ગતાંકથી આગળ…

વૃંદાવનની અસહ્ય ગરમીમાં હું માંદી પડી ગઈ. મને તીવ્ર તાવ આવી ગયો અને બેહોશ થઈ ગઈ. ગોપીદીદીએ મારી બહુ સેવા કરી. હું જમીન પર સૂતી પણ તેઓ મારા માટે એક ખાટ લઈ આવ્યાં. તાવ ન ઊતરવાથી તેમણે દાકતરને બોલાવ્યા અને મને સુધીરાદીને પત્ર લખવાનું કહ્યું. મેં કહ્યું, ‘ગોપીદીદી, તમે આટલાં અધીરાં કેમ થાઓ છો? બહુમાં બહુ તો વૃંદાવનની આ પવિત્ર ધરતી પર મારું મૃત્યુ થશે, તે તો સારું જ કહેવાયને?’

જ્યારે સુધીરાદીને મારી માંદગીના સમાચાર મળ્યા, ત્યારે તેઓ શિમલાથી આવવા માટે વ્યગ્ર થઈ ગયાં, પરંતુ તેમના ભાઈએ તેમને આવવા ન દીધાં. મારા ત્યાર પછીના પત્રથી તેમને મારી કુશળતાના સમાચાર મળ્યા ત્યારે તેઓ નિશ્ચિંત થયાં. તેઓ આવ્યાં તો નહિ, પરંતુ તેમણે એવો સુંદર પત્ર લખ્યો કે મારું મન પ્રસન્ન તેમજ શાંત થઈ ગયું. એમના બધા જ પત્રોનો સારાંશ આવો હતો, ‘શ્રીરામકૃષ્ણને પોતાના બનાવી લે. તેઓ જ સર્વસ્વ છે. તેમના સિવાય બાકી બધું મિથ્યા છે, પરાયું છે.’ આ શબ્દોથી મારી અંદર ત્યાગની ભાવના તથા વધુમાં વધુ જપ-ધ્યાન કરવાની ઇચ્છાને બળ મળ્યું. તે ઓરડીમાં ખાટ પર પડી પડી હું બધો જ સમય જપ કરતી રહી. તેના સિવાય બીજો કોઈ પણ વિચાર મારા મનમાં ન આવતો.

વૃંદાવનમાં ગુરુપૂર્ણિમાના દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાની પરંપરા છે. આ એક મુખ્ય ઉત્સવ છે. આ અવસરે ગોપીદીદી મને સાથે લઈને વહેલી સવારે ઘરેથી નીકળ્યાં. પહેલાં અમે મથુરા જવા માટે રેલગાડી પકડી. ત્યાંથી બસ દ્વારા રાધાકુંડ જવાનું હોય છે, પરંતુ અમને બસ ન મળી. અમે ઊંટગાડીમાં સાંજે પહોંચ્યાં. આખા દિવસનો ઉપવાસ તથા રાધાકુંડ અને શ્યામકુંડમાં સ્નાન કર્યા બાદ મોડી સાંજે પરિક્રમા શરૂ થાય. આખા રસ્તા ઉપર જુદાં જુદાં સ્થળોએ ધાર્મિક ગીત-નાટક તથા કીર્તન ચાલી રહ્યાં હતાં. અમે રોકાઈ રોકાઈને જોતાં; આમ રાત થઈ ત્યાં સુધી ચાલતાં રહ્યાં. હું પર્વતના શિખરે ચઢીને ચારે તરફનું મનોહર દૃશ્ય નિહાળીને અત્યંત આનંદિત થઈ. સવારે અમે રાધાકુંડ પાછાં ફર્યાં, એક ઓરડો ભાડે રાખ્યો, ભોજન બનાવવા લાકડાં એકઠાં કર્યાં, વાસણો લીધાં અને ચોખા, દાળ, બટેટા ખરીદી લાવ્યાં અને બધું સાથે રાંધી લીધું. અમારી પાસે થાળીઓ નહોતી તેથી અંગૂછા પર જ ભોજન પીરસીને ખાધું. આગલા દિવસે અમારો ઉપવાસ હતો અને તે દિવસે પણ મોડું થયેલું, તેથી ભોજન અમને અમૃત જેવું લાગ્યું.

