(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના સહાધ્યક્ષ છે. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી 1986ના ઓગસ્ટ અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે ડૉ. મુન્નીબહેન માંડવિયા. – સં.)

પાથલેસ પાથ (રસ્તા વિનાનો માર્ગ)

અદ્વૈત સાધનાને સમજવા માટે જો કોઈ પ્રયત્ન કરે તો કદાચ નિરાશ થશે, કારણ કે પુસ્તકોમાં આ સાધના માટેની વાસ્તવિક પદ્ધતિઓની ગેરહાજરી જોવા મળે છે. એ તો સ્પષ્ટ છે કે ન તો શંકરાચાર્ય કે ન તો તેમના અનુયાયીઓ ઇચ્છતા હતા કે અદ્વૈત એ માત્ર તાંત્રિક ફિલસૂફી બનીને જ રહે, છતાં પણ જો અદ્વૈતને લગતો કોઈ ગ્રંથ ખોલશો તો તેમાં માયા, બ્રહ્માંડ વિજ્ઞાન, બીજા સ્થૂળ સિદ્ધાંતોનું ખંડન અને વિશાળ વિશ્વનું ધૂંધળું ચિત્ર જોવા મળશે.

ક્યારેક સાધના દરમ્યાન અદ્વૈતની અનુભૂતિ માટે કોઈના અનુભવોનાં ઉત્તેજક નિવેદનો જોવા મળે છે. પણ આ અનુભવ તેમણે કેવી રીતે કર્યો તે ભાગ્યે જ સમજાવે છે. શંકરાચાર્ય તેમના ભાષ્યમાં દ્વૈત સાધનાની વૈધિક વિધિ અને ધ્યાન અંગે ઊંડાણથી ચર્ચા કરે છે પરંતુ અદ્વૈત સાધનાના અનુભવની ચોક્કસ પ્રાયોગિક પદ્ધતિ વિશે બહુ ઓછું કહે છે. સ્વામી વિવેકાનંદજી પણ તેમનાં જ્ઞાનયોગ ઉપરનાં ભાષણોમાં આ અંગે મૌન જ રહ્યા છે, જો કે એ જાણીતું છે કે તેમણે નિર્વિકલ્પ સમાધિનો ઘણી વાર અનુભવ કરેલો અને આવી અભિવ્યક્તિ તેમણે તેમના ‘સમાધિનું ગીત’માં કરેલ છે. અદ્વૈત સાધના વિશેની વિગતોની ઓછી માહિતીનું શું કારણ છે?

તે આકસ્મિક ન હોઈ શકે પણ કદાચ તેનું કારણ સાધનાનાં જ અમુક આંતરિક લક્ષણો હોઈ શકે. સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે, શું અદ્વૈત સાધના જેવી કોઈ સાધના છે? અદ્વૈતના પરિમાણમાં સાધના શબ્દ શું સ્વીકાર્ય છે? વ્યુત્પત્તિશાસ્ત્રની રીતે, સાધના શબ્દ એવા અધિનિયમનો ઉલ્લેખ કરે છે કે તેના દ્વારા સાધ્ય મેળવી શકાય છે. સાધના દ્વારા વાસ્તવિકતાનું ત્રણ ગણું વિભાજન તથા સમય અને અવકાશમાં હિલચાલ થવાનું સૂચિત થાય છે, જેને અદ્વૈત વેદાંત ભ્રામક માને છે. અદ્વૈતના અનુભવમાં સાધક અને સાધ્ય વચ્ચે કોઈ ભેદ નથી. માટે અદ્વૈત સાધના આ સાધક, સાધ્ય અને સાધનાના ત્રિકોણથી રચિત હોવી જોઈએ.

શંકરાચાર્યે કેન ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદના તેમના ભાષ્યમાં વાસ્તવિકતા માટે બે જુદા જુદા અભિગમ વિશે કહેલ છે. પહેલા અભિગમમાં સાધક, સાધ્ય અને સાધનાનો ત્રિકોણ સંકળાયેલ છેઃ જેનું અંતિમ પરિણામ ઈશ્વરની પ્રાપ્તિ છે એવાં ધાર્મિક કર્મ અને ઉપાસનાનો સમાવેશ થાય છે. બીજો અભિગમ આ ત્રિકોણીય વિભાગ રહિતનો છે, જેમાં સીધો જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત્કારનો અનુભવ બીજા પ્રયત્નો ઉપર આધારિત નથી. ફક્ત અજ્ઞાનને દૂર કરવાની જ જરૂર છે. અને અજ્ઞાનને દૂર કરવું તે કોઈ કર્મ કે ક્રિયા નથી પણ સ્વયં ઉચ્ચતમ અનુભવ છે. શંકરાચાર્ય કહે છે ‘અદ્વૈત-જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, પણ માત્ર આત્માને આત્મા સિવાયના સ્વરૂપ સાથે એકરૂપ થવાનું બંધ કરવાની જરૂર છે.’

પરંતુ એમાં કોઈ શંકા નથી કે અદ્વૈતિક અનુભવ અને દ્વૈત સાધના દરમ્યાન પૂજાથી પ્રાપ્ત થયેલ અનુભવ વચ્ચે મૂળભૂત તફાવત છે. શંકરાચાર્ય કહે છે કે અદ્વૈતિક અનુભવ દરમ્યાન સાધક, સાધ્ય, કાર્ય અને પરિણામ વચ્ચે કોઈ તફાવત જોવા મળતો નથી જ્યારે દ્વૈત સાધનામાં ધ્યાન દ્વારા થતા અનુભવમાં આવા તફાવત જોવા મળે છે.

ઉપરોક્ત ચર્ચાથી એ સ્પષ્ટ થાય છે કે ધ્યાન અને ઉપાસનાનો જે માર્ગ સમય-મર્યાદિત અને ધ્યેય-લક્ષી છે, તેનાથી જુદો જ આત્મસાક્ષાત્કાર માટેનો માર્ગ સ્થાપિત કરવાનો શંકરાચાર્યનો ઉદ્દેશ હતો. આ નવો માર્ગ કે જેમાં શરૂઆત અને અંત વચ્ચે કોઈ ભેદ નથી, જે ખરેખર ‘pathless path’ (માર્ગ વિનાનો માર્ગ) છે, જેને શંકરાચાર્યએ ‘જ્ઞાન’ એવું નામ આપ્યું. તેઓએ કદાચ તેનો અર્થ અચાનક જ્ઞાનોદય  એવો કંઈક કર્યો, જેનું ઝેનનાં પુસ્તકોમાં વર્ણન કરવામાં આવ્યું છે. તે સ્વયં-સ્ફુરિત ‘સ્વ’ના સાક્ષાત્કારનો અનુભવ છે. શંકરાચાર્યના કહેવા મુજબ જ્ઞાન એ કોઈ મેળવવાની વસ્તુ નથી. પરંતુ અનુભવવાની સ્થિતિ છે. તેનો અર્થ ‘જાણવું’ એવો નહીં પણ ‘હોવું’ તેવો કરી શકાય. દ્વૈત સાધના દરમ્યાન કંઈ પણ જાણવું તે અજ્ઞાન જ છે. ઉપનિષદો આ સત્યને વિરોધાભાસ રૂપે આ રીતે જણાવે છે, ‘જેઓ જાણે છે તેમના માટે તે અજાણ છે અને જેઓ નથી જાણતા તેમના માટે તે જાણીતું છે.’

