વોલ્ટેયરની સુપ્રસિદ્ધ ઉક્તિ છે- ‘હે ઈશ્વર, મને મારા મિત્રોથી બચાવો, દુશ્મનો સાથે કેમ વ્યવહાર કરવો એ તો હું ખુદ જાણું છું.’ આમ તો આ વાત મજાકમાં કહેવાઈ હતી, પરંતુ તેમાં એક સત્ય રહેલું છે. આપણી મોટા ભાગની સમસ્યાઓ અને દુઃખો આપણા મિત્રો અને સંબંધીઓ પ્રતિ આપણી આસક્તિને કારણે જ ઉદ્ભવતાં હોય છે. તેમના માટે જ આપણે અસંખ્ય કષ્ટો, બલિદાનો અને મુસીબતોનો સ્વીકાર કરતા હોઈએ છીએ. તેઓ જ્યારે આપણી સાથે પોતાની મરજી મુજબનું આચરણ કરવા લાગે છે, ત્યારે આપણે તેમનો વિરોધ કરી શકતા નથી અને તેમના દ્વારા આપણી અવગણના થવાથી આપણે બહુ વ્યથિત અને દુઃખી થઈ જઈએ છીએ; જેમ મહાભારતના યુદ્ધની શરૂઆતમાં અર્જુન સાથે થયું હતું તેમ. જ્યારે બીજાઓ પ્રત્યેનો આપણો મોહ આપણા કર્તવ્યપાલનમાં બાધા બની જાય છે ત્યારે આપણી મુસીબતોમાં અધિક વૃદ્ધિ થઈ જાય છે.
તો પછી આપણા માટે શું ઉપાય છે? પ્રેમ અને આસક્તિના આ દ્વન્દ્વને આપણે કેવી રીતે ઉકેલીએ? આ સમસ્યાના સમાધાન માટે ભગવદ્ ગીતા આપણને બે ઉપાય સૂચવે છે- સંન્યાસ અને ત્યાગ. બાહ્ય સંબંધો અને કર્મોના પૂર્ણ ત્યાગને સંન્યાસ કહેવાય છે. તેનો અર્થ છે- સમગ્ર માનવીય સંબંધોને છોડીને અને સમગ્ર સામાજિક જવાબદારીઓથી પર થઈને સંન્યાસી બની જવું. એ સ્પષ્ટ છે કે આ એક ઉચ્ચતમ પગલું છે, જે માત્ર થોડાક જ લોકો ઉઠાવી શકે છે. બીજા લોકો માટે ગીતા એક બીજો- ત્યાગનો માર્ગ બતાવે છે, જેનો અર્થ છે આપણે કરેલાં કર્માેના ફળનો ત્યાગ. આમ તો આ કર્મફળત્યાગનો અભ્યાસ સહેલો લાગે છે, પરંતુ જેમણે પ્રેમનો સાચો અર્થ સમજી લીધો છે એવા પરિપક્વ લોકો જ તેનું સારી રીતે પાલન કરી શકે છે.
પ્રેમ સદ્ગુણોમાં સર્વાેત્તમ છે. ઈશુએ તેને ઈશ્વરનું જ એક રૂપ માન્યું છે. ચોક્કસ એ એક સાર્વત્રિક રીતે જોડનાર તત્ત્વ છે, જે જીવનની ગતિને સંચાલિત કરે છે. માનવીય સ્તર પર એ બધા જ સંબંધોને પવિત્ર કરે છે અને સામાજિક જીવનમાં સમરસતા અને એકતા સ્થાપિત કરે છે. એ વ્યક્તિના જીવનને સમૃદ્ધ અને ઉત્કૃષ્ટ બનાવે છે અને તેનાં કર્માેને અર્થ અને ઉદ્દેશ્ય પ્રદાન કરે છે. જીવનના કોઈપણ સ્તરની સમસ્યાના સમાધાનની યોજનામાં જીવનના આવા ઉત્તમ એ આવશ્યક તત્ત્વની ઉપેક્ષા ન કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે- ‘કેટલાક માણસો એવા હોય છે કે તેઓ કોઈ પણ વસ્તુથી કદી પણ આકર્ષિત થતા જ નથી; તેઓ કદી પ્રેમ કરી શકતા નથી; તેઓ કઠોર હૃદયના અને લાગણીહીન હોય છે; જિંદગીનાં ઘણાં ખરાં દુઃખોમાંથી તેઓ છટકી જાય છે. પણ એમ તો દીવાલને પણ કદી દુઃખ નથી થતું; દીવાલ પણ કદી કોઈને ચાહતી નથી; દીવાલનેય કદી મનમાં આઘાત પહોંચતો નથી. પણ અંતે તો એ દીવાલ જ છે! દીવાલ બનવા કરતાં તો આસક્ત થવું અને સપડાવું એ વધારે સારું છે. તેથી જે માણસ કદી પ્રેમ કરતો નથી, જે કઠોર અને પાષાણહૃદયી છે, તે જીવનનાં ઘણાંખરાં દુઃખોમાંથી છટકી જવાની સાથોસાથ જીવનના આનંદોથી પણ વંચિત રહે છે. આપણે એ જોઈતું નથી. એ તો નિર્બળતા છે, મોત છે.’
