે વિરાટ સ્રોતસ્વી એક મહાસમુદ્ર ભારતમાં મળેલ છે. અને આ જ આપણું વિશેષત્વ છે, શક્તિ માહાત્મ્ય છે. અને અહીં ફરી શ્રીરામકૃષ્ણની પ્રાસંગિકતા સમજાય છે.

એમણે ક્યારેય કોઈ સંપ્રદાય, કોઈ વ્યક્તિ કે કોઈને પણ નિમ્ન ગણ્યો નહીં, કેવળ અલગ અલગ રસ્તા કહ્યા. ધર્મ-સંપ્રદાય-વ્યક્તિ એ પોતપોતાને સ્થાને મહાન છે, એમ બતાવ્યું; ક્યાંય વિરોધભાસિતા નહીં. આજકાલ તો twiterનો જમાનો છે. એક વ્યક્તિએ લખ્યું કે ‘ધર્મો-સંપ્રદાયોના અમુક અમુક વિરોધાભાસી messages આવ્યા અને મેં reply કર્યો અને લખ્યું – Heartly miss Sri Ramakrishna & Swamiji. આ જ ખરેખરી પ્રાસંગિકતા છે. એક સમજદાર વ્યક્તિ જ શ્રીરામકૃષ્ણદેવને સમજી શકશે, જે એમના જીવનચરિત્રનો બરાબર અભ્યાસ કરશે; અને તેથી જ,

દ્વેષ ન કીજે કાહુ સે, કીજે સબ સે પ્યાર—।
સબ કે હિય હરિ વાસ કરે, જગપતિ જગ કરતાર—।।
(રામકૃષ્ણ ચરિત માનસ)

અને એટલા માટે જ ધર્મનું સાચું તત્ત્વ સમજવામાં સામાન્ય માનવ વિફળ જણાય છે. આજના દરેક ધર્મ, સંપ્રદાયોને જો કેવળ શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશને અનુરૂપ લેવામાં આવે તેમજ તાર્કિકતાને બાદ કરવામાં આવે તો જરૂર સમાજમાં શાંતિ અગ્રગામી થશે જ. તેઓ હિન્દુઓના હિન્દુ, મુસલમાનોના મુસલમાન, ખ્રિસ્તીઓના ખ્રિસ્તી છે. તેમની પાસે જે ખરા હૃદયથી જાય છે તે પોતાના હૃદયમાં અનુભવે છે કે તેઓ જ ખરેખર તેના પોતાના છે. સૌ પ્રત્યે શ્રદ્ધા, સૌ પ્રત્યે ભ્રાતૃસુલભ વ્યવહાર, શાંતિ, મૈત્રી, બહારમાં વૈચિત્ર્ય પણ અંતરથી એક.

આ જ ખરેખર શાશ્વત ભારતનો પરિચય છે અને શ્રીરામકૃષ્ણ આ જ ભારતનું પ્રતિક છે. તેઓ ભારત-આત્મા છે અને તેમનાં જીવન અને દર્શનમાં રહેલી છે ભારતની સંકટમોચન દેવી. તેઓ એક અસામાન્ય પુરુષ, તેમને કોઈ સંપ્રદાયના વાડામાં બાંધી ન શકાય. એક ચિરંતન સત્તા. આદિ-અંતહીન, કેવળ દેશ અને કાલથી ઊર્ધ્વ. નિત્ય સત્યના પ્રતિક. તેમનાં જીવન અને વાણી નિત્ય-સત્યનો મહિમા ગાય છે. અને આ ઐક્ય જ આપણને શ્રીરામકૃષ્ણદેવ તરફ આકર્ષિત કરે છે. અનૈક્ય તો રહેશે જ; પરંતુ અનૈક્ય ગૌણ, તુચ્છ. ઐક્ય જ મુખ્ય અને તેથી જ શ્રીરામકૃષ્ણદેવનો પથ હતો પરસ્પર પર શ્રદ્ધા કરો, પ્રેમ કરો અને ભારતે હંમેશાં જ આ નીતિનું અનુસરણ કરેલ છે. અને આમ શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે જેના પેટમાં જે પચે! આ જ નીતિ. આપણો સમાજ શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશને કેવી રીતે ગ્રહણ કરે છે તેના ઉપર જ ભારતનું સારું-નરસુ રહેલું છે. જેમ શ્રીરામકૃષ્ણદેવ બધા જ મત-પથો-ધર્મ પર શ્રદ્ધા કરતા તેમ જ ભારતવાસીઓ જે તેમનો આ ઉદારમત છે અને બધા જ ધર્મ-મત-પથ પર શ્રદ્ધા રાખવાને કર્તવ્ય સમજે તો સમાજનું ચિત્ર કંઈ અલગ જ હશે. આવા મતોને કારણે જ ભારત મહાન ‘ભારતતીર્થ’ છે. ભારતની સંસ્કૃતિ જાણે કે એક વિશાળ પુષ્પ-સ્તબક; તેમાં નાનાં, મોટાં, વિવિધ રંગનાં, જુદીજુદી ખુશ્બુવાળાં ફૂલોનો સમાવેશ, છતાં પણ એક જ! પ્રીતિનું બંધન આ જ ભારતનું વૈશિષ્ટ્ય અને આ જ ભારતના મહાન અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણદેવની સંહતિ, તેનું તે પ્રતીક. ભલેને શ્રીરામકૃષ્ણદેવ સમાધિસ્થ રે’તા પણ વ્યુત્થાન સમયે તેમની સમક્ષ રહેલા જગતનાં રૂપ-રસ-ગંધ એ બધાંને બ્રહ્મમય જ જોતા. બધાયમાં હું, મારામાં બધાય! આમ શ્રીરામકૃષ્ણદેવ રાષ્ટ્રિય સંહતિ (ઐક્યતા)નું શ્રેષ્ઠ પ્રતીક અને તેથી અત્યંત પ્રાસંગિક છે.

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.