ગતાંકથી આગળ…

આટલું સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ કે સ્વામીજી ‘દિવ્ય’ શબ્દનો ઉપયોગ સાક્ષાત્ પ્રભુ, નારાયણ, અલ્લા કે જેહોવા માટે વાપરતા નથી. એમની દૃષ્ટિએ તો એનો અર્થ થાય છે સમગ્ર બ્રહ્માંડની આધારભૂમિ અને આધાર એવો બ્રહ્મ. સેન્ટ ટીલીચની દૃષ્ટિએ ‘ગોડ બિયોન્ડ ગોડ’. આવા વ્યક્તિગત પ્રભુ, દેવો અને દેવીઓ, અવતારો -આ બધા તો ‘નિરપેક્ષ અને અબાધિત’માંથી પોતપોતાની સાર્થકતા અને વાસ્તવિકતા મેળવે છે.

માનવમાં રહેલી દિવ્યતાનું દર્શન એ ઉપનિષદકાળના આત્મા અને બ્રહ્મના પૂર્ણ સંબંધના દર્શનનું પુનર્વિધાન છે. વેદાંતની બધી શાખાઓ આ દૃષ્ટિબિંદુને સ્વીકારે છે. પણ સ્વામીજીના હાથે સામાજિક પરિવર્તનનું આ એક પ્રબળ યંત્ર કે સાધન બની ગયું છે. તેમની દૃષ્ટિએ આ દર્શન જીવનની એક નવી વ્યાખ્યા પૂરી પાડે છે- ‘માનવમાં પહેલેથી જ રહેલ દિવ્યતાનું પ્રગટીકરણ એટલે ધર્મ.’ રાષ્ટ્ર માટે ‘ત્યાગ અને સેવા’ જેવો નવો આદર્શ અને અંતે કર્મનું નવું દર્શન. આજે દુનિયાના માનવામાં રહેલ સ્વાર્થ અને પરમાર્થ વચ્ચેના સંઘર્ષનું સમાધાન શોધી શકે તેવી કર્મની ફિલસૂફીની જરૂર છે. કાર્લ માર્ક્સનો કર્મનો સ્વાનુભૂતિનો આદર્શ વિશ્વના કેટલાય દેશોમાં ઘણી ખ્યાતિ પામ્યો હતો. પરંતુ તેની અમંગલ અને અનિષ્ટસૂચક ભૂમિકા વિશ્વના મોટા ભાગના લોકો માટે અને એમાંય ભારતીયો માટે વિશેષરૂપે અયોગ્ય ઠરે છે. માનવની ભીતર રહેલી દિવ્યતાની સ્વામીજીની ફિલસૂફી માનવ અને દિવ્યતત્ત્વ, ભૌતિક અને આધિભૌતિક વચ્ચે એક સેતુ રચી દે છે અને નાનામાં નાના કાર્યને પણ જીવનના સર્વોત્કૃષ્ટ ધ્યેય સાથે મેળવી-ભેળવી દે છે. ભગિની નિવેદિતાએ આ વાતને સરસ મજાના શબ્દોમાં વર્ણવી છે :

‘હવેથી ભૌતિક અને આધિભૌતિક વચ્ચે કોઈ ભેદ નથી. પરિશ્રમ કરવો એ પણ પ્રાર્થના છે, વિજય મેળવવો એ પણ ત્યાગ માટે છે. જીવન પોતે જ ધર્મ છે. પ્રાપ્ત કરવું અને ગ્રહણ કરવું એ ત્યજવા જેવું અને દૂર કરી દેવા જેવું ચુસ્ત શ્રદ્ધામય છે. સ્વામી વિવેકાનંદની આ અનુભૂતિ એમને કર્મના મહાન ઉપદેશકરૂપે આગળ ધરે છે. જ્ઞાન અને ભક્તિની જેમ એમાં અલગતાનો ભાવ નથી. એમની દૃષ્ટિએ વર્કશોપ, અભ્યાસ, ખેતીનું કામ પણ સંન્યાસીની સાધનગુફા અને પ્રભુના મંદિરનાં બારણાંનાં જેવાં જ ઈશ્વરમિલનનાં સ્થાનો છે.’