સાંજે અમે વૃંદાવન તરફ ફરી પગપાળા યાત્રા શરૂ કરી દીધી. અંધારું થતાં ગોપીદીદીએ રસ્તામાં આવતા એક મંદિરમાં રાત્રે આરામ કરવાનો નિશ્ચય કર્યો. આરતી બાદ પૂજારીની રજા લઈ અમે મંદિરમાં સૂઈ ગયાં. મને આખી રાત ડર લાગતો હતો. લગભગ રાત્રે ત્રણ વાગે ગોપીદીદીએ કહ્યું, ‘ચાલો, ચાલવા માંડીએ, નહિતર વૃંદાવન પહોંચવામાં મોડું થઈ જશે.’ મને થયું આવા અંધારામાં કેવી રીતે ચાલી શકીશું? તો પણ અમે તો ચાલવા માંડ્યાં અને સવારે આઠ-નવ વાગતા સુધીમાં તો વૃંદાવન પહોંચી ગયાં. ઘરમાં ફક્ત સૂકી રોટલી હતી. અમે છાશ ખરીદી, તેમાં રોટલી ચોળીને ખાઈ લીધી. મારા પગ ખૂબ જ દુ :ખતા હતા. ગોપીદીદીએ તેના ઉપર મીઠું અને તેલની માલીસ કરવા કહ્યું. તેનાથી સારું લાગ્યું. યાત્રા મુશ્કેલ હોવા છતાં મને અત્યંત આનંદ થયો.

ઝૂલણ ઉત્સવ નજીક આવી રહ્યો હતો. તે પૂર્ણિમાના દિવસે ઊજવાય છે, પણ વૃંદાવનમાં તો શુક્લપક્ષની એકમથી જ તે શરૂ થઈ જાય છે. આ ઉત્સવમાં યાત્રિકો ટોળાબંધ આવે છે. એ સમયે સુધીરાદીએ મને શિમલા આવવા લખ્યું. સાથે ૧૦/- રૂપિયા રેલ ભાડું પણ મોકલ્યું. સુધીરાદીની ફોઈની દીકરી(બહેન)ની પુત્રીના વિવાહ તથા વિદાય થઈ ગયેલા. હવે તેમનાં તે બહેન એકલાં હતાં તેથી મારે તેમની સાથે રહેવાનું હતું. તેમની બહેનના દિયર કોલકાતાથી શિમલા આવી રહ્યા હતા અને મારે ગૌરદાદા સાથે દિલ્લી જવાનું હતું.

મારા જવાની તૈયારીથી ગોપીદીદી રડવા માંડ્યાં. તેઓ મને છોડવા ઇચ્છતાં નહોતાં. હું પણ દુ :ખી હતી, પણ બહુ નહિ, કેમ કે હું સુધીરાદી પાસે જઈ રહી હતી. સુધીરાદી દ્વારા પત્રમાં જણાવ્યા અનુસાર મેં ગોપીદીદીને વાસણો તેમજ બીજી બધી વસ્તુઓ, જે મારી પાસે હતી તે આપી દીધી અને અમે દિલ્લી જવા રવાના થયાં. દિલ્લી સ્ટેશન પર ગૌરદાદાએ તે સજ્જનને શોધી લીધા, જેની સાથે મારે શિમલા જવાનું હતું. તેમની સાથે હું રેલગાડીમાં બેસી ગઈ.

શિમલાનું વાતાવરણ બિલકુલ જ જુદું હતું. એક બાજુ વૃંદાવનનું આનંદથી પરિપૂર્ણ એકાકી અને તપસ્વી જીવન, જ્યારે બીજી બાજુ શિમલાનું પાશ્ચાત્ય રંગે રંગાયેલું જીવન! જો કે સુધીરાદીની બહેનનું ઘર તેના ભાઈના ઘરથી દૂર હતું છતાં તેઓ બહેનને ઘેર વારંવાર આવતાં. શિમલામાં હું થોડો વખત જ રહી. તેમની આ બહેનના પતિની બદલી કોલકાતા થઈ ગઈ. તેઓની સાથે મને પણ કોલકાતા મોકલી દીધી. તેમણે સ્કોટિશ ચર્ચની સામે એક મકાન ભાડે લીધું. હું તેઓની સાથે જ રહી.

તે વખતે સ્વામી પ્રજ્ઞાનંદ ઉદ્‌બોધન ભવનમાં હતા. ક્યારેક ક્યારેક તેઓ અમને મળવા આવતા. તેમણે તેમની બહેનને મારી સાથે સારદાદેવીનાં દર્શને જવા કહ્યું અને બોલ્યા, ‘શું તમારે અહીં કંઈ કામ છે? બતાવો, હું કરી આપીશ.’