શંકરાચાર્યે શા માટે આવો નવીન, સ્વતંત્ર માર્ગ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો? શું ધ્યાન અને ધાર્મિક કે વૈધિક કાર્યો જેવા પરંપરાગત માર્ગો અદ્વૈતિક અનુભવો કરાવવા માટે શક્તિમાન નથી? શંકરાચાર્ય એવો મૂળભૂત મત ધરાવે છે કે અવાસ્તવિકતા ક્યારેય વાસ્તવિકતા તરફ લઈ જઈ શકતી નથી. વાસ્તવિકતા અને અવાસ્તવિકતા બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ અને જુદી જ છે, જેમ કે પ્રકાશ અને અંધકાર. અસત્ય કદી પણ સત્યને દોરી ન શકે. જો કોઈ વ્યક્તિ દોરડાને સાપ માનવાની ભૂલ કરે તો તે દોરડા વિશેનું સત્ય ક્યારેય જાણી શકે નહીં. ફક્ત સાચી રીતે દોરડાને જુએ તો જ તેની ભૂલ સુધારી શકે. જો કોઈ વ્યક્તિ જૂની ધારણાને (દોરડાને સાપ માનવો) વળગી રહે તો ક્યારેય સાચું જ્ઞાન મેળવી શકે નહીં.

સત્ય ક્યારેય ભૂલોની પરંપરાથી ન મળે પણ તેનો ત્યાગ કરીને જ મળે. શંકરાચાર્યના કહેવા મુજબ સામાન્ય ધ્યાન અને વૈધિક પૂજા પૂર્વધારણાને આધારે નક્કી કરેલા સત્ય ઉપર કરવામાં આવે છે, આ ખરેખર સાચું નથી અને આ રીતે ક્યારેય બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ શકે નહીં. બ્રહ્મના સાક્ષાત્કાર માટે આવી ભૂલભરેલી પદ્ધતિઓનો ત્યાગ કરીને એક નવો જ માર્ગ અપનાવવો જોઈએ, જે pathless path કહેવાય છે. જો કે શંકરાચાર્યે એક નવી કેડી (રસ્તો) કંડારી હતી. તેમ છતાં તેમણે તેની વિસ્તૃત વિગતો કહી નહોતી. આમાંની ઘણી વિગતો તેમના શિષ્યો અને અન્ય અનુયાયીઓ પૂરતી સીમિત એક પ્રથા તરીકે જ રહી. તેમાંની ઘણી મૌખિક પરંપરા તો નષ્ટ જ થઈ ગઈ. શંકરાચાર્યની પછીના સમયમાં પ્રકાશમાં આવેલા સિદ્ધાંતોનો જો અભ્યાસ કરવામાં આવે તો તેમાંના ઘણા (વિવેકસાર અને અપરોક્ષાનુભૂતિ) એ પતંજલિ યોગસૂત્રોનો બ્રહ્મના સાક્ષાત્કાર કરવા માટે સ્વીકાર કરેલ છે. તેથી શંકરાચાર્ય દ્વારા બતાવેલ મૂળભૂત અદ્વૈત સાધના શું છે તે કહેવું ખરેખર મુશ્કેલ છે.

ધ્યાનની પદ્ધતિઓનું વર્ગીકરણ

‘ધ્યાન’ શબ્દ જુદી જુદી માનસિક કસરતોને આવરી લે છે. આ માનસિક કસરતો ઘણી વાર લાગણી અને ઇચ્છા આધારિત હોવા છતાં જ્ઞાનનું સ્વરૂપ છે. આ જ્ઞાનના ત્રણ ભાગ પડે છે—જ્ઞાનને જાણનાર (જ્ઞાતા), જ્ઞાનને જાણવું (જ્ઞેય), અને જ્ઞાનને જાણવાની ક્રિયા (જ્ઞાન), જે બીજા બે ભાગને સાંકળે છે. ધ્યાન એ એકાગ્રતાની એક એવી અવસ્થા છે, જેમાં ચેતના આ ત્રણ ભાગમાંથી એક ઉપર કેન્દ્રિત થાય છે. ચેતનાની કેન્દ્રિત થવાની દિશાને આધારે ધ્યાનના નીચે મુજબ ચાર પ્રકાર છે:

(૧) વસ્તુલક્ષી ધ્યાનઃ અહીં કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે; સામાન્ય રીતે કોઈ દેવી-દેવતાની મૂર્તિ અથવા કોઈ આધ્યાત્મિક મંત્ર ઉપર. પતંજલિ તથા ઉપાસનાની વેદાંતિક પદ્ધતિ આ પ્રકારમાં આવે છે.

(૨) વિષયલક્ષી ધ્યાનઃ અહીં ચેતનાને પોતાના આત્મા ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે. આ જુદી જુદી રીતે કરી શકાય છે. આત્મ-વિચારની ક્રિયા, પતંજલિ યોગસૂત્ર અનુસાર ‘અસ્મિતા’ ઉપર ધ્યાન, કેન ઉપનિષદમાં નિર્દેશ કરેલ ‘પ્રતિબોધ’ પદ્ધતિ—આ બધાનો આ પ્રકારમાં સમાવેશ થાય છે.

(૩) ચિંતન આધારિત ધ્યાનઃ અહીં ચેતનાને ન તો આત્મા ઉપર કે ન કોઈ વસ્તુ ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે. પરંતુ જ્ઞાન અથવા જ્ઞાનની પ્રક્રિયા ઉપર કેન્દ્રિત કરાય છે. જ્યારે આધ્યાત્મિક વિધાન અને તેના અર્થ ઉપર ચિંતન કે ધ્યાન કરાય તો તેનો સમાવેશ આ પદ્ધતિમાં થાય છે. ખ્રિસ્તી ધ્યાનપ્રથામાં, ખાસ કરીને કેથોલિક મઠમાં, બ્રહ્મચારીઓ બાઇબલના જુદા જુદા ફકરાઓ કે વિધાન ઉપર આ રીતે ધ્યાન કરે છે. બૌદ્ધિક થેરાવડા સ્કૂલમાં આવું મનનાત્મક કે વૈચારિક ધ્યાન કરવામાં આવે છે. મધ્યયુગમાં અદ્વૈતમાં ‘મનન’ કરવું એ આધ્યાત્મિક અભ્યાસની દૃષ્ટિએ ઘણું પ્રખ્યાત હતું, પણ આ લાંબો સમય ટકી શકેલ નહીં. આજના યુગમાં લોકો વાંચન કરે છે, સાંભળે છે પરંતુ સ્વનિર્દેશિત અને ગહન ચિંતન કરવા માટે ઓછા શક્તિમાન હોય છે. અલબત્ત, એ સાચું છે કે ભારતની ચિંતન-શાળાઓ એવું માને છે કે ‘મનન’ કરવાથી સત્ય અંગેનું માત્ર પરોક્ષ જ્ઞાન મળે છે, પરંતુ વિદ્યારણ્ય નામના ચિંતકે એ નોંધ્યું છે કે આવું પરોક્ષ જ્ઞાન પણ અપરોક્ષ અનુભવ મેળવવા માટે ધ્યાનના અભ્યાસમાં ઘણું મદદરૂપ થાય છે. ખરેખર ‘મનન’ એટલે શું, તે વધુ વિસ્તારથી જાણવું જોઈએ.

