ગતાંકથી આગળ…

જ્યારે તેના માતા અને ભાઈઓને ભૂખમરો વેઠવાનો આવ્યો ત્યારે સ્વામીજીને ખૂબ લાગી આવ્યું. ખાધા-પીધા વિના એક સ્થળેથી બીજા સ્થળે જઈને તેઓ નોકરી ધંધાની શોધમાં લાગી પડ્યા. સાંજના તેઓ ઘરે પાછા ફરતા અને ‘મેં ખાઈ લીધું છે, ઘરમાં જે કાંઈ ખાવાનું હોય એ તમે ખાઈ લો.’ આવું કહી સૂઈ જતા. એમના એક મિત્રે ખાનગીમાં તેમનાં માતાને થોડા પૈસા આપ્યા અને કહ્યું, ‘મહેરબાની કરીને નરેન્દ્રને મારું નામ ન દેતા, નહીં તો એ મને પૈસા પાછા આપી દેશે.’ તેમનામાં અદ્‌ભુત આત્મશ્રદ્ધા હતી અને એમની પ્રબળ ઇચ્છાશક્તિવાળી પ્રકૃતિને કોઈપણ વિપદા ચલિત કરી શકે તેમ ન હતી.

૫ોતાના પરિવ્રાજક જીવનમાં પણ સ્વામીજીએ ઘણું સહન કર્યું છે. એક વખત તેઓ અને ગંગાધર (સ્વામી અખંડાનંદ) એક વૃક્ષ નીચે બેઠા હતા. સ્વામીજીએ બે દિવસથી કંઈ ખાધું ન હતું. જ્યારે તેમણે એક માણસને તેમની તરફ આવતો જોયો ત્યારે સ્વામીજીએ ગંગાધરને કહ્યું કે એ માણસ તેમની ભૂખ ભાંગશે. એ માણસે નજીક આવીને પૂછ્યું, ‘મહારાજ, આપે કંઈ ખાધું કે નહીં ?’ સ્વામીજીએ કહ્યું, ‘ના, ભાઈ કંઈ ખાધું નથી.’ એ માણસ એમને પ્રેમથી પોતાને ઘરે લઈ ગયો. એમણે બન્નેને જમાડ્યા અને એના બદલામાં સ્વામીજીએ ગીતાના કેટલાક શ્લોકનું પઠન કર્યું.

બીજે એક સ્થળે તેઓ બેભાન થઈ ગયા હતા, કારણ કે તેમણે ત્રણ દિવસથી કંઈ ખાધું ન હતું. એક મુસલમાન ફકીરે એમને ખાવા માટે કાકડી આપીને તેમનું જીવન બચાવ્યું. સ્વામીજી કહેતા, ‘આપણે આ મઠની સ્થાપના કરી છે કે જેથી પોતપોતાની આધ્યાત્મિક સાધના કરીને અહીં સંન્યાસીઓ આશરો અને ભોજન મેળવી શકે.’

સ્વામીજીએ શા માટે રામકૃષ્ણ મિશનમાં સર્વ સેવાકીય પ્રવૃત્તિઓ સામેલ કરી ? નિ :સ્વાર્થ કર્મ મનને પવિત્ર બનાવે છે. બધો વખત કોઈપણ ધ્યાનમાં લીન ન રહી શકે. દરેક વ્યક્તિના સંસ્કાર જુદા છેે. જો કોઈ આળસમાં બેસી રહે તો તે અસ્થિર બની જશે અને કેટલીયે ચિંતાઓમાં ઘેરાઇ જશેે. આ જ કારણે સ્વામીજીએ આશ્રમોની સ્થાપના કરી અને નિ :સ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ આદરી.

અશ્વિની દત્તે સ્વામીજીને એક વખત પૂછ્યું, ‘તમે શા માટે થિયોસોફીઓની આટલી ટીકા કરો છો ? શ્રીઠાકુરે તો કોઈની નિંદા કરી નથી.’ (થિયોસોફીઓએ સ્વામીજીના પશ્ચિમનાં કાર્યોમાં ઘણી અડચણ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે જ પશ્વિમમાંથી પાછા ફરતી વખતે એમણે મદ્રાસમાં એવા લોકોની ટીકા કરી હતી.)

સ્વામીજીએ અશ્વિની દત્તને જવાબ આપતાં કહ્યું, ‘જે શબ્દો શ્રીઠાકુર સાથે સુસંગત હોય એ જ શબ્દો તમે સ્વીકારજો. ક્યારેક હું મિજાજ ગુમાવું છું અને કંઈક બોલી નાખું છું.’

