* આનંદ પછી દુ:ખ આવે છે. દરેક કર્મ તેનો પોતાનો પ્રતિભાવ લાવે છે. * નામ અને કીર્તિ લાવનારાં મહાન કાર્ય કરવાં સરળ છે, પરંતુ માનવીના દૈનંદિન નાનાં કર્મ દ્વારા એમના ચારિત્ર્યને જાણી શકાય છે. * જો તમે દરેક કર્મ પ્રભુની સેવા માનીને કરી શકો તો જ તમને એ કર્મ કરવું ગમશે. સાથે ને સાથે તમારાં કર્મનાં ફળની આસક્તિ પણ તમે નહિ અનુભવો. * પ્રવૃત્તિશીલ રહો પણ ઈશ્વરનું સ્મરણ તો સતત રાખો. નામ અને યશ ખાતર કોઈ પણ ઉમદા કર્મ કરવું એ ખરેખર વધુ સરળ છે, પરંતુ આવાં કર્મ દ્વારા માનવનું સાચું મૂલ્ય આંકી શકાતું નથી. સાચા માનવને જાણવા એમના દરરોજનાં કર્મનું નિરીક્ષણ કરતાં રહો; કારણ કે એનાં દૈનંદિન કર્મો પોતાના સાચા ચારિત્ર્યને પ્રગટ કરે છે. સાચો કર્મયોગી કોઈ પણ જવાબદારીમાં પોતાનાં મન, પ્રાણ અને આત્મા રેડી દેશે, ભલે એ કાર્ય એક સેવકના જેવું કેમ ન હોય! તે લોકપ્રિયતાની અપેક્ષાથી જરાય પ્રેરાતો નથી. * સત્ય જ મુખ્ય સ્તંભ છે. કોઈ પણ કર્મ કરતી વખતે તમારે સત્યને જ પકડી રાખવું જોઈએ. * અલબત્ત, કર્મનો પણ પ્રભાવ હોય છે. જો તમે અસત્‌કર્મ કરો તો તમારે મનની અશાંતિ અને બીજાં એવાં પરિબળો સહન કરવાં જ પડે.

સ્વામી સારદાનંદ

* આ ત્રણેય પથ (જ્ઞાન, ભક્તિ અને કર્મ)નું ધ્યેય એક છે. દરેકેદરેક પથ એક સરખો પ્રબળ છે. પણ બીજાને બહાર રાખીને એક પથે ન ચાલવું જોઈએ. જ્ઞાન સાથે ભક્તિભાવ જોડાવો જ જોઈએ અને આ ઐક્ય કર્મ દ્વારા જ પ્રગટવું જોઈએ. પ્રેમભાવ વિનાનું જ્ઞાન શુષ્ક છે. સેવાભાવ વિનાનો પ્રેમ એ કેવળ ભાવોદ્રેક છે. 

* જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રવૃત્તિઓનાં વમળમાં હોય છે ત્યારે તેનું મન જ્યાં આધ્યાત્મિક ઐક્ય શક્ય બને છે, એવા અનુભવાતીત સ્તરની નીચે રહે છે.

સ્વામી તુરીયાનંદ

* કેટલાક વિચારે છે કે ક્રિયાશૂન્યતા પોતે જ એક આદર્શ છે. જો એમ જ હોય તો દીવાલોએ પણ સમાધિભાવ પ્રાપ્ત કર્યો છે એમ આપણે માનવું જોઈએ. બધા દ્વૈતભાવને શું સાધકે અનુભવાતીત ન બનાવવા જોઈએ? બધા સંયોગોમાં કોઈ પણ વ્યક્તિએ પોતાનું માનસિક સમતુલન જાળવવું, સંપૂર્ણપણે સ્થિર અને અટલ રહેવું એ જ ખરેખર આદર્શ છે! * માણસને પોતાના અનેક પૂર્વજન્મોનાં કર્મો જમા થયેલાં મળે છે અને એમણે પોતે જ કામ કરવું રહ્યું. * એ (ઈશ્વર) જ સર્વકંઈ છે એમ વિચારવું, એ સર્વોત્કૃષ્ટ સંકલ્પના છે. નિષ્ફળ થતી વખતે બધાં કર્મોના સાચા કર્તા એ (ઈશ્વર) જ છે અને એ જ આપણને કર્મ કરતાં કરે છે, એમ વિચારવું ઉત્તમ ગણાશે. * હા, એક પ્રજા કે જાતિ તરીકે (અંગ્રેજો અને અમેરિકનો) તમે ઘણા ભૌતિકવાદી છો. આમ હોવા છતાં પણ હું કેટલાક અપવાદરૂપ વ્યક્તિઓને મળ્યો છું. પ્રવૃત્તિ ખરાબ નથી, મને તમારી ઊર્જા ગમે છે, તમે સતર્ક છો અને કાર્ય કરો છો. મને ક્યાંય પ્રમાદ દેખાતો નથી. માત્ર આ ઊર્જાને સંયમમાં લાવવી જોઈએ. તે ઊર્જા ભીતર પણ જવી જોઈએ, નિષ્ક્રિયતામાં પણ ક્રિયાશીલતા લાવવી જોઈએ. આટલું ધ્યાનમાં રાખજો કે આળસ કે પ્રમાદ તો નહિ જ. 

* જ્યારે કંઈક કરવું જ પડે ત્યારે હંમેશાં એ કાર્ય કરવામાં તમે પ્રથમ રહેજો. બીજા તમને અનુસરશે. જો તમે પહેલ નહિ કરો તો બીજું કોઈ કરશે નહિ.

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.