‘મનન’ હંમેશાં શ્રવણને આધારે કરવામાં આવે છે. શ્રવણ એટલે સાંભળવું. પરંતુ અદ્વૈતવાદીઓ એવો મત ધરાવે છે કે શ્રવણ એટલે ખરેખર શાસ્ત્રના વિધાનને ‘ષડ્‌લિંગ’ દ્વારા જાણવું. તેથી શ્રવણ શબ્દનું સાચું ભાષાંતર ‘શાસ્ત્રોનો અભ્યાસ’ એવું કરી શકાય.

તો પછી આ ‘મનન’ શું છે? મનન દ્વારા પરોક્ષ જ્ઞાન મળે છે, છતાં શાસ્ત્રના જ્ઞાન માટે તે ઉપયોગી છે. સુરેશ્વરાચાર્યની દૃષ્ટિએ ‘મનન’ એ એક એવી ‘અન્વય-વ્યતિરેક’ની તાર્કિક પ્રક્રિયા છે, જેનાથી બ્રહ્મ વિશેનું પરોક્ષજ્ઞાન મેળવી શકાય છે. ‘અન્વય’ એટલે ‘ઓળખ’, એ હકારાત્મક ક્રિયા છે; વ્યતિરેક એટલે ‘તફાવત’, એ નકારાત્મક (negative) ક્રિયા છે, સાચું જ્ઞાન મેળવવા બંનેની જરૂર છે. સુરેશ્વરાચાર્ય તેને આ પ્રમાણે સમજાવે છેઃ ઘણી વાર ખેતરમાં પશુ-પક્ષી પાકને નુકસાન ન કરે તે માટે માણસનું પૂતળું (ચાડિયો) મૂકવામાં આવે છે. ગેરસમજથી તેને માણસ માની લેવામાં આવે છે, અને તેને માણસ માનીને કોઈ ખેતરમાં પ્રવેશી શકતું નથી. હવે, ‘અન્વય’ પદ્ધતિમાં એવું કહેવામાં આવે છે કે આ ‘પૂતળું’ છે. પણ જો તમે આ પૂતળું છે, આ પૂતળું છે એમ બોલ્યા જ કરો તો તેને માણસ માની લેવાની ભ્રામકતા દૂર થતી નથી. પણ જો આ ગેરસમજ દૂર કરવી હોય તો આપણે અહીં ઉમેરવું પડે કે ‘આ માણસ નથી’, આ નકારાત્મકતા બીજા પ્રકારની વ્યતિરેકની ક્રિયા સૂચવે છે. તેવી જ રીતે ‘તત્‌ ત્વમ્‌ અસિ’ એમ બોલવું તે પૂરતું નથી. પણ આ જ વાક્યને નકારાત્મક રીતે આમ બોલી શકાયઃ ‘તમે બંધનકર્તા, દુઃખકર્તા નથી’. આ રીતે ‘મનન’ એ અન્વય-વ્યતિરેક એમ બે પ્રક્રિયા ધરાવે છે. છતાં શાસ્ત્રોના સત્યને તેના વડે સાચી રીતે સમજી શકાય છે.

(૪) અહંગ્રાહ પદ્ધતિઃ ઉપર દર્શાવેલ ત્રણેય પદ્ધતિઓની જેમ અહીં ચેતનાને કોઈ આધાર ઉપર કેન્દ્રિત નથી કરાતી પણ તેને વિસ્તૃત કરવામાં આવે છે. અહીં ‘આત્મા’ જ ‘આત્મા’ને ઓળખે છે, એટલે કે ‘સ્વયં’નું ‘સ્વયં’ સાથે જોડાવું, તાદાત્મ્ય થવું એટલે અહંગ્રાહ પદ્ધતિ. આ પ્રકારના ધ્યાનથી સ્વજાગૃતિનું વિસ્તરણ થાય છે. ઉપનિષદોમાં જોવા મળતી ઘણી વિદ્યાઓમાં આ પ્રકારનું ધ્યાન જોવા મળે છે.

જ્ઞાનમાર્ગમાં ધ્યાનની પદ્ધતિઓ

‘જ્ઞાનમાર્ગ’ એ માત્ર અદ્વૈતવાદીઓ માટે જ નથી. પરંતુ ઉપનિષદોની પ્રાચીન ધ્યાનપ્રણાલી દ્વારા તથા પતંજલિના યોગસૂત્ર દ્વારા પણ જ્ઞાનમાર્ગનું અનુસરણ કરવામાં આવે છે. જ્ઞાનમાર્ગમાં મોટી સંખ્યામાં ધ્યાન-પદ્ધતિઓનો સમાવેશ થયેલ છે, જેનું ચાર ભાગમાં વર્ગીકરણ કરી શકાયઃ

ઉપાસના

આ જૂની ધ્યાનપદ્ધતિ છે, જે ક્રિયાકાંડ કે ઉદ્દેશ્યલક્ષી ધાર્મિક ઉપાસના કહેવાય છે. આ એક વસ્તુલક્ષી ધ્યાન છે. ભક્તિમાર્ગ તથા જ્ઞાનમાર્ગ—બંનેમાં ઉપયોગી છે. અહીં આપણે માત્ર જ્ઞાનમાર્ગની ઉપાસનાનો જ વિચાર કરીશું. આ ઉપાસનામાં જ્ઞાનાત્મક લક્ષણો ધરાવતી માત્ર એક વસ્તુ ઉપર ધ્યાન કરી શકાય છે. પરંતુ નિર્ગુણ-બ્રહ્મ, જે શાશ્વત છે, નિરાકાર છે, તેને કોઈ આકારમાં નિર્દિષ્ટ કરી શકાય નહીં તો પછી બ્રહ્મને અનુલક્ષીને ઉપાસના કેવી રીતે થઈ શકે? મોટાભાગના અદ્વૈતવાદીઓએ જવાબ આપેલ છે કે ઉપાસના તો માત્ર સગુણબ્રહ્મની જ થઈ શકે. સદાનંદે આની વ્યાખ્યામાં કહ્યું છે કે ઉપાસના એ સગુણ બ્રહ્મ ઉપરનું માનસિક ચિંતન છે, જેવી કે શાંડિલ્યવિદ્યા, વગેરે. વળી, વિદ્યારણ્યે ભારપૂર્વક સમજાવ્યું છે કે નિર્ગુણ-બ્રહ્મની પણ ઉપાસના થઈ શકે છે. તેઓ એવી દલીલ કરે છે કે જો બ્રહ્મને જાણી શકાય તો તેની ઉપર ધ્યાન પણ કરી શકાય. જો કે તેઓએ નિર્ગુણ-બ્રહ્મનું ધ્યાન કેવી રીતે કરી શકાય તે સ્પષ્ટ રીતે બતાવેલ નથી. પણ તેમના મત મુજબ કોઈ પ્રતીક દ્વારા આ પ્રકારનું ધ્યાન શક્ય છે.

