(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી સારદા મઠના વરિષ્ઠ સંન્યાસિની પ્રવ્રાજિકા આત્મપ્રાણાના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અત્રે પ્રસ્તુત છે. – સં)

શ્રી સીતા વિશે સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘એમણે અવિચલિતભાવે મહા દુ:ખભર્યું જીવન વીતાવ્યું છે. તેઓ નિત્ય સાધ્વી અને સદૈવ શુદ્ધ સ્વભાવવાળાં આદર્શ પત્ની હતાં. મનુષ્ય લોક અને દેવલોકને માટે પણ આદર્શ રૂપ પુણ્યચરિત્ર સીતા સદાને માટે આપણી રાષ્ટ્રદેવી બની રહેશે… આપણા હાડમાંસમાં સીતાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. પ્રત્યેક હિંદુ નરનારીના રક્તમાં સીતા વિરાજમાન છે. આપણે બધાં સીતાનાં સંતાન છીએ.’

ભારતીય નારીએ ચિરકાળથી જે આદર્શ પર ચાલવાનો પ્રયાસ કર્યો છે એ પ્રત્યે સ્વામી વિવેકાનંદે અનેકવાર ઘણી ઓજસ્વી ભાષામાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે. સાચું કહીએ તો સંન્યાસ જીવનની જેમ જ નારીનું જીવન પણ બાહ્ય અભિવ્યક્તિની વસ્તુ નથી. એનું મૂળ લક્ષ્ય છે – આંતરિક જીવનને સમૃદ્ધ બનાવવું. સાથે ને સાથે ભારતીય નારીએ ત્યાગ, પવિત્રતા, ધૈર્ય, દયા, સંતોષ તથા સેવા વગેરે સદ્ગુણોને ઉન્નત કરીને રાષ્ટ્રની સાંસ્કૃતિક ઉદાત્તતા અને આધ્યાત્મિકતાના ઉચ્ચ સ્તરને અખંડ બનાવી રાખ્યું છે.

પરંતુ વર્તમાન યુગમાં ભારતીય નારી એક ત્રિભેટે ઊભી છે. એની સામે આજે બે વિપરીત આદર્શ આવીને ઊભા છે. એક છે – પરંપરાગત આદર્શ અને બીજો છે – આધુનિક નાગરિક આદર્શ. પ્રત્યેક સમાજના વિકાસની પૃષ્ઠ ભૂમિમાં રહેલ આદર્શમાં જ એનું સક્રિય તત્ત્વ રહેલું છે. પ્રત્યેક ઉદ્યમ એ આદર્શને જ સબળ બનાવે છે. જો ભારતીય નારીને બીજા બધા દેશની નારીઓની સાથે આગળ વધવાનું હોય, એક અભિનવ સમાજઘડતર વિશે વિચારવું હોય તો એમાં કયા કયા આદર્શો અપનાવવા જોઈએ એનો નિર્ણય લેવો પડે.

સ્વામી વિવેકાનંદની વિવિધ ઉક્તિઓ આ બંને પ્રકારના આદર્શો પર થોડો પ્રકાશ ફેંકે છે. ભારતવર્ષમાં પ્રાચીન કાળથી પરિવાર વગેરેનું પ્રાબલ્ય રહ્યું છે. પરિવાર આમ તો સમાજનું લઘુત્તમ એકમ છે, પરંતુ ભારતીય જીવનપ્રણાલીમાં એની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની રહી છે. એનું કારણ એ છે કે વ્યક્તિના જીવનનું ઘડતર કરનારી બધી માર્ગદર્શક અને નિયામક પ્રેરણાઓ પરિવારમાંથી જ આવતી દેખાય છે. જાતિની શુદ્ધતા, વિવાહ બંધનની પવિત્રતા, માતૃત્વ વગેરે બધા વિચારોનું લક્ષ્ય છે પરિવારના સંઘટનને સુરક્ષિત રાખવું. આ આદર્શોને અમલમાં મૂકવામાં જે જે મહત્ત્વની ભૂલો થઈ હતી તેના તરફ પણ સ્વામીજીએ ક્યારેક ક્યારેક આપણું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ એમણે એ આદર્શોને સંપૂર્ણતયા ઉડાડી દીધા નથી. દા.ત. જાતિના પતન અને નરનારીની શારીરિક દુર્બળતા માટે એમણે બાળલગ્નને દોષી ગણ્યા છે. આમ છતાં પણ એમણે એ કુપ્રથાને એમ કહીને માન્ય કરી કે એણે આપણી જાતિમાં પવિત્રતાનો એક ઉચ્ચસ્તર જાળવી રાખ્યો છે. એમણે આપણા વિવાહવ્રત અને માતૃત્વના આદર્શની ઘણી પ્રશંસા કરી છે. અન્ય જાતિઓ અને રાષ્ટ્રોને આ ક્ષેત્રમાં તેઓ ભારતનું અનુસરણ કરે તેવો અનુરોધ પણ કર્યો છે : ‘મારા વિચારો પ્રમાણે પૂર્ણ બ્રહ્મચર્યના આદર્શને પ્રાપ્ત કરવા કોઈ પણ જાતિએ માતૃત્વના પ્રત્યે પરમ આદરની ધારણા દૃઢ કરવી જોઈએ; તે વિવાહને અછેદ્ય અને પવિત્ર ધર્મસંસ્કાર માનવાથી જ બની શકે.’

