ગતાંકથી આગળ…

૪. સ્વામી વિવેકાનંદજીનો સ્વદેશપ્રેમ

દુ :ખી પીડિત માનવપ્રજા માટે સ્વામી વિવેકાનંદનું હૃદય રડી ઊઠતું. સંન્યાસી હોવા છતાં તેમણે ભારતના ગરીબો માટે ધન એકઠું કરવા પ્રયત્ન કર્યો. સાથેને સાથે તેમણે આફ્રિકન – અમેરિકન ગરીબો માટે પોતાનાં પ્રેમ અને સહાનુભૂતિ પણ દર્શાવ્યાં.

શ્રીરામકૃષ્ણે કહ્યું :

‘આ બધા પદાર્થાે આપણા પોતાના છે તેમ માનીને તેમને ચાહવા એ માયા છે. એને બદલે બધાને ચાહવા એ દયા કે કરુણા છે. બ્રાહ્મોસમાજના સભ્યોને ચાહવા કે પોતાનાં કુટુંબને ચાહવું એ માયા છે; પોતાના દેશબાંધવો ને ચાહવા એ માયા છે. પરંતુ બધા દેશોના લોકોને ચાહવા, બધા ધર્મના સભ્યોને ચાહવા એ દયા છે. આવો પ્રેમ પ્રભુપ્રેમમાંથી, દયામાંથી આવે છે. માયા માણસને ઘેરી લે છે અને તેને ઈશ્વરથી દૂર કરી દે છે. પણ દયાથી કોઈ પણ વ્યક્તિ ઈશ્વરની અનુભૂતિ કરી શકે.’

‘શિકાગો ટ્રિબ્યુન’ની રૂબરૂ મુલાકાતમાં સ્વામીજીએ કહ્યું હતું, ‘પૂર્વમાં ધર્મ એ તત્કાલીન આવશ્યકતા નથી, એમની પાસે ધર્મ તો પૂરતા પ્રમાણમાં છે; પરંતુ રોટીના એક ટુકડા માટે ટળવળતા ભારતના કરોડો લોકો ભુંજાઈ ગયેલા ગળાથી દુ :ખથી બરાડા પાડે છે. હું અહીં મારા અત્યંત ગરીબ લોકો માટે મદદ માગવા આવ્યો છું અને હવે મને પૂરે પૂરી ખાતરી થઈ છે કે ખ્રિસ્તીઓની આ ભૂમિમાં ખ્રિસ્તીઓ પાસે આવા અબુધ લોકો માટે મદદ માગવી કેટલી મુશ્કેલ છે.’

૫. ઈશ્વર સાકાર છે કે નિરાકાર ?

એકવખત બ્રાહ્મોસમાજના નેતા કેશવ સેન પોતાના અનુયાયીઓ સાથે દક્ષિણેશ્વર આવ્યા. શ્રીઠાકુરે તેમની સાથે નિરાકાર ઈશ્વર વિશે વાત કરી. તેમણે કહ્યું, ‘હું કાલીની પ્રતિમાને માટીની કે પથ્થરની માનતો નથી. તે ચૈતન્યમય છે. બ્રહ્મ અને કાલી એક જ છે. જ્યારે ચેતના નિષ્ક્રિય હોય છે ત્યારે તે બ્રહ્મ છે; અને જ્યારે તે સર્જન કરે, પાલન કરે અને વિનાશ કરે ત્યારે તે કાલી છે.’

એક બ્રાહ્મભક્તે પૂછ્યુંં, ‘મહાશય, ઈશ્વરને આકાર છે કે એને કોઈ આકાર જ નથી.’