હવે, અહીં ફરીથી એ પ્રશ્ન થાય છે કે આ ઉપાસનાનું અંતિમ પરિણામ શું છે? શંકરાચાર્ય સહિત મોટાભાગના અદ્વૈતવાદીઓ એવું માને છે કે ઉપાસના કરવાથી માત્ર સગુણ બ્રહ્મનો જ સાક્ષાત્કાર થઈ શકે પરંતુ આ સાક્ષાત્કાર પછી નિયત સમયમાં ધીરે ધીરે આ ઉપાસના નિર્ગુણ બ્રહ્મના સાક્ષાત્કાર તરફ દોરી જાય છે, આને કર્મમુક્તિ કહેવાય છે. આમ ઉપાસના આડકતરી રીતે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ તરફ લઈ જાય છે એવું કહી શકાય. શંકરાચાર્ય કહે છે કે “વૈધિક કર્મકાંડની જેમ ધ્યાન પણ પરિણામ આપે જ છે. કેટલાંક પ્રકારનાં ધ્યાનથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેના દ્વારા કર્મમુક્તિ મળે છે.” જો કે વિદ્યારણ્ય વિશ્વાસપૂર્વક જાહેર કરે છે કે નિર્ગુણ ઉપાસના જ બ્રહ્મના સાક્ષાત્કાર તરફ દોરી જાય છે અને આમાં આગળ જો કોઈને પરિણામ ન મળે તો તેને કર્મમુક્તિ તો ચોક્કસ મળે જ છે.

ઉપાસનાના ત્રણ ભાગ પાડી શકાય છેઃ

અંગવબદ્ધ, પ્રતીક, વિદ્યા (અહંગ્રાહ). આ ત્રણમાંથી ‘અંગવબદ્ધ’ એ નિમ્ન પ્રકારની ઉપાસના ગણાય છે. કેટલાંક પ્રાચીન ધ્યાનનો ઉલ્લેખ આમાં થયેલ છે અને તે જ્યોતિસ્તોમાં જેવી ધાર્મિક વિધિ સાથે સંકળાયેલ છે. ‘વિદ્યા’ ઉપાસના દ્વારા કરવામાં આવતું ધ્યાન ઉચ્ચ પ્રકારનું છે તેમ રજૂ કરવામાં આવેલ છે, જે આ લેખના પાછળના ભાગમાં સાંકળવામાં આવશે.

‘પ્રતીક’ ઉપાસના એ જ ખરેખર ઉપાસનાને યોગ્ય રીતે રજૂ કરે છે. અહીં બ્રહ્મના પ્રતીક ઉપર વિચારોના પ્રવાહને લઈ જવામાં આવે છે. આવાં પ્રતીકો બ્રહ્મને જાણવા માટે હોવાથી આવા ધ્યાનને ‘તટસ્થ-ઉપાસના’ કહેવામાં આવે છે.

પ્રતીકોના પણ બે પ્રકાર છે—નામ અને રૂપ. સૌથી પ્રખ્યાત પ્રતીક ૐ છે. ૐ ઉપર ધ્યાન કરવાથી થતા બ્રહ્મના સાક્ષાત્કારનું વર્ણન માણ્ડૂક્યકારિકામાં ગૌડપાદ દ્વારા કરવામાં આવેલ છે. કેટલાંક પ્રતીકોનો ઉલ્લેખ ‘આરણ્યક’ અને ઉપનિષદોમાં કરવામાં આવેલ છે. દેખીતી રીતે જ એ સ્પષ્ટ છે કે વૈદિક યુગમાં સૂર્ય, અગ્નિ, આકાશ અને બીજા વૈશ્વિક પદાર્થોનો પ્રતીક તરીકે ધ્યાન કરવામાં ઉપયોગ વ્યાપકપણે કરવામાં આવતો હતો. આધુનિક યુગમાં આવાં પ્રતીકોને બદલે દેવી-દેવતાની માનવાકાર મૂર્તિઓનો સમાવેશ થાય છે. ‘સંયમ’ પદ્ધતિને યોગસૂત્રના ત્રીજા પ્રકરણમાં વર્ણવવામાં આવી છે, જે ધ્યાનની સંપૂર્ણપણે અલગ જ પદ્ધતિ છે. વેદાંતિક અને પતંજલિની ધ્યાન પદ્ધતિઓ વચ્ચે તફાવત એ છે કે વેદાંતિક ધ્યાનમાં બ્રહ્મ ઉપર ધ્યાન કરાય છે, જ્યારે ‘પતંજલિ’માં પ્રકૃતિ ઉપર ધ્યાન કરવામાં આવે છે. વેદાંતિક ઉપાસનામાં ‘બ્રહ્માશ્રય’ (બ્રહ્મ ઉપર આધારિત) પ્રતીકનો ઉપયોગ થાય છે, જ્યારે પતંજલિ ધ્યાન પદ્ધતિમાં પ્રકૃતિ ઉપર આધારિત પ્રતીક ઉપર ધ્યાન કરવામાં આવે છે.

વિદ્યાઓઃ આ ઉપાસનાના ત્રીજા પ્રકારમાં ગણાય છે. છતાં ઉપાસનાની અન્ય પદ્ધતિઓ કરતાં આ તદ્દન જુદી જ પદ્ધતિ છે. ઉપાસના એ ‘પ્રતીકાત્મક’ ધ્યાન છે, જ્યારે વિદ્યાઓ તુલનાત્મક ધ્યાન છે. આગળ બતાવેલ પ્રતીક ઉપાસનામાં કોઈ ચોક્કસ પ્રતીકનો ધ્યાનમાં ઉપયોગ થાય છે, જ્યારે વિદ્યાઓની પદ્ધતિમાં અંતિમ સત્ય સાથે સામ્ય ધરાવે તેવા રૂપ ઉપર ધ્યાન કરવામાં આવે છે. પોતાના અંતરમનને એકરૂપ કરીને વિદ્યા પદ્ધતિમાં સમગ્ર સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકાય છે. આ એમ બતાવે છે કે આ ક્રિયા ‘અહંગ્રાહ’ પ્રકારનું (ઉપાસનાની જેમ વસ્તુલક્ષી) ધ્યાન છે. પ્રતીક ઉપાસનામાં ચેતનાનું રૂપાંતરણ થાય છે, જ્યારે આ વિદ્યા (અહંગ્રાહ) પદ્ધતિમાં ચેતનાનું વિસ્તૃતીકરણ થાય છે.