(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૧, પૃષ્ઠ-૧૨૬)
હવે પ્રશ્ન એ થાય કે જો પ્રેમ એ સર્વાેત્તમ સદ્ગુણ હોય તો પછી એ દુઃખોનું કારણ કેવી રીતે હોઈ શકે? એનો જવાબ એ છે કે સામાન્ય રીતે આપણે જેને પ્રેમ કહીએ છીએ, તે સાચો પ્રેમ છે જ નહીં. મોટે ભાગે એમાં પ્રેમની સાથે સાથે સ્વાર્થ, લોભ અને વિષય-સુખની ભાવના રહેલી હોય છે. ‘આપણે કેવી રીતે અટવાઈ જઈએ છીએ?’ એ પ્રશ્નના ઉત્તરમાં સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના બદલામાં આપણને દુઃખ મળે છે; એ દુઃખ આપણે પ્રેમ રાખીએ છીએ એને લીધે નહીં, પરંતુ આપણે બદલામાં પ્રેમની અપેક્ષા રાખીએ છીએ તેથી દુઃખ મળે છે. જ્યાં કશી અપેક્ષા નથી, ત્યાં કશું દુઃખ નથી. ઇચ્છા, અપેક્ષા, એ જ સર્વ દુઃખોનું મૂળ છે.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૧, પૃષ્ઠ-૧૨૭) સાચો પ્રેમ તેના બદલામાં કોઈ અપેક્ષા નથી રાખતો અને તે વ્યક્તિને સ્વાર્થથી મુક્ત કરી દે છે.
શ્રીરામકૃષ્ણ અપવિત્ર પ્રેમને માયા અને પવિત્ર પ્રેમને દયા કહેતા હતા. તેમના મત અનુસાર ‘દયા અને માયા વચ્ચે ઘણો જ તફાવત છે. દયા સારી છે, માયા સારી નથી. માયાનો અર્થ છે -પોતાની સ્ત્રી, પુત્ર, ભાઈ, બહેન, ભત્રીજા, ભાણેજ, મા-બાપ તેમના પ્રત્યે જ પ્રેમ; જ્યારે દયા એટલે સર્વ પ્રાણીઓ માટે સમાન પ્રેમ.’ અને ‘માયાથી મનુષ્ય બંધનમાં જકડાઈ જાય છે, ઈશ્વરથી દૂર થઈ જાય છે, જ્યારે દયાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે.’
આપણે સાચા વૈરાગ્ય અને અનાસક્તિનો અર્થ સમજી લેવો જોઈએ. સાચી અનાસક્તિનો અર્થ છે- આપણા નિમ્ન સ્તરના અહંકારથી અનાસક્ત થવું. એ સંભવ છે કે વૈરાગ્ય કે અનાસક્તિના નામે આપણે બીજાઓની ભાવના પ્રત્યે નિર્દય અને અસંવેદનશીલ બની જઈએ. આવા લોકો અન્ય લોકોથી અનાસક્ત રહીને પણ પોતાના જ નિમ્નસ્તરના અહં સાથે ઊંડાણથી જોડાયેલા હોય છે. સંભવ છે કે આપણે અનાસક્તિના નામે બીજા પ્રત્યે અણગમો કે ઘૃણા કરવા લાગીએ. પરંતુ ઘૃણા પણ આસક્તિની જ નકારાત્મક અભિવ્યક્તિ છે. જ્યાં ઘૃણા છે ત્યાં અનાસક્તિ હોઈ શકે જ નહીં. સાચો અનાસક્ત વ્યક્તિ ન તો ઘૃણાનો અનુભવ કરે છે કે ન તો આકર્ષણનો.
સાચી અનાસક્તિ શુદ્ધ નિસ્વાર્થ પ્રેમ અને દયાને દૂર નથી કરતી. સાચું તો એ છે કે અનાસક્ત આધ્યાત્મિક લોકો જ બીજાને સાચો પ્રેમ કરી શકે છે, બાકી બધા પોતાની જાતને જ પ્રેમ કરતા હોય છે. અનાસક્ત વ્યક્તિનો અન્ય લોકો પ્રત્યેનો દૃષ્ટિકોણ તે લોકોના તે અનાસક્ત વ્યક્તિ પ્રત્યેના દૃષ્ટિકોણ પણ નિર્ભર નથી હોતો. તેને તો માત્ર બીજાઓની ભલાઈ અને સુખ સાથે જ મતલબ હોય છે. આ સિવાય એ એ પણ જુએ છે કે કોઈ પોતાના પ્રત્યે આસક્ત ન થઈ જાય અને એ અનાસક્ત વ્યક્તિ એ બધાના મનને ઈશ્વર કે એમના જીવનને ઉચ્ચતર ઉદ્દેશ તરફ વાળી દે છે.
One Comment
Leave A Comment
Your Content Goes Here
🙏🙏