સ્વામીજીએ અમેરિકાની માતાઓને ઉદ્દેશીને કહ્યું છે: ‘માતાના રૂપે અમેરિકન નારીઓ ક્યાં છે? એ તપસ્વિની તેમજ ઓજસ્વિની માતા કે જેમણે આપણને જન્મ આપ્યો છે, એમનું તમે સન્માન કર્યું છે ખરું? જેણે આપણને પોતાના ગર્ભમાં એટલે કે દેહમાં નવ માસ સુધી વેંઢાર્યા એ માતા શું છે? જે આપણા જીવન માટે જો પ્રાણ અર્પણ કરવાની આવશ્યકતા ઊભી થાય તો પોતાના પ્રાણ ૨૦-૨૦ વાર આપવા તૈયાર રહે છે એ માતા ક્યાં છે? હું સંતાન રૂપે ગમે તેટલો દુષ્ટ અને અધમ ભલેને હોઉં પણ જેનો પ્રેમ ક્યારેય મરતો નથી, એ માતા ક્યાં છે?.. હે અમેરિકન નારીઓ! એ માતા ક્યાં છે?.. મારાં માતપિતાએ કેટલાય દિવસો સુધી ભગવાનની પ્રાર્થના કરી હતી અને એવું વ્રત રાખ્યું હતું કે એમને એક સંતાન પ્રાપ્ત થાય… પ્રત્યેક બાળક માટે માતપિતાએ પ્રાર્થના કરવી જોઈએ… હે અમેરિકાની માતાઓ! આ બાબત પર જરા વિચાર કરજો. હૃદયના અંત:સ્થળમાં થોડું વિચારજો, શું આપ ખરેખર નારી બનવા ઇચ્છો છો? આ વિશે કોઈ જાતિ કે કોઈ દેશનો પ્રશ્ન આડે આવતો નથી, એમાં કોઈ પ્રકારના રાષ્ટ્રિય ગૌરવ કે મિથ્યા ગૌરવને પણ સ્થાન નથી… આજ રાતે હું આપ બધાંને એક મહત્ત્વનો પ્રશ્ન પૂછવા ઇચ્છું છું. શું આપ બધાં પોતાનાં સંતાનની પ્રાપ્તિ માટે ઈશ્વરને હૃદયથી પ્રાર્થના કરો છો? શું તમે માતા બનવા માટે કૃતજ્ઞ છો? શું તમે આટલું સમજો છો કે માતૃત્વ પ્રાપ્ત કરીને તમે પોતે પવિત્રતાપૂર્ણ ગૌરવને પણ મેળવો છો? તમે તમારા હૃદયને ઢંઢોળજો અને પૂછજો. જો એમ ન થતું હોય તો તમારાં લગ્ન મિથ્યા છે, તમારું નારીપણું પણ મિથ્યા છે, તમારી કેળવણી પણ એક દંભ છે અને જો પ્રાર્થના વિના તમારા બાળક જન્મ લે છે તો એ બધા સંસાર માટે અભિશાપ રૂપ બની જશે.’