આ બંને પદ્ધતિઓનો તફાવત નીચે ટાંકેલ સૂર્યનાં બે ઉદાહરણોથી જોઈ શકાશેઃ

છાંદોગ્ય ઉપનિષદમાં આદિત્ય (સૂર્ય) ઉપાસના વિશે કહેલ છે. બાદરાયણે નિર્દેશ કરેલો કે અહીં સૂર્યને બ્રહ્મના એક પ્રતીક તરીકે માનવામાં આવે છે, તેને એક વસ્તુ (પદાર્થ) ગણીને તેના ઉપર ધ્યાન કરવામાં આવે છે. ‘આદિત્ય વિદ્યા’ વિશે બૃહદારણ્યક ઉપનિષદમાં નીચે મુજબ કહેવામાં આવેલ છેઃ

સૌર ભ્રમણકક્ષામાં ભૂ: એટલે શિર, ભુવ: એટલે હાથ, સ્વઃ એટલે પગ. આમ સૂર્ય એક વિરાટ તરીકે ઊભો છે, એક પ્રતીક તરીકે નહીં પણ સાદૃશ. સૂર્યને હિરણ્યગર્ભ તરીકે ગણેલ છે અને પોતાના સ્વ (આત્મા)ને આ સૂર્ય સાથે એકરૂપ કરવાનો છે, સૂર્ય માત્ર પૃષ્ઠભૂમિકા ભજવે છે. આમ, ઉપર વર્ણવેલ ‘આદિત્ય ઉપાસના’ એટલે મનને એકાગ્ર કરવું, જ્યારે ‘આદિત્ય-વિદ્યા’ એટલે ‘સ્વ’નું વિસ્તરણ કરવું. એ સ્પષ્ટ જોઈ શકાય છે કે ‘આદિત્ય વિદ્યા’ એ ‘આદિત્ય ઉપાસના’ કરતાં ધ્યાનનું ઉચ્ચ સ્વરૂપ છે.

ઉપનિષદોમાં જુદી જુદી વિદ્યાઓ જેવી કે શાંડિલ્ય-વિદ્યા, દહર વિદ્યા, મધુ વિદ્યા, પંચાગ્નિ વિદ્યા વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એક અનુમાન મુજબ તેની સંખ્યા બત્રીસ છે. પણ વૈદિકકાળમાં તે વધારે સંખ્યામાં અસ્તિત્વમાં હોવી જોઈએ. શંકરાચાર્યના ભાષ્યના લખાણ પહેલાં સદીઓથી ઘણી ધ્યાનપ્રણાલીઓ લુપ્ત થઈ ગયેલી. ગુરુ-પરંપરાની ગેરહાજરીથી આ વિદ્યાઓનું મહત્ત્વ તથા તેનો કેવી રીતે અભ્યાસ કરવો તે જાણવું મુશ્કેલ છે.

જો કે મધ્યયુગમાં આવી ઘણી નવા જ પ્રકારની ધ્યાનની પદ્ધતિઓ અદ્વૈતિક અનુભવ માટે વિકસિત કરવામાં આવી છે, સંન્યાસીઓ તેનો અભ્યાસ કરતા. પોતાના ગુરુ તોતાપુરી (નાંગ્ટા-સાધુ) પાસેથી સાંભળેલ ધ્યાન વિશેની વાત શ્રીરામકૃષ્ણદેવે શ્યામપુકુરમાં એક વાર ડો. મહેન્દ્રલાલ સરકારને કહી, “ગુરુ તોતાપુરી મને જ્ઞાની લોકો કેવી રીતે ધ્યાન કરે છે તે વિશે કહેતા કે ‘બધી જ જગ્યાએ પાણી છે—ઉપર નીચે—બધું જ પાણીથી ભરાઈ ગયેલ છે; માછલીની જેમ માનવ આ પાણીમાં આનંદથી તરે છે.’ વાસ્તવિક ધ્યાનમાં તમે ખરેખર આવું જોઈ શકો.”

અનંત સાગરની ઉપમા આપીએ તો આ પાણીને કોઈ સીમા નથી. ધારો કે, તેમાં એક ઘડો ડુબાડવામાં આવે તો ઘડાની અંદર અને બહાર બધે જ પાણી છે. જ્ઞાની એવું જુએ છે કે, અંદર કે બહાર પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. તો આ ઘડો શું છે? તે ‘હું- પણું’ છે. ઘડાને લીધે પાણીના બે ભાગ પડેલા દેખાય છે. ઘડાને લીધે અંદર અને બહાર એવું લાગે છે. જ્યાં સુધી ઘડો છે—‘હું-પણું’ છે, ત્યાં સુધી આવી લાગણી થાય છે. જેવો ‘હું’ અદૃશ્ય થાય છે, ત્યારે જે બાકી રહે છે તેનું શબ્દોમાં વર્ણન થઈ શકતું નથી.

તમને ખબર છે કે જ્ઞાની બીજી કઈ રીતે ધ્યાન કરે છે? અનંત આકાશ છે, એમ વિચાર કરો અને ત્યાં પક્ષી ઊડી રહ્યું છે, આનંદથી પોતાની પાંખો ફેલાવે છે. આવી જ રીતે ચિદાકાશમાં આત્મા એ પક્ષી છે, પંખી પિંજરામાં કેદ નથી પણ ચિદાકાશમાં ઊડે છે– વિચરણ કરે છે. આનો આનંદ અનંત છે.

અહીં શ્રીરામકૃષ્ણદેવે જેનું આબેહૂબ વર્ણન કર્યું તે ‘અહંગ્રાહ’ પ્રકારનું ધ્યાન છે, તે ‘વિદ્યા’ પ્રકારના ધ્યાનમાં ન ગણીએ તોપણ સમજી શકાય તેવું છે અને આધુનિક લોકો માટે તેનું ઘણું વ્યવહારુ મૂલ્ય છે.

આત્મવિચાર અથવા સ્વ-પરીક્ષણ

જ્ઞાન-માર્ગનો લાક્ષણિક અને અગત્યનો આધ્યાત્મિક અભ્યાસ એટલે આત્મ-વિચાર અથવા સ્વ-પરીક્ષણ. આ પદ્ધતિ સંપૂર્ણપણે વિષયલક્ષી છે, જેમાં દરેક પ્રકારના પદાર્થોને છોડી દેવાના છે, તેને ત્યજીને ‘સ્વ’ તરફ પાછા વળવાનો આ પ્રયત્ન છે. આ ‘નેતિ-નેતિ’ની ક્રિયા દ્વારા અભ્યાસ કરવાની પદ્ધતિ છે. સત્યરૂપી સ્વને શોધવા માટે અન્ય કોઈ વિચાર કે જ્ઞાનનો ત્યાગ કરીને, મનની કલ્પના કરવાની વૃત્તિને છોડી (નકારી) દેવામાં આવે છે. તો પછી સ્પષ્ટપણે એવું દેખાય છે કે ‘આત્મ-વિચાર’ એ ‘મનન’ કે ‘ચિંતન’ નથી પણ સ્વમાં પ્રત્યક્ષરૂપે પ્રવેશવાની ક્રિયા છે. પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ અનુભવમાં રૂપાંતર કરવાનો આ પ્રયત્ન નથી. તેની શરૂઆત વ્યક્તિ અહંકારનો અનુભવ અને પછી જાગૃતિની (અહંની) શોધથી કરે છે. આમ તો આ શરૂઆતથી અંત સુધી અપરોક્ષ અનુભવની પ્રક્રિયા છે.

