(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત The story of Ramakrishna Mission પુસ્તકમાંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. – સં.)

શ્રીરામકૃષ્ણના જીવનમાં આપણે જોઈએ છીએ કે અનુયાયીઓ તેમની પાસે ૧૮૭૦ની આખરમાં એકઠા થવા લાગ્યા હતા. એ શરૂઆતનાં વર્ષોમાં પણ બે તદ્દન અલગ વર્ગમાંથી ભક્તો આવતા હતા. એક એવો વર્ગ કે જેમાં અવિવાહિત અને શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોનું જૂથ હતું. અને બીજો વર્ગ હતો વિવિધ જીવનપદ્ધતિને અનુસરતા એવા ગૃહસ્થોનો. શ્રીરામકૃષ્ણ આ બંને વર્ગના ભક્તોને અલગ અલગ રીતે કેળવતા. પહેલા વર્ગના ભક્તોને તેઓ દુન્યવી સુખોનો ત્યાગ કરવા અને સંન્યાસી બનવા માટે પ્રેરિત કરતા.

બંને વર્ગ વચ્ચેનો તફાવત શ્રીરામકૃષ્ણની શ્યામપુકુર અને કાશીપુરમાં અંતિમ બીમારી વખતે સૌથી વધુ ધ્યાનાકર્ષિત થયો. પહેલા જૂથના યુવાનો શ્રીરામકૃષ્ણની દિન-રાત સેવા કરતા અને સંભાળ લેતા, જ્યારે બીજા જૂથના ભક્તો આર્થિક સહાય કરતા. શ્રીરામકૃષ્ણે આ બંને જૂથને શાશ્વત પ્રેમના અતૂટ બંધનમાં બાંધી દીધાં હતાં. પ્રેમનું આ બંધન શ્રીરામકૃષ્ણના દેહત્યાગ પછી પણ એવું જ રહ્યું. યુવાનોએ સામૂહિક રીતે સંન્યસ્ત જીવન જીવવાનું શરૂ કર્યું, જે પછીથી ‘રામકૃષ્ણ મિશન’ તરીકે જગપ્રસિદ્ધ થયું, અને ગૃહસ્થ ભક્તોએ આ યુવાન સંન્યાસીઓને સહાય કરવાનું ચાલુ રાખ્યું.

રામકૃષ્ણ-ભાવધારામાં ગૃહસ્થ ભક્તોનું સ્થાન

અહીં એ કહેવું ઘટે કે બંને જૂથમાંથી ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ક્ષમતા ધરાવતા લોકોનું નિર્માણ થયું હતું. સંન્યાસીઓના સમૂહમાં આધ્યાત્મિક જ્ઞાનના જ્વલંત ઉદાહરણ એવા શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ શિષ્યો હતા; જ્યારે બીજા જૂથમાંથી નાગ મહાશય, બલરામ બાબુ, રામચંદ્ર દત્ત અને મહેન્દ્રનાથ ગુપ્ત જેવા મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા ભક્તો ઉદય પામ્યા. બેલુર મઠનાં શરૂઆતનાં વર્ષોમાં સાક્ષાત્ શિષ્યો, ખાસ કરીને સ્વામી પ્રેમાનંદે ગૃહસ્થ ભક્તોની સેવા કરી અને તેઓ મઠ સાથે જોડાઈ રહે તે માટે ખાસ જહેમત ઉઠાવી હતી. ભક્તોએ પણ તેમના પર મુકાયેલા વિશ્વાસના વળતરરૂપે રામકૃષ્ણ મઠ અને મિશનને તેની પ્રવૃત્તિઓમાં દિલોજાનથી સહાય કરી. સ્વામી પ્રેમાનંદે તેમના એક પત્રમાં ભક્તોને આ શ્રદ્ધાંજલિ આપી હતી:

ભગવાનના ભક્તો જ અમારા મિત્રો, સંબંધીઓ, બાળકો અને બધું જ છે. સુખ અને દુઃખમાં તમે અમારા જ છો. તમે સંસારમાં રહીને પણ શ્રીરામકૃષ્ણ પ્રતિ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવા માગો છો એ કોઈ નાનીસૂની વાત નથી. લોકોની સામાન્ય દોડ જુઓ. તેમાંના મોટા ભાગના ચિત્તભ્રમિત છે; સંપત્તિ, ખ્યાતિ અથવા વિદ્યાના અભિમાનના નશામાં છે. વિશ્વના આ ભયંકર રણમાં, ભગવાન જ શાંતિ અને આનંદનો સ્રોત છે.

શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણની જેમ જ રામકૃષ્ણ-ભાવધારા સાથે ભક્તોને જોડાયેલા રાખવા માટે અગત્યનો ભાગ ભજવ્યો. બીજા કોઈ કરતાં શ્રીમા ભક્તોની સમસ્યાઓ અને સંઘર્ષો વધુ સારી રીતે સમજી શકતાં. ભક્તો પ્રત્યેનાં તેમનાં પ્રેમ અને કરુણાને કોઈ બંધન નડતાં ન હતાં અને તેઓ કેટલાક લોકોએ આપેલી તકલીફોને ગણકાર્યા વિના તેમની મદદ માટે જતાં. તેમના માતૃહૃદયમાંથી સ્વયંભૂ પ્રસ્ફુટિત થયેલું તેમનું સુખ્યાત નિવેદન, ‘જેમ શરત્ (સ્વામી સારદાનંદ) મારો દીકરો છે, તે જ રીતે આમજાદ (એક ડાકુ) પણ મારો દીકરો છે’ તેઓની અલૌકિક સમાનતાની દ્રષ્ટિ અને બધા માટે પ્રેમનો પુરાવો આપે છે.

મુખ્ય માધ્યમ

તે એક નિર્વિવાદ હકીકત છે કે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ દ્વારા અસ્તિત્વમાં લાવવામાં આવેલ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન તેની શક્તિ અને સંદેશના પ્રચાર માટે મુખ્ય માધ્યમ તરીકે સેવા આપે છે. ૯મી ડિસેમ્બર, ૧૮૯૮ના રોજ બેલુર મઠની જગ્યાને પવિત્ર કરવાના દિવસે સ્વામીજીએ આ ભવિષ્યવાણી કરી હતી: ‘સાર્વત્રિક સહિષ્ણુતાના આ કેન્દ્રમાંથી સમગ્ર વિશ્વને પ્લાવિત કરવા માટે સદ્‌ભાવના અને શાંતિ તેમજ સંવાદિતાનો તેજસ્વી સંદેશો આગળ વધશે.’ સ્વામીજીનું આ વિધાન સત્ય સાબિત થયું છે. બેલુર મઠના આ કેન્દ્રમાંથી પવિત્ર ત્રિપુટી (શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ)નો સંદેશ સમગ્ર ભારત અને વિશ્વના કેટલાય દેશોમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં ૧૬૦ (૩૦ જૂન, ૨૦૦૬ની સંખ્યા મુજબ) જેટલાં શાખાકેન્દ્રો દ્વારા પ્રસારિત થઈ રહ્યો છે.

નિઃસંદેહ આ બંને સંસ્થાઓ પાવન ત્રિપુટીઓના સંદેશના પ્રસાર-પ્રચાર માટેનું પ્રમુખ માધ્યમ હોવા છતાં, તે પણ એકદમ સ્પષ્ટ છે કે આ સંસ્થાઓ એકમાત્ર માધ્યમ ન રહી શકે. શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના ઉપદેશો એટલા વૈશ્વિક, એટલા શક્તિશાળી અને એટલા અનુભૂતિપ્રાપ્ત છે કે તે કોઈ એક માધ્યમ, એક પરંપરા કે એક સંસ્થા દ્વારા સીમિત ન કરી શકાય. તે માટે વિવિધ સંસ્કૃતિઓ, સમાજ અને માનવીય સ્વભાવને અનુરૂપ બહુવિધ માધ્યમોની જરૂર છે. જરૂરિયાતોની આ વિવિધતાને પરિપૂર્ણ કરવા માટે દેશભરમાં, ખાસ કરીને બંગાળમાં, સેંકડો નાનાં-મોટાં, અભ્યાસ વર્તુળો અને અન્ય પ્રકારની સંસ્થાઓ ઊભરી આવી કે જે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં વહીવટી નિયંત્રણોથી સ્વતંત્ર રીતે કાર્ય કરતી હતી.