જન સેવામાં વૃદ્ધિ કરનાર નાગરિક આદર્શોના મહિમા ગાનમાં પણ સ્વામીજી પાછળ નથી રહ્યા. નાગરિક આદર્શમાં સામુદાયિક એકતા માટે પારિવારિક સ્વાર્થને નજરઅંદાજ કરવાનો હોય છે. સમુદાયમાં પુરુષ અને નારી બંનેને વ્યષ્ટિનો દરજ્જો મળે છે. તેઓ નાગરિક જીવનના આદર્શને આચરણમાં મુકવા જાગ્રત રહીને પ્રયત્ન કરે છે. બધી જાતના સામાજિક સામંજસ્ય આ સામુદાયિક વિકાસ તરફ કેન્દ્રિત હોય છે. પારિવારિક જીવનની જગ્યાએ સામુદાયિક કલ્યાણની સ્થાપના થઈ જાય છે. એને પરિણામે કયારેક કયારેક પરિવારનું વિઘટન થાય છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આર્થિક એવમ્ સામાજિક અવસ્થાનું રક્ષણ કરવા તત્પર બની જાય છે. જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં હતા ત્યારે ત્યાંનાં શિક્ષિત, સાહસિક અને દયાળુ નારીઓને ‘પક્ષીની જેમ સ્વાધીન’ જોઈને આશ્ચર્યમાં પડી જતા. એ લોકોએ અત્યંત આત્મસન્માન સાથે પોતાના સમુદાયના નાગરિક જીવનને કાયમ જાળવી રાખ્યું છે. વિસ્મય અને પ્રશંસા સાથે એમણે અમેરિકાથી એક મિત્રને આમ લખ્યું હતું :

‘મેં જેવી શિષ્ટ અને શિક્ષિત નારીઓ અહીં જોઈ છે એવી નારીઓ મેં ક્યારેય ક્યાંય જોઈ નથી. આપણા દેશમાં શિક્ષિત પુરુષો છે, પરંતુ અમેરિકા જેવી મહિલાઓ બીજે ક્યાંય મહા મુશ્કેલીએ જોવા મળે.. મેં અહીં હજારો નારીઓ જોઈ. એમનાં હૃદય હિમાલય સમાં પવિત્ર અને નિર્મળ છે. અરે! તેઓ કેવી સ્વતંત્ર હોય છે! સામાજિક અને નાગરિક કાર્યોમાં પણ નિયંત્રણ કરતી રહે છે. શાળાઓ, મહાવિદ્યાલયો મહિલાઓથી ભર્યાં છે અને આપણા દેશમાં તો સ્ત્રીઓ માટે રસ્તે ચાલવું પણ આપત્તિવિહોણું નથી!’ 

ત્યાર પછી તેઓ લખે છે : ‘અહીંના લોકો સ્ત્રીઓને આ રૂપે (શક્તિ રૂપે) જુએ છે.. અને એટલે જ તેઓ આટલા સુખી, વિદ્વાન, સ્વતંત્ર અને ઉદ્યોગી છે. અને આપણા લોકો સ્ત્રીજાતિને નીચ, અધમ, અને અત્યંત તિરસ્કૃત તેમજ અપવિત્ર ગણે છે. પરિણામ એ આવ્યું – આપણે લોકો પશુ, દાસ, ઉદ્યમહીન અને દરિદ્ર બની ગયા.’