બીજું મહત્ત્વનું વેદાંતનું દર્શન એટલે સાક્ષાત્કારની કે પ્રત્યક્ષ અનુભૂતિનો સિદ્ધાંત. આ હિંદુઓ માટે પ્રાચીન અને જાણીતી સંકલ્પના છે. પરંતુ સેમેટિક સંસ્કૃતિ કે સભ્યતા માટે આ દર્શન થોડું વિચિત્ર છે. યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મમાં ધર્મનાં ચકાસણી અને માપદંડ એટલે જે તે ધર્મના સ્થાપક પયગંબરની વિલક્ષણ શક્તિમાં શ્રદ્ધા અને એમની નૈતિક, ધાર્મિક આજ્ઞાઓનું પાલન. એ વાત સાચી છે કે ઉપર્યુક્ત ધર્મના એક નાના એવા પ્રેમભક્તિ ભાવના સંતો કે જેમને સૂફી કે રહસ્યવાદી કહેવામાં આવે છે, તેમણે સદીઓ સુધી ઈશ્વરની અનુભૂતિ માટે મથામણ કરી છે. આમ છતાં પણ રૂઢિવાદી ઈશ્વરવિષયક જ્ઞાન ઈશ્વરની પ્રત્યક્ષ અનુભૂતિ અને મુક્તિની પૂર્વ શરત છે, એ વાતને ક્યારેય અસ્વીકારી નથી. એને પરિણામે ઈશ્વર, આત્મા, દેવદૂત, પુનરુત્થાન, સ્વર્ગ-નર્ક, મુક્તિ જેવી બાબતોને આ જીવનમાં કોઈપણ જાતની ચકાસણી કર્યા વિના અનુમાનિત કે નિર્વિવાદ બનાવી દે છે.

એનાથી ઊલટું, વેદાંતમાં ઈશ્વરને એક અસ્તિત્વવાળા અને ચકાસણી કરી શકાય તેવા માનવામાં આવે છે અને તે નિર્વિવાદપણે પોતાના અસ્તિત્વની હકીકતથી શરૂ થાય છે અને દરેકે દરેક માનવને આત્માની પાછળ પડીને ચેતનાના જગતમાં સાહસ કરવા પ્રેરે છે. આવી ‘સ્વ’ની કે આત્માની શોધના પોતાના સ્વરૂપના ઉચ્ચતર કક્ષાની શોધ તરફ દોરી જાય છે અને અંતે સમગ્ર બ્રહ્માંડના અંતિમ સત્ય ઈશ્વર સાથે આત્માની અનુભૂતિ તરફ દોરી જાય છે. વેદાંતના આ દર્શનને સમજાવવા સ્વામીજી કહે છે, ‘બધા ધર્મોમાં જો કોઈ એક સાર્વભૌમ સત્ય હોય તો હું એને આમ મૂકું-ઈશ્વરનો સાક્ષાત્કાર. આદર્શાે અને સાધનો ભિન્ન ભિન્ન હોય, પણ ઈશ્વર દર્શન એ જ મધ્યવર્તી વિચાર છે. હજારો જુદી જુદી ત્રિજ્યાઓ હોય પણ તે બધી એક મધ્યબિંદુમાં મળે છે, અને તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે.’(સ્વા.ગ્રં. ૧. ૨૬૪)

ધર્મના સાચા કે ખરાપણાની આ સંકલ્પનાનું આજની દુનિયામાં ઘણું મહત્ત્વ છે. આનું સૌથી વધારે અગત્યનું પાસું છે, શ્રદ્ધાની પુન :પ્રાપ્તિ. સ્વામીજી કહે છે કે જો એક ધર્મ સાચો હોય તો બીજા બધા ધર્મો પણ સાચા જ હોવાના. વેદાંત વિશ્વના બીજા ધર્મોના સહાયક અને સાચા હોવાના સમર્થકરૂપે કાર્ય કરે છે. એટલે જ ચારે બાજુએથી ફસાયેલા અને હતાશ-નિરાશ લોકો અને તેમાંય વિશેષ કરીને પશ્ચિમના લોકો આજે વેદાંત તરફ વળી રહ્યા છે. વેદાંતમાંથી મળતાં શ્રદ્ધા, ખાતરી અને પ્રમાણભૂતતા તેમને પોતાના ધર્મને વધુ સારી રીતે સમજવા સમર્થ બનાવે છેે.

