સદ્‌ગુણ અને અનાસક્તિ

માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે?

પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય અસ્તિત્વ કે ચેતનાના ઉચ્ચતર કેન્દ્રની શોધ કરવા માટે સ્વાધીન નથી. એ માત્ર એક સારા જીવનથી સંતુષ્ટ હોય છે, પરંતુ સાચું તો એ છે કે એ જેટલું સમજે છે કે સ્વીકાર કરે છે, તેનાથી ક્યાંય વધુ એ પોતાના સારા વિચાર અને કાર્યોથી આસક્ત છે. સ્વામી વિવેકાનંદ પૂછે છે, “જ્યાં સુધી તમે મુક્ત ન બનો ત્યાં સુધી તમે કેવળ એક યંત્ર કરતાં વિશેષ શું છો? તમો સારા માણસ છો માટે શું તમારે એ માટે અભિમાન લેવું જોઈએ? જરાય નહીં. તમે સારા માણસ છો તેનું કારણ એ છે કે તેવા થવા સિવાય તમારો છૂટકો નથી.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૧, પૃષ્ઠ-૩૯૦)

સારાપણું અને ખરાબપણું સંસ્કારો પર નિર્ભર હોય છે. દુષ્ટ વ્યક્તિ એ છે કે જે ખરાબ સંસ્કારોના નિયંત્રણમાં રહે છે.

એક જીવન જે સંપૂર્ણ રીતે સંસ્કારો દ્વારા નિયંત્રિત હોય, પછી ભલે એ સંસ્કાર જ હોય, એ સ્વાધીન નથી. તે ઉચ્ચતર અનુભૂતિની ખોજ માટે સ્વાધીન નથી. ચેતનાનાં વિભિન્ન પાસાં હોય છે. અને ચેતનાનાં નિમ્નતર કેન્દ્રોમાં સ્થિત રહેવાવાળું જીવન અવિકસિત અને અપૂર્ણ છે. આ પ્રકારનું જીવન અધ્યાત્મની અપૂર્વ અનુભૂતિઓ અને પોતાના માનવબંધુઓની સેવાના આનંદથી વંચિત રહી જાય છે.

બીજું, માત્ર સદ્‌ગુણી વ્યક્તિ દુઃખ અને ભયથી મુક્ત નથી થઈ શકતી. પહેલાં તો ચેતનાના નિમ્નતર કેન્દ્રમાં રહેવાવાળી વ્યક્તિ કામનાઓથી મુક્ત નથી થઈ શકતી, પછી ભલે એ કામનાઓ સારી કેમ ન હોય! એટલે ઉચ્ચતર ચેતના-કેન્દ્રો સાથે જોડાયેલ આધ્યાત્મિક આનંદ સુધી ન પહોંચી શકવાને કારણે પોતાની ઇચ્છાઓની પૂર્તિ માટે સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક-સામાજિક પરિવેશ પર નિર્ભર રહેવું પડે છે. જો કે આ પરિવેશ સતત પરિવર્તન પામતો રહે છે અને તેના પર એ વ્યક્તિનું કોઈ નિયંત્રણ નથી હોતું, અને તેથી તેની મોટા ભાગની ઇચ્છાઓ અપૂર્ણ રહી જાય છે. આ કારણે એ દુઃખ અને હતાશાથી પ્રભાવિત થયા વિના રહી શકતી નથી. સત્ય તો એ છે કે ભલા લોકો વધુ પડતા કોમળ સ્વભાવના અને સંવેદનશીલ હોવાને લીધે દુષ્ટ લોકોની સરખામણીએ વધુ કષ્ટ ભોગવે છે.

પરંપરાગત નૈતિકતા પણ ભયથી મુક્ત થવાની બાંયધરી નથી આપી શકતી. એક સુપ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે-

भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं
माने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम्।
शास्त्रे वादिभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं
सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम्।।

મનુષ્ય માટે આ સંસારમાં દરેક વસ્તુ ભયથી પરિપૂર્ણ છે—ભોગમાં રોગનો, ઉચ્ચ કુળમાં પતનનો, ધનમાં રાજાનો, માનમાં અપમાનનો, સત્તામાં શત્રુનો, વિદ્વત્તામાં ખોટો તર્ક કરનારાઓનો, સદ્‌ગુણમાં દુષ્ટોનો અને શરીરમાં મૃત્યુનો ભય હંમેશાં રહેતો હોય છે. એક માત્ર વૈરાગ્ય જ નિર્ભયતા પ્રદાન કરે છે.

ભયનું કારણ જીવાત્માને જકડી રાખે છેે. આ વિષયમાં પતંજલિ કહે છે કે એ ભય વિદ્વાન અને બુદ્ધિમાન લોકોમાં પણ હોય છે. આ ભયમાં જકડાઈ જવું એનું કારણ છે અજ્ઞાન. માત્ર સારા આચરણથી જ અજ્ઞાન દૂર નથી થઈ શકતું. ઉચ્ચતર આત્મ-ચેતનાની અનુભૂતિ દ્વારા નિષ્પન્ન થયેલું સાચું જ્ઞાન જ મનુષ્યને ભયથી મુક્ત કરી શકે છે. જ્યારે રાજા જનકને સર્વાેચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેમના ગુરુ યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું, ‘હે જનક, તમે ભયમુક્ત અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે.’

આથી હવે એ સ્પષ્ટ છે કે માત્ર નૈતિકતા જ જીવનનું લક્ષ્ય નથી. છતાં પુણ્યમય જીવનનું મહત્ત્વ એમાં જ છે કે એ આધ્યાત્મિક જીવનના નિર્માણ માટે એક મજબૂત પાયાના પથ્થરનું કામ કરે છે. સદ્‌ગુણ અને ભલાઈ વ્યક્તિને ખરાબ અને અધમ પ્રવૃત્તિઓથી મુક્ત કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક, ખાસ કરીને સાધનાની ઉન્નત અવસ્થાઓમાં પ્રચલિત શિષ્ટાચારના પાલન માટે વધુ પડતું જોર દેવું અને આત્મસંતોષ તથા બનાવટી દંભનો દૃષ્ટિકોણ ઉન્નતિના માર્ગમાં બાધક બને છે. તેથી શ્રીરામકૃષ્ણ કહેતા કે શીલ અને સદાચરણ પણ આત્માને બંધનમાં જકડનારા અષ્ટપાશમાંનું એક બંધન છે.

સાધકે સદાચરણ અને શુભ તથા નિર્દાેષ વિચારોથી પણ પોતાને અલગ રાખવો જોઈએ, કારણ કે સારું અને ખરાબ બન્નેથી પર સ્થિત ઉચ્ચતર સ્વાધીનતા જ તેનું લક્ષ્ય છે. પરંતુ મોટા ભાગે એવું થાય છે કે દુષ્ટ તેના દુર્ગુણોથી જેટલો આસક્ત હોય છે, સદ્‌ગુણી વ્યક્તિ તેના કરતાં પણ વધુ સદ્‌ગુણોમાં આસક્ત હોય છેે. બુદ્ધ અને ઈશુને વિદ્વાનો તથા ઉચ્ચ વર્ગના લોકોની સરખામણીએ સામાજિક રીતે નિર્વાસિતો, પાપી અને પતિતાઓને ઈશ્વર તરફ વાળવામાં વધુ સરળતા રહી. શ્રીરામકૃષ્ણ માટે પણ, તેમને પાગલ સમજવાવાળા કટ્ટરપંથીઓની તુલનાએ દારૂડિયા ગિરીશનું જીવન બદલવું ઘણું સરળ હતું.

Total Views: 421

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.