ગતાંકથી આગળ…

શિક્ષણને આધ્યાત્મિકતા સાથે જોડવું

સ્વામી વિવેકાનંદ ક્યારેય આપણા પ્રાચીન આદર્શાેને તિલાંજલિ આપીને નવીન આદર્શાેને અપનાવવાના પક્ષકાર ન હતા. એનાથી વિપરીત એમણે દૃઢતાપૂર્વક કહ્યું છે કે આપણા રાષ્ટ્રીય આદર્શ જે નક્કર સિદ્ધાંતોના પાયા પર ઊભા છે અને પ્રથા, પરંપરા તેમજ વિધિ દ્વારા સદીઓથી સ્વીકૃત બન્યા છે તેનો ત્યાગ ક્યારેય ન કરવો જોઈએ. તેમણે કહ્યું છે, ‘એ સાચું છે કે આપણે લોકો આ સમયે એ ભાવોને પૂર્ણરૂપે કાર્યમાં પરિણત કરી શકીએ નહિ. છતાં એ પણ સંપૂર્ણ સત્ય છે કે આપણે સૌએ એ બધા મહાન ભાવોમાંથી કેટલાકને હાસ્યાસ્પદ બનાવી દીધા છે… પરંતુ વ્યાવહારિક દોષો આવી જવા છતાં પણ તે મૂળ તત્ત્વ ઘણાં મહત્વનાં છે, તેમજ જો એને કાર્યાન્વિત કરવામાં દોષ આવી જાય, એને માટે કોઈ ખાસ ઉપાય કે રીત નિષ્ફળ નીવડે તો એ મૂળ તત્ત્વને સાથે રાખીને એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી તે સારી રીતે કામમાં આવી શકે. મૂળ તત્ત્વનો નાશ કરવાનો પ્રયત્ન શા માટે ?… એ તત્ત્વ તો સનાતન છે, તે સદૈવ રહેશે. એટલે એવો ફરીથી પ્રયત્ન કરો કે જેથી એ તત્ત્વને સારા એવા ભાવે કામમાં લાવી શકાય.’

એમનો એવો મત હતો કે આ સંશોધિત ઉપયોગ બન્ને આદર્શાેની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સેતુ કે મિલન ઊભંુ કરશે. એમના આ વિચારને વધારે સ્પષ્ટ કરતાં એમનાં શિષ્યા ભગિની નિવેદિતાએ લખ્યું છે, ‘તેઓ ભવિષ્યની ભારતીય નારીને ધ્યાનની પ્રાચીન શકિતથી અલગ કરવાની કલ્પના પણ કરી ન શકતા. મહિલાઓ આધુનિક વિજ્ઞાન શીખે, પરંતુ પ્રાચીન આધ્યાત્મિકતાનો ત્યાગ કરીને નહિ. એમણે સ્પષ્ટ રીતે સમજી લીધું હતું કે એ જ કેળવણી આદર્શ કેળવણી બનશે કે જે સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાના પ્રત્યક્ષ પરીવર્તનને ઓછામાં ઓછી પ્રભાવિત કરે. એના પરિણામે પ્રત્યેક મહિલા પ્રાચીન ભારતની બધી નારીઓની મહાનતાને પોતાનામાં પૂર્ણ રૂપે સમાવી લેેવામાં સમર્થ બનશે.’

સ્વામી વિવેકાનંદ જ્યારે પણ ભારતીય નારી તથા તેમની સમસ્યાઓ વિશે કહેતા ત્યારે તેઓ એક ત્રીજા આદર્શ વિશે પણ જાગૃત રહેતા હતા. એ આદર્શ હતો આધ્યાત્મિકતાનો આદર્શ. ભારતીય જીવન, ચિંતન તેમજ સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા એટલી બધી ઓતપ્રોત છે કે આધ્યાત્મિક આદર્શને એક અલગ આદર્શના રૂપે માન્ય ન કરી શકાય. એટલે આપણા રાષ્ટ્રના સામાજિક-ધાર્મિક ઇતિહાસમાં સંન્યાસી તેમજ ગૃહસ્થ બન્ને પ્રકારની અનેક મહાન વિભૂતિઓના ઉલ્લેખ જોવા મળે છે.

રાષ્ટ્રની આધ્યાત્મિકતાના આ ઉચ્ચ સ્તરને જાળવી રાખવા મહિલાઓનું યોગદાન પુરુષોની સમકક્ષ રહ્યું છે. અતિ પ્રાચીન વૈદિક કાળથી લઈને વર્તમાન કાળ સુધી મહિલાઓએ પોતાની રીતે આ આદર્શને જીવંત રાખ્યો છે. મૈત્રેયીથી માંડીને શ્રીમા સારદાદેવી સુધી આ સાંસ્કૃતિક વિરાસત પેઢી દર પેઢી હસ્તાંતરિત થતી રહી છે.

ઋષિ યાજ્ઞવલ્કયે સંસારનો ત્યાગ કરીને વનમાં જતાં પહેલાં પોતાનાં પત્ની મૈત્રેયીનાં જીવન નિર્વાહ માટે સંપત્તિનો એક હિસ્સો એમને આપવાની ઇચ્છા વ્યકત કરી. એ સાંભળીને મૈત્રેયીએ કહ્યું, ‘તમે મને જે સંપત્તિ આપો છો તે મને અમરત્વ નહીં આપી શકે, એને લઈને હું શું કરંુ?’

