આપણા રાષ્ટ્રિય શિક્ષણના યોગક્ષેમમાં ભગિની નિવેદિતાનું પ્રદાન

શિક્ષણના ક્ષેત્રમાં વિચારક અને કાર્યકર્તાના રૂપે ભગિની નિવેદિતાનું યોગદાન મહાન હતું. એ વિશે એમના લેખ ઘણા વિચારપ્રેરક છે. આજે પણ એ લેખોનો ઉપયોગ કેળવણીની અનેક સમસ્યાઓના ઉકેલ માટે શિક્ષણશાસ્ત્રીઓને મદદ કરી શકે તેમ છે. ૧૭ વર્ષની ઉંમરથી તેઓ અધ્યાપન કાર્ય કરવાં લાગ્યાં. જીવનની અંતિમ પળે પણ એમને કોઈ પણ વ્યક્તિ એના કાર્ય વિશે પૂછતી તો તેઓ ગર્વપૂર્વક પ્રત્યુત્તર આપતાં કહેતાં: ‘હું શિક્ષિકા છું.’ પશ્ચિમમાં એમને ‘નૂતન શિક્ષણ’ પ્રણાલીમાં માનનારા શિક્ષણશાસ્ત્રીઓના સંપર્કમાં આવવાનો અવસર સાંપડ્યો હતો. સ્વીસ સુધારક પેસ્ટોલોજી અને એમના જર્મન અનુયાયી પ્રોબેલના ઉદાર અને મનોવૈજ્ઞાનિક શિક્ષણ સિદ્ધાંતોનો એમના આદર્શ પર ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. પેસ્ટોલોજીને એમણે ૨૦મી સદીના પશ્ચિમના શિક્ષકોના સંત કે ગુરુ કહ્યા છે.

લંડનમાં ૧૮૯૫માં સ્વામી વિવેકાનંદને મળ્યા તે પહેલાં શિક્ષણના ક્ષેત્રમાં નિવેદિતા સુખ્યાત હતાં. ત્યારે વિમ્બલ્ડનમાં ‘નૂતન શિક્ષણ’ના સિદ્ધાંતો પર આધારિત ‘રસ્કિન સ્કૂલ’ ચલાવતાં હતાં. સ્વામીજીનું આમંત્રણ મળતાં જાન્યુઆરી, ૧૮૯૮માં તેઓ ભારત આવ્યાં અને એ જ વર્ષે નવેમ્બરમાં એમણે કોલકાતામાં એક વિદ્યાલયની સ્થાપના કરી. વચ્ચેના નવ માસમાં એમણે પોતાના નવા વાતાવરણને સ્વામી વિવેકાનંદની મદદથી બરાબર સમજી લીધું. એમણે જોયું કે સ્વામી વિવેકાનંદ એમનાથી પણ ઘણા મહાન શિક્ષક હતા. સ્વામીજી એમની પાસે તત્કાલ કાર્યારંભ કરવાની અપેક્ષા રાખતા ન હતા. થોડા સમય પછી નિવેદિતાએ આમ લખ્યું હતું: ‘મને વિશ્રામ, યાત્રાપ્રવાસ તેમજ માનસિક તૈયારી માટે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો હતો. શું આવશ્યક હતું, મારી કેવી સ્થિતિ છે એ મારે જાણવાનું હતું. જે લોકોનું એક અંગ બનવાનો મારો પ્રયાસ હતો એ વાતને મારે સારા પ્રમાણમાં સમજવાની હતી. એક વાત હું જાણતી હતી કે શીખનારની સ્થિતિ પ્રમાણે જ શિક્ષણનો પ્રયાસ શરૂ થવો જોઈએ અને એ એના પોતાના વિકાસમાં સહાયક પણ બનવો જોઈએ. જો કે મેં કેટલાંક શૈક્ષણિક અન્વેષણ કર્યાં હતાં પરંતુ ભારતીય નારીઓની આધુનિક કેળવણીના કાર્યમાં વ્યાપક રૂપે ઉપયોગી તથા પૂર્ણતયા વાસ્તવિક રહે તેવી કોઈ નિશ્ચિત યોજનાઓ કે આકાંક્ષાઓ ન હતી.’