સ્વામીજી નિત્યસિદ્ધ હતા, તેમણે ઈશ્વરની અનુભૂતિ પછી પણ આધ્યાત્મિક સાધના કરી હતી. તેઓ કોળાના વેલા જેવા હતા કે જેમાં પહેલાં ફળ આવે છે અને પછી ફૂલ. હાથીને બે દાંત હોય છે એક બાહ્ય અને એક ભીતરનો. બાહ્ય દંતશૂળથી તેે પોતાનું રક્ષણ કરે છે અને અંદરના દાંતથી પોતાના ખોરાકને ચાવે છે. આવી જ રીતે સ્વામીજીની પ્રવૃત્તિઓ પણ હાથીના બહારના દાંત જેવી છે અને એમનાં ધ્યાન-સાધના-તપ, ઈશ્વર અને ગુરુ પ્રત્યેનો પ્રેમ હાથીના અંદરના દાંત જેવાં છે. સ્વામીજીના શબ્દોનું કોઈ ખંડન ન કરી શકે. કોઈપણ વ્યક્તિ નિ :સ્વાર્થ કર્મથી પોતાનાં મનને શુદ્ધ કરી શકે; પછી આવે છે ઈશ્વર પ્રેમ.

૧૯૨૪ની ૨જી એપ્રિલે બે અમેરિકન ભક્ત મહિલાઓએ શ્રી મ.ની મુલાકાત લીધી. તેઓ સ્વામીજીને સાનફ્રાન્સિસ્કોમાં ૧૯૦૦માં મળ્યાં હતાં. એમાંનાં એકે શ્રી મ.ને કહ્યું, ‘જ્યારે અમે સ્વામીજીને સાંભળ્યા ત્યારે અમને એવું લાગ્યું કે તેમનો આત્મા બધાં તાર્કિક અને બૌદ્ધિક બંધનોની વિરુદ્ધ અમારા આત્માને બળપૂર્વક નિર્મળ, શાંત અને આનંદપ્રદ કક્ષાએ ખેંચી રહ્યો છે. આ જીવતા જાગતા ધર્મની અમે ઝંખના કરતાં હતાં અને સ્વામીજીએ અમારી એ દીર્ઘ સમયની તૃષાને તૃપ્ત કરી દીધી. આટલા પવિત્ર, આટલા ઉચ્ચતર કક્ષાના અને છતાં કેટલા બધા તેઓ વિનમ્ર હતા !’ ત્યાર પછી શ્રી મ.એ તેમને શ્રીઠાકુર અને સ્વામીજીનાં કેટલાંક સંસ્મરણો કહ્યાં.

ત્યાર પછી અમેરિકાના ભક્તોના સંદર્ભમાં શ્રી મ. એ કહ્યું, ‘જેમણે જેમણે સ્વામીજીને નજરે જોયા છે તેઓ ખરેખર ઈશ્વરની અમીકૃપાવાળા છે. અમારાં (અમેરિક્ન ભક્તોનાં) નિકટનાં સગાં-સંબંધીઓ જેમણે સ્વામીજીને હૃદયથી ચાહ્યા છે અને તેમનાં માનઆદર કર્યાં છે તેમજ તેમની સેવા પણ કરી છે, અમે એ બન્નેના ઋણી છીએ કારણ કે સ્વામીજી અને શ્રીઠાકુર એક સ્વરુપ હતા. મેં સાંભળ્યું છે કે શ્રીઠાકુર સ્વામીજીની પાછળ પાછળ એક પડછાયાની જેમ પશ્ચિમમાં ફરતા રહ્યા છે. જ્યારે સ્વામીજી થાકી જતા ત્યારે તેઓ ક્યારેક સમાધિભાવમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતા. બરાબર એ જ સમયે શ્રીઠાકુર એમની સમક્ષ આવી જતા અને તેમને પોતાના સંદેશના પ્રચાર-પ્રસારના કાર્યને ચાલુ રાખવા પ્રેરતા કે જેથી લોકોને સાચી શાંતિ પ્રાપ્ત થાય.

સ્વામીજીની બધી પ્રવૃત્તિઓ ગુરુદેવની યોજનાના ભાગરૂપ હતી. ગુરુદેવ શ્રીઠાકુર તો અવતાર હતા તેથી તેમને સમગ્ર વિશ્વની ચિંતા હતી. પણ શ્રીઠાકુરને પશ્ચિમમાં વિશેષ રસ હતો. ભૌતિકસ્તરે વિકસિત થવા પશ્ચિમના લોકોને વિજ્ઞાને ઘણી મદદ કરી છે; પણ આ સંપત્તિ અને સમૃદ્ધિને લીધે તેઓ ઈશ્વરને ભૂલી ગયા છે. ગુરુએ સ્વામીજીને એમનાં મનનું પરિવર્તન કરવા પ્રવૃત્ત રાખ્યા.’ (ક્રમશ 🙂

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.