શ્રીશ્રીમાનાં દર્શન માટે તેમણે ડૉ. દુર્ગાપ્રસાદની ધર્મ-પત્નીને મને તેની ગાડીમાં લઈ જવા કહ્યું. હું તેમની સાથે ઉદ્‌બોધન ભવન ગઈ, પરંતુ તે દિવસે શ્રીશ્રીમા બલરામ બોઝના ઘરે ગયેલાં. જ્યારે તેઓ પાછાં આવ્યાં, ત્યારે અમારો જવાનો સમય થઈ ગયેલો. ખેદપૂર્વક તેમણે કહ્યું, ‘ઓ બેટી ! તું આવી અને હું તારી સાથે બે મિનિટ પણ વાત ન કરી શકી!’ પ્રેમપૂર્વક તેમણે મને આશીર્વાદ આપ્યા.

દુર્ગાપૂજાની રજાઓમાં સિસ્ટર ક્રિસ્ટીને મારી માસી પ્રફુલ્લમુખીદેવી તથા બીજી બહેનોને જગન્નાથપુરી મોકલ્યાં. તેમણે સુધીરાદીને શિમલાથી પાછા આવી, જગન્નાથપુરી જવા માટે પત્ર લખ્યો. સુધીરાદી છઠના દિવસે કોલકાતા પહોંચ્યાં. તે વર્ષે સ્વામી પ્રેમાનંદે શ્રીસારદાદેવીને બેલુર મઠની દુર્ગાપૂજામાં લાવવાની વ્યવસ્થા કરેલી. તેથી સુધીરાદીએ દુર્ગાપૂજા પછી પુરી જવાનો નિર્ણય કર્યો. દુર્ગાપૂજામાં તેઓ શ્રીશ્રીમાની સાથે બેલુર મઠમાં રહ્યાં. એકાદશીના દિવસે કોલકાતા પાછાં ફર્યાં અને બે દિવસ બાદ પુરી ગયાં.

પૂજાના આ દિવસોમાં એક વાર સ્વામી પ્રજ્ઞાનંદજીએ આવીને મને કહ્યું, ‘મહાષ્ટમીના દિવસે બેલુર મઠમાં શ્રીસારદાદેવીને પ્રણામ કરવા અવશ્ય આવજે.’ જ્યારે મેં સુધીરાદીને આ જણાવ્યું તો તેઓ ગુસ્સે થઈને બોલ્યાં, ‘જો મોટાભાઈ એવી વ્યવસ્થા કરવા ઇચ્છે તો કરે, પણ હું તને મારી સાથે નહિ લઈ જઈ શકું. તારા ઘરના લોકો જો મને તારી સાથે જોઈ જાય તો મને જેલ મોકલી દે. તું જો ઇચ્છે તો નોકરાણી સાથે જવાની વ્યવસ્થા કરી લેજે.’

હું ખરેખર કમનસીબ હતી. મેં વિચારેલું કે હું નોકરાણી સાથે જઈશ પરંતુ તે દિવસે તેને દમનો હુમલો આવી ગયો. મહાષ્ટમી જેવા પવિત્ર દિવસે પણ હું શ્રીશ્રીમાનાં દર્શન ન કરી શકી એ વિચારીને આખો દિવસ હું રડતી રહી. મને અત્યંત દુ :ખ થયું, પણ રાતે મને સ્વપ્ન આવ્યું કે હું બેલુર મઠ ગઈ છું અને શ્રીશ્રીમાને પ્રણામ કરું છું.

દુર્ગાપૂજા પછી શ્રીશ્રીમા વારાણસી ગયાં. શાળામાં રજાઓ થોડી બાકી હતી તેથી સુધીરાદી મને વારાણસી લઈ ગયાં. અમારી સાથે નરેશદી, પ્રફુલ્લમુખીદેવી તથા વાણી પણ હતાં. શ્રીસારદાદેવી લક્ષ્મી દત્તના ઘરે ઊતર્યાં. અમે લોકો રામાપુરામાં ઊતર્યાં. દરરોજ સવારે અને સાંજે અમે શ્રીશ્રીમા પાસે જતાં.

કાલીપૂજા પણ તેમણે વારાણસીમાં વિતાવી. બીજા લોકો વિભિન્ન દેવસ્થાને ભ્રમણ કરતા, હું મોટા ભાગે શ્રીશ્રીમાના સાંનિધ્યમાં વિતાવતી. શ્રીશ્રીમાનો જન્મોત્સવ પણ ત્યાં જ મનાવવામાં આવ્યો. જાન્યુઆરી માસના મધ્યમાં અમે કોલકાતા પાછાં ફર્યાં. હું પહેલાં જયાં હતી તે જ ઘરમાં રોકાઈ ગઈ. (ક્રમશ 🙂

Total Views: 341

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.