આ રીતે આપણે જોઈએ છીએ કે સ્વામીજીએ એક એક કરીને બંને આદર્શોની પ્રશંસા કરી છે. પરંતુ બંને પ્રત્યે એમની સમાલોચના પણ એટલી જ કઠોર છે. ભારતીય નારીઓની હાલત વિશે એકવાર એમણે કહ્યું હતું: ‘અત્યાર સુધી તો તેઓ (નારીઓ) કેવળ અસહાય અવસ્થામાં બીજા પર આશ્રિત રહીને જીવન પસાર કરવાનું, નાની પણ અનિષ્ટ કે સંકટની આશંકા થતાં આંસુ વહાવવાનું શીખી છે.’ વળી એક બીજી બાજુએ ન્યૂયોર્કમાં અમેરિકાની નારીઓને સુસ્પષ્ટ અને કઠોરતાપૂર્વક કહ્યું હતું: ‘હું ખૂબ ઇચ્છું છું કે અમારી નારીઓમાં તમારી બૌદ્ધિકતા હોય, પરંતુ જો એ બધું ચારિત્ર્યની પવિત્રતાનું મૂલ્ય ચૂકવીને જ આવી શકતું હોય તો હું એને ઇચ્છતો નથી. તમને જે કંઈ આવડે છે એ માટે હું તમારી પ્રશંસા કરું છું, પરંતુ જે ખરાબી છે એને ગુલાબોથી ઢાંકીને તેને સારું કહેવાનો પ્રયત્ન જે તમે કરો છો એના પ્રત્યે મને નફરત છે. બૌદ્ધિકતા જ પરમ શ્રેય નથી. નૈતિકતા અને આધ્યાત્મિકતા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અમારી નારીઓ આટલી વિદ્વાન નથી પણ તે વધુ પવિત્ર છે.’

આ રીતે પોતાના દેશથી સાવ ભિન્ન આદર્શ પર ચાલનારી નારીઓના એક વર્ગના સંપર્કમાં આવ્યા પછી એ બંને આદર્શો તથા બંને સમાજોમાં નારીઓનો દશાભેદ તેમના મનશ્ચક્ષુ સમક્ષ પ્રગટવા લાગ્યો. પછીના સમયમાં જ્યારે એમના મનમાં પોતાના દેશની નારીઓના ઉત્થાન માટે કાર્ય કરવાની તીવ્ર આકાંક્ષા જાગી ત્યારે સ્વાભાવિક રૂપે એમના મનમાં એવો પ્રશ્ન ઊભો થયો કે ભારતીય નારીઓ કેટલી હદ સુધી પોતાના આદર્શો સાથે મનમનામણા કરીને બીજા દેશના આદર્શોને અપનાવી શકે? આ વિષય પર સ્વામીજીએ જગતને જે ગહન અને સર્વાંગી વિચાર આપ્યા હતા, એને આજે ઘણાં વર્ષો થયાં છે; આમ છતાં પણ એ વિચારો આજે પણ યથાવત્ પ્રેરણાદાયી છે.

શિક્ષણને આધ્યાત્મિકતા સાથે જોડવું

સ્વામી વિવેકાનંદ ક્યારેય આપણા પ્રાચીન આદર્શોને તિલાંજલિ આપીને નવીન આદર્શો અપનાવવાના પક્ષકારી ન હતા. એનાથી ઊલટું એમણે દૃઢતાપૂર્વક કહ્યું કે આપણા રાષ્ટ્રિય આદર્શ જે દૃઢ સિદ્ધાંતોના પાયા પર ઊભાં છે અને પ્રથા, પરંપરા તેમજ વિધિવિધાનો દ્વારા સદીઓથી સ્વીકૃત બન્યા છે, એમનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ. એમણે કહ્યું: ‘એ વાત સાચી છે કે આપણે લોકો આ સમયે એ ભાવોને પૂર્ણ રૂપે કાર્યમાં પરિણત કરી ન શકીએ; એ પણ પૂરેપૂરું સાચું છે કે આપણે સૌએ આ બધા મહાન ભાવોમાંથી કેટલાકને હાસ્યાસ્પદ પણ બનાવી દીધા છે… આમ છતાં પણ વ્યાવહારિક રૂપે દોષો આવી જવાથી તે મૂળ તત્ત્વ અત્યંત મહત્ત્વનું છે અને જો એને કાર્યમાં પરિણત કરવાનું દોષયુક્ત છે, એને માટે કોઈ ખાસ તરકીબ સફળ ન થઈ હોય તો પણ એ મૂળ તત્ત્વને સાથે રાખીને એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી તે બહુ સારી રીતે કામમાં આવી શકે. મૂળ તત્ત્વને નાશ કરવાનો પ્રયાસ શા માટે?.. તે સનાતન છે, તે સદા રહેશે જ. એવો ફરીથી પ્રયત્ન કરો કે જેનાથી તે તત્ત્વ સારા એવા ભાવ સાથે કામમાં લાવી શકાય.’