એ સાંભળીને યાજ્ઞવલ્ક્ય ખૂબ પ્રસન્ન થયા અને એમને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. શ્રીરામકૃષ્ણદેવે જ્યારે શ્રીમા શારદાદેવીને પૂછ્યું કે શું તમે પત્નીરૂપે પોતાના અધિકાર મેળવવા માટે આવ્યાં છો કે કેમ? એના ઉત્તરમાં શ્રીમાએ કહ્યું, ‘ના, હું તમને સંસારમાં ખેંચી જવા નહીં પરંતુ તમારા ધર્મપથમાં સહાયતા કરવા આવી છું.’ એ સમયથી તેઓ શ્રીરામકૃષ્ણદેવનાં મુખ્ય શિષ્યારૂપે સ્વીકૃત થયાં.

માનવનું વાસ્તવિક સ્વરૂપ દિવ્ય છે અને સંપૂર્ણ જગત બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. વેદાંતની આ અનુભૂતિ જ ઉપર્યુક્ત આદર્શવાદની પૃષ્ઠભૂમિ છે. સ્વામી વિવેકાનંદ એક નિર્ભીક વેદાંતિક હતા અને એમણે નારીઓની સ્વાધીનતા તેમજ તેમના અધિકારોનું જાહેરમાં સમર્થન કર્યું હતું. એના દ્વારા વેદાંતનું આ તત્ત્વ પૂર્ણરૂપે વ્યવહારમાં લાવી શકાય.

એમનું મન આ વિચારોથી એટલું પરિપૂર્ણ રહેતું કે પોતાના સમયની નારીઓની સમસ્યા પર ચર્ચા કરતી વખતે તેઓ અચાનક ભાવાવેશમાં આવીને કહેતા, ‘પરમ તત્ત્વ બ્રહ્મમાં લિંગભેદ નથી. આપણને ‘હું અને તમે’ની ભૂમિમાં લિંગભેદ દેખાય છે.’ તેમણે આગળ કહ્યું છે, ‘આ દેશમાં પુરુષ અને સ્ત્રીઓની વચ્ચે આટલું અંતર કેમ રખાય છે એ સમજવું કઠિન છે. વેદાંતશાસ્ત્રમાં કહ્યું છે, ‘એક જ ચિત્સત્તા બધાં પ્રાણીઓમાં રહેલ છે.’

આ જ કારણે એમણે નારીઓના ઉચ્ચતર આધ્યાત્મિક પ્રશિક્ષણના વિરોધમાં ઊભા થયેલા અવાજને સાંભળવાનો પણ ઈન્કાર કરી દીધો અને કહ્યું, ‘કયા શાસ્ત્રમાં એવી વાત છે કે સ્ત્રીઓ જ્ઞાન, ભક્તિની અધિકારી ન બની શકે?… આ બધી આદર્શ વિદુષી નારીઓને (મૈત્રેયી, ગાર્ગી…) જ્યારે એ સમયે અધ્યાત્મજ્ઞાનનો અધિકાર હતો તો પછી આજે પણ નારીઓને એ અધિકાર કેમ ન હોઈ શકે? એકવાર જે થયું છે, તે વળી પાછું અવશ્ય બની શકે છે. ઈતિહાસનું પુનરાવર્તન થતું રહે છે.’ એટલે તેઓ ઈચ્છતા હતા કે આપણા દેશની નારીઓ શ્રીમા શારદા દેવીની પ્રત્યક્ષ પ્રેરણા અને નજર હેઠળ ત્યાગ અને સેવાના રાષ્ટ્રિય આદર્શાે પ્રમાણે પોતાનું જીવનઘડતર કરે. આધુનિક ભારતની નારીઓ જે પ્રગતિને નામે વાસ્તવિક રીતે પોતાના રૂપાંતરણના માર્ગે ચાલી નીકળી છે ત્યારે તેમણે એ જોવું જોઈએ કે આપણા પ્રાચીન આદર્શાેના આધારે જ પોતાની ઉન્નતિ કે પ્રગતિ કરે અને સાથે ને સાથે નાગરિક કાર્યોના ક્ષેત્રમાં પણ પોતાના પ્રભાવનો વિસ્તાર કરે. એને પરિણામે એનું પારિવારિક જીવન સુખી બનશે, નાગરિક જીવન સહાયક બનશે અને આધ્યાત્મિક જીવન સમૃદ્ધ થશે. આ સાથે સ્વામીજીનો આ આદેશ પણ યાદ રાખવા જેવો છે, ‘આ દેશની નારીઓ જ શા માટે, જે વાત હું પુરુષોને કહું છું એ વાત એમને પણ કહીશ. ભારતમાં શ્રદ્ધા રાખો અને ભારતીય ધર્મમાં શ્રદ્ધા રાખો. શક્તિશાળી બનો, આશાવાન બનો અને સંકોચ છોડૉ. એ યાદ રાખો કે આપણે બહારથી કોઈ વસ્તુ લઈએ છીએ તો જગતની બીજી કોઈ જાતિની સરખામણીએ હિંદુઓ પાસે એના બદલામાં દેવા માટે અનેકગણું વધારે છે.’ · (ક્રમશ 🙂

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.