આ ‘અનૌપચારિક કેન્દ્રો’, જેને ‘ખાનગી કેન્દ્રો’ પણ કહેવામાં આવે છે, તે સમગ્ર ભારતમાં તમામ રાજ્યોમાં અસ્તિત્વમાં છે. કેરળ જેવા નાના રાજ્યમાં પણ ૩૦થી વધુ આવાં અનૌપચારિક કેન્દ્રો આવેલાં છે. જ્યાંથી મોટાભાગના હિંદુઓ હિજરત કરી ગયા છે તેવા કાશ્મીરમાં પણ એક નાનો આશ્રમ સૌથી વધુ પ્રયત્નશીલ સ્થિતિમાં અનિશ્ચિતપણે ટકી રહ્યો છે અને પવનના સપાટામાં પણ ઝગમગતા દીવાની જેમ જ્ઞાનનો પ્રકાશ પાથરી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આવાં અનૌપચારિક કેન્દ્રોની અનુમાનિત સંખ્યા એક હજારથી પણ વધુ છે. તામિલનાડુમાં ૧૬૦થી વધુ, આંધ્રપ્રદેશમાં લગભગ ૧૦૭, કર્ણાટકમાં ૬૭ અને ત્રિપુરામાં આવાં ૪૦ જેટલાં અનૌપચારિક કેન્દ્રો કાર્યરત છે.

અનૌપચારિક કેન્દ્રોનો ઉદ્‌ગમ

અનૌપચારિક કેન્દ્રો વિવિધ રીતે અસ્તિત્વમાં આવ્યાં. સૌથી સામાન્ય, શ્રીરામકૃષ્ણ વિષયક પુસ્તકો કે સ્વામી વિવેકાનંદનાં ભાષણો અને લેખોથી પ્રભાવિત થયેલા એક ખાસ વિસ્તારના ભક્તોએ સ્થાપેલાં મંડળમાંના ઘણા ભક્તો શ્રીરામકૃષ્ણ મઠ કે મિશનના સંપર્કમાં આવ્યા અને તેમાંના કેટલાકે પરમાધ્યક્ષ કે ઉપાધ્યક્ષ પાસેથી દીક્ષા ગ્રહણ કરી. રામકૃષ્ણ વિચારધારાનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન શ્રીમા, સ્વામીજી, સ્વામી બ્રહ્માનંદ દ્વારા દીક્ષિત ભક્તો અને અન્ય સાક્ષાત્‌ શિષ્યોએ કેટલાંક કેન્દ્રો શરૂ કર્યાં.