આમ જોઈએ તો ભારતમાં આવીને શિક્ષણ વિષયક એમના વિચારોમાં વિશેષ પરિવર્તન આવ્યું ન હતું છતાં પણ ભારતના લોકોની આવશ્યકતા અનુસાર એમની દિશા પુન: નિર્ધારિત થઈ ખરી. તત્ત્વદર્શન, ધર્મ અને શિક્ષણ પર સ્વામી વિવેકાનંદની સક્રિય અને રચનાત્મક કેળવણીનો ઘણો મોટો પ્રભાવ પડ્યો. સ્વામીજી કોઈ સામાન્ય શિક્ષણ સુધારક ન હતા, નાની મોટી શિક્ષણ સુધારણામાં તેઓ માનતા પણ ન હતા. નિવેદિતાએ કહ્યું છે તે પ્રમાણે : ‘તેઓ આમૂલ કાર્ય કરતા.’ ભગિની નિવેદિતાના મોટા ભાગના નિર્ણયોને પ્રભાવિત કરનાર તેમજ એમના વિચારોને સુદૃઢ બનાવનાર સ્વામીજીના શિક્ષણ વિશેના ઉપદેશોનો સારાંશ આ છે : ‘સમગ્ર શિક્ષણપ્રશિક્ષણનો આદર્શ માનવનિર્માણ કરવાનો હોવો જોઈએ. સમગ્ર કેળવણીનું અંતિમ ધ્યેય કે લક્ષ્ય માનવનું ઉત્થાન છે… જે કેળવણીથી સંકલ્પની ધારા અને અભિવ્યક્તિ નિયંત્રિત બનીને ફળીભૂત થાય તેને કેળવણી કહે છે. એક છોડને ઉગાડવાના પ્રયત્નની જેમ તમે એક બાળકને કંઈ વધારે શીખવી ન શકો. બાળક તો પોતે પોતાની મેળે શીખે છે… પૂર્ણ બ્રહ્મચર્ય મહાન બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિ અર્પે છે. બ્રહ્મચર્ય વિના કોઈ આધ્યાત્મિક શક્તિ આવી શકતી નથી. બ્રહ્મચર્ય માનવજાતિ પર વિલક્ષણ નિયંત્રણ પ્રદાન કરે છે.’

બાલિકા વિદ્યાલય

શ્રીમા સારદાદેવીના આશીર્વાદ સાથે ૧૩ નવેમ્બર, ૧૮૯૮માં નિવેદિતાના ‘બાલિકા વિદ્યાલય’નો આરંભ થયો. એ દિવસે મા સારદાદેવી સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી સારદાનંદજી સાથે ત્યાં આવ્યાં હતાં. શ્રીમાએ નિવેદિતાના પ્રયાસોની પ્રશંસા કરી અને એમના વિદ્યાલયમાંથી કેળવણી પામેલી બાલિકાઓ આદર્શ બહેનો બને એવા એમને આશીર્વાદ પણ આપ્યા હતા. આનાથી ભગિની નિવેદિતા આનંદવિભોર બની ગયાં અને તેમણે કહ્યું : ‘આપણાં શ્રીમાના અતિઉચ્ચ મનહૃદયમાં થયેલ પ્રાર્થના સાથે સંલગ્ન બનેલ પ્રયાસનું સ્મરણ થયું છે. કોઈ પણ પ્રકારે એ જાણવું જ મારા માટે એક એવું વરદાન છે કે એનું ફળ અવશ્યંભાવિ છે. ભવિષ્યના શિક્ષિત હિંદુ નારીત્વ પ્રત્યે એમના આશીર્વાદથી મોટો કોઈ શુભસંદેશ હોય તેનો હું વિચાર પણ કરી શકતી નથી.’

આરંભમાં એમના વિદ્યાલયનું કોઈ વિશેષ નામ ન હતું. હવે એનું નામ ‘રામકૃષ્ણ સારદા મિશન, ભગિની નિવેદિતા બાલિકા વિદ્યાલય’ છે. ૧૮૯૯માં આ વિદ્યાલય માટે ધન એકત્રિત કરવા તેઓ અમેરિકા ગયાં ત્યારે એમણે એનો ‘બાલિકાઓ માટે રામકૃષ્ણ વિદ્યાલય’ એ નામે ઉલ્લેખ કર્યો હતો. એમના પશ્ચિમના મિત્રોએ આ સંસ્થાને ‘વિવેકાનંદ વિદ્યાલય’ કહ્યું હતું. આડોશપડોશના લોકોએ એને ‘નિવેદિતાનું વિદ્યાલય’ કહ્યું હતું. આ વિદ્યાલયનો આરંભ આડોશપાડોશની કેટલીક બાલિકાઓથી થયો હતો. આ ‘બાલવિદ્યાલય’ કિંડરગાર્ટન પ્રણાલી પર આધારિત હતું. અહીં અંગ્રેજી, બંગાળી ભાષા સાથે પ્રારંભિક ગણિત અને વિજ્ઞાન તેમજ હસ્તકળા અને ચિત્રકળાની કેળવણી અપાતી. આ પાઠ્યક્રમનાં રચનાત્મક કાર્યો તેમજ યાત્રાપ્રવાસથી બાલિકાઓની સાથે નિવેદિતાનું પ્રેમબંધન દૃઢ થઈ ગયું. જૂન, ૧૮૯૯માં પશ્ચિમના પ્રવાસને લીધે થોડો સમય આ વિદ્યાલયને બંધ રાખવામાં આવ્યું ત્યારે એમની વિદ્યાર્થિનીઓ ઘણી નિરાશ થઈ. એટલે ભગિની નિવેદિતાએ એમને પોતે થોડા સમયમાં જ પાછા ફરશે એવું આશ્વાસન આપ્યું.

