ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે ‘એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.’ સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક છે; પ્રબુદ્ધજનો પોતાના અનુભવો અને સાધનાને આધારે તે જ સત્ને વિવિધ રીતે વર્ણવવાની કોશિશ કરે છે. વિચિત્રતાની અંદર ઐક્ય દર્શન, બહુત્વમાં એકત્વ દર્શન, વિચ્છિન્નતામાં પણ સંયોગનો આવિષ્કાર, એકબીજાથી વિરોધાભાસમાં પણ સામંજસ્યનો અનુભવ જ સમન્વય કહેવાય છે.

આ સમન્વય એટલે સર્વત્ર સમદર્શન. ભારતના મહાન સાધકની સાધના અને સિદ્ધિનો ચરમ અનુભવ છે- ‘नेह नानास्ति कचन।िं’ (કઠ ઉપનિષદ) આ સત્ કે બ્રહ્મમાં અણુમાત્રનો પણ ભેદ નથી; सर्वं हि एतद् ब्रह्म, अयं आत्मा ब्रह्म। (માંડૂક્ય) આ સમસ્ત બ્રહ્મ છે, આત્મા છે. આમ આપણાં ઉપનિષદોમાં આવાં અનેક સત્ય છે જે સમન્વયની ઉદ્ઘોષણા કરે છે. આપણા આધ્યાત્મિક વિચાર-સર્વત્ર એકત્વ દર્શન, સમત્વ દર્શન, અમૃતલાભનો ઉપાય. નાનાત્વદર્શન (ભેદદર્શન) જ મૃત્યુ થી મૃત્યુ તરફ ભ્રમણ-દુ:ખનો હેતુ : मृत्योः स मृत्युं गच्छति य इह नानेव पश्यति। આ પૃથ્વી ઉપર માનવ અને પ્રકૃતિની વચ્ચે જે આપાતદૃષ્ટિથી વિભિન્નતા ગોચર થાય છે તેની પશ્ચાદ્ભૂમિમાં એક જ બૃહત્ સત્તા છે. એટલા માટે જ વિવેકાનંદજીએ શિકાગો ધર્મમહાસભામાં સમન્વય દૃષ્ટિ પ્રસંગે કહેલ કે ‘બહુત્વની અંદર એકત્વ જ પ્રકૃતિની વ્યવસ્થા.’ હિન્દુઓ આ રહસ્યને ધારણ કરવા શક્તિમાન થયા છે. શ્રીરામકૃષ્ણના તિરોભાવ પછી એક શતાબ્દીની અંદર તેમના સમન્વયભાવે વિશ્વના સર્વેને પ્રભાવિત કર્યા છે. તેમણે દક્ષિણેશ્વરમાં સાધના કરીને દરેક ક્ષેત્ર ધર્મ-અધ્યાત્મ-યોગ, સમાજ-બધે જ સમન્વયની સૂચના કરી. ભારતની પ્રાચીન અધ્યાત્મ સાધનપ્રણાલી કે જેમાં મુખ્યત્વે ચાર યોગના પથ દ્વારા તે પરમ પિતા પરમાત્મા-બ્રહ્મ-ઈશ્વરને પામવાના પથ- ભક્તિયોગ, રાજયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગનો સમન્વય છે તે આપણને તેમના જીવનચરિત્રમાં જોવા મળે છે. પ્રત્યેક માનવજીવનમાં આ ચારેય યોગનો સમન્વય સ્વાભાવિક ભાવે રહેલ છે. પરંતુ કોઈક કોઈક માનવમાં કોઈ એકાદ યોગનો ભાવ વધુ-ઓછો જોવા મળે ખરો. જે વ્યક્તિમાં જે યોગના ભાવની અધિકાઈ હોય તેને તે ભાવનો-યોગનો અધિકારી કહી શકાય. આ અધિકારી ભેદ જ – શ્રીરામકૃષ્ણ સૌને સમજાવતા અને આ પ્રમાણે ઉપદેશ આપીને તેઓ દરેક સાધકને ચરમ લક્ષ્ય સુધી પહોંચાડતા અને માનવસમાજ સમક્ષ યોગચતુષ્ટયનો આદર્શ દર્શાવતા. ચારેય યોગની સમન્વય-સાધના પણ બતાવતા. ત્યાં સુધી સમાજમાં એવી ધારણા પ્રચલિત હતી કે સ્વભાવથી જેઓ ભક્ત છે એને ભક્તિયોગ પ્રતિ આકર્ષણ છે. તેઓને જીવનમાં જ્ઞાનચર્ચા-જ્ઞાનચિંતનની કોઈ પ્રયોજનિયતા નથી. કર્મયોગી અને રાજયોગીને પણ અન્ય યોગ સાથે સંપર્કની જરૂર નથી એવું માનતા.