વારાણસી (બનારસ અથવા કાશી)માં ‘સેવાશ્રમ’ (Home of Service)ની સ્થાપના એ અનૌપચારિક કેન્દ્રની સ્થાપનાનું એક પ્રસિદ્ધ ઉદાહરણ છે. ચારુચન્દ્ર દાસ (સ્વામી શુભાનંદ), કેદારનાથ મૌલિક (સ્વામી અચલાનંદ), યામિનીરંજન મજુમદાર અને અન્ય કે જેઓ શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક આદર્શો અને સ્વામીજી દ્વારા પ્રસ્તાવિત ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ના આદર્શથી પ્રભાવિત થયા હતા. તેમના નેતૃત્વ હેઠળ કેટલાક યુવાનોએ ‘Poor Men’s Relief Association’ નામક સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા વારાણસીમાં માસિક પાંચ રૂપિયાના ભાડામાં રામપુરા ક્વાર્ટરમાં શરૂ કરવામાં આવી. સંસ્થા દ્વારા યુવાનોએ નિરાધાર યાત્રાળુઓને, લાચાર વિધવાઓને તેમજ શહેરમાં શેરીઓમાં અને ઘાટ પર પડ્યા રહેતા બીમાર વૃદ્ધોને મર્યાદિત રીતે ભોજન, આશ્રય અને તબીબી સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. થોડા દિવસો પછી ધર્માદા પર નિર્ભર એવા સંસ્કૃતના વિદ્યાર્થી અને નિર્ધન યુવાન યામિનીરંજન રસ્તાની એક બાજુએ પડી રહેલ ઉપેક્ષિત બીમાર વૃદ્ધ મહિલાનું દુઃખ જોઈ ખળભળી ઊઠ્યા. પસાર થતા એક રાહદારી પાસેથી ભીખમાં ચાર આના મેળવી તેમણે એ વૃદ્ધાને ઇસ્પતાલ પહોંચાડી. ચારુચન્દ્ર અને અન્યની સહાયથી તેમણે દશાશ્વમેધ ઘાટ પાસે એક નાની એવી અસ્પતાલ શરૂ કરી, જે પછીથી વારાણસીમાં રામપુરા ખાતે સ્થળાંતરિત કરવામાં આવી. બરાબર તે સમયે સ્વામીજીએ વારાણસીની મુલાકાત લીધી હતી. તેઓ યુવાનોનો ઉત્સાહ જોઈ ખૂબ ખુશ થયા. તેમણે તેમને આશીર્વાદ આપ્યા અને તેઓને તેમની સંસ્થાના પ્રથમ અહેવાલ સાથે આવવા માટે કહ્યું. કેટલાંક વર્ષો પછી આ સંસ્થાનું રામકૃષ્ણ મિશન દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યું અને તેનું પુનઃ નામાભિધાન કરવામાં આવ્યું, ‘રામકૃષ્ણ મિશન સેવાશ્રમ’ (Home of Service).

રામકૃષ્ણ ભાવધારાનાં શરૂઆતનાં વર્ષોમાં સાક્ષાત્ શિષ્યો જે સ્થળોએ ગયા, ત્યાં ભક્તોના સમૂહોને મંડળ બનાવી, આવાં અનૌપચારિક કેન્દ્રો શરૂ કરીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવા પ્રેરિત કર્યા. સ્વામીજી, સ્વામી સારદાનંદ, સ્વામી પ્રેમાનંદ અને સ્વામી સુબોધાનંદ વગેરે પૂર્વ બંગાળ (હવે બાંગ્લાદેશ)માં ઘૂમી વળ્યા અને ત્યાંના લોકોના મનમાં એક જબરદસ્ત અસર ઊભી કરી. આ પવિત્ર આત્માઓ જ્યાં પણ ગયા ત્યાં હલચલ મચાવી દીધી. તેમના પ્રભાવ હેઠળ ઢાકા, બારીસાલ અને અન્ય સ્થળોએ અનેક કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં. પછીથી કેટલાંક કેન્દ્રો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સાથે જોડાઈ ગયાં.

શશી મહારાજ તરીકે જાણીતા સ્વામી રામકૃષ્ણાનંદનું દક્ષિણ ભારતમાં ઉપદેશોના પ્રચાર-પ્રસારનું કાર્ય પણ સાક્ષાત્ શિષ્યોના પ્રભાવ વિષેની બીજી એક નોંધનીય બાબત છે. મદ્રાસ(ચેન્નાઈ)માં રામકૃષ્ણ મઠના શાખા કેન્દ્રની સ્થાપના પછી તેઓ દક્ષિણ ભારત અને બર્મામાં કેટલાંક સ્થળોએ ગયા. ઉલ્સૂર (કર્ણાટક), ત્રિવેન્દ્રમ્‌ (કેરળ) અને બર્મામાં તેમણે આપેલાં ભાષણોને કારણે ત્યાં ‘અભ્યાસ વર્તુળ’ની સ્થાપના થઈ, જે કાળાન્તરે શાખાકેન્દ્રો તરીકે રામકૃષ્ણ મઠમાં સમ્મિલિત થયાં હતાં.