૧૯૦૨માં તેઓ ફરી પાછાં આવ્યાં અને વિદ્યાલયને ફરીથી ખોલ્યું. આ વખતે ભગિની ક્રિસ્ટીને એમને મદદ કરી અને બંનેએ સાથે મળીને એને સફળ વિદ્યાલય બનાવ્યું. નિવેદિતાએ દરેકેદરેક બાલિકામાં રસરુચિ લીધાં અને દરેક બાલિકાઓ વિશે વ્યાપક રોજનીશી અને નોંધ પણ લખી. એમાંની એક નોંધ અહીં પ્રસ્તુત છે.

વિદ્યુતબાલા બોઝ : ૬૦માંથી ૪૫ વખત હાજર રહેલ. અત્યાર સુધી જોયેલી સુચરિત્રવાન બાળાઓમાંથી એક પ્રબળ ચરિત્રવાન બાળા. એનાં સાહસ અને દૃઢ નિશ્ચય વિલક્ષણ છે. એની રુચિ વિશિષ્ટ છે. તે ટીખળ-તોફાન કરતી, કહ્યું ન માનતી. એક દિવસ મેં એને સમજાવી, ત્યાર પછીથી કેવળ એક મલકાટ જ પર્યાપ્ત બની રહેતો. કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં એનામાં ઉત્સાહ અને દૃઢ નિશ્ચય રહે છે. આ બધું વિવાહ પછી અવશ્ય કુંઠિત થઈ જશે. એમનું સીવણ વિશેષતયા ઉત્તમ છે.

એમ.એન. : ૬૦માંથી ૩૬વાર હાજર. અત્યંત ભલી, નમ્ર, શાંત, પરિશ્રમી બાલિકા. અત્યાર સુધી જેટલી બાલિકાઓ જોઈ એમાં સર્વોત્તમ, મધુરતમ અને પ્રવીણતમ બાલિકાઓમાંની એક. અત્યંત એકાંતપ્રિય અને સતત ભલમનસાઈવાળી. કાર્યમાં સહજભાવે ખોવાઈ જનાર.

દુર્ગમ લક્ષ્ય

બે કારણોને લીધે વિદ્યાલયની બાલિકાઓની પ્રગતિથી ભગિની નિવેદિતાનું હૃદય સંતોષાતું ન હતું. એમાનું પહેલું, એ બધી બાલિકાઓ નિયમિત ન આવતી; અને બીજું, આવી આશાવાન બાલિકાઓનું શિક્ષણ બાલવિવાહને કારણે રુંધાઈ જતું. ક્યારેક ક્યારેક તેઓ બાલિકાઓને નિયમિત વિદ્યાલય મોકલવા માટે ઘરે ઘરે જઈને વિનંતી કરતાં. ક્યારેક બે હાથ જોડીને અભિભાવકોને કહેતાં: ‘જો કે તમે મારા ઉપર ક્રોધિત થશો પરંતુ આ બાલિકાને વિદ્યાલયમાં મોકલવા માટે હું આપને વિનંતી કરું છું. આપના પરિવારની સ્ત્રીઓ ગંગાસ્નાન કે કાલીઘાટ પર નિયમિત રીતે આવતી જતી હોય છે. એટલે આ બાલિકાને આપ થોડા સમય માટે પણ ન મોકલી શકો?’ નિવેદિતાના મધુર આગ્રહથી અભિભાવકોનું મન દ્રવી ઊઠતું અને તેઓ વિદ્યાલયમાં નિયમિત રીતે પોતાની દીકરીઓને મોકલવા સહમત થઈ જતા.

એ સમયનો સમાજ થોડો કઠોર હતો. એટલે બાલિકાઓને બાલવિવાહથી બચાવવા નિવેદિતા કંઈ કરી ન શક્યાં. આ મુશ્કેલીએ શિક્ષણનાં કાર્યોના વિસ્તાર તરફ એમનું ધ્યાન આકર્ષિત કર્યું. ભગિની ક્રિસ્ટીનની સાથે ચર્ચા-વિચારણા કરીને એમણે ૧૯૦૩માં એક ‘મહિલા વિભાગ’ પણ ખોલ્યો. વાચન-લેખન, ઈતિહાસ-ભૂગોળ, સિલાઈ વગેરેના શિક્ષણ માટે મહિલાઓ આવતી. ‘મહિલા વિભાગ’નું વર્ણન આ બાબતનો નિર્દેશ કરે છે – વિદ્યાલયમાં જવા માટે ગૃહિણીઓ પોતાનું બધું કામ ઝડપથી પૂરું કરી નાખતી, બધાની સાથે સદ્‌વ્યવહાર રાખતી. તેઓ બમણો પરિશ્રમ કરતી કે જેથી કોઈ એમને આ બંને બહેનો પાસે જવામાં ન રોકે. આ પ્રયોગ ઘણો સફળ રહ્યો. મધ્યાહ્‌નનો સમય યુવા મહિલાઓ માટેનો હતો. ઘેર બેઠાં સમય વેડફવાને બદલે તેઓ વિદ્યાલયમાં આવતી. આને લીધે એમના જીવનમાં એક નવો માર્ગ ખુલ્યો. આનાથી નિવેદિતા ખૂબ પ્રસન્ન થયાં અને ૧૬ જુલાઈ, ૧૯૦૪ના રોજ એમણે કુમારી મેક્લાઉડને આમ લખ્યું હતું : ‘લાજ પડદામાં રહેનારી વિવાહિત મહિલાઓ પોતાનાં ઘરોમાંથી નીકળીને એક અંગ્રેજ નારીના ઘરે શિક્ષણ માટે આવે, એવું કોઈએ નહીં સાંભળ્યું હોય! પરંતુ આ બધી મહિલાઓ એવું કરે છે. એમાં એમને એક ક્ષણ માટે પણ મુશ્કેલી પડતી નથી.’