વેદાંતનો ત્રીજો સિદ્ધાંત છે સર્વધર્મ સમન્વય. પોતાના ધર્મોની અત્યંત રૂઢિચુસ્તતા કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ભિન્ન વેદાંત બધા ધર્મોની માન્યતાઓ, સંપ્રદાયો અને આદર્શાે વગેરેને એક નિરપેક્ષ અભિગમ આપે છે. વિદેશી આક્રમણો તેમજ પોતાના બધા વાડાને ભીતર સમાવી લેવાથી થતી આંતરિક ફાટફૂટ છતાં સદીઓથી વેદાંતના આ અભિગમે હિંદુધર્મને ટકાવી રાખ્યો છે. ઝડપથી સંકુચિત બનતા જતા વિશ્વના લોકો માટે તેમજ અણુશક્તિના સર્વવિનાશથી ભયભીત લોકો માટે વેદાંતની આજે તાતી જરૂર છે.

ધર્મ-ધર્મ વચ્ચેની સમભાવના કે વચ્ચેની સંવાદિતા સમગ્ર વિશ્વમાં વધારે ને વધારે પ્રમાણમાં એક મહત્ત્વની આવશ્યકતા તરીકે સ્વીકારાય છે. આ સર્વધર્મ સમન્વયને કેવી રીતે લાવવો એ એક પ્રશ્ન છે. અહીં ઉપયોગી બને છે શ્રીરામકૃષ્ણદેવના વિવિધ ધર્મપથોના પ્રત્યક્ષ અનુભવો અને સ્વામી વિવેકાનંદે આધુનિક જગતને આપેલી એની સાચી વ્યાખ્યા કે સમજણ. સ્વામી વિવેકાનંદનો આદર્શ એ છે કે દરેક ધર્મે પોતાના ધર્મના પ્રધાનતત્ત્વને ગુમાવ્યા વિના બીજા ધર્મોનાં શ્રેષ્ઠ અને ઉદાત્ત તત્ત્વોને સ્વીકારવાં. વિશ્વના ધર્મોએ ‘વિવિધતામાં એકતા’ કે ‘અનેકતામાં એકતા’ના સિદ્ધાંતને સ્વીકારવો જોઈએ. તેમજ ધર્મઝનૂની કે અસહિષ્ણુ બનતાં અટકવું જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આપણે એ શીખવું જોઈએ કે સત્યને સેંકડો રીતે અભિવ્યક્ત કરી શકાય અને આ દરેકે દરેક પથ કે રીત સાચાં છે.’ તેઓ આગળ કહે છે, ‘એટલે જ મારો આદર્શ કે વિચાર એ જ છે કે આ બધા ધર્મો માનવજાતનું કલ્યાણ કરતાં વ્યવસ્થાતંત્રનાં જુદાં જુદાં પરિબળો છે. અને એમાંથી એકેય મૃત :પ્રાય ન બની શકે કે ન તો એને હણી શકાય.’

આજનો આધુનિક માનવ એક બીજી મહત્ત્વની સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને તે છે વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો વિરોધ કે સંઘર્ષ. આ સમસ્યાનું નિરસન વેદાંતનો સત્યની સાપેક્ષતા તેમજ સર્વ સમન્વયનો સિદ્ધાંત કરી શકે. વેદાંત સત્યના ત્રણ માપદંડો સ્વીકારે છે- પૂર્ણ કે સંપૂર્ણ, સાર્વભૌમ-અનુભવજન્ય અને કૂટ. સ્વામી વિવેકાનંદનું નવ વેદાંત વિજ્ઞાનના સર્વ વર્ચસ્વને અનુભવજન્ય સત્યના સ્તરે સ્વીકારવા તૈયાર છે. તે ભૌતિક વિશ્વમાં વિજ્ઞાનનાં નિયમો અને સંશોધનોને પ્રમાણભૂતરૂપે સ્વીકારે છે. વેદાંતનું ધ્યેય ઈશ્વરની અનુભૂતિ હોવાથી તેનાં પોતાનાં વિશેષ ક્ષેત્રો અતિન્દ્રિય અને અતિચેતન કક્ષાએ છે અને એ અનુભૂતિની પ્રાપ્તિ માટે તેને પોતાની પહેલેથી સારી રીતે ચકાસેલી પદ્ધતિઓ પણ છે. એટલે જ નવ વેદાંત અને વિજ્ઞાન વચ્ચે વાસ્તવિક રીતે કોઈ સંઘર્ષ કે વિરોધાભાસ નથી. એટલું જ નહીં પણ વિજ્ઞાનના કેટલાક આધુનિક સિદ્ધાંતો જેવા કે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, શક્તિસંચયનનો સિદ્ધાંત હિંદુધર્મના મૂર્તકલ્પના અને બ્રહ્માંડની અન્તર્વલિતતાના સિદ્ધાંતનું વધુ સમર્થન કરે છે. અને પોતાની આંતર્વૈશ્વિક ઈશ્વરની સંકલ્પનાથી વિજ્ઞાનના એકાંતિક પ્રકૃતિવાદ કે વાસ્તવવાદ તેમજ સેમેટિક ધર્મોના એકાંતિક અલૌકિક પ્રકૃતિવાદના વિરોધનું સમાધાન કરે છે.