કેરળમાં આઠ સત્તાવાર કેન્દ્રો અને ૩૦થી વધુ અનૌપચારિક કેન્દ્રોમાંથી મોટાભાગનાં કેન્દ્રો સ્વામી નિર્મલાનંદના પ્રભાવ હેઠળ કાર્યરત થયાં હતાં.

અત્રે એ નોંધનીય છે કે જેઓ રામકૃષ્ણ સંઘના સભ્યો હતા તેમાંના કેટલાક સંન્યાસી બંધુઓ એક યા બીજા કારણસર સંઘ છોડી ગયા અને તેમણે પોતાનું સ્વતંત્ર કેન્દ્ર સ્થાપ્યું હતું. તેમાંનાં પશ્ચિમ બંગાળનાં નીમપીઠની જેમ કેટલાંક કેન્દ્રો ખૂબ મોટાં છે.

અનૌપચારિક કેન્દ્રોનું મહત્ત્વ

આગળ જણાવ્યા પ્રમાણે રામકૃષ્ણ સંઘના સભ્યોની મર્યાદિત સંખ્યાને કારણે પુનિત આત્માઓના ઉપદેશોના પ્રચાર માટે ખૂબ જરૂરી એવાં સ્થળોએ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન શાખાકેન્દ્ર સ્થાપિત નથી કરી શક્યું. આવાં ઘણાં સ્થળોએ આ જરૂરિયાત માત્ર અનૌપચારિક કેન્દ્રો દ્વારા જ પૂર્ણ થઈ શકે. હકીકતમાં સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને કાર્ય કરવા એકઠા થાય અને ઉપદેશોના પ્રચાર-પ્રસાર માટે પ્રશંસનીય કાર્ય કરે તેમજ સમાજની વિવિધ પ્રકારે સેવા કરે તે માટે આવાં અનેક સ્થળોઓએ અનૌપચારિક કેન્દ્રો સ્થપાયાં છે.

જો કે તેનો અર્થ એ નથી કે આ કેન્દ્રો માત્ર હંગામી ધોરણે કાર્ય કરે છે. હકીકતમાં તો આવાં બિનસત્તાવાર કેન્દ્રોનું પોતાનું એક આગવું મહત્ત્વ છે. આ કેન્દ્રોનાં મુખ્ય આંતરિક કાર્યોમાંનું એક મઠના જીવનને સંતુલિત કરવાનું છે. જો કોઈ આધ્યાત્મિક આદર્શ કે સંદેશ કે પથ પર સંન્યાસીઓનો એકાધિકાર હોય, કોઈ આધ્યાત્મિક શક્તિ માત્ર મઠમાં જ સંકેન્દ્રિત થયેલી હોય તો તે વિચારધારા અસંતુલિત બને છે અને ટૂંકા સમયગાળામાં તે નબળી અને અસ્થિર બની જાય છે. ભારતમાં બૌદ્ધ ધર્મના ઇતિહાસે આ જ શીખવ્યું છે. સ્વામી વિવેકાનંદે નિર્દેશ કર્યો છે કે ભારતમાં પહેલાંના બૌદ્ધ ધર્મની કેટલીક ખામીઓમાંની એક એ હતી કે તે ધર્મ તમામને સાધુ કે સાધ્વી બનાવવા માટે પ્રેરિત કરતો. સાધુઓ સંદેશની શક્તિ અને શુદ્ધતાને બરકરાર રાખીને તે વિચારધારાને આગળ ધપાવી દે છે, પરંતુ સામાન્ય લોકો જ તે વિચારધારાને ટેકો અને આધાર પૂરો પાડે છે. જેમ જેમ રામકૃષ્ણ વિચારધારા વિસ્તારિત થતી ગઈ, તેમ તેમ ગૃહસ્થ ભક્તોની ભૂમિકા વધતી ચાલી. ગૃહસ્થ ભક્તો દ્વારા ચલાવાતાં મોટાભાગનાં અનૌપચારિક કેન્દ્રો આમ અવિશ્રાન્ત પ્રગતિ પામતી રામકૃષ્ણ-ભાવધારા માટે અગત્યનો હિસ્સો છે.