શિક્ષણમાં રાષ્ટ્રિય ચેતનાનો સમાવેશ

ખ્રિસ્તી ધર્મના પ્રચારકો તથા સરકાર દ્વારા ચાલતી શાળાઓની સરખામણીમાં ભગિની નિવેદિતાનું કાર્ય ઘણું નાનું હતું, પરંતુ એ મહત્ત્વહીન ન હતું. એમનું વિદ્યાલય આધુનિક શિક્ષણ પદ્ધતિનું સર્વપ્રથમ રાષ્ટ્રિય વિદ્યાલય હતું. આ સંસ્થાએ પોતાની છાત્રાઓને સામાજિક તેમજ રાજનૈતિક ચેતના આપી હતી. જ્યારે સરકારે ‘વંદે માતરમ્‌’ એ ગાવા પર પ્રતિબંધ મૂક્યો ત્યારે નિવેદિતાએ એને પોતાના વિદ્યાલયની દૈનિક પ્રાર્થનામાં સામેલ કરી દીધું. સ્વદેશી આંદોલન શરૂ થયું ત્યારે એમણે વિદેશી માલસામાનનો બહિષ્કાર કર્યો અને પોતાની વિદ્યાર્થિનીઓને પણ એ બહિષ્કાર કરવા પ્રેરણા આપી. એમણે એક રેંટિયો ખરીદ્યો અને પોતાના વિભાગમાં કાંતણકામનો આરંભ કર્યો. કાંતણકામ શીખવવા માટે એમણે એક વૃદ્ધ મહિલાની નિમણૂક કરી. વિદ્યાર્થિનીઓ એમને ‘ચરખા-મા’ કહેતી. ૧૯૦૬ના કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રિય ધ્વજનો વિચાર પહેલીવાર નિવેદિતાના મનમાં આવ્યો. એમણે ધ્વજની પસંદગી કરી. પોતાની વિદ્યાર્થિનીઓ દ્વારા એ રાષ્ટ્રિય ધ્વજ તૈયાર કરાવ્યો અને કોંગ્રેસના અધિવેશનના પ્રદર્શનમાં રાખ્યો. આવાં કાર્યો દ્વારા એમણે પોતાની વિદ્યાર્થિનીઓમાં ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક આદર્શો પ્રત્યે દેશભક્તિ અને અનન્ય પ્રેમનો ઉત્સાહ ભરી દીધો. ભગિની નિવેદિતા દ્વારા સંચાલિત વિદ્યાલય આ રીતે પરિચિત વાતાવરણમાંથી કોઈનો વિરોધ કરતું નથી. ઉન્મૂલન ન કરતું. એક વિદેશી નારી દ્વારા વિદ્યાલય ચલાવવામાં ઊભો થતો સંદેહ બાગબાજારના રુઢિચુસ્ત લોકોના મનમાંથી તરત જ દૂર થઈ ગયો. એમણે નિવેદિતાને પોતાની ‘પ્રિય ભગિની’ના રૂપે સ્વીકાર્યાં.

શિક્ષણનાં ક્ષેત્રમાં નવા વિચાર પ્રદાન કરવા, લોકોને વિચારશીલ બનાવવા તેમજ સમયની આવશ્યકતા પ્રમાણે કાર્ય કરવામાં લોકોને સક્ષમ બનાવવા, એ ભગિની નિવેદિતાનું મુખ્ય યોગદાન હતું. ૧૯૦૧માં લોર્ડ કર્ઝને સીમલામાં એક શિક્ષણસંમેલનનું આયોજન કર્યું હતું. ત્યાર પછી ૧૯૦૨માં વિશ્વ વિદ્યાલય પરિષદની નિમણૂક થઈ. આ પરિષદના આધારે ૧૯૦૪માં એક વિશ્વ વિદ્યાલય વિધેયક પસાર થયું. એના સંકીર્ણ નિયમોનો દેશના ખૂણે ખૂણેથી વિરોધ થયો. પરંતુ લોર્ડ કર્ઝન પર એનો કોઈ પ્રભાવ ન પડ્યો. ઉદાર નેતા સુરેન્દ્રનાથ બેનર્જીએ આ પ્રમાણે લખ્યું હતું: ‘લોર્ડ કર્ઝનની ભારતમાં અનેક દુષ્ટ હેતુઓવાળી સેવાઓમાંથી વિશ્વ વિદ્યાલયો વિશેની કહેવાતી સુધારણાનાં પરિણામો દૂરસુદૂરના ભવિષ્ય માટે સૌથી વધારે હાનિકારક સિદ્ધ થયાં હતાં.’