એટલા માટે શ્રીરામકૃષ્ણ કહેતા કે ‘પોતાને અકર્તા જાણીને કર્મ કરો (કર્મયોગ), ત્યારે જ ‘કાચો અહમ્’ (કાચા આમિ) અને સ્વાર્થ દૂર થશે (જ્ઞાનયોગ), ચિત્તશુદ્ધિ થશે (રાજયોગ) અને ચિત્તશુદ્ધિ થશે ત્યારે શ્રીભગવાન પ્રતિ ભક્તિનો અભ્યુદય થશે (ભક્તિયોગ) અને સ્વાભાવિક રીતે જ તેમને સર્વતોભાવે જાણવાની ઇચ્છા થશે. આવી રીતે તારું મન ઉત્તરોત્તર ઈશ્વરકેન્દ્રિત થઈ જશે અને સુયોગ્ય અવસર મળેથી તું પોતે જ તેના ધ્યાનમાં નિરત થઈશ (સમાધિ-પથ) અને અંતે ભગવાન પોતે જ તેમનું પોતાનું સ્વરૂપ સમજાવી દેશે.’

આવી સહજ રીતે ઠાકુર દેખાડી દેતા કે કેવી રીતે સાધકે તેના રોજિંદા જીવનમાં કર્મ-ભક્તિ-રાજ અને જ્ઞાન- યોગનો સમન્વય કરવો જોઈએ.

એમના પોતાના જ જીવનમાં જોઈએ છીએ કે તેઓએ વેદાંત-મતનો સાધના-મંત્ર ગુરુ તોતાપુરી પાસેથી લીધો, સંન્યાસ ધારણ કર્યો જે ચરમ ભોગે જ્ઞાનયોગની સાધના છે. દક્ષિણેશ્વરની આજુબાજુ રહેતા ભક્તો તેમને હરિકીર્તનમાં બોલાવતા તો બે હાથ ઊંચા કરી ચૈતન્યદેવની જેમ ‘હરિ બોલ’ – હરિકીર્તન કરતા અને ભાવમાં ગદ્ગદ થઈ જતા અને તેમને બાહ્યજ્ઞાન તુરત લુપ્ત થઈ જતું. આ ભક્તિયોગની પરાકાષ્ઠા એમના જીવનમાં જોવા મળે છે.

દક્ષિણેશ્વરમાં તેમણે પોતાની સાધના-પીઠ પંચવટીમાં કરેલ. દિવસોના દિવસો અને રાત્રીની રાત્રી એકનિષ્ઠ એક પલકે પંચવટીમાં ધ્યાનમાં બેસી રહેતા, તેમને પોતાના શરીરનું ભાન પણ ન રહેતું અને ભાવસમાધિમાં ડૂબી જતા.

આ એકાગ્રતા-એકનિષ્ઠ-ધ્યાનપરાયણતા એ ઠાકુરનો રાજયોગીનો ભાવ હતો. અને ધન્ય છે આવા મહાન પ્રભુ કે જેઓ કર્મપરાયણતામાં માનતા અને પોતે પણ પ્રવૃત્ત થતા. તેથી જ તેમણે પોતાના પટ્ટશિષ્ય નરેન્દ્રનાથ (પરવર્તીકાળે વિવેકાનંદ)ની વાતનો તિરસ્કાર કરેલ, જ્યારે વિવેકાનંદજીએ કહ્યું કે તે પોતે મહાસમાધિમાં રહેવા માગે છે અને ક્યારેક ક્યારેક શરીરની રક્ષા માટે સામાન્ય સ્તર પર આવવા માગે છે, અને ત્યારે તેમણે કહેલું કે તારી આ ઇચ્છાને ધિક્કાર છે. ક્યાં મને એમ કે તું વટવૃક્ષ સમાન બનીશ અને પાપી-તાપીઓનો ઉદ્ધાર કરીશ, આ જ મહાન કર્મ કરવાનો રસ્તો શિવજ્ઞાનથી જીવસેવા. તેમના જીવનની ચરમ સાધના અને દેવઘરનો પ્રસંગ તો કેમ ભુલાય- કાશીના ભગવાન વિશ્વેશ્વર અને મા અન્નપૂર્ણાનાં દર્શન કરવા જતી વખતે મથુરબાબુને કહીને ગરીબોને અન્નવસ્ત્ર, તેલ વગરે દેવડાવ્યાં ત્યાર પછી જ કાશીદર્શને ગયા. મહાન કર્મયોગી-મહાન જ્ઞાની-જ્ઞાનયોગી-મહાન રાજયોગી અને મહાન ભક્તિ-ભક્તિયોગી. શ્રીઠાકુર આજના યુગના યુગઉપયોગી સહુને માટે સહજ પથ- સહજ સમન્વનો માર્ગ દેખાડનાર પથ પ્રદર્શક-પયગંબર-અવતાર વરિષ્ઠ સમન્વયાચાર્ય યુગધર્મ પ્રવર્તક હતા. એમાં પછી શું કહી શકાય? તેથી જે તેઓ કહેતા કે ‘જેણે સમન્વય કર્યો છે તે જ ખરેખર સમજ્યો છે.’ આવી તો કેટલીય ઘટનાઓ તેમના જીવનમાં યોગ સમન્વયની જોવા મળે છે અને આમ તેઓએ પોતાના જીવનમાં ઉપલબ્ધિ દ્વારા જ આવો સમન્વય ભાવ પોતાના જીવનમાં મૂર્ત કર્યો.

Total Views: 389

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.