આત્મ-વિચારની પ્રક્રિયાથી ‘અહં’ વિશે ઘણું જ્ઞાન મળી શકે છે, પરંતુ ‘ગુણાતીત-આત્મા’ વિશે કશું જાણવા મળતું નથી. અહીં એ નોંધવું જોઈએ કે બૌદ્ધધર્મીઓ તેમની આધ્યાત્મિક શોધ અહંથી જ શરૂ કરે છે. પણ પછી તાર્કિક રીતે એવા તારણ ઉપર પહોંચે છે કે ‘અહં’ની બહાર બીજું કંઈ નથી, માત્ર શૂન્યાવકાશ છે. આ બતાવે છે કે વેદાંત-શાસ્ત્રમાં પ્રતિપાદિત આત્માના સિદ્ધાંતની ચોક્કસ સમજ મેળવ્યા પછી જ ‘વિચારમાર્ગ’ તરફ જવું જોઈએ.

‘વિચાર’નો આત્માની શોધ કરવાની એક પદ્ધતિ તરીકે સૌ પ્રથમ ઉપનિષદોના ઋષિઓએ વિકાસ કરેલ. યાજ્ઞવલ્ક્યે જ્યારે પોતાની પત્નીને જ્ઞાનનો ઉપદેશ આપેલો તે આ પદ્ધતિ અંગેનો સહુથી વધારે અધિકૃત સ્રોત છે, તેમનો પ્રશ્ન ‘જાણનારને કેવી રીતે જાણવો?” યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતે જ પૂછેલા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. છતાં પણ સદીઓથી આવી ‘સ્વ’ માટેની પૂછપરછનો અભ્યાસ થતો હોવો જોઈએ. આ પ્રાચીન પ્રણાલીને આધુનિક યુગમાં ફરીથી જીવંત કરવાનો યશ દક્ષિણ ભારતના સંત રમણ મહર્ષિને મળવો જોઈએ. આધ્યાત્મિક સાક્ષાત્કાર પછી તેમણે આપેલી પ્રણાલીને જરૂરી અધિકૃતતાની આવશ્યકતા છે. તેમણે બીજી આધ્યાત્મિક અનુભવો માટેની પદ્ધતિ કરતાં આ ‘સ્વ’ની પૂછપરછ માટેની પદ્ધતિને અલગ રીતે રજૂ કરીને સ્વતંત્ર રીતે પ્રતિષ્ઠિત કરી. ‘હું કોણ છું?’ એવા પોતાને પુછાતા પ્રશ્નથી આત્માની અનુભૂતિ કરી શકાય છે, તેમ બતાવ્યું. આમ, સામાન્ય માણસ પણ કરી શકે તેવી ‘આત્મ-વિચાર’ પદ્ધતિને તેમણે સ્પષ્ટ અને સરળ કરી બતાવી.

એ પણ યાદ રહેવું જોઈએ કે ‘આત્મ-વિચાર’ એ કોઈ બૌધિક પ્રક્રિયા નથી. એ અનિવાર્યપણે સાહજિક અંત:જ્ઞાનની એક પ્રક્રિયા છે. જ્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળીને અંત:જ્ઞાન ન થાય ત્યાં સુધી ‘આત્મ-વિચાર’ આગળ વધારી શકાતો નથી.

પ્રતિબોધ પદ્ધતિ

જો આપણે આપણાં વિચારો અને ક્રિયાઓનો  કાળજીપૂર્વક અભ્યાસ કરીએ તો એવું જોવામાં આવે છે કે તે આપણી અચેતન અવસ્થામાં જાણ બહાર મોટેભાગે થતાં હોય છે. આમ થવાનું કારણ એ છે કે આપણી રોજબરોજની જિંદગીમાં આંતરિક આવેગ તથા બહારના સંજોગોને વશ થઈ આપણે અજાણપણે ભૂલો કરતા રહીએ છીએ. તેથી સતત સજગપણાનો અભ્યાસ કરવો એ જ આધ્યાત્મિક જીવન માટે સૌથી અગત્યનું પગલું છે. આ સતત સજગ રહેવાની પ્રક્રિયાને ‘પ્રતિબોધ’ કહે છે.

કેન ઉપનિષદ (૨૦૪)માં કહેવાયું છે કે ‘પ્રતિબોધ વિહીતમ્‌ મતમ્‌’, જેને શંકરાચાર્ય આ રીતે સમજાવે છે: “‘સ્વ’ને ત્યારે જ જાણી શકાય જ્યારે ચેતનાના દરેક સ્તરે સાક્ષીભાવ અનુભવાય.” એનો અર્થ એ થયો કે દરેક વિચાર અને ક્રિયાની પાછળ શાંત સાક્ષીભાવે ‘સ્વ’ રહેલો છે. આ આંતરિક સાક્ષીભાવને સતત પકડી રાખીએ તો આપણી બધી જ પ્રવૃત્તિની વચ્ચે પણ સજાગ અને જાગૃત રહી શકીએ.

‘પ્રતિબોધ’ પદ્ધતિના અભ્યાસથી શું પરિણામ મળે છે? સૌ પ્રથમ તો તેનાથી સ્વજાગૃતિ (સજાગતા) વિકસિત થાય છે. બે વિચારોની વચ્ચે થોડો અંતરાળ પડે છે ત્યારે આપણો આત્મા (સ્વ) પોતાના મૂળ સ્વભાવમાં કૂટસ્થ અને સ્વયં તેજસ્વી (પ્રકાશિત) હોય છે. જેમ જેમ આપણે આ ‘પ્રતિબોધ’ પદ્ધતિને અનુસરીએ તેમ તેમ આ બે વિચારો વચ્ચેનો અંતરાળ લંબાતો જાય છે, જેને પરિણામે આપણી ચેતનાનું રૂપાંતરણ થતું જાય છે.

‘પ્રતિબોધ’ની બીજી અસર એ થાય છે કે આપણા પોતાના ઉપર સંયમ આવતો જાય છે. આત્મા એ માત્ર ચેતનાનો સ્રોત નથી, શક્તિનો પણ સ્રોત છે. ઉપનિષદોમાં કહેલ છે કે “આત્મા દ્વારા કોઈ પણ વ્યક્તિને શક્તિ મળે છે.” જ્યારે અંતરાત્મા પ્રકાશે છે ત્યારે તે એવી શક્તિ ફેલાવે છે કે બધા વિચારો, લાગણીઓ અને આવેગો તેની જાતે જ અંકુશમાં આવી જાય છે.

‘પ્રતિબોધ’ પદ્ધતિને દક્ષિણી બોધીઓએ ‘વિપશ્યના’ એવું નામ આપ્યું છે. આ પ્રાચીન પદ્ધતિ સદીઓથી ઉપયોગમાં ન હતી. તેને આધુનિક યુગમાં મહાસી સયાદવ નામના બર્મિઝ બૌદ્ધ ગુરુ તથા તે સદીના, ૧૯૪૦ના સમયમાં બર્મિશ સરકારી ઓફિસર યુ બા ખિને પુનર્જીવિત તેમજ વિકસિત કરીને પ્રચલિત કરી. અત્યારે બર્મા, અમેરિકા, યુરોપ, સિલોન અને ઓસ્ટ્રેલિયામાં હજારો લોકો ઉત્સાહપૂર્વક ‘વિપશ્યના’નો અભ્યાસ કરે છે. સ્વ. જે. કૃષ્ણમૂર્તિ દ્વારા દર્શાવેલ ‘પસંદગી વિના જાગૃતિ’એ આધુનિકીકરણ કરાયેલ ‘વિપશ્યના’ પદ્ધતિ જ છે.