આ વિશે ભગિની નિવેદિતાની રોષપૂર્ણ ટિપ્પણી આવી હતી : ‘થોડા જ સમય પહેલાં એક વિશ્વ વિદ્યાલય પરિષદની નિમણૂક થઈ. એનો પ્રયાસ સમગ્ર શિક્ષણને અને એમાંય વિશેષ કરીને વૈજ્ઞાનિક (અભિગમવાળા) શિક્ષણને ખતમ કરવાનો હતો. ભારત પ્રત્યે કરેલાં કેટલાંક દુષ્કર્મોમાં મને આ જ વાત પર વધારે ગુસ્સો આવે છે. ભારતને ભારત થવા દેવાનો, પોતાના વિશે વિચારવાનો અને જ્ઞાનપ્રાપ્ત કરવાનો અધિકાર છે.’ આ વર્ષ સમગ્ર ભારતમાં એમણે વ્યાખ્યાનો માટે પરિભ્રમણ કર્યું તથા ભારતમાં શિક્ષણની સમસ્યાને ‘સમસ્યાઓની સમસ્યા’ કહી હતી. એમણે શ્રોતાજનોને બતાવ્યું : 

‘વિચારવા માટે આપને પ્રેરિત કરવા એ મારો ઉદ્દેશ છે. મને સાચા વિચારોની શક્તિ પર શ્રદ્ધા-વિશ્વાસ છે, એટલે જ તમારા વિચાર કરવાની બાબતમાં આપ સૌને મદદ કરવા હું અહીં આવી છું… તમારે જ શિક્ષણનાં લક્ષ્ય અને કાર્ય નિર્ધારિત કરવાનાં છે. ઉપયુક્ત શિક્ષણ વિના કોઈ રાષ્ટ્ર મહાન બની ન શકે. તમારે આ દેશ માટે આવશ્યક શિક્ષણનું જ્ઞાન શીખવું અને મેળવવું પડશે. જો ભારત પોતાની આવશ્યકતાઓ નહિ જાણે તો તેનું પતન થશે તથા તે ગહન સમુદ્રમાં ડૂબી જવાનું, અને એ રાષ્ટ્ર ભુલાઈ પણ જશે. ભારત આવું રાષ્ટ્ર નથી, એવી હું આશા રાખું છું.’ એટલે જ આશા-નિરાશાની વચ્ચે હાલક-ડોલક થતાં નિવેદિતા લોકોને એ બાબત દર્શાવી રહી હતી કે આમ બેઠાં બેઠાં સરકારને એનાં કાર્યો માટે ધન્યવાદ કે કૃતજ્ઞતા ન આપી દો. પરંતુ કઠોર પરિશ્રમ દ્વારા શિક્ષણને ચરિતાર્થ કરો.

શિક્ષણની સમસ્યાનાં વિસ્તૃત ક્ષેત્ર

શિક્ષણનાં બધાં રૂપો વિશે નિવેદિતાએ અનેક નિબંધો લખ્યાં અને ભાષણો કર્યાં હતાં. એમની એ વિશેની વિચારશક્તિ દર્શાવતાં એમનાં કેટલાંક કથન અહીં આપીએ છીએ :

* બધાં કાર્યો ઉપરાંત શિક્ષણનું એક નૈતિક કાર્ય છે જે મૂલત: માનવના નૈતિક રૂપ સાથે સંબંધ ધરાવે છે. શિક્ષણનો વાસ્તવિક અર્થ છે – ઇચ્છાશક્તિની તાલીમ. ઇચ્છાશક્તિને ઉત્કૃષ્ટ બનાવવી એ જ પૂરતું નથી. વાસ્તવિક રીતે શિક્ષણના સાચા આદર્શની પ્રાપ્તિ માટે ઇચ્છાશક્તિને કાર્યકુશળ પણ બનાવવી પડે.

* માનવને પોતાની ભાવનાઓ અને રુચિઓનું પ્રશિક્ષણ ન મળે તો તે શિક્ષિત નથી. એણે પોતે શીખી લીધી છે એવી બૌદ્ધિક યુક્તિ-પ્રયુક્તિ જ કરી શકે છે; પોતાની યુક્તિ-પ્રયુક્તિ અને કાર્યકળા દ્વારા રોજીરોટી કમાઈ શકે છે, પણ એ પ્રશિક્ષણ હૃદયને પ્રભાવિત કરી શકતું નથી, તે માનવને સાચું જીવન આપી શકતું નથી. આવો માનવ માનવ નથી, પણ એક કુશળ વાનર છે. 

