જ્યાં કશું નાશ પામતું નથી, જ્યાં ‘જીવનની અંદર’ પણ આપણે મૃત્યુની વચ્ચે જ રહીએ છીએ એવા આ વિશ્વમાં જાહેરમાં કે ખાનગીમાં, ખીચોખીચ ભરેલા જાહેર માર્ગાે ઉપર કે આદિ કાળનાં જંગલોની ઊંડી ઝાડીઓમાં, ગમે ત્યાં કરવામાં આવેલો એકેએક વિચાર જીવંત રહે છે. તે સાકાર બનવા સતત પ્રયાસ કર્યા કરે છે અને સાકાર ન બને ત્યાં સુધી તે વ્યક્ત થવા માટે પ્રયત્ન કર્યા જ કરશે; તેને ગમે તેટલો દબાવશો તો પણ તેનો નાશ નહિ થઈ શકે. કોઈપણ વસ્તુનો વિનાશ ન થઈ શકે. જે વિચારોએ ભૂતકાળમાં અનિષ્ટ ઉત્પન્ન કરેલું, તે વિચારો પણ સાકાર થવાનો યત્ન કરી રહ્યા છે અને વારંવાર વ્યક્ત થવાથી શુદ્ધ થઈને અંતે તેઓ સંપૂર્ણ શુભમાં પલટાઈ જશે.

એ પ્રકારે, વિચારનો એક સમૂહ અત્યારે પણ વ્યક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ નવો વિચાર સમૂહ આપણને કહે છે કે આપણે દ્વૈતભાવનાં સ્વપ્નો, તત્ત્વત : સુખ અને દુ :ખના ભેદભાવનાં સ્વપ્નો, તેમજ વિચાર પ્રાગટ્યને દબાવવાનાં તેથી પણ વધુ હેવાનિયતભર્યાં સ્વપ્નો છોડી દેવાં જોઈએ. તે આપણને શીખવે છે કે ઊર્ધ્વગામી પ્રગતિ અને નહિ કે વિનાશ, એ જગતનો નિયમ છે. તે શીખવે છે કે આ જગત શુભ અને અશુભ એ બે તત્ત્વોનું નથી; પરંતુ શુભ, વધારે શુભ અને એથીયે વધારે શુભ તત્ત્વોનું જ છે. તે ‘સ્વીકાર’ કરાવ્યા વિના અટકતો જ નથી. તે એમ શીખવે છે કે કોઈપણ પરિસ્થિતિમાં નિરાશાને સ્થાન નથી; અને એ હિસાબે પ્રત્યેક જાતનો માનસિક, નૈતિક કે આધ્યાત્મિક વિચાર, તે જે ભૂમિકાએ ઊભેલો છે ત્યાં જ તેને સ્વીકારે છે અને તિરસ્કારના એક પણ શબ્દ વગર કહે છે કે તમે આજ સુધી સારું કર્યું છે, પણ હવે વધુ સારું કરવાનો સમય આવ્યો છે. ભૂતકાળમાં જેને અશુભનો નાશ માનવામાં આવતો તેને આ નવો વિચાર અશુભના સ્વરૂપ પરિવર્તન અને વધારે શુભ કરવા રૂપે શીખવે છે. સૌથી વિશેષ તો તે એમ શીખવે છે કે જો આપણે ઇચ્છતા હોઈએ તો સ્વર્ગનું રાજ્ય તો અસ્તિત્વમાં રહેલું જ છે; તે એમ શીખવે છે કે જો માણસ જોવા ધારે તો પૂર્ણતા તો તેનામાં રહેલી જ છે.

ગયા ઉનાળામાં ગ્રીન એકરના વર્ગાે એટલા અદ્‌ભુત નીવડ્યા તેનું કારણ કેવળ એ જ કે એ વિચારોને તમારામાં વ્યક્ત થવાનું ખૂબ સમર્થ માધ્યમ મળી ગયું. એ વિચારો ગ્રહણ કરવા માટે તમે હૃદયને ખુલ્લું મૂકી દીધું અને સ્વર્ગનું સામ્રાજ્ય અસ્તિત્વમાં છે જ, એ વિચાર પર તમે ખૂબ ભાર મૂક્યો. આ વિચારને જીવનમાં મૂર્તિમંત બનાવવા માટે તમે પવિત્ર ગણાઈ ચૂક્યાં છો અને ઈશ્વર દ્વારા પસંદગી પામી ચૂક્યાં છો; આ અદ્‌ભુત કાર્યમાં તમને જે કોઈ મદદ કરશે તેણે ઈશ્વરની સેવા કરી ગણાશે.

(સ્વામીજીએ મિસ સારા ફાર્મરને ૨૯ ડિસેમ્બર, ૧૮૯૫ના રોજ ન્યૂયોર્કથી લખેલ પત્રમાંથી)

Total Views: 242

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.