હવે આપણે એ સિદ્ધાંતોના વ્યવહારુ ઉપયોગ પર આવીએ છીએ. કાર્લ માર્ક્સે કહ્યું છે, ‘દાર્શનિકોએ માત્ર વિશ્વને સમજાવ્યું છે. હવે પ્રશ્ન એ આવે છે કે એને કેવી રીતે પરિવર્તિત કરવું.’ બીજા કોઈએ આ વિધાનના સત્યને જાણ્યું સમજ્યું હોય તેના કરતાં સ્વામી વિવેકાનંદે વધારે જાણ્યું અને સમજ્યું છે. તેઓ ન તો દર્શનશાસ્ત્રી હતા કે ન તો સમાજશાસ્ત્રી પણ તેમનામાં એ બંને માટેની વિલક્ષણ પ્રતિભા હતી. તેઓ સર્વપ્રથમ એક શ્રેષ્ઠ મિશન સાથેના એક પયગંબર હતા અને એક એવા ધર્મના ઉપદેશક હતા કે જેમણે પૂર્વ અને પશ્ચિમની દુ :ખદર્દમાં પીડાતી માનવપ્રજા માટે આશાનો નવો સંદેશો લાવવાનો દૃઢ નિર્ણય કર્યો હતો. પણ એમની મુખ્ય અભિરુચિ તો ધર્મની વિવિધ માન્યતાઓ, શ્રદ્ધાઓ અને દાર્શનિક સંકલ્પનાઓને કાર્યમાં પરિણત કરવામાં હતી. પરંતુ એમને ખ્યાલ આવ્યો કે માનવની સમસ્યાઓના ઉકેલ માટે વિચારસરણીના સ્તરે સર્વ પ્રથમ પ્રયત્ન કરવો પડે. આત્માની ભીતર રહેલી દિવ્યતાના સૈદ્ધાંતિક મતો, પ્રત્યક્ષ અંત :પ્રેરણાથી ઈશ્વરની અનુભૂતિ તેમજ માનવીઓના સહપુરુષાર્થ કે પ્રયત્નનાં બધાં ક્ષેત્રોમાંની સંવાદિતા વ્યવહારુ વેદાંતના નામે જાણીતા એમના વિશ્વકલ્યાણના ભાવઆંદોલનના આયોજનને રચે છે. અહીં આપણે નોંધવું જોઈએ કે સ્વામીજી બે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ અને ભાવથી ‘વ્યવહારુ વેદાંત’ એ શબ્દનો ઉપયોગ કરે છે.

સ્વામીજી જાણતા હતા કે અત્યારે ભારત જે આધુનિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તે પશ્ચિમના દેશો કરતાં જુદી છે. ભારતની ૮૦% થી પણ વધારે વસ્તી અત્યંત ગરીબ છે. આ કરોડો ભૂખ્યા ભારતીયોની તાત્કાલિક જરૂરિયાત અન્ન અને બીજી જીવનની અત્યંત આવશ્યક વસ્તુઓ છે. વળી આ સૌથી વધારે ગરીબ લોકો નિમ્ન જાતિના છે એ હકીકતથી ગરીબીની સમસ્યા અહીં વધારે ગંૂચવાઈ ગઈ છે. એટલે જ મુખ્યત્વે ભારતની સમસ્યાઓ સામાજિક, આર્થિક પાસાંની છે. સ્વામીજીની સમક્ષ મુખ્ય સમસ્યા આ હતી : આ નવા વ્યવહારુ વેદાંતને આ સમસ્યાઓના ઉકેલ માટે જીવનના આચરણમાં મૂકી શકાય? તેમને પૂરેપૂરી ખાતરી હતી કે વ્યવહારુ વેદાંતના જીવન અર્પતા સિદ્ધાંતોને જીવનમાં-આચરણમાં ઉતારવામાં આવે તો ભારતની વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રિય સમસ્યાઓનો ઉકેલ શ્રેષ્ઠ રીતે આવી શકે. આ છે ‘વ્યવહારુ વેદાંત’નું પહેલું પાસું. એટલે જ એને ‘દૈનંદિન જીવનમાં આચરિત વેદાંત’ એમ વધારે યોગ્યતા સાથે કહેવામાં આવ્યું છે. આ વ્યવહારુ વેદાંત સ્વામીજીએ સમગ્ર ભારતવર્ષમાં લોકો સમક્ષ ઉપદેશ્યું છે.