* શિક્ષણ પદ્ધતિનાં કોઈ પણ સ્વરૂપમાં બુદ્ધિના વિકાસ કરતાં ભાવનાઓની ઉત્કૃષ્ટતા, ઉચ્ચતા અને નિષ્કપટતાને અપનાવવી હજારગણું મહત્ત્વનું છે.

* એમની શિક્ષણની સંકલ્પનાનો વિસ્તાર પ્રારંભિક કક્ષાથી માંડીને સર્વોચ્ચ શ્રેણી સુધીનો હતો. એમાં સ્ત્રીઓ અને પુરુષો બંને માટે કેળવણીની વ્યવસ્થા હતી. એમાં લૌકિક તેમજ ધાર્મિક શિક્ષણ, કૌશલ્યલક્ષી શિક્ષણ અને ઉચ્ચ અનુસંધાન પણ હતાં. માત્ર સારી નોકરીઓ મેળવવામાં વિદ્યાર્થીઓને સહાય કરવી એ શિક્ષણના લક્ષ્યને નિવેદિતાએ સ્વીકાર્યું ન હતું. એમણે એ વિશે લખ્યું છે :

‘સાંસારિક લાભ કે સુખસગવડ માટે જ્ઞાનની પ્રાપ્તિ જેવી માનવ જીવાત્માને પતિત કરનારી બીજી કોઈ વસ્તુ નથી. બૌદ્ધિક જીવનને માત્ર રોટીરોજી કમાવાનું સાધન ગણવું એ રાષ્ટ્રનું પતન નોતરે છે અને બીજું કંઈ કરી શકતું નથી.’

* શિક્ષણના મૂળતત્ત્વ વિશે નિવેદિતા આવું માનતાં- ‘વિશાળ જગત સાથેના વ્યાવહારિક હેતુ માટે પ્રત્યેક વ્યક્તિને કોઈ પણ યુગમાં સામાન્યત: સંપૂર્ણ સમાજમાં વિદ્યમાન રહેતી એવી બધી વિચારધારાઓ એને શિખવવી જોઈએ.’ સાથે ને સાથે એમણે ચારિત્ર્યની ઉન્નતિ પર વિશેષ ભાર દીધો હતો.

* લોકશિક્ષણ સંસ્કાર જેટલું પૂજ્ય અને પવિત્ર છે. માનવતા મન છે, શરીર નહિ; આત્મા છે, હાડ-માંસ નહિ. એની પરંપરા વિચાર તેમજ અનુભૂતિયુક્ત જીવનમાં છે. કોઈ પણ વ્યક્તિને ઉચ્ચજીવનનાં દ્વારમાં પ્રવેશતાં રોકવો એ હત્યાથી પણ મોટો અપરાધ છે.

વિશેષ કરીને જ્યાં તેઓ કાર્યરત હતાં એ બંગાળમાં વિદ્યાર્થીસમાજ સાથે નિવેદિતાને ઘનિષ્ઠ સંબંધ રહ્યો હતો. એમની માગ અને પોકાર માટે તેઓ સદૈવ તત્પર રહેતાં. એમની વચ્ચે નિવેદિતાનો પ્રભાવ તીવ્રવેગે દૂરસુદૂર ફેલાયો હતો. શિક્ષણ પરના એમના વિચારો મુખ્યત્વે વિદ્યાર્થીજગતની શક્તિઓના દિશાનિર્દેશન માટે જ હતા. એમના મત પ્રમાણે એ દિશા નિર્દેશન આવું હતું – સામાન્યજન, દેશ, ધર્મ અર્થાત્‌ વ્યક્તિ, રાષ્ટ્ર અને રાષ્ટ્રના હિત માટે બાળકનો વિકાસ. એ કેવળ પોતાના જ હિત માટે નથી.’

૧૯૦૪માં પટણાના હિંદુ છાત્રસંઘને સંબોધિત કરતાં એમણે આ શબ્દો કહ્યા હતા: ‘વિદ્યાર્થીઓએ પોતાની જાતને આટલું પૂછવું જોઈએ કે ભારત એમની પાસેથી શું ચાહે છે… એક વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય છે સારી રીતે ખાવું પીવું, વ્યવસ્થિત રીતે સૂવું અને પછી સારી રીતે રમવું-ભમવું… તમારા પોતાના દેશનું હિત એ જ તમારું સાચું લક્ષ્ય બનો. એને સાહિત્યિક અધ્યયન તથા લેખ અને વ્યાખ્યાનોથી પૂરું કરવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો… સમગ્ર દેશને પોતાનો ગણો, તમારો દેશ તમારી પાસે પરિશ્રમ માગે છે. જ્ઞાન, બળ, સુખ અને સમૃદ્ધિ માટે સંઘર્ષ કરતા રહો. જીવનમાં એ જ તમારાં લક્ષ્ય બનો. રણયુદ્ધના આહ્‌વાન સમયે ક્યાંક સૂતા ન રહેતા.’

