સુકન્યા

ભારતમાં આપણી પાસે સુકન્યા એક એવી આદર્શ નારીનું ઉદાહરણ છે કે જેમણે પોતાના પતિની ગૌરવગરિમામાં વૃદ્ધિ કરી છે.

તેઓ રાજા શર્યાતિનાં એક માત્ર પુત્રી હતાં. તેઓ અત્યંત સુંદર, સંસ્કારી અને સુશિક્ષિત નારી હતાં. એક વખત વસંત ઋતુમાં રાજા શર્યાતિ પોતાના શાહી કુટુંબ સાથે વનક્રીડા માણવા જંગલમાં ગયા. રાજકુમારી સુકન્યાએ અને એમની સખીઓએ પક્ષીઓના મીઠા કલરવની નકલ કરવાનો અને વૃક્ષો અને વેલીઓ પરથી પુષ્પો ચૂંટવાનો આનંદ માણ્યો.

આ જ વનમાં મહાન ઋષિ ચ્યવન તપ કરતા હતા. સમય જતાં એમનો દેહ રાફડામાં ઢંકાઈ ગયો. આ યુવાન છોકરીઓ તો એ રાફડાની આસપાસ નાચવા કૂદવા માંડી. એમનો મીઠો અવાજ રાફડાને વીંધીને ઋષિના કાને પડ્યો અને તેઓ લાંબા કાળની ધ્યાનાવસ્થામાંથી જાગ્યા.

પુષ્પો ચૂંટતી વખતે સુકન્યાએ હીરાની જેમ ચમકતી બે વસ્તુ રાફડાના એક કાણામાંથી જોઈ. આ વસ્તુ શું છે, એ જાણવાની જીજ્ઞાસાથી તેણે તીક્ષ્ણ ધારવાળા બે કાંટા એ કાણામાં ભોંક્યા. એનાથી ચ્યવન ઋષિની આંખો ફૂટી ગઈ અને તેઓ અંધ બન્યા. ક્રોધથી રાતાપીળા થતા ઋષિ એ રાફડામાંથી બહાર આવ્યા. સુકન્યા તો ભયથી થરથર કાંપતી ત્યાં ઊભી જ રહી. રાજા અને રાણી એ સ્થળે તરત જ આવી પહોંચ્યાં. તેમણે ઋષિની પૂજા કરી અને આવી ભયંકર બેદરકારી માટે માફી પણ માગી. એની દીકરી તો સાવ નિર્દાેષ હતી. ઋષિએ તો રાજા-રાણીની વિનંતીને અવગણી. અને કહ્યું કે જો સુકન્યા તેમની સાથે લગ્ન કરે અને આ વનમાં આશ્રમજીવન તેમની સાથે ગાળે તો તેઓ આ કુકર્મ માટે અભિશાપ નહીં આપે. પોતાની ભયંકર ભૂલનું તે પ્રાયશ્ચિત્ત પણ કરી શકે તે માટે સુકન્યાએ માતપિતાને ઋષિ ચ્યવન સાથે પોતાનાં લગ્ન કરવા વિનંતી કરી.

રાજકુમારી સુકન્યા પરણીને પોતાના વૃદ્ધ પતિની પ્રેમથી સેવા કરવા લાગી. તેણે કઠોર તપશ્ચર્યા કરી અને તપસ્વી જીવનના આદેશોનું ચુસ્ત પાલન કર્યું. આશ્રમ પાસેથી પસાર થતા થાકેલા યાત્રીઓની સેવા ચાકરી સુકન્યા એક માની જેમ કરતી. આમ તે એક પ્રેમાળ, સ્નેહાળ પત્ની અને વિનમ્ર શિષ્યા બની ગઈ. પોતાના પતિ ચ્યવન ઋષિ ઘણા વૃદ્ધ અને અંધ છે તેનાથી એનું મન ક્યારેય કોચવાતું નહીં.

એક દિવસે જ્યારે સુકન્યા સ્નાન કરતી હતી ત્યારે અશ્વિની કુમારોએ એને જોઈ. તેઓ તેના સૌંદર્યથી આકર્ષાયા અને પોતાનામાંથી એકને પતિરૂપે સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરી. સુકન્યાએ દૃઢતા અને ગર્વથી કહ્યું કે તે પોતાના પતિ ચ્યવન ઋષિને મનહૃદયથી વરેલી છે. સુકન્યાના આ પ્રત્યુત્તરથી ખુશ થઈને બન્ને અશ્વિની કુમારો તેની સમક્ષ પોતાના અસલરૂપે પ્રકટ થયા. તેમણે સુકન્યાને કહ્યું કે તેઓ પોતાની ઔષધકળાથી ચ્યવન ઋષિના અંધાપાને દૂર કરી દેશે. સાથેને સાથે તેના પતિને ફરીથી નવયુવાન બનાવી દેશે. પણ આ માટે બન્ને અશ્વિની કુમારોએ એક શરત મૂકી કે આ કાયા કલ્પથી બન્ને અશ્વિની કુમાર અને ચ્યવન ઋષિએ ત્રણમાંથી કોઈ પણ એકની પતિ તરીકે પસંદગી કરવી પડશે.

સુકન્યાએ આ બધી વાત પોતાના પતિને કહી અને તેમણે આ માટે પોતાની સંમતિ પણ આપી. પછી અશ્વિની કુમારો અને ચ્યવન ઋષિએ નદીમાં ડૂબકી મારી. જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પેલા બે અશ્વિની કુમારો પણ યુવાન ચ્યવન જેવા બની ગયા. હવે સુકન્યાએ તો આ ત્રણમાંથી એકની પતિ રૂપે પસંદગી કરવાની હતી. આવે વખતે પોતાના ઋષિ પતિ પ્રત્યેની પ્રેમભાવના અને પવિત્ર ચારિત્ર્યને લીધે સુકન્યાએ ચ્યવન ઋષિને બરાબર ઓળખી લીધા. સુકન્યા એમનાં ચરણોમાં પડી. સુકન્યા અને ચ્યવન ઋષિને આશીર્વાદ આપીને અશ્વિનીકુમારો અંતર્ધાન થઈ ગયા.

Total Views: 418
By Published On: February 1, 2013Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram