પ્રશ્ન : એક જિજ્ઞાસુના મનનાં આંતર-ચક્ષુ ક્યારે ખૂલે ?

ઉત્તર : ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું નામ કલ્યાણકારી બનો.’ આ શબ્દો એક યહૂદી સંતે મોટામાં મોટી વિપત્તિ સહન કરતી વેળાએ ઉચ્ચાર્યા હતા અને તેમાં તેમની ભૂલ નહોતી. અસ્તિત્વનું આખુંય રહસ્ય અહીં સમાયેલું છે. સપાટી ઉપર મોજાઓ ઊછળે અને શમે, તોફાનો પણ ગર્જે, પરંતુ નીચેના ઊંડાણમાં મોજાઓ અનંત નીરવતા, અનંત શાંતિ અને અનંત આનંદનો થર જામેલો હોય. ‘જેઓ શોક કરે છે તેઓ બડભાગી છે, કારણ કે તેમને આશ્વાસન આપવામાં આવશે.’ શા માટે ? કારણ કે આવા શોકના સમયમાં જ્યારે પિતાનાં આક્રંદો કે માતાના વિલાપોની પરવા કર્યા વિના કોઈ આપણા હૃદયને નીચોવી નાખતું હોય છે, જ્યારે શોક, વિષાદ અને નિરાશાના ભાર તળે આ સંસાર આપણા પગ નીચેથી જાણે સરી જતો હોય તેમ લાગે છે અને નજર પહોંચે ત્યાં સુધી ચોમેર દુ :ખ અને અત્યંત નિરાશાના અભેદ્ય આવરણ સિવાય કંઈ દેખાતું જ નથી હોતું, ત્યારે આંતર-ચક્ષુ ખૂલે છે.

પ્રશ્ન : આંતર-ચક્ષુ ખૂલે એટલે આપણને સર્વપ્રથમ ક્યું રહસ્ય જાણવા મળે છે ? તથા કેવા અને ક્યા સત્યની ઝાંખી થાય છે ?

ઉત્તર : એકાએક પ્રકાશ આવે છે, સ્વપ્ન ઊડી જાય છે અને અંત :સ્ફુરણાથી આપણે પ્રકૃતિના ભવ્યમાં ભવ્ય રહસ્યની સન્મુખ આવીને ઊભા રહીએ છીએ; એ રહસ્ય છે સત્. હા, બોજો જ્યારે અનેક નબળી હોડીઓને ડૂબાડી દેવા માટે પૂરતો હોય છે, ત્યારે પ્રભાવશાળી, શક્તિશાળી વીરપુરુષને અનંત, નિર્વિશેષ, સદા આનંદમય સત્ની ઝાંખી થાય છે.

પ્રશ્ન : આત્માની મુક્તિ અને તેનું ઊર્ધ્વગમન કેવી રીતે થાય ? શાંતિ અને નિરાંત માટે શું કરવું જોઈએ ?

ઉત્તર : આ અનંત સત્ જુદા જુદા દેશોમાં જુદાં જુદાં નામે ઓળખાય છે. સત્ની ઝાંખી થાય ત્યારે જ આ દુ :ખની ઊંડી ખીણમાં આત્માને બાંધી રાખનારી બેડીઓ થોડા કાળ માટે જાણે કે તૂટે છે અને તે આત્મા મુક્તપણે ઊંચે ને ઊંચે ચઢે છે અને આખરે પ્રભુનાં ચરણોમાં પહોંચે છે. ‘ત્યારે જ દુષ્ટો પજવતા અટકે છે અને થાકેલાઓ નિરાંત અનુભવે છે.’ ભાઈ! દિવસરાત પરમાત્માને સંભારવાનું ભૂલો નહીં; દિવસરાત રટણ કરતા અટકો નહીં કે : ‘હે પ્રભુ ! તારી ઇચ્છા હોય તે પ્રમાણે જ થાઓ.’

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.