એમનો એવો મત હતો કે આવો સંશોધિત ઉપયોગ બંને આદર્શોની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સમન્વય અને સંમિલન ઉત્પન્ન કરશે. એમના આ વિચારને વધુ સ્પષ્ટ કરતાં એમનાં શિષ્યા ભગિની નિવેદિતા લખે છે : ‘તેઓ ભવિષ્યની ભારતીય નારીને ધ્યાનની એ પ્રાચીન શક્તિથી અલગ કરવાની કલ્પના સુદ્ધાં પણ ન કરી શકતા. નારીઓ આધુનિક વિજ્ઞાન અવશ્ય શીખે પણ પ્રાચીન આધ્યાત્મિકતાના ભોગે નહિ. એમણે સ્પષ્ટ રૂપે એ સમજી-જાણી લીધું હતું કે જે સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાના પ્રત્યક્ષ પરિવર્તનને ઓછામાં ઓછું પ્રભાવિત કરે તે જ કેળવણી આદર્શ કેળવણી બનશે. એને પરિણામે પ્રત્યેક નારી પ્રાચીન ભારતની સમગ્ર નારીઓની મહાનતાને પોતાના રૂપે પૂર્ણપણે જાણી લેવામાં સમર્થ બનશે.’

સ્વામી વિવેકાનંદ જ્યારે પણ ભારતીય નારી તથા એની સમસ્યાઓ વિશે કહેતા ત્યારે તેઓ એક ત્રીજા આદર્શ વિશે પણ સચેત રહેતા અને એ આદર્શ હતો આધ્યાત્મિકતાનો આદર્શ. ભારતીય જીવન, ચિંતન અને સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા એટલી બધી ઓતપ્રોત બની ગઈ છે કે આધ્યાત્મિક આદર્શને એક અલગ આદર્શ રૂપે માન્ય ન કરી શકાય. એટલે જ આપણા પોતાના રાષ્ટ્રના સામાજિક, ધાર્મિક ઇતિહાસમાં સંન્યાસી તેમજ ગૃહસ્થ બંને પ્રકારની અનેક વિભૂતિઓનો ઉલ્લેખ જોવા મળે છે.

રાષ્ટ્રની આધ્યાત્મિકતાના આ ઉચ્ચસ્તરને જાળવી રાખવામાં નારીઓનું પ્રદાન પુરુષોના જેટલું જ રહ્યું છે. અતિપ્રાચીન વૈદિક કાળથી માંડીને વર્તમાન કાળ સુધી નારીઓએ પોતાની રીતે આ આદર્શને જીવંત રાખ્યો છે. મૈત્રેયીથી લઈને શ્રીમા સારદાદેવી સુધી આ સાંસ્કૃતિક વિરાસત પેઢી દર પેઢી હસ્તાંતરિત થતી આવી છે. ઋષિ યાજ્ઞવલ્ક્યે સંસાર ત્યજીને વનમાં જતાં પહેલાં પોતાનાં પત્ની મૈત્રેયીના જીવન નિર્વાહ માટે પોતાની સંપત્તિનો એક અંશ એમને દેવાની ઇચ્છા વ્યક્ત કરી. એ વખતે મૈત્રેયીએ પૂછ્યું: ‘જે સંપત્તિ મને અમરત્વ ન આપી શકે એ સંપત્તિને લઈને હું શું કરું?’ આ સાંભળીને યાજ્ઞવલ્ક્ય ખૂબ પ્રસન્ન થયા અને એમણે મૈત્રેયીને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. શ્રીરામકૃષ્ણે જ્યારે શ્રીમા સારદાદેવીને પૂછ્યું કે તમે શું પત્નીને રૂપે પોતાનો અધિકાર સ્થાપિત કરવા આવ્યાં છો? ત્યારે એમણે આવો ઉત્તર આપ્યો હતો : ‘ના, હું તો તમને સંસારમાં ખેંચવા માટે નહિ, તમારા ધર્મ પથમાં સહાયતા કરવા આવી છું.’ એ સમયથી તેઓ શ્રીરામકૃષ્ણના મુખ્ય શિષ્યા રૂપે સ્વીકૃત બન્યાં.