સ્વતંત્રતા પહેલાં દેશભક્ત નેતાઓએ રાષ્ટ્રનિર્માણ પર વિચાર્યું હતું અને રાષ્ટ્રિય ચેતનાને જગાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આમ છતાં પણ પશ્ચિમી જગતના સંપર્કસંબંધને કારણે એમાંથી કેટલાકે આંતરરાષ્ટ્રિયવાદનો વિચાર કર્યો. કેવળ સુદૃઢ સ્વરાષ્ટ્રની આધારશિલા પર જ આંતરરાષ્ટ્રિય સંબંધોનું ભવન ચણી શકાય છે, તે વાતને એ સમયે તેઓ ભૂલી ગયા. તત્કાલીન વાસ્તવિક શિક્ષણમાં એ સમયે અનેક શિક્ષણશાસ્ત્રીઓ વિદેશી પદ્ધતિને વધારે મહત્ત્વની ગણતા. નિવેદિતા માનતાં કે વિદેશી સંસ્કૃતિના અધ્યયનને પણ શિક્ષણમાં સ્થાન આપવું જોઈએ. પરંતુ શિક્ષણના આરંભથી જ એના અધ્યયનનો એમણે સખત વિરોધ કર્યો હતો. એ વિશે એમણે કહ્યું હતું: ‘એનું કારણ એ છે કે વ્યક્તિએ પોતાના સમાજમાં જ રહેવાનું છે. અહીં એ લોકોનો આશય યોગ્ય લાગતો નથી કે જે એક ભારતીય બાલિકાને અંગ્રેજ કે ફ્રેંચ સમાજની શોભા બનાવવા માટે શિક્ષણ આપે છે… કોઈ પણ સમાજના આદર્શોનું અનુસરણ કર્યા વિના એક મિથ્યા શિક્ષણ-પ્રણાલી દ્વારા ભારતીય બાલિકા પોતાનાં જ લોકો અને સંસ્થાનોને ખરાબ કહે છે. એક બંગાળી બાલિકાને ફ્રેંચ કે પીયાનો વગાડતાં શીખવીને નહિ પરંતુ ભારત વિશે એને વિચારવાનું શીખવીને આપણે વાસ્તવિક કેળવણી દેવી જોઈએ. સાથે ને સાથે વિશ્વના મહાન દાર્શનિક પણ એમની પાસે આવવામાં ગર્વ અનુભવે એવી એને બનાવવી જોઈએ.’

આરંભમાં જ્યારે નિવેદિતાએ પશ્ચિમની શિક્ષણ-પ્રણાલીની ઉત્તમતાને ભારતીય જીવનના ઉત્તમપણાને જોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમના વિદેશપ્રેમી ભારતીય મિત્રો આકુળવ્યાકુળ થઈ ગયા હતા. જ્યારે પહેલીવાર રવીન્દ્રનાથ ટાગોર ભગિની નિવેદિતાને મળ્યા ત્યારે એમની ધારણા એવી હતી કે તેઓ પણ એક સામાન્ય અંગ્રેજી પ્રચારક મહિલા જેવા હશે; અને તેઓ એક વધારે પરિવારને પોતાના પ્રભાવમાં લાવવાની અપેક્ષા સેવતાં હશે. અંતત: ટાગોરે પણ માનવું પડ્યું અને ભગિની નિવેદિતા વિશે એમણે આ શબ્દો લખ્યા : ‘આ જ અનુમાન સાથે મેં એમની સામે પોતાની પુત્રીના શિક્ષણનો ભાર લેવા પ્રસ્તાવ મૂક્યો. એમણે મને પૂછ્યું: ‘તમે એમને કેવું શિક્ષણ આપવા ઇચ્છો છો?’ મેં કહ્યું: ‘અંગ્રેજી અને એના પર આધારિત શિક્ષણ પૂરતું બની રહેશે.’ એમણે મને ફરી પૂછ્યું: ‘આવી રીતે બળપૂર્વક અપાયેલાં શિક્ષણથી શો ફાયદો થવાનો? પરંપરા દ્વારા પ્રાપ્ત જ્ઞાન અને ક્ષમતાને ઉદ્ધૃત તથા વિકસિત કરવાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા અર્જિત વૃત્તિઓ જ મારી દૃષ્ટિએ વાસ્તવિક કેળવણી છે. એમને ભારતમાં તથાકથિત અંગ્રેજી શિક્ષણની ઇસ્ત્રી નીચે સમતલ કરવી ન જોઈએ.’ આમ કહીને એમણે મારી પુત્રીને શિક્ષણ આપવાની જવાબદારીનો અસ્વીકાર કરી દીધો.’