શ્રીઠાકુર, ‘કોઈ પણ વ્યક્તિ અંતિમ સત્યરૂપે ઈશ્વર ‘આ’ છે અને એ સિવાય બીજું કંઈ નહીં, એમ ન કહી શકે. તેઓ નિરાકાર પણ છે અને વળી પાછા સાકારેય ખરા. ભક્ત માટે તેઓ આકાર કે રૂપ ધરે છે. પણ જ્ઞાની માટે તેઓ નિરાકાર છે. એટલે કે જ્ઞાની આ દુનિયાને એક સ્વપ્નની જેમ જુએ છે. ભકત એમ માને છે કે તે પોતે એક અસ્તિત્વ છે અને વિશ્વ બીજું. એટલે ઈશ્વર પોતે ભક્ત સામે વ્યક્તિરૂપે પ્રગટ થાય છે. પરંતુ જ્ઞાની એટલે કે વેદાંતી ઉદાહરણ તરીકે હંમેશાં ‘આ નહીં, આ નહીં’ ની પ્રક્રિયાનો આશ્રય લઈને તર્ક કરે છે. આ વિવેકબુદ્ધિથી તે પોતાની ભીતરની સંકલ્પનાથી અનુભૂતિ કરે છે કે અહમ્ અને વિશ્વ બન્ને ભ્રામક, સ્વપ્ન જેવાં છે. પછી જ્ઞાની બ્રહ્મને પોતાના ચૈતન્યમાં અનુભવે છે. બ્રહ્મ શું છે, તેનું તે વર્ણન કરી શકતો નથી.

હું શું કહું છું તે તમે સમજ્યા ? સત્-ચિત્-આનંદ સ્વરૂપ બ્રહ્મની કિનારાવિહોણા મહાસાગરરૂપે કલ્પના કરો. જાણે કે ઠંડીની અસરને લીધે ભક્તોનું પ્રેમરૂપી પાણી બરફના ચોસલારૂપે સ્થળે સ્થળે જામી ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર અવારનવાર તેમના ભક્તો માટે જુદાં જુદાં રૂપ ધારણ કરે છે અને તેમની સામે તેઓ પોતે વ્યક્તિરૂપે પ્રગટ થાય છે. પરંતુ જ્ઞાનનો સૂર્ય ઊગતાં બરફનાં આ ચોસલાં ઓગળી જાય છે. ત્યારે કોઈ પણ માનવ ઈશ્વર વ્યક્તિ છે એવી અનુભુતિ કરી શકતી નથી. વળી તે ઈશ્વરના આકારોને પણ જોઈ શકતો નથી. તેઓ શું છે તેનું વર્ણન ન થઈ શકે. પછી તેનું વર્ણન કોણ કરે ? જે વર્ણન કરે તે વિલીન થઈ જાય. તેને પોતાનો ‘હું’ ક્યાંય અને ક્યારેય મળી શકતો નથી.’

પશ્ચિમના કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ ભારતના લોકોને અભદ્ર કે અસંસ્કારી માને છે કારણ કે તેઓ મૂર્તિપૂજા કરે છે. એ બધાને સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘મને આટલું કહેવા દો કે પ્રારંભમાં ભારતમાં અનેક દેવીદેવતાઓની માન્યતા ન હતી. દરેક મંદિરમાં જો કોઈ ઊભો રહે અને સાંભળે તો તેને જોવા મળશે કે પૂજનારાઓ આ મૂર્તિઓને બધાં આરોપણો કરે છે.’

પછી એમણે આગળ કહ્યું, ‘ખ્રિસ્તી ચર્ચમાં શા માટે જાય છે ? ક્રૂસ પવિત્ર શા માટે છે ? પ્રાર્થનામાં આકાશ તરફ મુખ શા માટે ફેરવાય છે ? કેથોલિક ચર્ચમાં આટલી બધી પ્રતિમાઓ કે મૂર્તિઓ શા માટે હોય છે ? પ્રોટેસ્ટન્ટ ધર્મના લોકો જ્યારે પ્રાર્થના કરે ત્યારે એમના મનમાં આટલી બધી મૂર્તિઓ કેમ હોય છે ? મારા ભાઈઓ, આપણે જેમ શ્વાસ લીધા વિના જીવી ન શકીએ તેમ માનસિક પ્રતિમા સિવાય બીજું વિચારી શકતા નથી… જો મૂર્તિની સહાયથી કોઈપણ માણસ પોતાના દિવ્યસ્વરૂપને અનુભવી શકે તો તેને પાપી કહેવો એ સાચું કે યોગ્ય ગણાશે ? અને જો તે માણસ એ તબક્કાને વટાવી જાય તો તેને ભૂલેલા પથવાળો ગણી શકાય ? હિંદુઓની દૃષ્ટિએ માણસ ભૂલથી સત્ય તરફ આગળ વધતો નથી. પરંતુ તે આગળ વધે છે સત્યથી સત્ય તરફ, નિમ્ન સત્યથી ઉચ્ચતર સત્ય તરફ.’ (ક્રમશ 🙂

Total Views: 255

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.