શબ્દ અપરોક્ષત્વ

અદ્વૈત દ્વારા થતા આધ્યાત્મિક અનુભવનો બીજો સિદ્ધાંત જે બીજા કોઈ પંથમાં નથી તે શબ્દ ‘અપરોક્ષવાદ’ છે. આ વાદ પ્રમાણે આધ્યાત્મિક અનુભવ (પ્રગતિ) માટે ધ્યાન કે બીજી કોઈ પદ્ધતિની જરૂર નથી. જો કોઈ વ્યક્તિની શુદ્ધ બુદ્ધિ હશે તો જેવો તે ઉપનિષદોનાં વિધાનો સંભાળશે કે તરત જ તેને સીધી જ બ્રહ્મની અનુભૂતિ થશે.

આ સિદ્ધાંતના મૂળ સમર્થકોએ ઉપનિષદ ઉપરના યાજ્ઞવલ્ક્યે કરેલા અર્થઘટન ઉપરથી આ સિદ્ધાંતને મેળવેલ છે. તે મુજબ, “મનન અને નિદિધ્યાસનથી આત્માને જોઈ શકાય છે, સાંભળી શકાય છે.” આમ, આત્માની સીધી ધારણાથી, શ્રવણથી, મનનથી અને ગુણાતીત જ્ઞાનથી આ બધું જાણી શકાય છે. શંકરાચાર્ય તેમના ભાષ્યમાં સ્પષ્ટ કરે છે કે, બ્રહ્મના સાક્ષાત્કાર માટે શ્રવણ, મનન અને નિદિધ્યાસન—આ ત્રણેયનો સમન્વય જરૂરી છે. તેઓ કહે છે કે, “આ ત્રણેયનો સમન્વય થવાથી જ બ્રહ્મનો સાક્ષાત્કાર શક્ય બને છે, માત્ર શ્રવણથી નહીં.”

શંકરાચાર્યના આ સ્પષ્ટ વિધાન પછી પણ તેના અર્થઘટન માટે તેમના શિષ્યોનું બે વર્ગમાં વિભાજન થયું હતું, વાચસ્પતિએ સ્થાપેલ ‘ભામતીપીઠ’ના મત મુજબ શ્રવણ, મનન અને નિદિધ્યાસન—ત્રણેયની એક સાંકળ છે. એટલે કે શ્રવણ એ મનનનું કારણ છે અને નિદિધ્યાસનનું કારણ મનન છે. આ મત શંકરાચાર્યના ભાષ્ય સાથે દેખીતી રીતે સામ્ય ધરાવે છે, પરંતુ પ્રકાશાત્મા યતિ ‘વિવરણ’માં દર્શાવ્યા પ્રમાણે શ્રવણ એ મુખ્ય કારણ છે, જ્યારે મનન અને નિદિધ્યાસન ગૌણ કારણો છે, શ્રવણ માટે સહાયક છે. આ ‘વિવરણ’ મત દ્વારા જ શબ્દ ‘અપરોક્ષવાદ’ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. શંકરાચાર્યના બીજા સમર્થક આનંદગિરિએ પણ આ વાદને ટેકો આપેલ છે.

આ વાદ અંગે ઘણા મત-મતાંતર છે. તે મુજબ બ્રહ્મની પ્રત્યક્ષ ધારણા કરવા માટે શું ઇન્દ્રિયની જરૂર છે? ભામતીના મત મુજબ ઇન્દ્રિય દ્વારા જ ધારણા શક્ય બને છે. જો ઇન્દ્રિયમાં કોઈ ખામી હશે તો ધારણા પણ ખામીવાળી જ થશે. મન એક ઇન્દ્રિય છે અને ધ્યાન દ્વારા મનને સંયમમાં લાવી બ્રહ્મની પ્રત્યક્ષ ધારણા શક્ય બને છે, નહીં કે માત્ર મધ્યસ્થી જ્ઞાન આપતાં શાસ્ત્રોના શ્રવણથી. આ મતની બિલકુલ વિરુદ્ધમાં ‘વિવરણ-વાદ’ એવો મત આપે છે કે જ્ઞાનના વિકાસનો આધાર જ્ઞાનના પ્રકાર ઉપર આધારિત છે, નહીં કે કોઈ ઇન્દ્રિય ઉપર. મન એ ઇન્દ્રિય નથી, કારણ કે તે બધા પ્રકારના જ્ઞાનની ધારણા કરવા માટે જરૂરી છે. સાંભળવાથી જ્ઞાન તુરંત મળે છે પણ આત્મા જેટલું સત્વરે જ્ઞાન કોઈ આપી શકતું નથી, માટે શાસ્ત્રોનાં વિધાનોથી શુદ્ધ થયેલ મન દ્વારા બ્રહ્મની ધારણા થઈ શકે છે. આ મુદ્દાને દસ મૂર્ખાઓની નદી ઓળંગવાની વાર્તા દ્વારા દર્શાવેલ છે. તે વાર્તામાં દસ મૂર્ખાઓ નદી ઓળંગી, બીજા કિનારે જઈને, તેમની સંખ્યા ગણે છે. પરંતુ દરેક વખતે ગણનાર સ્વયંને ન ગણવાને કારણે ‘નવ’ની જ સંખ્યા આવતી. એક વ્યક્તિએ નિર્દેશ કર્યો કે તમે તમને તો ગણો—તમારી ગણતરી કરો, દસની સંખ્યા થઈ જશે. તમે જ તે દસમી વ્યક્તિ છો.  એટલે કે શાસ્ત્રમાં કહ્યું છે કે ‘તત્‌ ત્વમ્‌ અસિ’, તમે જ તે આત્મા છો. આમ, આત્મચિંતન કરવામાં આવે છે.

નિદિધ્યાસન

વિવરણ મતમાં અદ્વૈતિક સાક્ષાત્કાર (આત્મા) માટે શ્રવણને તેના દ્વાર તરીકે ગણવામાં આવે છે અને ભામતીના મત મુજબ આ અનુભવ માટે નિદિધ્યાસનને તેનું દ્વાર ગણવામાં આવે છે. તો પછી એક પ્રશ્ન થાય કે આ નિદિધ્યાસન શું છે? દુર્ભાગ્યે સાધક માટે જરૂરી સંતોષ થાય તેવો જવાબ અદ્વૈતના પરંપરાગત અભ્યાસમાં મળતો નથી. શંકરાચાર્યના મત મુજબ નિદિધ્યાસન એટલે માત્ર નિશ્ચિત કરેલું ધ્યાન. સુરેશ્વરાચાર્ય નિદિધ્યાસનને ધ્યાન ગણતા નથી. આગળ જેમ યાજ્ઞવલ્ક્યે નિદિધ્યાસનની જગ્યાએ વિજ્ઞાન એવો શબ્દ વાપર્યો છે તે જ રીતે સુરેશ્વરાચાર્ય પણ નિદિધ્યાસનને ધ્યાન નહીં, પણ ઉચ્ચતર જ્ઞાન કહે છે. ધ્યાન એ એક કાર્ય (મનો-વ્યાપાર) છે, જ્યારે નિદિધ્યાસન એ ધ્યાનની સ્થિતિ છે.