અનૌપચારિક કેન્દ્રો દ્વારા થતી કામગીરી

આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ, ‘પોતાની મુક્તિ માટે અને વિશ્વના કલ્યાણ અર્થે’ – સ્વામીજી ઉપદિષ્ટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું આ જીવનસૂત્ર માત્ર સંન્યાસીઓ માટે નહીં, પરંતુ ગૃહસ્થ ભક્તો માટે પણ છે. ખરેખર તો આ જીવનસૂત્ર અને ‘શિવજ્ઞાને જીવસેવા’, ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ના આદર્શથી પ્રેરિત થઈ ગૃહસ્થ ભક્તો દ્વારા આવાં કેન્દ્રો શરૂ થાય છે. તેથી સ્વાભાવિકપણે જ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સેવાકીય પ્રવૃત્તિઓ જ આ કેન્દ્રોમાં હાથ ધરાતી હોય છે. અનૌપચારિક કેન્દ્રો દ્વારા ચલાવાતી કેટલીક મુખ્ય પ્રવૃત્તિઓ ટૂંકમાં નીચે મુજબની છે:

૧. મોટાભાગનાં કેન્દ્રોમાં મંદિર કે એક પવિત્ર સ્થાન અને પ્રાર્થનાખંડ હોય છે કે જ્યાં મુખ્ય અધિષ્ઠાતા તરીકે શ્રીરામકૃષ્ણદેવ અને સાથે શ્રીમા અને સ્વામીજીની પૂજા થાય છે. ઘણાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણની નિયમિત રીતે ધાર્મિક પૂજા માટેની વ્યવસ્થા છે. લગભગ તમામ કેન્દ્રોમાં સંધ્યા સમયે આરતી અને ભજન કરવામાં આવે છે. ઘણાં કેન્દ્રોમાં એકાદશીને દિવસે રામનામ સંકીર્તન થાય છે. લગભગ બધાં જ કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણ, શ્રીમા અને સ્વામીજીના જન્મદિનની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે.

૨. લગભગ બધાં જ અનૌપચારિક કેન્દ્રોમાં દરરોજ અથવા સપ્તાહમાં એક કે બે વખત શાસ્ત્રો અને રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું વાચન, વર્ગો અને ધાર્મિક પ્રવચનોનું આયોજન થાય છે. આમાંનાં મોટાભાગનાં કેન્દ્રોમાં પુસ્તકાલય અને પુસ્તક વેચાણ-વિભાગ હોય છે. આ કેન્દ્રો રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓને આધ્યાત્મિક પ્રવચનો માટે આમંત્રણ આપી બોલાવે છે. ઘણાં કેન્દ્રોમાં સંઘના સંન્યાસીઓ માટે અલાયદો એક ઓરડો પણ રાખવામાં આવ્યો હોય છે.

૩. ઘણાં કેન્દ્રોમાં એલોપથી કે હોમિયોપથી સારવાર માટે સખાવતી દવાખાનાં પણ છે. કેટલાંક કેન્દ્રો અઠવાડિયામાં એક-બે વાર આસપાસનાં ગામડાંમાં જઈ લોકોની સારવાર કરવા માટે હરતું ફરતું દવાખાનું પણ ચલાવે છે. તે કેન્દ્રો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ વગેરેનું પણ આયોજન કરે છે.

૪. કેટલાંક કેન્દ્રો શાળાઓનું (ખાસ કરીને પ્રાથમિક વિભાગ) અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે છાત્રાવાસનું પણ સંચાલન કરે છે. ઘણાં કેન્દ્રો નિરાધાર બાળકો માટે અનુશિક્ષણ-વર્ગો અને બિન-ઔપચારિક શાળાનું સંચાલન પણ કરે છે. ઘણાં કેન્દ્રો દ્વારા વ્યાવસાયિક તાલીમ, હસ્તકલા તાલીમ, મૂલ્યલક્ષી શિક્ષણ વગેરે આપવામાં આવે છે.