ઔપચારિક શિક્ષણ સાથે ભારતનાં સામાન્ય ઘરોનાં ધાર્મિક તેમજ પરંપરાગત સાંસ્કૃતિક શિક્ષણનાં મૂલ્યોનું બીજારોપણ તથા તેની વિકાસશીલ ઉન્નતિ પર નિવેદિતા ભાર દેતાં. વિશેષ ઉત્સવો વખતે બાળકોને વ્રત નિયમ રાખવાની પ્રથાને એમણે પસંદ કરી હતી અને તે વિશે એમણે લખ્યું હતું: 

‘ઉપાસના સામાજિક સંબંધો કે આચારોમાં પ્રથમ પાઠના રૂપે હિંદુસમાજ દ્વારા સુરક્ષિત અને પેઢી દર પેઢી બાળકોને આપવામાં આવેલ વ્રતોથી વધારે ઉત્તમ શિક્ષણ બીજું હોઈ શકતું નથી. ગૌ-સેવા, બીજારોપણ કે ભૂગોળ તેમજ અંતરિક્ષનાં તત્ત્વ પર આધારિત વ્રતો દ્વારા આવું શિક્ષણ મળે છે. એને આપણે લૌકિક જાણકારીની શ્રેણીમાં રાખીએ છીએ.’

ભગિની નિવેદિતાના મતાનુસાર વિદ્યાર્થીઓની કલાક્ષમતાનો વિકાસ એ શિક્ષણનું એક અનિવાર્ય અંગ છે. ભારતની પ્રાચીનકલાનું પુનરુત્થાન પણ એટલું જ આવશ્યક છે. એમના પ્રભાવથી અવનીન્દ્રનાથ ટાગોરે વિદેશી કળાની નકલ કરવાનો માર્ગ ત્યજી દીધો અને ચેન્નઈ, મુંબઈ તેમજ કોલકાતાનાં કલા વિદ્યાલયોએ પોતાની નીતિમાં પરિવર્તન કર્યું. એમણે જ નંદલાલ બોઝ અને અસીત હલદરને અજંતાની ચિત્રકલા કૃતિઓની નકલ કરવા મોકલ્યા હતા. છોકરાઓ માટે પણ એમણે ટેકનીકલ પ્રશિક્ષણની આવશ્યકતા પર ભાર દીધો. એનું કારણ એ હતું કે ‘હાથ વિના મસ્તિષ્ક (બુદ્ધિ), કર્મ વિના શબ્દો, કાર્યના આરંભ કે ચાલુ રાખવાની શક્તિ વિના વિચારનો વિકાસ પ્રગતિ વિરુદ્ધ પુરવાર થાય છે.’

એમના બધા વિચારોના મૂળમાં ‘શિક્ષણ દ્વારા વિદ્યાર્થી પોતાના દેશને ચાહે અને એમની સેવા કરે’ એ આદર્શ હતો. ૧૮૯૮ના આરંભમાં એકવાર જ્યારે સ્વામી વિવેકાનંદના ધ્વજ તળે શ્રીમતી બુલ, કુમારી મેક્લાઉડ અને નિવેદિતા એક સાથે મળ્યાં ત્યારે કુમારી મેક્લાઉડે સ્વામીજીને પૂછ્યું: ‘અમે આપના દેશની કઈ સર્વોત્તમ સેવા કરીએ?’ ત્યારે એમણે કહ્યું: ‘ભારતને ચાહો.’ આ શબ્દો દ્વારા ભારતીય લોકો પોતાનું હિત કેવી રીતે કરે એ વાત, સ્વામીજીએ સ્પષ્ટ કરી દીધી. શિક્ષણ પરના પોતાના લેખોમાં ભગિની નિવેદિતાએ સ્વામીજીના ભાવો જ દોહરાવ્યા છે :

‘પોતાનાં બાળકોમાં આપણે દેશ અને રાષ્ટ્રના ભાવપ્રેમ ભરી દઈએ. એમનું પ્રેમકેન્દ્ર પરિવારની પરિધિથી બહાર હોવું જોઈએ. દેશ માટે આપણે એમની પાસેથી ત્યાગ બલિદાનની અપેક્ષા રાખીએ. ભારત માટે ભક્તિ, ભારત માટે ભણવું-ગણવું. આદર્શ માટે આદર્શ, ભારત માટે ભારત. આ જ એમનો પ્રાણવાયુ બને. ઘરમાં તથા વિદ્યાલયમાં આપણે એમને ભારત વિશે શીખવીએ… જ્વલંત અસીમ પ્રેમ, જે પ્રેમ કેવળ પરહિતમાં હોય અને સ્વાર્થપરતામાં ન હોય એ પ્રેમ, આ જ ભાવ આપણે એમનામાં વિકસાવીએ.’

આધુનિક શિક્ષણ-પ્રણાલીની ઉત્તમતાને ભારતીય પરંપરાના આદર્શો સાથે જોડીને નિવેદિતાએ પોતે આ દેશમાં બાળકોને અ, આ, ઇ, ઈ, શીખવ્યાં. પરંતુ ક્રમશ: લોકોમાં પણ રાષ્ટ્રિયતાની અ, આ, ઇ, ઈ, શીખવવાં લાગ્યાં.

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.