માનવનું વાસ્તવિક સ્વરૂપ દિવ્ય છે અને સંપૂર્ણ જગત બ્રહ્મની જ અભિવ્યક્તિ છે, વેદાંતની આ અનુભૂતિ જ ઉપર્યુક્ત આદર્શવાદની પૃષ્ઠભૂમિ છે. સ્વામી વિવેકાનંદ નિર્ભિક વેદાંતી હતા અને એમણે નારીઓની સ્વાધીનતા તેમજ એમના અધિકારનું ખુલ્લં ખુલ્લા સમર્થન કર્યું હતું, જેને લીધે વેદાંતનું આ તત્ત્વ પૂર્ણ રૂપે વ્યવહારમાં લાવી શકાય.

એમનું મન આ વિચારોથી એટલું ભર્યુંપૂર્યું રહેતું કે પોતાના સમયની નારી સમસ્યાઓ પર ચર્ચા કરતી વખતે તેઓ અચાનક ભાવાવિષ્ટ બનીને કહેવા લાગતા: ‘પરમતત્ત્વ બ્રહ્મમાં લિંગભેદ નથી. આપણે ‘હું અને તું’ની ભૂમિમાં લિંગભેદ જોઈએ છીએ.’ એમણે એમ પણ કહ્યું હતું : ‘આ દેશમાં પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે આટલું અંતર કેમ રખાય છે, એ સમજવું ઘણું કઠિન છે. વેદાંત શાસ્ત્રમાં તો કહ્યું છે – એક જ ચિત્તસત્તા સર્વ ભૂતોમાં વિદ્યમાન છે.’

આ જ કારણે એમણે નારીઓને ઉચ્ચતર આધ્યાત્મિક પ્રશિક્ષણના વિરોધમાં ઊઠેલ અવાજને કાને ધરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો : ‘કયા શાસ્ત્રમાં આવી વાત છે કે સ્ત્રીઓ જ્ઞાનભક્તિની અધિકારિણી ન બની શકે?.. આ બધા આદર્શ વિદૂષી સ્ત્રીઓ (જેમ કે મૈત્રેયી, ગાર્ગી)ને જ્યારે એ સમયે અધ્યાત્મ જ્ઞાનપ્રાપ્ત કરવાનો અધિકાર હતો, તો પછી આજે પણ સ્ત્રીઓને એ અધિકાર કેમ ન મળે? એક વખત જે થયું છે તે ફરીથી અવશ્ય થઈ શકે છે. ઇતિહાસની પુનરાવૃત્તિ થયા જ કરે છે.’

એટલે જ તેઓ એમ ઇચ્છતા હતા કે આપણા દેશની નારીઓ શ્રીસારદાદેવીની પ્રત્યક્ષ પ્રેરણા અને દેખરેખ હેઠળ ત્યાગ તેમજ સેવાના રાષ્ટ્રિય આદર્શો અનુસાર પોતાનું જીવન-ઘડતર કરે. આધુનિક ભારતની નારીઓ જે પ્રગતિને નામે વસ્તુત: પોતાના પરિવર્તન પર ચાલી નીકળી છે, એમણે એટલું જોવું જોઈએ કે પ્રાચીન આદર્શોના આધાર પર જ એમની ઉન્નતિ તેમજ પ્રગતિ કરે સાથે ને સાથે નાગરિક કાર્યોના ક્ષેત્રમાં પણ પોતાનો પ્રભાવ વિસ્તારતી રહે. એને પરિણામે એમનું પારિવારિક જીવન સુખી બનશે, નાગરિક જીવનમાં સહાયક બનશે અને એમનું આધ્યાત્મિક જીવન પણ સમૃદ્ધ બનશે. આ સાથે સ્વામીજીનો આ આદેશ પણ આપણે યાદ રાખવો પડે : 

‘આ દેશની સ્ત્રીઓને જ શા માટે, હું એમને પણ કહીશ કે જે પોતાને પુરુષો કહે છે. ભારતમાં શ્રદ્ધા રાખો અને ભારતીય ધર્મમાં શ્રદ્ધા રાખો. બળવાન બનો, આશાવાન બનો, સંકોચ અને સંકુચિતતા છોડો અને આટલું યાદ રાખો કે જો આપણે બહારથી કોઈ વસ્તુ લઈએ તો સંસારની કોઈ અન્ય જાતિની તુલનામાં હિંદુઓ પાસે એના બદલામાં આપવાનું અનેકગણું વધારે છે.’

Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.