સુરેશ્વર એવો મત ધરાવે છે કે જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી શ્રવણ અને મનનનો અભ્યાસ કરવો જોઈએ, અને તે જ ખરેખર નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસન એ શ્રવણ અને મનનની પરાકાષ્ઠા છે, અને બ્રહ્મ વિશે જ્ઞાન આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો નિદિધ્યાસન એટલે શ્રુતિ અને વાક્યાર્થ (વાક્ય-વાચક-સંબંધ)ના અર્થની સમજ. આ વાક્યાર્થ એ મુક્તિ માટેની ભાષાકીય અભિવ્યક્તિ નથી. એ માત્ર પરોક્ષ જ્ઞાન છે અને બ્રહ્મના સાક્ષાત્કાર માટે જરૂરી છે. જે વ્યક્તિ મુક્ત થવા ઈચ્છે છે તેણે વાક્યાર્થની સમજ મેળવી, વાક્ય-વાચક સંબંધથી પર અવાક્યાર્થનું જ્ઞાન મેળવીને અજ્ઞાન દૂર કરવું જોઈએ.

મંડન મિશ્રનો (બ્રહ્મસિદ્ધિના લેખક) ‘પ્રસમાખ્યાન’નો સિદ્ધાંત આ મુદ્દો સમજવા માટે ઉપયોગી થશે, મંડન મિશ્રના મત મુજબ ‘પ્રસમાખ્યાન’ સતત ધ્યાનથી બ્રહ્મજ્ઞાન સ્ફુરિત થાય છે, નહીં કે મહાવાક્યાર્થથી (જેનાથી સીધું બ્રહ્મજ્ઞાન થાય છે). ઉપનિષદો શ્રવણ અને મનનની પ્રક્રિયા દ્વારા વાક્યાર્થને રજૂ કરે છે, પણ આ વાક્યાર્થ એ મધ્યસ્થી અને બુદ્ધિગમ્ય જ્ઞાન છે. માટે તે બ્રહ્મની વાસ્તવિક જાગૃતિમાં પરિણમતું નથી; બ્રહ્મ એ અવાક્યાર્થ છે, જે સંપૂર્ણ છે. અને આ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે વાક્યાર્થ ઉપર સતત ધ્યાન કરવામાં આવે. પ્રસમાખ્યાન એ શ્રવણ અને મનનની  પુનરાવર્તિત આવૃત્તિ છે, સુરેશ્વરે આ મંડન મિશ્રના મતની ટીકા કરી છે. સુરેશ્વર એવું જણાવે છે કે,

“મંડન મિશ્રના મત પ્રમાણે શ્રવણ અને મનનથી ફક્ત મધ્યસ્થી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ‘પ્રસમાખ્યાન’ એ માત્ર આ મધ્યસ્થી જ્ઞાનનું પુનરાવર્તન છે, જે ક્યારેય નવું જ્ઞાન એટલે કે બ્રહ્મનો સાક્ષાત્કાર ન કરાવી શકે. ધારો કે દૂર રહેલી ટેકરી ઉપર ઉત્પન્ન થયેલ ધુમાડાને જોઈને કોઈ વ્યક્તિ ત્યાં અગ્નિ હશે એવું અનુમાન કરે છે. આ અનુમાનનું પુનરાવર્તન કરવાથી તે અગ્નિને જોઈ શકે છે? ના.”

હવે એ સ્પષ્ટ થાય છે કે નિદિધ્યાસન એ ‘પ્રસમાખ્યાન’ જેવો જ સિદ્ધાંત થયો. ખરેખર, તે વાચસ્પતિના મત પ્રમાણે જ છે. પરંતુ સુરેશ્વર બ્રહ્મની અનુભૂતિ માટે ‘પ્રસમાખ્યાન’ના સિદ્ધાંતને નકારે છે. એટલે કે તેઓ નિદિધ્યાસનનું અર્થઘટન ધ્યાન તરીકે નથી કરતા, પરંતુ બ્રહ્મની પ્રત્યક્ષ અનુભૂતિ માટે મહાવાક્યનો અર્થ અંત:જ્ઞાન તરીકે કરે છે. કદાચ સુરેશ્વરના મતે નિદિધ્યાસન એ લગભગ સવિકલ્પ સમાધિની સમકક્ષ છે.

સુરેશ્વરની મંડન મિશ્રના ‘પ્રસમાખ્યાન’ના સિદ્ધાંતની ટીકા માન્ય હોઈ શકે, તેમ છતાં પણ તેની પોતાની ‘નિદિધ્યાસન’ની વિભાવના સ્પષ્ટ કે સ્વીકાર્ય નથી. જ્યારે યાજ્ઞવલ્ક્યે પોતાનાં પત્ની મૈત્રેયીને આત્મા અંગેના પ્રશ્ન પૂછેલ ત્યારે તેમના મનમાં સમાનધિકારણ્ય, સંબંધત્રયજ્ઞાન અને તર્કશાસ્ત્રના બીજા અમૂર્ત સિદ્ધાંતો પણ હોઈ શકે તેવી શંકા છે. યાજ્ઞવલ્ક્યના મત પ્રમાણે નિદિધ્યાસન એટલે વિચાર દ્વારા ‘સ્વ’માં પ્રવેશ કરવાની ક્રિયા અથવા ‘હું બ્રહ્મ છું’ એવી સાહજિક જાગૃતિની તીવ્રતા.

નિષ્કર્ષ

આ લેખમાં જ્ઞાનમાર્ગને લગતી આધ્યાત્મિક પદ્ધતિઓ વિશે ફક્ત રૂપરેખા અપાઈ છે. આનો ઊંડાણથી અભ્યાસ કરવો હોય તો કોઈ સમર્થ ગુરુ પાસે શીખવું પડે. એ ઘણી દુ:ખની બાબત છે કે કેટલાક ધર્મ ઉપદેશકો દ્વારા પશ્ચિમના દેશોમાં તથા ભારતમાં અદ્વૈત ફિલસૂફી લોકપ્રિય બની છે છતાં પણ આ અદ્વૈતિક સાધનાનો પ્રચાર તથા તેનું અનુસરણ કરવા માટે ઘણો ઓછો રસ દેખાય છે. આ એક તરફી પરિસ્થિતિને સુધારાત્મક તરીકે ગણીએ તો આપણે જોઈ શકી છીએ કે ઝેન, વિપશ્યના, ટી.એમ., ચૉઈસલેસ અવેરનેસ (જાગૃતિ) અને બીજી આવી પદ્ધતિઓ લોકપ્રિય થતી જાય છે, જેનાથી આધુનિક યુગમાં હજારોની સંખ્યામાં લોકો માટે અર્થપૂર્ણ પુરવાર થઈને ઘણી મદદ મળી છે. વિશાળ પરિપેક્ષ્યમાં જોઈએ તો આ બધી જ નવી પદ્ધતિઓનો પ્રચાર કેટલાક સમર્થકો દ્વારા બહોળા પ્રમાણમાં હોવા છતાં તે જ્ઞાનમાર્ગના વિશાળ અને વ્યાપક માર્ગને સંબંધિત છે.

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.