સ્વામીજીની દૃષ્ટિએ જો એક માછીમાર એમ માને કે તે પોતે એક આત્મા છે અને જો તે પોતાની ભીતર રહેલી દિવ્યતાને પ્રગટ કરવા પ્રયત્ન કરે તો તે સારો માછીમાર બની શકે. એવી જ રીતે એક વકીલ સારો વકીલ, એક વિદ્યાર્થી વધારે સારો વિદ્યાર્થી બની શકે. આમ વેદાંતનું આચરણ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં થઈ શકે. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આ વ્યવહારુ વેદાંતના ઉદાત્ત આદર્શાેને એક ખેડૂતના, માછીમારના, કારખાનામાં કામ કરતા કારીગરનાં બારણાં સુધી કેવી રીતે લાવવા. સ્વામીજી જાણતા હતા કે આ કાર્ય માત્ર કેળવણી દ્વારા જ થઈ શકે. દીર્ઘકાલીન અને વૈશ્વિક શિક્ષણ સાચા ધર્મના શિક્ષણનો પથ તૈયાર કરવા આવશ્યક છે. વાસ્તવિક રીતે આ બંને કેળવણી સાથે ને સાથે ચાલવી જોઈએ.

પશ્ચિમમાં ગરીબી કે નિરક્ષરતા એ સમસ્યા નથી. ત્યાંનો મુખ્ય પ્રશ્ન છે, જીવન અને અસ્તિત્વનો સાચો અર્થ પામવો અને સુખ કે આનંદના ઉચ્ચતર સ્તર માટે મનની ભૂખને સંતોષવી. વેદાંત આ ઉચ્ચતર કક્ષાના આનંદની ચેતનાની માત્ર વાત જ નથી કરતું, પરંતુ એ બંનેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે પણ શીખવે છે. આત્માનુભૂતિ કે ઈશ્વરાનુભૂતિ એ બંને કોઈ સૈદ્ધાંતિક વાતો નથી, આ દુનિયામાં જીવતાં જીવતાં પણ આપણે એને પ્રાપ્ત કરી શકીએ. વેદાંતના આ વ્યવહારુ પાસાને એટલે જ વધારે સ્પષ્ટ રીતે ‘વ્યવહારુ વેદાંત’ના નામે ઓળખાય છે. આ ઉપદેશ સ્વામીજીએ વધારે પ્રમાણમાં પશ્ચિમમાં આપ્યો હતો. આ વિષય વસ્તુ ‘પ્રેક્ટિકલ વેદાંત-વ્યવહારુ વેદાંત’ નામની પુસ્તિકામાં મળી રહે છે. એનો હેતુ અતિચેતન અવસ્થાના અનુભવની પ્રાપ્તિનો છે અને એના દ્વારા હિંદુને વધુ સારો હિંદુ, ખ્રિસ્તીને બહેતર ખ્રિસ્તી અને મુસલમાનને વધુ ભલો અને સારો મુસલમાન બનાવવાનો હેતુ છે. આ રીતે નવ વેદાંત એ બધા લોકો માટેનો સંદેશ છે અને એને વૈશ્વિક સ્તરે પોતાનું પ્રદાન કરવાનું છે. માનવ ઇતિહાસનો બીજો કોઈ ધર્મ કે દર્શન આધુનિક યુગમાં આત્મા અને ઈશ્વર વિશેના સંબંધને જીવનમાં આચરણમાં મૂકી શકાય એવો વ્યવહારુ નથી. એટલે જ એને ‘નવ વેદાંત’ કહ્યું છે. ·

Total Views: 412

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.