૫. વાવાઝોડાં, ભૂકંપ વગેરે જેવી કુદરતી આફતોના સમયે મોટાભાગનાં કેન્દ્રો સ્વતંત્ર રીતે કે રામકૃષ્ણ મિશનના રાહતકાર્ય-વિભાગ સાથે મળીને સેવાકાર્ય કરે છે. કુદરતી આફત ન હોય ત્યારે પણ ઘણાં કેન્દ્રો નિરાધાર ગરીબ લોકો માટે ભોજન તથા વસ્ત્ર-વિતરણ જેવાં કાર્યો કરે છે.

ભાવપ્રચાર પરિષદ

ઉપરોક્ત ચર્ચા પરથી જાણવા મળે છે કે અનૌપચારિક કેન્દ્રો વિચારધારા, સેવાકીય પ્રવૃત્તિઓ અને કાર્યપ્રણાલીની બાબતે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં શાખાકેન્દ્રોને અનુસરે છે. કેથોલિક ચર્ચમાં આવાં બિનસંલગ્ન કેન્દ્રોને ત્રીજા ક્રમનાં કેન્દ્રો તરીકે ગણવામાં આવે છે (પ્રથમ ક્રમે સંન્યાસીઓ માટેનાં અને દ્વિતીય ક્રમે સંન્યાસિનીઓ માટેનાં કેન્દ્રોને સ્થાન આપવામાં આવે છે).

ગમે તે પરિસ્થિતિમાં આવાં અનૌપચારિક કેન્દ્રો સ્થાપી, તેને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સાથે નજદીકનો સંબંધ બનાવી રાખવાની અને તેમ કરીને આધ્યાત્મિક, વૈચારિક અને સામાજિક પ્રવાહની સંવાદિતા સ્થાપિત કરવાની પ્રવૃત્તિને રામકૃષ્ણ વિચારધારા (રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-આંદોલન) તરીકે ઓળખવામાં આવે છે. આવો વિચાર દીર્ઘકાળથી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓના મનમાં સતત ચાલ્યા કરતો. અંતે, ૧૯૮૦માં આયોજિત રામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય સામાન્ય સંમેલનના અંતમાં બેલુર મઠના અધિકારીત્વમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પૂર્ણ માર્ગદર્શન હેઠળ તમામ રાજ્યોમાં અનૌપચારિક કેન્દ્રોનાં કાર્યો વચ્ચે સંકલન સાધવા એક ભાવપ્રચાર પરિષદનું ગઠન કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો.

તદનુસાર જનરલ સેક્રેટરીના અધ્યક્ષ પદે કેટલાક વરિષ્ઠ સંન્યાસીઓને સભ્ય તરીકે અને એક વરિષ્ઠ સંન્યાસીને સંયોજક તરીકે નિયુક્ત કરી ભાવપ્રચાર સમિતિ તરીકે ઓળખાતી, એક સર્વોચ્ચ સંકલન સંસ્થાની રચના કરવામાં આવી.

આ સર્વોચ્ચ સંસ્થાના માર્ગદર્શન હેઠળ ભાવપ્રચાર પરિષદ તરીકે ઓળખાતાં સહસંયોજક મંડળોની રચના કરવામાં આવી. આ પરિષદોની રચના જે તે વિસ્તારમાં રહેલાં અનૌપચારિક કેન્દ્રોની સંખ્યા પર આધારિત હતી. પશ્ચિમ બંગાળમાં વ્યક્તિગત કેન્દ્રોની સંખ્યા બહુ મોટી હોવાથી દરેક વિભાગમાં એક પરિષદ રહે તેમ પશ્ચિમ બંગાળને ૧૦ વિભાગમાં વહેંચવામાં આવ્યું.

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.